લખાણ પર જાઓ

મધુ રાય

વિકિપીડિયામાંથી
(મધુસૂદન ઠાકર થી અહીં વાળેલું)
મધુ રાય
મધુ રાય, ૨૦૧૫માં.
મધુ રાય, ૨૦૧૫માં.
જન્મમધુસૂદન વલ્લભદાસ ઠાકર
(1942-07-16) July 16, 1942 (ઉંમર 82)
જામખંભાળિયા, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાયુ.એસ.એ.
શિક્ષણબી.એ., એમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થા
  • સ્કોટિશ ચર્ચ કોલેજ (૧૯૫૮-૧૯૬૦)
  • કલકત્તા યુનિવર્સિટી (૧૯૬૩)
જીવનસાથી
સુવર્ણા ભટ્ટ
(લ. 1974; છૂ. 1989)
સહી

મધુ રાય તરીકે જાણીતા મધુસૂદન વલ્લભદાસ ઠાકર (૧૬ જુલાઇ, ૧૯૪૨) એ ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર છે.

મધુ રાય, જુનાગઢ, ૨૦૧૬

તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દ્વારકામાં થયું. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. પૂર્ણ કરીને ૧૯૬૭માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.

  • નવલકથા
    • ચહેરા
    • કામિની
    • સભા
    • સાપબાજી
    • મુખસુખ
    • કલ્પતરુ
    • કિમ્બલ રેવન્સવુડ
  • વાર્તાસંગ્રહ
    • બાંશી નામની એક છોકરી (૧૯૬૪)
    • રૂપકથા (૧૯૭૨)
    • કાલસર્પ (૧૯૭૨)
    • મોરે પિયા ગયે રંગૂન
  • નિબંધસંગ્રહ
    • નીલે ગગન કે તલે
    • મન કી બીન
    • સેપિયા
    • દિલ કી ગલી
    • કેફિયત
  • નાટક
    • કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો
    • કુમારની અગાશી
    • આપણે ક્લબમાં મળ્યા હતા
    • પાનકોર નાકે જઈ
    • યોગેશ પટેલનું વેવિશાળ
    • ડૉ. શત્રુજિત દલાલનું મન
  • નાટક રુપાંતર
    • સંતુ રંગીલી
    • શરત
    • ખેલન્દો
    • ચાન્નસ
  • એકાંકીસંગ્રહ
    • અશ્વત્થામા
    • કાન્તા કહે
  • અનુવાદ
    • The Scarlet Letter
    • Heaven Knows Mr. Allison
    • The Light In the Forest

સન્માન

[ફેરફાર કરો]

સર્જન પરિચય

[ફેરફાર કરો]

પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યક્તિથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનોદ અને કપોલકલ્પિતનો વિનિયોગ પરિણામગામી છે.

ચહેરા (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને કૃતક મહોરાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. કિમ્બલ રેવન્સવુડ (૧૯૮૧) માં અમેરિકાની ધરતી પર જ્યોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી ક્પોલલ્પિતનાં તત્વો ગૂંથીને કરેલી રજૂઆત છે. ‘કલ્પતરુ’ (૧૯૮૭) એમની કૉમ્પ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. ‘કામિની’ (૧૯૭૦) એ ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮)નું, ‘સભા’ (૧૯૭૨) એ ‘કુમારની અગાશી’ (૧૯૭૫) નું અને ‘સાપબાજી’ (૧૯૭૩) એ ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાત્રોની ભાષાનું પોત જીવંત છે. ‘અશ્વત્થામા’ (૧૯૭૩) એમનો તખ્તાલાયક એકાંકીઓનો સંગ્રહ છે. એમાં એબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટ્યાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસો જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે.

આકંઠ (૧૯૭૪) માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તેવીસ નાટકોનું ચયન-સંપાદન છે. શૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’ નું ‘શરત’ તેમ જ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે.

બાંશી નામની એક છોકરી (૧૯૬૪): મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ વિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં પોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે.

રૂપકથા (૧૯૭૨): મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શૈલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. વાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં જન્મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નોમાં અવ્યાખ્યેય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વર્ણાવલંબિત નાદ પર વિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઊદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વમાં ‘કાચ સામે કાચ’ પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દોર પર રચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે.

ચહેરા (૧૯૬૬): નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલો બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો-ઊખડતો જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ થતા પ્રસંગોની શ્રેણી અને વિકસિત પાત્રોને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવતો પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાઓના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે.

કલ્પતરુ (૧૯૮૭): મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા. ગણતરીની સેકંડોમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શક્તિ ધરાવતા કમ્પ્યુટર દ્વારા ‘તેન ત્યકતેન ભૂજિથા:’ જેવો સહઅસ્તિત્વનો મંત્ર સાકાર કરવા માગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અદભુત અને અપૂર્વ યોજના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે. ૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ઘદ્રષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજ્જન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરણ કામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગો વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા કથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે.

કામિની (૧૯૭૦): પોતાના ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનું મધુ રાયે કરેલું નવલકથારૂપાન્તર. ચાર વિભાગ અને સાત પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે; અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર-આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે.

કુમારની અગાશી (૧૯૭૫): મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટ્યકૃતિ. એનું વસ્તુ અવૈધ જાતીય સંબંધને આલેખતું અરૂઢ છે. હર્ષદ-નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વેર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય છે, પરંતુ ભાભીની ચંચલવૃત્તિ જોઈ ચલિત થયેલો કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ અન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવો મર્મ ઉપસાવી શમતું આ નાટક, એનાં ધારદાર સંવાદો ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે નોંધપાત્ર છે.

અશ્વત્થામા (૧૯૭૩): મધુ રાયનો ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ. એમાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડાં ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ એમ કુલ પાંચ નાટ્ય- કૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને બૅકિટના નાટ્યલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ’ રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશક્તિ લેખકને સફળ નાટકકાર તરીકે સાબિત કરે છે. ‘ઝેરવું’ પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]