દલપતપિંગળ
દલપતપિંગળ એ ૧૮૬૨માં પ્રગટ થયેલ ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પસ્તક છે. ગુજરાતી સાહિત્યમાં છંદશાસ્ત્રનું આ એક શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તક ગણાય છે.[૧]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]દલપતરામે દેવાનંદ સ્વામી પાસે 'છંદશૃંગાર' પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. ૧૮૫૫માં 'બુદ્ધિપ્રકાશ'માં એમણે હપ્તાવાર પિંગળ લખવાની શરૂઆત કરેલી' અને ૧૮૬૨માં એ લેખોને 'ગજરાતી પિંગળ' નામે ગ્રંથસ્થ કરેલા. એની ૨૨મી આવૃત્તિથી પ્રગટ થઈ ત્યારે એનું નામ બધલીને 'દલપતપિંગળ' રાખવામાં આવેલું. આ પુસ્તકની અત્યાર સુધીમાં ત્રીસેક આવૃત્તિઓ થઈ છે અને એની નકલસંખ્યા લાખેક સુધી પહોંચી છે.[૧]
પુસ્તક સાર
[ફેરફાર કરો]આ પુસ્તક પાંચ પ્રકરણોમાં વહેંચાયેલું છે અને એમાં સરળ તથા વિશદ પદ્યમાં છંદોનો પરિચય આપવામાં આવ્યો છે.[૧]
પ્રથમ પ્રકરણમાં લઘુ, ગુરુ, ગણ, અંકસંજ્ઞા (જેમ કે શશી = ૧, ભુજ = ૨) અને માત્રામેળ તથા વર્ણમેળ છંદોનો ભેદ દર્શાવાયો છે. બીજા પ્રકરણમાં પાંચ માત્રાના ગમક છંદથી આરંભીને ચાલીશ માત્રાના મદનગ્રહા છંદ સુધીના ત્રીસ માત્રામેળ છંદોનો પરિચય આપવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ પરિચય માટે લાંબા પદ્યનાં ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દોહરાથી આરંભી ચંદ્રાવળા સુધીના નવ અર્ધસમપદ તથા વિષમપદ છંદોનો પણ એમાં ઉદાહરણ સહિત પરિચય આપવામાં આવ્યો છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ત્રિવેદી, ચીમનલાલ (૧૯૯૭). "દલપત-પિંગળ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨૭. OCLC 248969185.