લખાણ પર જાઓ

વાયોલેટ આલ્વા

વિકિપીડિયામાંથી
વાયોલેટ હરિ આલ્વા
૨૦૦૮ની ભારતીય ટપાલ ટિકિટ પર આલ્વા દંપતિ
દ્વિતીય રાજ્યસભાના ઉપસભાપતિ
પદ પર
૧૯ એપ્રિલ ૧૯૬૨ – ૧૬ નવેમ્બર ૧૯૬૯
પુરોગામીએસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ
અનુગામીબી.ડી. ખોબ્રાગડે
સાંસદ, રાજ્યસભા
પદ પર
૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૦
બેઠકકર્ણાટક
અંગત વિગતો
જન્મ
વાયોલેટ હરિ

(1908-04-24)24 April 1908
અમદાવાદ, બૉમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન ગુજરાત, ભારત)
મૃત્યુ20 November 1969(1969-11-20) (ઉંમર 61)
નવી દિલ્હી, ભારત
મૃત્યુનું કારણસેરેબ્રલ હેમરેજ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી
જોઆચિમ આલ્વા (લ. 1937)
વ્યવસાય
  • વકીલ
  • પત્રકાર
  • રાજકારણી
આ માટે જાણીતારાજ્યસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ

વાયોલેટ હરિ આલ્વા (૨૪ એપ્રિલ ૧૯૦૮ – ૨૦ નવેમ્બર ૧૯૬૯) એક ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)ના સભ્ય હતા.[][][] તેઓ ભારતની ઉચ્ચ અદાલતના પ્રથમ મહિલા વકીલ અને રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

આલ્વાનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૦૮ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ તેમના માતા-પિતાના નવ બાળકોમાં આઠમા ક્રમે હતા. વાયોલેટના પિતા, રેવરેન્ડ લક્ષ્મણ હરિ, ચર્ચ ઓફ ઇંગ્લેંડના પ્રથમ ભારતીય પાદરીઓમાંના એક હતા. જ્યારે તેઓ સોળ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા બંનેને ગુમાવ્યાં હતાં. તેમનાં મોટાં ભાઈ-બહેનોએ બોમ્બેના ક્લેર રોડ કોન્વેન્ટમાં મેટ્રિક્યુલેશન થયું ત્યાં સુધી તેમનું શિક્ષણ પૂરું પાડ્યું હતું. તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બે અને ગવર્મેન્ટ લો કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. એ પછી થોડા સમય માટે તેઓ મુંબઈની ઇન્ડિયન વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર રહ્યાં હતાં.

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૪૪માં, તેઓ ભારતના પ્રથમ મહિલા એડવોકેટ હતા, જેમણે હાઇકોર્ટની સંપૂર્ણ બેંચ સમક્ષ કેસની દલીલ કરી હતી. ૧૯૪૪માં આલ્વાએ મહિલા મેગેઝિન બેગમની શરૂઆત કરી હતી, જેનું નામ પાછળથી બદલીને ઈન્ડિયન વુમન કરવામાં આવ્યું હતું. ૧૯૪૬થી ૧૯૪૭ સુધી તેમણે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપી હતી. ૧૯૪૭માં, આલ્વાએ મુંબઈમાં માનદ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી હતી; અને ૧૯૪૮થી ૧૯૫૪ સુધી તેમણે જુવેનાઈલ કોર્ટના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ યંગ વિમેન્સ ક્રિશ્ચિયન એસોસિયેશન, બિઝનેસ એન્ડ પ્રોફેશનલ વિમેન્સ એસોસિયેશન અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ વિમેન લોયર્સ જેવી અસંખ્ય સામાજિક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. તેઓ ૧૯૫૨માં અખિલ ભારતીય અખબારના સંપાદકોની પરિષદની સ્થાયી સમિતિમાં ચૂંટાયેલા પ્રથમ મહિલા પણ હતા.[]

૧૯૫૨માં, આલ્વા ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા, જ્યાં તેમણે કુટુંબ નિયોજન, સંશોધન અને સંરક્ષણ વ્યૂહરચનાને આધીન પ્રાણીઓના અધિકારો, ખાસ કરીને નૌકાદળના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે સરકારને વિદેશી મૂડી અને ભાષાકીય રાજ્યોને ટેકો આપતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપી હતી.[] ૧૯૫૭માં બીજી ભારતીય સામાન્ય ચૂંટણી બાદ તેઓ ગૃહ રાજ્ય કક્ષાના નાયબ મંત્રી બન્યા હતા.

૧૯૬૨માં આલ્વા રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા હતા અને આ રીતે તેઓ ઇતિહાસમાં રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા બન્યા. તેમણે રાજ્યસભામાં સતત બે ટર્મ સુધી સેવા આપી હતી. તેમનો પ્રથમ કાર્યકાળ ૧૯ એપ્રિલ ૧૯૬૨ના રોજ શરૂ થયો હતો અને ૨ એપ્રિલ ૧૯૬૬ સુધી ચાલ્યો હતો. તેમનો બીજો કાર્યકાળ ૭ એપ્રિલ ૧૯૬૬ના રોજ ઉપસભાપતિની ચૂંટણી સાથે શરૂ થયો હતો અને ૧૬ નવેમ્બર ૧૯૬૯ સુધી તેઓ આ પદ પર રહ્યા હતા.[][]

૧૯૬૯માં, ઈન્દિરા ગાંધીએ તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ટેકો આપવાનો ઇનકાર કર્યા બાદ આલ્વાએ રાજીનામું આપી દીધું હતું.

અંગત જીવન

[ફેરફાર કરો]

૧૯૩૭માં વાયોલેટ હરિએ રાજકારણી, વકીલ, પત્રકાર અને બાદમાં સ્વાતંત્ર્ય સેનાની અને સંસદસભ્ય જોઆચિમ આલ્વા સાથે લગ્ન કર્યા હતા.[] આ દંપતીએ સાથે મળીને કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આલ્વાને સંતાનોમાં બે પુત્રો નિરંજન અને ચિત્તરંજન તથા એક પુત્રી માયા હતા. નિરંજન આલ્વાએ સાંસદ તથા રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ માર્ગારેટ આલ્વા સાથે લગ્ન કર્યા હતા.[] ૧૯૪૩માં બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા વાયોલેટ આલ્વાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પોતાના પાંચ મહિનાના પુત્ર ચિત્તરંજનને આર્થર રોડ જેલમાં પોતાની સાથે જેલમાં લઈ ગયા હતા.

મૃત્યુ અને વારસો

[ફેરફાર કરો]

રાજ્યસભાના ડેપ્યુટી ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યાના પાંચ દિવસ બાદ ૨૦ નવેમ્બર, ૧૯૬૯ના રોજ સવારે ૭:૪૫ વાગ્યે (ભારતીય સમયાનુસાર) નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સેરેબ્રલ હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું.[] આલ્વાના મૃત્યુ બાદ, સંસદના બંને ગૃહો તેણીના માનમાં તે દિવસે ટૂંકા ગાળા માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તેમને "રાષ્ટ્રીય હેતુ માટે મિલનસાર અને સમર્પિત કાર્યકર તરીકે વર્ણવ્યાં હતાં, જેમણે મહિલાઓને અનુસરવા માટે એક પથ તૈયાર કર્યો હતો." તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે આલ્વાના કાર્યકાળમાં તેઓ કાર્યવાહી હાથ ધરતી વખતે સૌમ્ય પરંતુ મક્કમ હતા. રાજ્યસભાના અધ્યક્ષ ગોપાલ સ્વરૂપ પાઠકે ભારત છોડો આંદોલનમાં આલ્વાની ભાગીદારીને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાની પાછળ "ગૌરવ અને નિષ્પક્ષતાની પરંપરા" છોડી ગયા છે. અટલ બિહારી વાજપેયી, જેઓ તે સમયે ભારતીય જનસંઘના નેતા હતા, તેમણે યાદ કર્યું કે તેઓ આંદોલન દરમિયાન તેમના પાંચ મહિનાના બાળકને જેલમાં લઈ ગયા હતા અને તેમને લાગ્યું હતું કે આઈએનસી દ્વારા તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી. એરા સેઝિયાન, એ. કે. ગોપાલન અને નિર્મલચંદ્ર ચેટર્જી જેવા રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ આલ્વાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સાદગીભર્યું જીવન જીવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.[]

જોઆચિમ અને વાયોલેટ આલ્વા ભારતીય ઇતિહાસમાં પ્રથમ સંસદસભ્ય દંપતી હતા. ૨૦૦૭માં સંસદમાં તેમના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.[] વાયોલેટની જન્મ શતાબ્દીના વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા આ દંપતીની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Violet Alva dead". The Indian Express. 20 November 1969. પૃષ્ઠ 1, 6.
  2. "Former Deputy Chairmen of the Rajya Sabha". Rajya Sabha Official website.
  3. ૩.૦ ૩.૧ "Violet Alva". veethi.com. મેળવેલ 19 August 2017.
  4. ૪.૦ ૪.૧ "StreeShakti – The Parallel Force". www.streeshakti.com. મેળવેલ 19 August 2017.
  5. ૫.૦ ૫.૧ "Rajya Sabha Members Biographical Sketches 1952 – 2003 :A" (PDF). Rajya Sabha website.
  6. ૬.૦ ૬.૧ "Biographical Sketches of Deputy Chairmen Rajya Sabha" (PDF). Rajya Sabha website.
  7. ૭.૦ ૭.૧ "Smt. Margaret Alva,: Bio-sketch". Parliament of India website.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]