પ્રાગજી ડોસા

વિકિપીડિયામાંથી
પ્રાગજી ડોસા
જન્મપ્રાગજી જમનાદાસ ડોસા
૧૯૦૧
મુંબઈ, મહારાષ્ટ્ર
મૃત્યુ૨ ઑગસ્ટ ૧૯૯૭
મુંબઈ, મહારાષ્ટ્ર
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોનર્મદ સુવર્ણ ચંદ્રક

પ્રાગજી જમનાદાસ ડોસા (૨૫ સપ્ટેમ્બર ૧૯૦૮ – ૨ ઑગસ્ટ ૧૯૯૭) એ એક ગુજરાતી નાટ્યકાર હતા. બાળનાટકોમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય માનવામાં આવે છે.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૦૮ના દિવસે મુંબઈમાં ભાટિયા સદ્‌ગૃહસ્થ જમનાદાસ ડોસા અને મોંઘીબાઈ ડોસાને ઘેર થયો હતો. તેમની અટક ભાટિયા હતી પણ તેમના પ્રપિતામહનું કુટુંબ ડોસાના નામથી જાણીતું હતું. તેમના પ્રપિતામહ ડોસાબાપા કચ્છમાં દોરડાં બનાવીને ગુજરાન ચલાવતા હતા. ૧૫ વર્ષની ઉંમરે, ૧૨ વર્ષનાં પ્રેમકુંવરબેન સાથે પ્રાગજીભાઈના લગ્ન થયાં હતાં.[૧] ૧૯૨૬ થી ૧૯૨૮ સુધી તેમણે સુમન માસિકનું તંત્રી પદ સંભાળ્યું હતું.[૨]

ઈ. સ. ૧૯૨૮માં તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર પછી મેસર્સ ગોકળદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર તરીકે રૂનો ધંધો શરૂ કર્યો. તેમણે વિદર્ભમાં જિનિંગ પ્રેસિંગનાં કારખાનાં શરૂ કર્યા હતા. પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે તેઓ સંગીત શીખ્યા હતા. ૧૯૫૫ થી ૧૯૫૯ સુધી તેમણે ગુજરાતી નાટ્ય માસિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. તેમણે ૬ હિન્દી, એક અંગ્રેજી અને ૨૧ ગુજરાતી ફિલ્મો પણ લખી છે. ૧૯૮૯ થી ૧૯૯૨ સુધી ફિલ્મ ફેર અવૉર્ડ્સ માટે તેમણે જજ તરીકે કાર્ય કર્યું હતું.[૧] તેમને ગળાનું કૅન્સર થયા બાદ તેઓ સ્વર ગુમાવી બેઠા હતા.[૧] ૨ ઑગસ્ટ ૧૯૯૭ના દિવસે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા હતા.[૩]તેમની આત્મકથા ‘આતમ દીવો’ પ્રકાશિત કરવામાં આવી છે.[૧]

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

તેઓ "પરિમલ" ઉપનામ હેઠળ પોતાનું સાહિત્ય લેખન કરતા. તેમણે લખેલ નાટક સંસારપંથ ૧૯૨૯માં સૌ પ્રથમ ભજવવામાં આવ્યું હતું અને તેના પ્રયોગો સફળ રહ્યા હતા. મુંબઈના પ્રાણલાલ દેવકરણ નાનજી નામના વ્યાપારી તરફથી તેમને પ્રોત્સાહન મળતા તેમણે પોતાનું લેખન કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ફિલ્મકથા, નવલિકા, નવલકથા, ચરિત્ર, નિબંધ અને બાલરંગભૂમિ માટે પણ લેખન કાર્ય કર્યું છે. તેમણે ૪૫ નાટકો, ૨૧ એકાંકીઓ અને ૧૦૬ જેટલા રેડિયો-નાટકો લખ્યાં છે. એમનાં ઘણાં નાટકો જુદી જુદી ભાષામાં પાઠાંતર, રૂપાંતર, અનુવાદ પામી ભજવાયાં છે. વનલીલા મહેતા સાથે મળી તેમણે ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓનાં નાટકમાં રૂપાંતર કર્યાં છે. તેમણે બાળરંગભૂમિનો અભ્યાસક્રમ પણ ઘડ્યો હતો જેને વિશ્વના કેટલાક દેશોએ માન્યતા આપી હતી.[૩]

નાટકો[ફેરફાર કરો]

 • સમયનાં વહેણ (૧૯૫૦)
 • સહકારના દીવા (૧૯૫૭)
 • જેવી છું તેવી (૧૯૬૨)
 • એક અંધારી રાત (૧૯૬૪)
 • પૂનમની રાત (૧૯૬૬)
 • પરણ્યા પહેલાં(૧૯૬૯) - આ નાટક લંડનમાં ૧૯૬૯માં ભજવાયું હતું.

મુંબઈ દ્વિભાષી રાજ્ય નાટ્યસ્પર્ધામાં નીચેના નાટકોને ઈનામ મળ્યા હતા:

 • ઘરનો દીવો (૧૯૫૨)
 • મંગલમંદિર (૧૯૫૫)
 • છોરું કછોરું (૧૯૫૬) - આ નાટકનું રશિયન ભાષામાં અનુવાદ થયો હતો અને તેને તાશ્કંદ શહેરના ગૉર્કી થિયેટરમાં ૧૯૫૯માં ભજવાયું હતું. આ નાટક અમેરિકામાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીએ નાટ્યવાચન શ્રેણીમાં રજૂ કર્યું હતું.
 • પરિણીતા (૧૯૬૨)
 • મનની માયા (૧૯૬૨)

બાળ નાટકો[ફેરફાર કરો]

 • એકલવ્ય અને બીજી બાળનાટિકાઓ (૧૯૫૫)
 • છોટુમોટુ (૧૯૬૬)
 • ઇતિહાસ બોલે છે (૧૯૬૬)
 • સોનાની કુહાડી (૧૯૭૦)
 • ચાલો, ચોર પકડીએ (૧૯૭૧)
 • ત્રણ વાંદરા (૧૯૭૪)
 • ઇતિહાસને પાને (૧૯૭૫)
 • પાંચ ટચુકડી (૧૯૭૫)

પ્રકીર્ણ[ફેરફાર કરો]

 • તખતો બોલે છે ભા ૧, ૨, (૧૯૭૮–૮૨) - જૂની રંગભૂમિનો ઇતિહાસ
 • બાળ રંગભૂમિ (૧૯૬૫)

અન્ય સાહિત્ય[ફેરફાર કરો]

 • ચરણરજ (એકાંકીસંગ્રહ -૧૯૫૫)
 • જેની જોતા વાટ (લઘુનવલકથા - ૧૯૭૯)
 • ચરિત્ર સંતદર્શન (જીવન ચરિત્રો - ૧૯૮૩)
 • સંતજીવનદર્શન (જીવન ચરિત્રો -૧૯૮૩)
 • પૃથ્વીવલ્લભનું રૂપાંતર (૧૯૬૨)
 • ચાકવર્તુળ (૧૯૭૪) બ્રેખ્તના નાટક કૉકેશિયન ચૉક સર્કલનો અનુવાદ
 • એક ઘરડો માણસ (૧૯૮૩) - મૅક્સિમ ગૉર્કીના નાટકનો અનુવાદ

સન્માન[ફેરફાર કરો]

તેમના પુસ્તક તખતો બોલે છે ભા. ૨ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે.[૧] તમના ઘરનો દીવો નાટકને ૧૯૭૬માં નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[૩] ૧૯૮૦માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલના હસ્તે તેમને ગુજરાત રાજ્ય સંગીત નાટક અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.[૧] તેમણે લખેલ ચિત્રપટ જેવી છું તેવીને ૧૯૬૩માં મધ્યસ્થ સરકારનું પ્રમાણપત્ર તથા ગુજરાત રાજ્ય તરફથી રૂપિયા ૫૦૦૦નું પ્રથમ પારિતોષિક મળ્યું હતું તથા ૧૯૭૦માં તેમના દ્વારા લખેલા બહુરૂપી નામના ચિત્રપટને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ઇનામ મળ્યું હતું.[૨] ૧૯૯૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માના હસ્તે તેમને ‘સંગીત નાટક’ અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.[૧] ૧૯૮૩ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના હસ્તે તેમને સોવિયેટ લૅન્ડ નેહરુ અવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. [૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "vasant maru in his weekly column kutchi corner writes about pragji dosa | કચ્છનું મુઠ્ઠીઊંચેરું સાહિત્ય રત્ન પ્રાગજી ડોસા". www.gujaratimidday.com. 2019-08-13. મેળવેલ 2021-09-30.
 2. ૨.૦ ૨.૧ "પ્રાગજી ડોસા, Pragji Dosa". ગુજરાતી પ્રતિભા પરિચય. 2007-02-20. મેળવેલ 2021-09-30.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "ડોસા, પ્રાગજી જમનાદાસ 'પરિમલ' – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-30.