લખાણ પર જાઓ

પૂડલા

વિકિપીડિયામાંથી
પૂડલા
લીલી ચટણી સાથે પિરસેલા મેથીના પૂડલા
અન્ય નામોપૂડલા, પૂલ્લા, પૂડા
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યગુજરાત, ઉત્તર ભારત
મુખ્ય સામગ્રીચણાનો લોટ
વિવિધ રૂપોમાલપૂઆ

પૂડલા, પૂલ્લા કે પૂડા (હિંદી: चिल्ला; અંગ્રેજી: Pancake, Crepe) એ ખીરાને ગરમ લોઢી (તવી) પર પાથરી અને શેકીને બનાવવામાં આવતી તીખી ગુજરાતી વાનગી છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પૂડલા ચણાના લોટને પાણીમાં પલાળીને તેનું ખીરું બનાવીને તેમાંથી બનાવવામાં આવે છે, આ ખીરામાં મેથીની ભાજી, છીણેલી ડુંગળી, વગેરે શાક ઉમેરીને વાનગીમાં વૈવિધ્ય લાવવામાં આવે છે. ચણાના લોટ ઉપરાંત કેટલાક કઠોળ (ખાસ કરીને દાળ), જેવીકે અડદની દાળ, ચોળાની દાળ, વગેરેને પલાળી, વાટીને તેના ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. પૂડલાના ખીરાને આથો લાવવામાં આવતો નથી. દક્ષિણ ભારતીય વાનગી ઢોસા પણ એક પ્રકારના પૂડલા જ છે. ઉત્તર ભારતમાં પૂડલાને ચિલ્લા કહે છે અને મગની (મોગર) દાળને પલાળી, વાટીને તેમાંથી બનાવેલા પૂડલા વધુ ખવાય છે જેને મુંગ દાલ કે ચિલ્લે કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પૂડલાને પેનકેક કહે છે, જે મહદંશે મેંદામાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં તેને ક્રેપ્સ કહેવામાં આવે છે, જે લોકપ્રિય સવારનો નાસ્તો છે, જેને મધ સાથે ખાવામાં આવે છે.

માલપુઆ

ગુજરાતમાં ઘઉંના લોટનાં ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. આ ખીરામાં ગોળ (કે ખાંડ) અને આખા મરી ઉમેરીને ગળ્યા પૂડલા ઉતારમાં આવે છે, જે ઘીમાં શેકીને કે સાસર નામની ચપટી કડાઈમાં તળીને બનાવવામાં આવે છે. ઘઉંના આવા ગળ્યા પૂડલા માલપૂઆ કે માલપૂડા તરીકે ઓળખાય છે. પહેલાના સમયમાં શુભ પ્રસંગે જ્ઞાતિના જમણવારમાં માલપૂઆ અને દૂધપાકનું ભોજન પિરસાતું. ફરાળમાં ખાવા માટે મોરૈયાના પણ પૂડલા બનાવી શકાય છે.

ગુજરાતી ભોજનમાં તીખા પૂડલા સાંજના ભોજનમાં ખાવામાં આવે છે, જ્યારે માલપૂઆ સવારનાં કે સાંજનાં જમણમાં ખવાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

ખીરું પાથરીને તવા પર શેકવા મુકેલો પૂડલો
એક બાજૂ ગુલાબી શેકાયેલો પૂડલો