લખાણ પર જાઓ

રઈશ મનીઆર

વિકિપીડિયામાંથી
રઈશ મનીઆર
રઈશ મનીઆર, ૨૦૧૭માં.
રઈશ મનીઆર, ૨૦૧૭માં.
જન્મરઇશ મનીઆર
(1966-08-19) August 19, 1966 (ઉંમર 57)
કિલ્લા પારડી, વલસાડ જિલ્લો
વ્યવસાયકવિ, અનુવાદક, નાટ્યલેખક, કટારલેખક, સંચાલક, પટકથા લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
 • શબ્દ મારા સ્વભાવમાં જ નથી (૧૯૯૮)
 • ગઝલનું છંદોવિધાન (૨૦૦૭)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
અમી પટેલ (લ. 1989)
સહી

રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. વ્યવસાયે તેઓ તબીબ છે. એમના મુખ્ય ગઝલસંગ્રહોમાં કાફિયાનગર (૧૯૮૯), શબ્દ મારા સ્વભાવમાં જ નથી (૧૯૯૮) અને આમ લખવું કરાવે અલખની સફર (૨૦૧૨)નો સમાવેશ થાય છે. ગઝલનું શાસ્ત્ર શીખનારાઓ માટે એમણે બે પુસ્તકો લખ્યા છે; ગઝલ: રૂપ અને રંગ અને ગઝલનું છંદોવિધાન. ઈંડિયન નેશનલ થિયેટરે એમને ૨૦૦૧માં શયદા એવોર્ડ અને ૨૦૧૬માં કલાપી એવોર્ડથી સન્માનિત કર્યા છે અને નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ સુવર્ણ ચંદ્રક તેઓ મેળવી ચૂક્યા છે.[૧]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

રઈશ મનીઆરનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. એમના પિતાજી શાળામાં આચાર્ય હતા. પિતાજીની નોકરીનું સ્થળ બદલાતું રહેતું હોવાથી પ્રાથમિક શાળાનો અભ્યાસ એમણે ભરુચ જિલ્લાની આછોદ કુમારશાળા, આમોદ મોટી અને નાની કુમાર શાળા, અને આમોદ ચામડિયા પ્રાઈમરી સ્કૂલમાં લીધું. માધ્યમિક અભ્યાસ વતન ખાતે કિલ્લા પારડીની ડી. સી. ઓ. સ્કૂલ ખાતે કર્યો. એમનો હાયર સેકંડરી અભ્યાસ સુરતની સેંટ ઝેવિયર્સ શાળામાં સમ્પન્ન થયો. શાળાકાળમાં જ એમની કાવ્યસર્જનની પ્રતિભા શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. અગિયાર વર્ષની ઉમરે ૧૯૭૭ના માર્ચ મહિનામાં એમણે પ્રથમ કવિતા લખી હતી. એમની પ્રથમ કવિતા ૧૯૮૧માં ગુજરાત સમાચારના આનંદમેળો વિભાગમાં પ્રકાશિત થઈ હતી. રઈશ મનીઆરને બાળપણમાં શિક્ષક બનવાની મહેચ્છા હતી. પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સંજોગોને અનુસરીને એમણે સુરત મેડીકલ કોલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી જ એમણે એમ.બી.બી.એસ (૧૯૮૮) અને એમ.ડી. પિડિયાટ્રીક્સ (૧૯૯૨)નો અભ્યાસ સમ્પન્ન કર્યો.[૨]

૧૯૯૦માં એમણે સહાધ્યાયી ડો. અમી પટેલ સાથે લગ્ન કર્યા. તેઓ અત્યારે સુરત રહે છે. યુગલ તરીકે તેઓએ સ્વૈચ્છિક રીતે નિસંતાન રહેવાનું પસંદ કર્યું છે.[૩]

કારકિર્દી

[ફેરફાર કરો]

રઈશ મનીઆરનો પ્રથમ કાવ્યસંગ્રહ કાફિયાનગર એમના એમ.બી.બી.એસ. ના અભ્યાસ દરમિયાન લખાયો હતો.[૪] એમનો બીજો કાવ્યસંગ્રહ શબ્દ મારા સ્વભાવમાં જ નથી (૧૯૯૮) પ્રગટ થયો, એ પછી એમને પોતાની સર્જકતાનો વ્યાપ વિસ્તારવો શરૂ કર્યો અને એક સાથે ચાર-પાંચ દિશામાં ખેડાણ કર્યું. બાળમનોવિજ્ઞાનના ત્રણ પુસ્તકો, ચાર ઉર્દુ ગઝલકારોની કવિતાના છંદ જાળવીને (સમશ્લોકી) પદ્યાનુવાદ, નાટ્યલેખન અને હાસ્યલેખન તેમજ સાહિત્ય અને સંગીતના કાર્યક્રમોનું મંચ સંચાલન શરૂ કર્યું. ૨૦૦૭ સુધી પિડિયાટ્રીશ્યન તરીકે અમી ચિલ્ડ્રન હોસ્પીટલ ચલાવ્યા બાદ, પોતાનું કાર્યક્ષેત્ર બાળમનોવિજ્ઞાન પર કેંદ્રિત કર્યું. ૨૦૦૭થી લઈ ૨૦૧૩ સુધી એમણે અંતરંગ ચાઈલ્ડ ડેવલપમેંટ ક્લીનીક ચલાવ્યું. સાથે સાથે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સેમીનાર અને વર્કશોપ કર્યા. ૨૦૧૩ બાદ સાહિત્યક્ષેત્રમાં સક્રિયતા વધતાં એમણે તબીબ તરીકેની પ્રેક્ટીસને તિલાંજલિ આપી, અને સંપૂર્ણ સમય લેખનને આપવાનો નિર્ણય લીધો. વર્ષ ૨૦૦૪માં એમને પારિવારિક ધોરણે અમેરિકાનો ગ્રીનકાર્ડ મળ્યું હતું. પરંતુ ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં કાર્યરત રહેવાની એકમાત્ર ઈચ્છાને કારણે એમણે ગ્રીન કાર્ડ જતું કર્યું હતું. જો કે એ પછી એમણે અમેરિકાના દસેક પ્રવાસ દ્વારા અમેરિકામાં ગુજરાતી રસિકો માટે અનેક કાર્યક્રમો કર્યા છે. એ સિવાય એમણે યુ. કે. તેમજ દુબઈ અને મસ્કતના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. ગીત લેખક તરીકે અર્બન ગુજરાતી ફિલ્મોમાં ટ્રેંડ સેટર ગણાતી ફિલ્મ કેવી રીતે જઈશ (૨૦૧૨) ફિલ્મથી ગીત લેખક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલા માટે એમણે એક પાશ્વ ગીત, થઈ દોડ દોડ ગલી વાટ મોડ, લખ્યું છે. આ સિવાય આ તો પ્રેમ છે, વિશ્વાસઘાત, પોલંપોલ, મુસાફિર, વિટામીન શી અને જે પણ કહીશ તે સાચું કહીશ જેવી ફિલ્મો માટે એમણે આશરે ૬૦ જેટલા ગુજરાતી ગીતો લખ્યાં છે. હાલ તેઓ નવગુજરાત સમયમાં બુધવારે અને શનિવારે તેમજ સંદેશની રવિપૂર્તિમાં કટાર લખે છે.[૩]

એમના ગઝલસંગ્રહોમાં કાફિયાનગર (૧૯૮૯), શબ્દ મારા સ્વભાવમાં જ નથી (૧૯૯૮) અને આમ લખવું કરાવે અલખની સફર (૨૦૧૨) મુખ્ય છે. ગઝલવિષયક અન્ય પુસ્તકોમાં ગુજરાતી કવિ મરીઝ વિશેનું મરીઝ -અસ્તિત્વ અને વ્યક્તિત્વ (૨૦૦૧) અને ચુનંદા ઉર્દૂ શાયરીનો ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક માહોલ મુશાયરાનો (૨૦૦૧) ખૂબ આવકાર પામ્યા છે. નવોદિતો ગઝલ લખતાં શીખી શકે એ માટેનાં ગઝલના સ્વરૂપ વિશેનાં બે પુસ્તકો ગઝલ: રૂપ અને રંગ (૨૦૦૬) અને ગઝલનું છંદોવિધાન (૨૦૦૭) એમણે લખ્યાં, જેમાંથી પહેલું ગુજરાત યુનિવર્સિટીમાં સંદર્ભ પુસ્તક તરીકે સ્થાન પામ્યું અને બીજા પુસ્તકમાં ગઝલના છંદો વિશેનું કેટલુંક મૌલિક સંશોધન સમાવિષ્ટ છે જે તમામ ઉત્તર ભારતીય ભાષાઓને લાગુ પાડી શકાય એમ છે. ગઝલના છંદો પરના પ્રભુત્વ અને ઉર્દુ ભાષાની જાણકારી આ બે પ્રતિભાના સમન્વયથી એમણે ચાર પદ્યાનુવાદો આપ્યા છે; કૈફી આઝમી- કેટલાંક કાવ્યો (૨૦૦૨), જાવેદ અખ્તર - તરકશ (૨૦૦૫), સાહિર લુધ્યાનવી- આવો કે સ્વપ્ન વણીએ કોઇ (૨૦૦૬), ગુલઝાર - બંધ કાચની પેલે પાર (૨૦૧૧). વર્ષો સુધી પદ્યમાં કામ કર્યા પછી એમણે ગદ્યમાં હાસ્ય સાહિત્ય લખવાની શરુઆત કરી. એમના હાસ્યલેખોનો સંગ્રહ જલેબી જેવી જિંદગી (૨૦૧૬) પ્રગટ થયો. એમની ઘણી હાસ્યકવિતાઓ બહુ પ્રસિદ્ધ છે. ૨૦૧૭માં એમની પ્રથમ નવલકથા લવ યૂ લાવણ્યા પ્રકાશિત થઈ. બાળઉછેર, પેરેટિંગ અને બાળમનોવિજ્ઞાનનાં એમનાં પુસ્તકોમાં બાળઉછેરની બારાખડી (૧૯૯૯), તમે અને તમારું નીરોગી બાળક (૨૦૦૩) અને આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ (૨૦૦૫) વગેરેનો સમાવેશ થાય છે. એમનાં સફળ નાટકોમાં અંતિમ અપરાધ, એક અનોખો કરાર અને લવ યૂ જિંદગી ચિત્રલેખા સ્પર્ધામાં વિજેતા થયેલા નાટકો છે. એમના બે અન્ય નાટકો એન વી જાલન અમર છે (૨૦૧૨) અને સાત સમંદર સહુની અંદર (૨૦૧૭) માટે તેઓને સુરત મહાનગર પાલિકાની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા માટે બેસ્ટ રાઈટરનો એવોર્ડ એનાયત થયો હતો.[૩][૨][૫]

સન્માન

[ફેરફાર કરો]
 • ૧૯૯૯ - ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી બાળઉછેરની બારાખડી માટે બી એન માંકડ પુરસ્કાર
 • ૨૦૦૧ - આઈ એન ટી તરફથી યુવા ગઝલકારને અપાતો શયદા એવોર્ડ
 • ૨૦૧૨ - ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘ગુલઝાર’ના અનુવાદો માટે પારિતોષિક
 • ૨૦૧૨ - આમ લખવું કરાવે અલખની સફર માટે નર્મદ ચંદ્રક
 • ૨૦૧૬ - આઈ એન ટી તરફથી સિનિયર ગઝલકારને અપાતો કલાપી એવોર્ડ
 • ૨૦૧૩, ૨૦૧૫ - બેસ્ટ સ્ક્રીપ્ટ રાઈટર ચિત્રલેખા નાટ્યસ્પર્ધા
 • ૨૦૧૨, ૨૦૧૭ - બેસ્ટ સ્ક્રીપ્ટ રાઈટર સંજીવકુમાર નાટ્યસ્પર્ધા
 • રઈશ મનીઆર નર્મદ ચંદ્રક અને કલાપી એવોર્ડ મેળવનાર તમામ સાહિત્યકારોમાં સૌથી યુવા સાહિત્યકાર છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
 1. "Surti poet's background song in Ram-Leela makes waves". The Times of India. ૧૭ નવેમ્બર ૨૦૧૩. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૬.
 2. ૨.૦ ૨.૧ "GL Goshthi, List Of The Wellknown Person Interviewed". Gujaratilexicon.com. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૬.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Shukla, Kirit (૨૦૧૩). ગુજરાતી સાહિત્યકાર કોશ. અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૪૮૩. ISBN 9789383317028.
 4. મનીઆર, રઈશ (૧૯૮૯). કાફિયાનગર. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી.
 5. "Ghalib of Gujarat". MG: Indian Muslims Leading Newspaper. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૮.