કસ્તૂરી લક્ષ્મી નૃસિંહમ

વિકિપીડિયામાંથી
કસ્તૂરી લક્ષ્મી નૃસિંહમ

સૌરાષ્ટ્રના (જુનુ કાઠીયાવાડ) નાના મોટા ૪૨ રાજ્યોમાં ભાવનગર રાજ્યનું નામ તેની સમ્રુધ્ધિ અને નાગરિકત્વ માટે મોખરે રહ્યું છે. તેની પાછળ તેના પ્રજા વત્સલ રાજવિઓ, કુશળ અમાત્યો અને અનુપમ વિદ્વાનોનો ફાળો છે. તેમાં પણ ખાસ કરીને ભારતના અન્ય પ્રાંતોમાંથી આવી, ભાવનગરમાં ઠામઠરી “ભાવનગરી” બની ગયેલા મહાનુભાવોનુ પ્રદાન ઉજળું છે. પ્રોફેસર કસ્તૂરી નૃસિંહમનું નામ એક લોકપ્રિય અને આદર્શ શિક્ષક તરીકે આ સમુદાયમાં ગણાય.

તેમનો જન્મ ઓગસ્ટ 18,1907એ આંધ્ર પ્રદેશના ભીમવરમ ગામમાં થયો હતો (પિતા: સુબ્બારાડુ; માતા: પાપા) શરુઆતનું ભણતર પીથપુરમમાં કરીને આંધ્ર યુનિવર્સીટીમાં તેમણે ભૌતિક શાસ્ત્ર મુખ્ય વિષય રાખીને બી.એ. ડિગ્રી લિધી. ત્યાર બાદ 1928માં તે કોલકાત્તાની ફિઝિકલ ઇંસ્ટિટ્યુટમાં જોડાયા અને નોબેલ વિજેતા સી. વી. રામનની રાહબરી હેઠળ બે વર્ષ કામ કર્યું. તે પછીના વર્ષો દરમ્યાન પણ બંન્ને વચ્ચે ગુરુ-શિષ્યનો સબંધ પત્રવ્યહવારથી જારી રહ્યો. 1960માં ડો.રામન તેમના સૌરાષ્ટ્ર્ના પ્રવાસ દરમ્યાન ભાવનગરમાં પ્રો. નૃસિંહમનાજ અતિથી બન્યા. તે પછી તે બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે નિમાયા અને સાથે સાથે એમ.એસસી પુરું કર્યું.

તે કાળમાં ભાવનગરમાં દિવાન સર પટ્ટણીએ સાયન્સ કોલેજ સ્થાપવાનો નિર્ધાર કર્યો અને કાબેલ શિક્ષક મંડળ ની શોધ માટે બનારસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ આનંદશંકર ધ્રુવની સલાહ માંગી.તેમણે કસ્તુરિ નૃસિંહમનું નામ સુચવ્યું . તે જમાનામાં દક્ષિણ ભારતના વાસીઓ માટે ઉત્તર ભારતમાં જુદાજ પ્રકારના ખાનપાન, ભાષા ભેદો અને રહેણિ કરણી હોવાને કારણે વસવાટ કરવો અઘરો હતો. તે જાણવાં છતાં કસ્તૂરીએ પત્ની લક્ષ્મીબેનની સંમતિ સાથે ભાવનગરમાં વસવાનો નિર્ણય લીધો.આ વસવાટમાં ભાવનગરના નાયબ દિવાન સાથેની તેમની મૈત્રિને લીધે નવા પ્રદેશમાં ગોઠાંવતાં ઘણી સરળતા રહી. નૃસિંહમ દપંતિએ ધગશ અને ખંત થી ગુજરાતી ભાષા શીખી લીધી. તેમના ચાર પુત્રાદિકોએ પણ ગુજરાતીમાં ભણતર પુરું કર્યું. સ્થાનિક કાર્યક્રમોમાં પણ આખું કુટુંબ ઉત્સાહથી ભાગ લેતું થયું. તેમનું ઘર તો મિત્રો માટે મેળો અને જલસા ઘર બની રહ્યું. હવે સૌના માનિતા પ્રોફેસર નૃસિંહમ કોલેજમાં પણ ગુજરાતીમાં શિક્ષણપ્રદાન કરતાં થયાં.

તમણે પહેલું કામ નવી પટ્ટણી ઇંસ્ટિટ્યુટની ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાનની પ્રયોગશાળાઓને જરૂરી ઉપકરણોથી સજ્જ કરી દેવાનું કર્યું. અભ્યાસ ક્રમો ઉપરાંત રમત ગમતો અને સંસ્કાર પ્રવ્રુત્તિઓને આવકાર્યાં. વિદ્યાર્થીઓની સર્વ ક્ષેત્રે પ્રગતિ થાય તે હેતુથી તેમણે ફિલ્મક્લબ શરુ કરી અને પરદેશી દુર્લભ્ય ફિલ્મો સોળ મિલીમિટર પ્રોજેક્ટરથી બતાવા માંડી. કોલેજમાં રમત ગમત માટે વાર્ષિક સ્પર્ધાઓના આયોજન માટે તેમનો ઉત્સાહ જાણિતો હતો. પોતાના શારિરીક સામર્થ્યને જાળવવા રોજ શહેરમાં ઝડપથી ચાલતાં નીકળતાં. રસ્તે હાથની લાકડી ઘુમાવતા મિત્રો સાથે થોડી ગપ સપ કરી ‘પબ્લિક રિલેશન’ તાજા રાખવાનો તેમનો શિરસ્તો હતો. ભાવનગરના ટાઉન હોલ માં દર વર્ષે એક કે બે વાર પોતાની ગુજરાતી વક્રુત્વ કળાનો લાભ વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનો દ્વારાં આપતાં. શહેરની બીજી સંસ્થાઓ (રોટરી, થિઓસોફી સોસાયટી વિ.) પણ તેમને આમંત્રિતતી. જનતા માટે તે વિજ્ઞાન પ્રદર્શનો યોજતાં. નિજી પત્ર વ્યહવાર દ્વારા દેશ વિદેશના સિધ્ધ વૈજ્ઞાનીકો સાથે તેમણે નિકટના મૈત્રી સબંધો વિકસાવ્યાં હતાં. પરિણામે પરદેશી પાઠ્ય પુસ્તકોમાં પણ તેમના નામનો ઉલ્લેખ થતો. તેમની તીવ્ર સ્મરણ શક્તિને લીધે વર્ષો પછી પણ જુના વિદ્યાર્થીઓને ક્ષણમાં ઓળખી લેતાં. 1962માં ત્રીસ વર્ષોની કોલેજ અને શહેરની સેવા બાદ તેમણે નિવૃત્તિ લીધી. સહપરિવાર તે મુંબઈ જઈને વસ્યાં અને મીઠીબાઈ કોલેજના ભૌતિક શાસ્ત્ર વિભાગના બે વર્ષ માટે અધિષ્ટાતા બની રહ્યાં. નામે કસ્તૂરી, કામે કસ્તૂરી અને સ્વભાવે કસ્તૂરી તેવા લોકોના “નરશીરામ સાહેબ વા નર્સીગહોમ સાહેબે” ભાવનગર સમાજમાં કસ્તૂરીની સુગંધ ફેલાવી દીધી. તેમની કાયમી યાદી માટે ભાવનગરમાં એક જાહેર ચોકને પ્રો. નૃસિંહમ ચોક નામ આપવામાં આવ્યું.

“મદરાસી”માંથી* ભાવનગરી બનેલાં 74 વર્ષીય પ્રોફેસર સાહેબે 2002ની ઓગસ્ટની 4થી તારીખે મુંબઈમાં કાયમી આવજો કહી દીધું.

નોંધ[ફેરફાર કરો]

*તે જમાનામાં મહારાષ્ટ્રથી દક્ષિણે રહેલાં સૌ ભારતવાસીઓ ગુજરાતમાં ‘મદરાસી’ કહેવાતાં.

સંદર્ભ[ફેરફાર કરો]

  • સંકલન: ડો. કનક રાવળ – સ્વ. પ્રોફેસર નૃસિંહમના પુત્ર રાધાક્રિશ્ન તરફથી મળેલી આધારિત માહિતી રુણ સ્વિકાર સાથે સોમવાર, 27 ઑક્ટોબર 2008