લખાણ પર જાઓ

રતુદાન રોહડિયા

વિકિપીડિયામાંથી
રતુદાન રોહડિયા
જન્મરતુદાન બાણીદાન રોહડિયા
૧૯ ડિસેમ્બર ૧૯૨૮
સુમરી, ગુજરાત
મૃત્યુ૧૭ ફેબ્રઆરી ૨૦૦૮
રાજકોટ
ઉપનામદેવહંસ
વ્યવસાયનવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને સાહિત્ય સંશોધક
રાષ્ટ્રીયતાભારતીય
વિષયચારણી સાહિત્ય
નોંધપાત્ર સર્જનોચારણી સાહિત્યની હસ્તપ્રતો

રતુદાન બાણીદાન રોહડિયા (૧૧ સપ્ટેમ્બર ૧૯૩૭ - ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૮) એ એક નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને સાહિત્યના વિવિધ પ્રકારના અભ્યાસી હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ચારણી સાહિત્યની હસ્તપ્રતો એકત્ર કરવાના કાર્ય માટે જાણીતા હતા. તેમણે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવ્યો હતો.

તેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૩૭ના દિવસે જામનગર જિલ્લાના સુમરી ગામે થયો હતો. તેઓ બાળપણથી જ મૂક–બધિર હતા.[][] તેમણે બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. એમની ચારણી સાહિત્ય પ્રત્યેનો લગાવ જોઈ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના આધ્ય કુલપતિ ડોલરરાય માંકડ તેમને રાજકોટ લઇ આવ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ચારણી સાહિત્યની હસ્તપ્રતો એકત્ર કરવાની જવાબદારી સોંપી.[] આગળ જતા તેમણે ચારણી સાહિત્યની હસ્તપ્રતો એકઠી કરી. આ કાર્ય માટે તેમણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં શોધ ચલાવી હતી. ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય સાથે તેમણે જૈન સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. ૧૯૬૯-૭૦ અને ૧૯૯૬-૯૭ દરમ્યાન તેમણે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં હસ્તપ્રત-નિરીક્ષક તરીકે સેવા આપી હતી.[]

સાહિત્ય રચના

[ફેરફાર કરો]

'દેવહંસ' એ ઉપનામથી તેઓ સાહિત્યકૃતિઓ રચતા. તેમણે ચારણી સાહિત્યની લગભગ ૧૨૦૦૦થી વધુ હસ્તપ્રતો એકત્ર કરી હતી આ કૃતિઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાખવામાં આવી છે. તેમણે ૧૨૫૦ જેટલા લેખો અને અનેક માસિકો તથા અખબારોમાં કટારો લખી છે. તેમના ૩૦થી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેમણે જીવનકથા, વાર્તાસંગ્રહ, સંતસાહિત્ય, નવલકથા, ચારણી સાહિત્યનાં સંશોધનપૂર્ણ સંપાદનો જેવા સાહિત્ય પ્રકારો રચ્યા છે. ‘દેવીપુત્ર’ અને ‘રત્નાકર’ના સામાયિકોના તંત્રીપદે અને ‘હિંદી ચારણવાણી’ના સહસંપાદક તરીકે તેમણે કાર્ય કર્યું હતું.[]

પ્રકીર્ણ

[ફેરફાર કરો]
  • ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૫)
  • વિપ્ર વોળાવળ (૧૯૮૯)
  • લીંબડીની ઝમાળ
  • સભાપર્વ (૧૯૯૮)
  • ચારણી સાહિત્ય: આપણો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો (૧૯૮૨)
  • નાગદમણ (૧૯૮૬)
  • ચંદ્રલેખા ચોપાઈ (જૈન સાહિત્ય - ૧૯૮૮ )

અન્ય સાહિત્ય

[ફેરફાર કરો]
  • લાખેણી (લોકકથાસંગ્રહ - ૧૯૯૧)
  • જોબન જુદ્ધે ચડે (નવલકથા - ૧૯૯૩)
  • વહીવંચા બારોટ: પરિચય અને પ્રદાન (બારોટી સાહિત્ય - ૧૯૯૮)
  • જગદંબા જેતબાઈ (જીવનકથા)
  • રતન સવાયાં (વાર્તાસંગ્રહ)
  • અમૃતવાણી (સંતસાહિત્ય)

સન્માન

[ફેરફાર કરો]

તેમને દુલા કાગ ઍવૉર્ડ (૧૯૮૭), ‘રાજકોટ રત્ન’ ઍવૉર્ડ (૨૦૦૦) તથા લોકકલાક્ષેત્રે તેમના યોગદાન બદલ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી ૧૯૯૯–૨૦૦૦ના વર્ષનો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[]

તેમના ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૫), વિપ્ર વોળાવળ (૧૯૮૯), લીંબડીની ઝમાળ અને સભાપર્વ (૧૯૯૮) નામક ગ્રંથોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે.[]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના હસ્તપ્રત ભંડાર સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "ચારણી હસ્તપ્રત ભંડાર સાથે રતુદાન રોહડિયાનું નામ જોડાયું - દિવ્ય ભસ્કર". મેળવેલ 2021-10-01.
  2. GujLit, ગુજરાતી લિટરેચર !. "ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ (અભ્યાસ અને સંશોધન) / રતુદાન રોહડિયા". GujLit (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-01.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "રોહડિયા, રતુદાન બાણીદાન, 'દેવહંસ' – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-01.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]