ધી આઉટસાઇડર (નવલકથા)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધી આઉટસાઇડર
ધી સ્ટ્રેન્જર અથવા ધી આઉટસાઇડર  
Camus23.jpg
મુખપૃષ્ઠ
લેખકઆલ્બેર કેમ્યૂ
મૂળ શિર્ષકલ ઍટ્રેન્જર
દેશફ્રાંસ
ભાષાફ્રેંચ
વિષયએબ્સર્ડિઝમ
પ્રકારફિલોસોફિકલ નવલકથા
પ્રકાશન તારીખ૧૯૪૨
પાનાંઓ૧૫૯
દશાંશ વર્ગીકરણ૮૪૩.૯૧૪

ધી આઉટસાઇડર (અંગ્રેજી: The Outsider [UK]; The Stranger [US]) (French: લ ઍટ્રેન્જર) અલ્જિરિયન લેખક અને ફિલોસોફર આલ્બેર કેમ્યૂ (૧૯૧૩-૧૯૬૦) લિખિત ફ્રેંચ નવલકથા છે. કેમ્યૂએ આ નવલકથા ૧૯૩૯માં પૂરી કરી હતી અને ૧૯૪૨માં એ પ્રગટ થઈ હતી. એનો સ્ટુઅર્ટ ગિલ્બર્ટે કરેલો અંગ્રેજી અનુવાદ, સિરિલ કૉનલીના પુરોવચન સાથે, ૧૯૪૬માં પેંગ્વિન (પ્રકાશન) દ્વારા પ્રગટ થયો હતો.[૧]

કથાવસ્તુ[ફેરફાર કરો]

પ્રથમપુરુષ એકવચનમાં લખાયેલી 'આઉટસાઇડર'નું કથાવસ્તુ બહુ સાદુ છે. નવલકથાના નાયક મરસોલની માતાનું અવસાન થયું છે. કેટલાક વખતથી મા-દીકરા વચ્ચે સારા સંબંધ નથી, તેમ છતાં મરસોલ તેની દફનક્રિયામાં અને ઉત્તરક્રિયામાં હાજર રહે છે. સમગ્ર પ્રસંગમાં એ બિલકુલ અલિપ્ત ભાવે વર્તે છે. ત્યાંથી તે અલ્જિરિયાના સાગરકાંઠે તરવા જાય છે. અહીં તેને મૅરી નામની એક છોકરીનો ભેટો થઈ જાય છે. બંને જણાં એક કૉમિક-ચિત્ર જોવા જાય છે અને તેમનો પ્રેમસંબંધ બંધાય છે. મરસોલના રહેઠાણના માળામાં રહેતા એક બીજા માણસની મૈત્રી અને વિશ્વાસ નિષ્ક્રિયભાવે તે સ્વીકારે છે, આને પરિણામે મરસોલને હાથે, સાગરકાંઠે એક આરબની હત્યા થાય છે. પછીથી ખૂનનો મુકદ્દમો ચાલે છે ત્યારે સરકારી વકીલ મરસોલને લાગણીહીન રીઢા ગુનેગાર સાથે સરખાવે છે. 'આરબની હત્યા શા માટે કરી?' એવો પ્રશ્ન તેને પૂછવામાં આવે છે ત્યારે તે 'સૂરજને કારણે' એવો જવાબ આપે છે. આ જવાબથી કૉર્ટમાં હળવું હાસ્ય ફેલાય છે. આ મુકદ્દમામાં તે અપરાધી ઠરે છે અને તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે. સજાના અમલની તે રાહ જુએ છે તે દરમિયાન જેલખાના માટેના પાદરી (ચૅપ્લિન) મરસોલની ઇચ્છા વિરુદ્ધ તેની મુલાકાત લે છે. ધર્મ દ્વારા અપાતાં સમાધાનોનો તે અસ્વીકાર કરે છે અને બારીમાંથી દેખાતા અંધારા આકાશનું દર્શન તેને અપાર સુખ આપે છે.[૧][૨]

શૈલી[ફેરફાર કરો]

પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, ચરિત્રચિત્રણ તથા વાતાવરણ (પરિવેશ) આ નવલકથામાં હોવા છતાં તેની ગણના પ્રતિનવલ (antinovel) માં થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લખાયેલી આ નવલકથા અસંગત (absurd) વિચારસરણી સમજવા માટે ખૂબ ઉપયોગી છે. એબ્સર્ડની દાર્શનિક પીઠિકા નવલકથાના માધ્યમ દ્વારા અહીં આલેખવામાં આવી છે. આ નવલકથાનું ભાષ્ય આલ્બેર કેમ્યૂએ ધ મિથ ઑવ્ સિસિફસ ના નામે પ્રગટ કર્યું હતું. આ નવલકથામાં પરંપરાગત અર્થમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ પણ નથી; એ નીતિમાન કે નીતિહીન પણ નથી. કેમ્યૂના કહેવા પ્રમાણે તે 'એબ્સર્ડ' છે. આ નવલકથામાં કેમ્યૂની નિરૂપણશૈલી દરેક વસ્તુ અને પ્રસંગ પરત્વે સમથળ રહી છે તેમજ અત્યંત મર્યાદિત શબ્દભંડોળને કારણે નિરૂપણમાં વ્યર્થતાનો ભાવ ઊપસી આવે છે. નવલકથાના નાયક મરસોલના જીવનમાં પ્રેમ, આનંદ કે પશ્ચાતાપને કોઈ સ્થાન નથી. નિત્યજીવનની યાંત્રિકતા આ એબ્સર્ડ નાયક દ્વારા અહીં વ્યક્ત થઈ છે અને તે દ્વારા માનવમાત્રના જીવનની અસંગતતા અહીં પ્રગટ થઈ છે. કુટુંબ, શાસનવ્યવસ્થા અને ધર્મ - આ ત્રણેની જોહુકમી સ્વીકારવા ન માંગતો નાયક મરણને એકમાત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ શિરીષ, પંચાલ; જયન્ત, પંડ્યા (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પાનાઓ ૮૯૫.
  2. ૨.૦ ૨.૧ પટેલ, બિપીન (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પાનું ૩૯ - ૪૦.