મરીઝ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અબ્બાસ વાસી
Gujarati poet Mareez.jpg
મરીઝનું રેખાચિત્ર
જન્મની વિગત ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ૧૯ ઓક્ટોબર ૧૯૮૩
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
રહેઠાણ મુંબઈ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ મરીઝ
નાગરીકતા ભારતીય
અભ્યાસ ધોરણ ૨ સુધી
વ્યવસાય પત્રકાર, પ્રકાશક, તંત્રી
વતન સુરત
ધર્મ દાઉદી વોરા
જીવનસાથી સોના
સંતાન પુત્ર – મોહસીન, પુત્રી- લૂલૂઆ
માતા-પિતા અબ્દુલઅલી વાસી, અમ્તુલ્લાબાઈ

મરીઝ ‍(જન્મનું નામ અબ્બાસ વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા.[૧] તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે.[૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહિ અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન જોવામાં સમય પસાર કરતા[૩]. વ્યવસાયે શિક્ષક એવા પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા, તેમને મુંબઈ પૈસા કમાવવા મોકલી દીધા હતા.[૪] તેઓએ મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત ૧૪ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ (ગુરુ) ગણાવતા હતા. ૧૯૮૩ની ૧૩મી ઓક્ટોબરે ઘરની બહાર જ રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડી આવતી રીક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યો. ૧૯ ઓક્ટોબરના રોજ તેમના મલ્ટીપલ ફ્રેક્ચરોની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફળ રહી હતી પરંતુ તુરંત જ તેમને હૃદયરોગનો હુમલો થયો જેમાં તેમનું અવસાન થયું હતું.[૩].

કારકિર્દી[ફેરફાર કરો]

મુંબઈમાં આવીને તેમણે રબરના બુટ બનાવતી ફેક્ટરી યુનિવર્સલ રબર વર્ક્સમાં નોકરીની શરૂઆત કરી. ટૂંકા વેતનમાં પણ તેમણે વાંચનનો શોખ ન છોડ્યો અને પોતાની આવકનો મોટો હિસ્સો ફક્ત પુસ્તકો પાછળ જ ખર્ચતા. આગળ જતા તેમણે 'વતન' અને 'માતૃભૂમિ'માં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું, પરંતુ આર્થિક ભીંસને કારણે તેમાં બરકત ન આવી. ૧૯૬૦માં દાઉદી વોરા કોમના મુખપત્ર 'ઈન્સાફ'નું તંત્રીપદ સ્વીકાર્યું.[૩] ૧૯૩૬માં આકાશવાણી મુંબઈ પરથી પ્રસારીત મુશાયરામાં ભાગ લીધો હતો.

સન્માન[ફેરફાર કરો]

૧૯૭૧ અને ૧૯૮૧ માં મુંબઈમાં બે જુદાજુદા પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિવાદ[ફેરફાર કરો]

કપરી આર્થિક સ્થિતિથી તંગ થઈને ૧૬ વર્ષની ઉમ્મરથી જ દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં પાંચ-દસ રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ ન કરી શકતા[૫]. ધર્મ-નિરપેક્ષ હોવા છતાં, પૈસા માટે મુસ્લીમ ધર્મગુરુઓ માટે ‘ઇન્સાફ’ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા.

૧૯૬૫માં એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર ૧૯૬૬માં દર્દ નામે ૧૨૫ પાનાંના પૂસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્યજગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.[૩]

સર્જન[ફેરફાર કરો]

એમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.[૪].

‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભાંગી પડેલા પ્રેમની વ્યથા વિશે, મિત્રો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા શેર આપ્યા છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં માર્મિક વાત કહી જાય છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચી કવિતાના સર્જક છે.[૪].

વધુ વાચન[ફેરફાર કરો]

  • રઇશ મણિયાર, મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • રમેશ પુરોહિત (૨૦૦૮). મરીઝની ગઝલ. નવભારત સાહિત્ય મંદિર. ISBN 978-81-8440-148-6. 
  • નિતિન વડગામા (૨૦૦૬). ગઝલ સર્જક મરીઝ. નવભારત સાહિત્ય મંદિર. 

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chandrakant Bakshi (૨૨ મે ૨૦૧૫). "ગુજરાતના વિરાટ ઉદ્યાનનું અભિન્ન અંગ દાઉદી ગુલશન". Khabarchhe.com. Retrieved ૭ જૂન ૨૦૧૫. 
  2. "કદમોથી પણ વિશેષ થકાવટ હતી 'મરીઝ' મંઝિલ ઉપરથી પાછા ફરેલી નિગાહમાં (છપ્પનવખારી)". સંદેશ. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૫. Retrieved ૭ જૂન ૨૦૧૫. 
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Mohsin Abbas Vasi. "Life Sketch of Mareez the Poet". Retrieved ૪ ફેબ્રુઆરી ૨૦૧૩. 
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ગુજરાતી સાહિત્ય પરિષદ. "સવિશેષ પરિચય:મરીઝ". Retrieved ૪ ફેબ્રુઆરી ૨૦૧૩. 
  5. રઇશ મનીઆર. મરીઝ- અસ્તિત્વ અને વ્યક્તિત્વ.