લખાણ પર જાઓ

સંચળ

વિકિપીડિયામાંથી

સંચળ ભારત દેશમાં બનતું, અને વિવિધ ભારતીય વાનગીઓ બનાવવામાં વપરાશમાં લેવાતો એક જાતનો મસાલો છે જેને ખાદ્ય લવણ અથવા મીઠું અથવા નમકની શ્રેણીમાં મુકી શકાય. સંચળનો ઉપયોગ ચાટ, ચટણી, રાઈતું અને બીજાં પણ ઘણાં ભારતીય વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. ભારતીય ચાટ મસાલા, એની સુગંધ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર રહે છે.

સંચળના સ્ફટીક


બનાવવાની રીત

[ફેરફાર કરો]

વાસ્તવિકતામાં સંચળ એક ખનીજ છે, જે રીતે સિંધવ ખડક રૂપે મળી આવે છે, તે જ રીતે સંચળ પણ ખડક રૂપે મળી આવે છે.

Kala Namak


હિંદી અને અંગ્રેજી વિકિપીડિયામાં વર્ણવ્યા મુજબઃ સંચળ બનાવવા માટે ખારા પાણીમાં હરડેનાં બી નાંખીને તેને ઉકાળવામાં આવે છે. ઉકાળીને બધુજ પાણી ઉડાડી દેતાં ફક્ત ક્ષાર (મીઠા)નાં સ્ફટિક અવશેષ રૂપે રહે છે, આ ક્ષાર ગટ્ઠા સ્વરૂપે ઘેરા મરૂણ રંગનું હોવાથી ક્યારેક કાળું હોવાનો ભાસ થાય છે, માટે હિંદીમાં તેને કાલા નમક (काला नमक) કહે છે, અને હિંદી પરથી પડેલું તેનું અંગ્રેજી નામ છે, Black Salt. જ્યારે આ ગાંગડાને વાટવામાં કે દળવામાં આવે તો પરિણામ રૂપે મળતો ભુકો (પાવડર) ગુલબાશ પડતા રંગનો હોય છે.[]

રાસાયણીક દ્રષ્ટિએ જેમ મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ, તે રીતે સંચળ એટલે સોડિયમ સલ્ફાઇડ અને માટે જ સંચળની જે વાસ છે તે મુખ્યત્વે સલ્ફર (ગંધક) જેવી છે, સંચળમાં આ ઉપરાંત અન્ય ખનીજ તત્વો પણ હોય છે. સોડિયમ થાયોસલ્ફેટનાં ઔદ્યોગિક ઉત્પાદન દરમ્યાન આડ પેદાશ રૂપે પણ સંચળ મળે છે.

સંચળને આયુર્વેદમાં ઠંડી પ્રકૃતીનું માનવામાં આવે છે તથા તેનો ઉપયોગ રેચક અને પાચન સહાયક દ્રવ્ય તરિકે કરવામાં આવે છે. અપચા અને પેટનાં દુખાવામાં વપરાતાં ઔષધ 'ભાસ્કર લવણ'માં પણ સંચળ એક ઘટક તરિકે રહેલું હોય છે.[] માથામાં કફ ભરાયો હોય અને તાવ આવતો હોય ત્યારે માથામાં રહેલા કફને બહાર કાઢવા માટે, લીંબુનો રસ, આદુનો રસ, સિંધવ અને સંચળને શેકીને તેને છીંકણીની જેમ સુંઘવાની સલાહ આપવામાં આવે છે.[]. આ ઉપરાંત કરમીયા માટે પણ અન્ય ઔષધો, જેવાંકે, ઈન્દ્રજવ, ત્રિફળા, ઇલાયચી, લવિંગ વિગેરેની સાથે સંચળનો પણ ઉપયોગ થાય છે.[]

વિદેશમાં અને હવે તો ભારતમાં પણ, શાકાહારીઓ થી અલાયદો એક સમુદાય વિગન (Vegan), કે જેઓ કોઈ પણ પ્રાણીજન્ય પદાર્થ (દૂધ, મધ, વિગેરે પણ) ખાતા નથી, તેઓને સંચળની વાસ ઇંડા જેવી લાગે છે, અને માટે ખોરાકમાં વગર ઇંડા ઉમેર્યે, ઇંડા જેવો સ્વાદ કે સુગંધ મેળવવા માટે તેઓ સંચળનો ઉપયોગ કરતા થયા છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-18.
  2. નાડકર્ણી, કે.એમ. ઈંડિયન મટેરિયા મેડિકા. પૃષ્ઠ ૯૬૮.
  3. નાડકર્ણી, કે.એમ. ઈંડિયન મટેરિયા મેડિકા. પૃષ્ઠ ૩૪૪.
  4. નાડકર્ણી, કે.એમ. ઈંડિયન મટેરિયા મેડિકા. પૃષ્ઠ ૬૪૭.