ઝુબેદા
ઝુબેદા | |
---|---|
![]() સેવા સદન (૧૯૩૪)માં ઝુબેદા | |
જન્મ | ૧૯૧૧ ![]() |
મૃત્યુ | ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૮ ![]() મુંબઈ ![]() |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા ![]() |
ઝુબેદા બેગમ ધનરાજગીર (૧૯૧૧-૧૯૮૮) એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હતા. તેમણે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરા (૧૯૩૧)માં નાયિકા તરીકે અભિનય કર્યો હતો.[૧] આ સિવાય તેમણે દેવદાસ (૧૯૩૭) અને સાગર મૂવીટોનની પ્રથમ ફિલ્મ મેરી જાનમાં પણ આભિન્ય આપ્યો હતો.
ઝુબેદાએ જે સમયે ફિલ્મોમાં પ્રવેશ કર્યો તે સમયે ફિલ્મોમાં કામ કરવું આદરણીય ઘરની કન્યાઓ માટે અયોગ્ય વ્યવસાય ગણાતો હતો, જ્યારે ઝુબેદા રાજ પરિવારની કન્યા હતી અને ખૂબ નાની વયની હતી. ઝુબેદાનો જન્મ સુરત શહેરમાં થયો હતો. તે સચીન રજવાડાના નવાબ સિદી ઈબ્રાહીમ મુહમ્મદ યાકુત ખાન અને ફાતિમા બેગમની પુત્રી હતી. આ મુસલમાન રાજકુમારી દેખાવે ખુબ સુંદર હતી. તેને બે બહેનો હતી સુલતાના અને શહેઝાદી, તે બન્ને પણ અભિનેત્રી હતી.
કારકિર્દી
[ફેરફાર કરો]
ઝુબેદાએ માત્ર ૧૨ વર્ષની વયે તેની પહેલી ફિલ્મ કોહીનૂરમાં અભિનય આપ્યો હતો. ૧૯૨૦ના દશકામાં તેણે કાળાંતરે તેમની બહેન સુલતાના સાથે ફિલ્મોમાં અભિનય કર્યાં. તે સમય દરમ્યાન તેમની બહેન સુલતાના ભારતીય ફીલ્મની સુંદર લોકપ્રિય અભિનેત્રી બની ગઈ હતી. ઝુબેદાની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ વીર અભિમન્યુ હતી. તે ફિલ્મમાં તેમણે તેમની બહેન અને માતા સાથે અભિનય કર્યો હતો. ઈ.સ. ૧૯૨૪માં આ બંને બહેનોએ કલ્યાણ ખજીના નામની ફિલ્મમાં એક સાથે અભિનય કર્યો હતો.
ઈ. સ. ૧૯૨૫ માં ઝુબેદાની ૯ ફિલ્મો પ્રદર્શિત થઈ. જેમાં કાલા ચોર, દેવદાસી અને દેશ કા દુશ્મન નો સમાવેશ થાય છે. તેના એક વર્ષ બાદ તેમણે તેમની માતાની ફીલ્મ બુલબુલ-એ-પરીસ્તાન માં અભિનય આપ્યો. ઈ.સ. ૧૯૨૭નું વર્ષ તેમની કારકીર્દીનું ઘણું સફળ વર્ષ રહ્યું. આ વર્ષમાં તેમની લૈલા મજનુ, નણંદ ભોજાઈ અને નવલ ગાંધીની સેક્રીફાઈસ નામની ખૂબ જ સફળ ફિલ્મો પ્રદર્શીત થઈ. સેક્રીફાઈસ એ ફીલ્મ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા 'બલિદાન' પર આધારીત હતી અને તેમાં તેમણે સુલોચના દેવી, માસ્ટર વિઠ્ઠલ અને જલ ખમ્ભાતા સાથી અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં બંગાળના અમુક પ્રાચીન કાલિ મંદિરોમાં પ્રાણીઓના બલિદાન આપવાના કાંડની નિંદા કરવામાં આવી હતી. આ અપ્રતીમ અને પૂર્ણ ભારતીય ફીલ્મને જોઈ ઈંડિયન સિનેમેટોગ્રાફર કમિટી દ્વારાના સભ્યો ખૂબ હર્ષ પામ્યા હતા. આ કમિટિના યુરોપિય સભ્યોએ તેના વિદેશોમાં પ્રદર્શન માટે ભલામણ કરી હતી.
આલમ આરા તેમના જીવનની સૌથી સફળ ફીલ્મ બની તે પહેલાં તેમણે ઘણી મૂંગી ફિલ્મોમાં અભિનય આપ્યો. આલમાઆરાની સફળતા પછી અન્ય અભિનેત્રીઓમાં તેમની માંગણી વધી અને અન્યની અપેક્ષાએ તેમને વધુ વળતર મળાવા લાગ્યું.
૧૯૩૦ અને ૧૯૪૦ના દશકોમાં તેમણે જલ મર્ચંટ સાથે ઘણી સફળ પૌરાણિક ફિલ્મોમાં કામ કર્યું. જેમાં તેમણે સુભદ્રા, ઉત્તરા અને દ્રૌપદીની ભૂમિકા ભજવી. આ સાથે તેઓએ ઈઝરા મીરની ઝરીના જેવી ફિલ્મોમાં મસ્તીભરી તેજસ્વી સર્કસ કન્યાનો અભિનય પણ સફળતા પૂર્વક કર્યો. આ ફીલ્મમાં તેમણે ચુંબનનું દ્રશ્ય આપ્યો, જેને કારણે સેન્સરશીપ ઉપર ઘણો વિવાદ થયો. મૂંગી ફિલ્મોમાંથી બોલતી ફિલ્મોમાં સફળતા મેળવનારી ઘણી થોડી અભિનેત્રીઓમાંની તે એક હતી.
ઈ.સ. ૧૯૩૪માં તેમણે નાનુભાઈ વકીલ સાથે મળી મહાલક્ષ્મી મુવીટોન ની સ્થાપના કરી અને ગુલ-એ-સોનોબાર અને રસિક-એ-લૈલા નામની સફળ ફિલ્મો બનાવી. ત્યાર બાદ ઈ.સ. ૧૯૪૯ સુધી તેઓ વર્ષમાં એકાદ બે ફિલ્મમાં તેઓ કામ કરતાં. નિર્દોષ અબલા તેમની છેલ્લી ફિલ્મ હતી.
વ્યક્તિગત જીવન
[ફેરફાર કરો]ઝુબેદાના લગ્ન હૈદ્રાબાદના મહારાજ નરસિંગીર ધનરાજગીર બહાદૂર સાથે થયા હતા. તેઓ હુમાંયુ ધનરાજગીર, ધુર્રેશ્વર ધનરાજગીરના તથા સંજય દત્તની પૂર્વ પત્ની રીયા પીલ્લઈની માતા છે.
અવસાન
[ફેરફાર કરો]ઝુબેદાએ તેમના જીવનના અંતિમ વર્ષો ધનરાજ પૅલેસમાં વીતાવ્યા. તેઓ ઈ.સ. ૧૯૮૮માં અવસાન પામ્યા.[૨] અને તેમના પુત્રો અને પૌત્રોએ તેમને છત્રપતિ શિવાજી માર્ગ, એપોલો બંદર મુંબઈમાં તેમની અંતિમ વિધિ કરી દફનાવ્યા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ First Talkie Actress - Rani Zubieda સંગ્રહિત ૨૦૧૪-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન www.downmelodylane.com.
- ↑ With Rani Zubeida Dharajgir's death:Curtain comes down on silent movie.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Zubeida સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
- ઝુબેદા, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર