સત્રીયા નૃત્ય

વિકિપીડિયામાંથી
પ્રાકૃત ઓરા, ૬૪ માટી અખોરા કે મૂળ સત્રીયા ચાલમાંની એક.

સત્રીયા કે સત્રીયા નૃત્ય (આસામીઝ: সত্ৰীয়া নৃত্য) ભારતના આઠ મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંની એક નૃત્ય શૈલિ છે. અન્ય શાસ્સ્ત્રીય નૃત્યોમાં ચડતી પડતી અને પુનર્જીવનના દોર આવ્યાં પણ સત્રીયા નૃત્ય તેના જનક, આસામના વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવાના સમયથી (૧૫મી સદી) જ એક જીવંત કળા રહી છે.[૧]

સંકરદેવાએ સત્રીયા નૃત્યની રચના અંકીય નાટ તરીકે ઓળખાતા આસામી એક-અભિનય નાટકના પૂરક તરીકે કરી. આ કળાને પ્રાય: સત્ર તરીકે ઓળખાતા આસામી મઠમાં પ્રદર્શિત કરાતી. આ પરંપરા સત્રમાં વિકસી અને ફૂલી ફાલી, માટે આ નૃત્યને પણ સત્રીયા નૃત્ય તારીકે ઓળખવામાં આવ્યું.[૨] આજે પણ ભલે સત્રીયા નૃત્ય સત્રની બંધ દીવાલોમાંથી બહાર નીકળી બહુ મોટા ફલક પર પ્રસ્તુતિ પામ્યું હોય, પણ હજુ તેને ધાર્મિક વિધી અએ ક્રિયાઓમાં કે જેમાટે તે ૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું તે જ રીતે તેનો ઉપયોગ થાય છે.

નૃત્ય[ફેરફાર કરો]

સત્રીયા નૃત્યનું હાર્દ મોટેભાગે પુરાણ કથાઓ જ હોય છે. પુરાણ કથાઓ અને તેમાં રહેલ જ્ઞાન લોકોને સરળ, મનોરંજક, તાત્કાલિક અને રોચક શૈલિમાં સમજાવવાનું આ એક ઉત્તમ માધ્યમ હતું. પારંપરિક રીતે સત્રીયા માત્ર ભોકોત (ભોક્ત કે ભક્ત - પુરુષ સાધુઓ) દ્વારા જ મઠમાં અમુક ખાસ ઉત્સવોએ રજૂ કરાતું. આજે, સત્રીયા નૃત્ય મંચ પર સત્ર સિવાયના સ્ત્રી અને પુરુષ કલાકારો દ્વારા પણ રજૂ કરવામાં આવે છે અને તેમાં પૌરાણિક કથાઓ સિવાયના અન્ય વિષયો પણ આવરી લેવાય છે.

સત્રીયા નૃત્યની ઘણી શૈલિઓ છે: અપ્સરા નૃત્ય, બેહર નૃત્ય, ચાલી નૃત્ય, દશાવતાર નૃત્ય, મન્ચોક નૃત્ય, નટુઆ નૃત્ય, રાસ નૃત્ય, રાજઘરીયા ચાલી નૃત્ય, ગોસાઈ પ્રબેશ, બાર પ્રબેશ, ગોપી પ્રબેશ, ઝમુરા, નાડુ ભાંગી અને સૂત્રધારા તેમાંની અમુક છે. સત્રીયા નૃત્ય પણ, નાટ્યશાસ્ત્ર, અભિનય દર્પણ, અને સંગીત રત્નાકરની જેમ નિરૂપણ ગ્રંથ અને નાટ્યકલા જેવાં શાસ્ત્રીય નૃત્યનાં આવશ્યક સિદ્ધાંતો ધરાવે છે. જેમકે વિશિષ્ટ નાટ્યશાળા (માર્ગ), અને નૃત્ત (શુદ્ધ નૃત્ય), નૃત્ય (ભાવ નૃત્ય) તથા નાટ્ય (અભિનય)નાં વિવિધ પાસાઓ સત્રીયા નૃત્યનાં અભિન્ન અંગો છે.

સત્રીયા નૃત્યને બોરગીત તરીકે ઓળખાતી સંગીત રચના પર ભજવવામાં આવે છે જેમાંની અમુક રચનાઓ સંકરદેવાએ પણ કરી હતી. આ રચનાઓ રાગ પર આધારિત હોય છે. આ નૃત્યમાં વપરાતા વાદ્યો છે ખોલ (ઢોલ), તાલ (મંજીરા) અને વાંસળી. અન્ય વાદ્યો જેવાકે વાયોલીન અને હારમોનિયમ હાલમાં ઉમેરાયા છે. તેમના વસ્ત્રો મોટે ભાગે પટ કે આસામ પટ તરીકે ઓળખાતા રેશમમાંથી બનેલાં હોય છે, જેના પર કલાત્મક ગૂંથણ હોય છે. સ્વાભાવિક રીતે જ આ નૃત્યના આભૂષણો પણ પારંપરિક આસામી ઢબના હોય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સત્રીયા નૃત્ય આસામના સત્રોની ચાર દીવાલોમાંથી નીકળીને બહાર આવ્યું. તે મઠમાંથી નીકળીને મહાનગરોમાં આવ્યું. સત્રો દ્વારા કઠોર શિસ્ત અને સંયમનું પાલન કરવામાં આવતું હતું, જેને કારણે ૧૯મી સદીનાં પૂર્વાર્ધ દરમ્યાન આ નૃત્યને ઉચ્ચ ધાર્મિક ક્રિયાકાંડ તરિકે માત્ર મઠના પુરુષ નર્તકો દ્વારા જ ભજવવામાં આવતું. પારંપરિક રુઢિગતતા, અમુક સિદ્ધાંતો પ્રત્યેનું સખત વળગણ અને અકાદમીક શંશોધન ન થવાને કારણે આ નૃત્ય એક શાસ્ત્રીય નૃત્ય તરીકે ખૂબ મોડે મોડે લોકોની નજરમાં આવ્યું અને તેને ખૂબ મોડે મોડે શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા મળી. ૧૫મી નવેમ્બર ૨૦૦૦ના રોજ સંગીત નાટક અકાદમીએ આ નૃત્યને ભારતના આઠમાં શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા આપી.

ભારતીય શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા ન મળવા અને કોઈ સંથાનો આધાર ન હોવા છતાં પણ આ નૃત્યએ સદીઓ સુધી પોતાની આગવી શૈલિ, પરંપરા અને સૂક્ષ્મતાઓ જાળવી રાખી છે. સત્રીય નૃત્યની તેમની મઠ પરંપરાને વળગી રહેવાનો એક ફાયદો એ થયો કે તેનું મૂળ તત્વ, વિશિષ્ટ શૈલિ અકબંધ રહ્યાં. હવે આ નૃત્ય શૈલિએ આસામના સત્રોનાં પાવક સંગમાંથી નીકળીને વિશ્વનાં લૌકિક રંગમંચ તરફનો પ્રવાસ આરંભ્યો છે ત્યારે તેની લાક્ષણિકતાઓનું મુલ્યાંકન કરવાનો સમય પાકી રહ્યો છે.

References[ફેરફાર કરો]

ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |