ઉમરા ( મહુવા, સુરત જિલ્લો )

વિકિપીડિયામાંથી

ઉમરા ગામ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે. અસ્સલ ગાયકવાડી ઉમરા ગામ અંબિકા નદીને કિનારે વસેલું છે. આ ગામ ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. અહીં ધોડીઆ, કૂકણા, નાયકા, કોળઘા તથા હળપતિઓની વસ્તીમાં માત્ર ૧ જૈન પરિવાર વસવાટ કરે છે. ઉમરા ગામ જુદાં જુદાં ૧૩ ફળિયામાં વિસ્તરેલું છે. જેમાં સુથાર ફળિયું, મંદિર ફળિયું, ભાઠેલ ફળિયું, પેલાડ ફળિયું, ગોડાઉન ફળિયું, કોલોની ફળિયું, ખરેડા ફળિયું, નદી ફળિયું, ડાહ્યલા ફળિયું, ઝાડી ફળિયું, અમરત શોભન ફળિયું, ચૌધરી ફળિયું તથા બ્રહ્મદેવ ફળિયું આવેલાં છે. ગામના પ્રેમાભાઈ રામજીભાઈ ધોડીઆ પટેલ, શોભનભાઈ રતનાભાઈ ધોડીઆ પટેલ તેમ જ ભીમાભાઈ નાયકાએ ગાયકવાડી વિસ્તારના હોવા આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ગુજરાત સરકારે એમને સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન આપ્યું હતું. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પેટા આરોગ્ય કેન્દ્ર, બ્રહ્મદેવ મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જેવાં સ્થળો આવેલાં છે. ઉમરા ગામમાં ભારતના સિને જગતની સૌથી પ્રતિષ્ઠિત મધર ઇન્ડીયા ફિલ્મનું શુટીંગ નેમાણી ફાર્મ ખાતે થયું હતું. એ વખતે આગ લાગતાં અભિનેત્રી નરગિસ દાઝી ગયા હતાં, જેમાંથી અભિનેતા સુનિલ દત્તે બચાવી લીધાં હતાં અને આ ઘટનાને કારણે બંને કલાકારો પ્રણયસંબંધે અને પછી લગ્નસંબંધે જોડાયા હતા. આમ ઉમરા ગામ અભિનેતા સુનિલ દત્ત અને નરગિસના મિલનનું નિમિત્ત બન્યું હતું. વળી ઉમરા ગામનાં ભીખીબેન ભાણાભાઈ નાયકાએ આ શુટીંગ દરમિયાન નરગિસના ડમી તરીકે ઘણી વખત કાર્ય કર્યું હતું. આજે પણ ૮૦ વર્ષની વયે ( ૨૦૦૮ ) ભીખીબેન હયાત છે.