કુસુમમાળા

વિકિપીડિયામાંથી
કુસુમમાળા
ચોથી આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૯૧૨
લેખકનરસિંહરાવ દિવેટિયા
દેશભારત
ભાષાગુજરાતી
વિષયપ્રકૃતિ, પ્રેમ
પ્રકારઊર્મિકાવ્યો
પ્રકાશન તારીખ
1887
OCLC33236882
દશાંશ વર્ગીકરણ
891.471
LC વર્ગPK1859.D57 K8 1953
પછીનું પુસ્તકહ્રદયવીણા (૧૮૯૬) 
મૂળ પુસ્તકકુસુમમાળા વિકિસ્રોત પર

કુસુમમાળા ૧૯મી સદીના ગુજરાતી કવિ નરસિંહરાવ દિવેટિયાનો ૧૮૮૭માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ ગણાતા આ સંગ્રહે અર્વાચિન ગુજરાતી કવિતાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતી લેખક અને વિવેચક રમણભાઈ નીલકંઠે આ સંગ્રહને 'રણમાં એક જ મીઠી વીરડી' તરીકે ઓળખાવ્યો હતો. પાશ્ચાત્ય ઢબનાં આ કાવ્યકુસુમોમાં રસના પ્રાધાન્યની ઊણપ પ્રત્યે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ધ્યાન દોરેલું; જો કે તેમણે કવિત્વની દૃષ્ટિએ આ સંગ્રહને આવકાર્યો હતો.

પાર્શ્વભૂમી[ફેરફાર કરો]

કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, ૧૮૮૭ માં, નરસિંહરાવ દિવેટિયાએ આ કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી દ્વારા અંગ્રેજી કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવીને રચાયેલાં આ કાવ્યોમાં, ઊર્મિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે. કુસુમમાળા ની કવિતાઓ અંગ્રેજી ઊર્મિકવિતાના નમૂના પર લખાયેલી છે એ વાત આ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં નરસિંહરાવે પોતે જણાવેલી છે. આ નમૂનાઓ અંગ્રેજી વર્ડઝવર્થ અને શેલી જેવા ઊર્મિકવિઓની કવિતાના હતા.[૧][૨] સંગ્રહની પ્રસ્તાવનામાં કવિએ નોંધ્યું છે,

"કવિતાનું ખરું રહસ્ય શું... પાશ્ચાત્ય કવિતા કેવી લખાય છે... ત્હેવી કવિતા તરફ ત્હેમની રુચિનો પ્રવાહ ચલાવવો, એ ઉચ્ચગ્રાહી ઉદ્દેશથી આ ન્હાનાં સંગીતકાવ્યનો સમુદાય પ્રગટ કર્યો છે."

— નરસિંહરાવ દિવેટિયા[૨]

કાવ્યો[ફેરફાર કરો]

કુસુમમાળા માં મુખ્યત્વે પ્રકૃતિકવિતા, આત્મલક્ષી પ્રણયોદગાર વ્યક્ત કરતી માનવપ્રેમની કવિતા, ચિંતનપ્રધાન કવિતા અને રાષ્ટ્રપ્રેમની કવિતાઓનો સમાવેષ કરવામાં આવ્યો છે.[૨] પ્રકૃતિ, પ્રણય અને ચિંતન — એ 'કુસુમમાળા'ના મુખ્ય વિષયો છે. સંગ્રહમાં કરેલી કાવ્યોની ગોઠવણ ચિન્તનાત્મક સંગીતકાવ્ય (meditative lyric), રસાત્મક સંગીતકાવ્ય (pathetic lyric) અને વર્ણનાત્મક કાવ્ય (descriptive poem) એ પ્રકારની છે. 'સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ', 'કાળચક્ર', 'કર્તવ્ય અને વિલાસ', 'માનવ બુદબુદ' વગેરે પ્રથમ પ્રકારનાં જ્યારે 'નદનદી સંગમ', 'નદી કિનારે મેઘાડંબર', 'પ્રેમસિંધુ', 'દિવ્ય મંદિર અને લેખ', 'દિવ્ય ટહુકો', 'વિધવાનો વિલાપ', અને 'મેઘવૃષ્ટિવાળી એક સાંજ' વગેરે બીજા પ્રકારનાં કાવ્યો છે. ત્રીજા પ્રકારમાં 'શિયાળાનું સ્હવાર', 'વસંતની એક સાંજ', 'સિન્શુ', 'ગિરિ', 'મેઘ', 'ઉનાળાના એક પરોઢનું સ્મરણ' વગેરેનો સમાવેશ થાય છે.[૩]

નરસિંહરાવે અંગ્રેજ કવિ શેલીના 'ડૉન' કાવ્ય પરથી 'પ્રભાત' કાવ્યની રચના કરી છે. જ્યારે 'મેઘ' એ શેલીના 'ધ ક્લાઉડ' કાવ્યનું ભાષાંતર છે. 'ચંદા' નામનું કાવ્ય મેઘની નકલ છે.[૩] મેઘ, ચંદા, મધ્યરાત્રીએ કોયલ વગેરે પ્રકૃતિસૌંદર્યની કવિતાઓએ તે સમયના સાહિત્યરસિકોને મુગ્ધ કરેલા. આત્મલક્ષી પ્રણોયદગારની કેટલીક રચનાઓ જેવી કે પ્રેમીજનનો મંડપ, તારી છબિ નથી તેમજ દામ્પત્યભાવનાને નિરૂપતી કવિતાઓ જેવી કે અજ્ઞીહોત્ર, જીવનસાથીને ઉપહાર વગેરે આ સંગ્રહની નોંધપાત્ર રચનાઓ છે.[૨]

નરસિંહરાવે 'કુસુમમાળા'માં હરિગીત, વસન્તતિલકા, તોટક, શિખરિણી ઉપરાંત ઉધોર છંદ, મહીદીપ છંદ, સોરઠ ઝંપા, દિંડી અને રોળાવૃત્ત વગેરે છંદોનો ઉપયોગ કર્યો છે, જ્યારે કેટલાંક કાવ્યોમાં ગરબીઓના ઢાળ કે ચાલનો પ્રયોગ કરેલો છે.[૩]

વિવેચન[ફેરફાર કરો]

ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ સંગ્રહમાં સૌપ્રથમ વાર પ્રગટ થયેલ શુદ્ધ પ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી નરસિંહરાવને 'સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ' તરીકે ઓળખાવ્યા છે. ગુજરાતી લેખક આનંદશંકર ધ્રુવે આ સંગ્રહની પ્રશંસા કરતા કહ્યુ છે, 'આ કાવ્યોએ અમારા હ્રદય ઉપર અદભૂત અસર કરી હતી'. ગુજરાતી લેખક અને વિવેચક રમણભાઈ નીલકંઠે આ સંગ્રહને 'રણમાં એક જ મીઠી વીરડી' તરીકે ઓળખાવ્યો હતો. સુંદરમે નોંધ્યુ છે કે, કુસુમમાળામાં જે થોડીક ઉત્તમ કૃતિઓ છે તેની શૈલી જ ભવિષ્યની ગુજરાતી ઊર્મિકવિતાનો મહત્વનો ઘટકાંશ બનેલી છે.[૨][૧] મણિલાલ દ્વિવેદીએ ૧૮૮૮માં પ્રિયંવદા સામાયિકમાં કુસુમમાળાનું અવલોકન પ્રગટ કરેલું, જેમાં એમણે 'આમાંનાં સર્વ કાવ્ય ઘણાં સારાં થયાં છે - એમ કહેતા કોઈ બાધ નથી; અને પાશ્ચાત્ય કાવ્યપદ્ધતિનાં આપણને દર્શન કરાવવાનો આ પ્રયત્ન સફળ થયો છે' - એમ કહીને કુસુમમાળાનું સ્વાગત કરેલું. એમ છતાં મણિલાલે આ કાવ્યોને "રસરૂપગંધવર્જિત કુસુમો" કહીને ટીકા પણ કરેલી.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, રમેશ એમ (૧૯૯૦). ટોપીવાળા, ચન્દ્રકાન્ત (સંપાદક). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૭૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ત્રિવેદી, રમેશ એમ. (૨૦૧૫). અર્વાચિન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પૃષ્ઠ ૮૬-૮૭. ISBN 978-93-82593-88-1.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ મ્હેડ, સુસ્મિતા (૧૯૯૨). "કુસુમમાળા (૧૮૮૭)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ક–કૃ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૬. OCLC 311818970.
  4. ધીરુભાઈ, ઠાકર (૨૦૧૧). કેટલાક સાહિત્યિક વિવાદો. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]