સરલાબહેન

વિકિપીડિયામાંથી
સરલાબહેન

સરલાબહેન (જન્મ: કેથરિન મેરી હીલમેન ; ૫ એપ્રિલ ૧૯૦૧ – ૮ જુલાઇ ૧૯૮૨) એક અંગ્રેજ ગાંધીવાદી સામાજિક કાર્યકર હતા જેમણે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રના હિમાલયના જંગલોના પર્યાવરણીય વિનાશ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી હતી. તેમણે ચીપકો આંદોલનના ક્રમિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભારતના ચંડી પ્રસાદ ભટ્ટ, વિમળાબહેન અને સુંદરલાલ બહુગુણા સહિતના ઘણા ગાંધીવાદી પર્યાવરણવિદોને પ્રભાવિત કર્યા હતા. તેઓ મીરાંબહેન સાથે મહાત્મા ગાંધીની બે અંગ્રેજ પુત્રીઓ તરીકે ઓળખાય છે. બન્ને મહિલાઓની અનુક્રમે ગરવાલ અને કુમાઉ ખાતેની કામગીરીએ સ્વતંત્ર ભારતમાં પર્યાવરણીય અધોગતિ અને સંરક્ષણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.[૧][૨][૩][૪]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

કેથરિન મેરી હીલમેનનો જન્મ ૧૯૦૧માં પશ્ચિમ લંડનના શેફર્ડ બુશ વિસ્તારમાં જર્મન-સ્વિસ પિતા અને અંગ્રેજી માતાને ત્યાં થયો હતો. પિતાની પૃષ્ઠભૂમિના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને નજરકેદ કરવામાં આવ્યા તથા કેથરીન અને તેના પરિવારે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો. તેમને શાળામાંથી શિષ્યવૃત્તિથી વંચિત કરી દેવામાં આવ્યા આથી શાળા અભ્યાસ વહેલો છૂટી ગયો. તેમણે થોડા સમય માટે ક્લાર્ક તરીકે કામ કર્યું, તેમના પરિવાર અને ઘરને છોડીને તેઓ ૧૯૨૦ના દાયકામાં મન્નાડીમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં આવ્યા, જેમણે તેમને ગાંધી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ વિશે પરિચય આપ્યો. આનાથી પ્રેરાઇને તેઓ જાન્યુઆરી ૧૯૩૨માં ઈંગ્લેન્ડથી ભારત માટે રવાના થયાં અને ફરી ક્યારેય પાછા ન ફર્યા. [૫][૬]

ગાંધીજી સાથે[ફેરફાર કરો]

વર્ધાના સેવાગ્રામ ખાતે ગાંધીજીના આશ્રમમાં આઠ વર્ષ સુધી રહ્યા તે પહેલાં તેમણે ઉદયપુરની એક શાળામાં થોડા સમય માટે કામ કર્યું. અહીં તેઓ ગાંધીજીના નવી તાલીમ (બુનિયાદી શિક્ષણ)ના વિચારમાં ઊંડો રસ લેતા અને સેવાગ્રામમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા હતા. ગાંધીજીએ જ તેમને સરલાબહેન નામ આપ્યું હતુ.[૧][૭][૮] તાપમાન અને મલેરિયાથી ત્રસ્ત થઈને તેમણે ગાંધીજીની અનુમતિથી ૧૯૪૦માં સંયુક્ત પ્રાંતના અલ્મોડા જિલ્લાના કોસાની ખાતે સ્વાસ્થ્યવર્ધક વાતાવરણમાં ચાલ્યા ગયા. અહીં તેમણે પોતાનું ઘર બનાવ્યું, આશ્રમ સ્થાપ્યો તથા કુમાઉની પર્વતીય વિસ્તારની મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કર્યું. [૯]

કુમાઉમાં સરલાબહેન પોતાને ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે જોડવાનું ચાલુ રાખ્યું. ૧૯૪૨માં, ગાંધીની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ભારત છોડો આંદોલનના જવાબમાં તેમણે કુમાઉ જિલ્લામાં આંદોલનને સંગઠિત કરવાની જવાબદારી ઉપાડી આગેવાની લીધી. રાજકીય કેદીઓના પરિવારો સુધી પહોંચવા માટે તેમણે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પ્રવાસ કર્યો. આ બદલ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. નજરકેદના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે બે વાર જેલવાસ ભોગવ્યો અને લગભગ બે વર્ષ સુધી અલ્મોડા અને લખનૌ જેલમાં સમય વિતાવ્યો.[૫][૧૦]

સક્રિયતા[ફેરફાર કરો]

સરલા બેહનને પર્યાવરણીય કાર્યકર તરીકેની તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. તેમણે ચીપકો આંદોલનને આકાર આપવામાં અને આગેવાનીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઉપરાંત તેઓ આચાર્ય વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળની ગાંધીવાદી ચળવળ સાથે પણ સંકળાયેલા હતા. ૧૯૬૦ના દાયકાના અંતમાં બિહારમાં ભૂદાન આંદોલન દરમિયાન વિનોબા સાથે અને ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં જય પ્રકાશ નારાયણ અને ચંબલ નદીની ખીણમાં આત્મસમર્પણ કરનારા ડાકુઓના પરિવાર સાથે પણ કામ કર્યું હતું.[૫][૬]

પર્યાવરણીય કાર્યકર તરીકેની સરલા બહેનની ભૂમિકા મહત્ત્વની હતી. તેમણે મીરાંબહેન સાથે મળીને હિમાલય ક્ષેત્રમાં પર્યાવરણીય કટોકટીનો ચિતાર રજૂ કર્યો. કાર્યકર્તા વંદના શિવની નોંધ મુજબ, "હિમાલયના જંગલોના પર્યાવરણીય દૃષ્ટિકોણની દાર્શનિક અને કાલ્પનિક અભિવ્યક્તિ મીરાંબહેન અને સુંદરલાલ બહુગુણા દ્વારા કરવામાં આવી જ્યારે જન-આંદોલનને મહિલાઓના આંદોલન તરીકે પરિવર્તીત કરવા માટે સંગઠનાત્મક પાયો સરલા બહેન દ્વારા મૂકાયો.[૧૧]

સરલા બહેનના માર્ગદર્શન હેઠળ ૧૯૬૧માં ઉત્તરાખંડ સર્વોદય મંડળની સ્થાપના કરવામાં આવી. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સંગઠિત કરવી, દારૂબંધી લાગુ કરવી, વન આધારિત લઘુ ઉદ્યોગોની સ્થાપના તેમજ જંગલ અધિકારો માટે લડત ચલાવવી વગેરે હતા. ૧૯૬૦ના દશકમાં સંગઠન અને તેના સભ્યોએ સક્રિય રીતે આ દિશામાં કાર્ય કર્યું. સ્ટોકહોમ સંમેલનના ઉપલક્ષમાં તેમણે ચીપકો આંદોલન શરૂ કર્યું. વનોના વ્યાવસાયિકરણના વિરોધમાં લડત ચલાવી રહેલા કાર્યકરોની બ્રિટીશ અધિકારીઓ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.[૧૨][૧૩] ચીપકો શબ્દ (જેનો અર્થ થાય છે ગળે મળવું) આંદોલન સાથે પછીથી જોડાયો જ્યારે ગામલોકોએ ઝાડને કપાતાં અટકાવવા માટે ઝાડ ફરતે હાથ વીંટાળી વિરોધ કરવાનો નિર્ણય કર્યો અને ઘનશ્યામ સેલાનીના લોક ગીતો દ્વારા આ નામ લોકપ્રિય થયું. ૧૯૭૭માં સરલા બહેને કાર્યકર્તાઓને સંગઠિત કરવાનું તથા પાઇન વૃક્ષોના લાકડા અને રાળના અત્યાધિક દોહનનો પ્રતિરોધ દર્શાવી ચીપકો આંદોલને મજબૂત કરવામાં મદદ કરી.[૪][૧૪]

સરલાબહેન એક પ્રખ્યાત લેખક હતા, તેમણે સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણના મુદ્દાઓ પર હિન્દી અને અંગ્રેજીમાં ૨૨ પુસ્તકો લખ્યા છે. જેમાં રિવાઈવિંગ અવર ડાઇંગ પ્લેનેટ અને અ બ્લ્યુ પ્રિન્ટ ઓફ સર્વાઇવલ ઓફ ધ હિલ્સ તેમના મહત્ત્વના પુસ્તકો છે.[૧][૮][૧૫] તેમની આત્મકથાનું નામ અ લાઇફ ઇન ટુ વર્લ્ડ્સ : ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધીઝ ઇંગ્લીશ ડિસીપ્લીન છે.[૧૬]

અવસાન[ફેરફાર કરો]

૧૯૭૫માં સરલા બહેન પિઠોરાગઢ જિલ્લાના ધર્મઘર સ્થિત એક ઝૂંપડીમાં ચાલ્યા ગયા જ્યાં તેઓ જુલાઈ, ૧૯૮૨માં તેમના મૃત્યુ સુધી રહ્યા. લક્ષ્મી આશ્રમમાં હિંદુ વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[૧૭][૧૮][૧૯] તેમના પ્રદાન બદલ જમનાલાલ બજાજ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Sarala Behn remembered". The Tribune. 5 April 2012. મેળવેલ 29 May 2013.
  2. "Indian Women Freedom Fighters" (PDF). Bhavan Australia (7.2): 15. ઓગસ્ટ 2009. મૂળ (PDF) માંથી 21 જુલાઇ 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 મે 2013.
  3. Katz, Eric (2000). Beneath the surface: critical essays in the philosophy of deep ecology. Massachusetts Institute of Technology. પૃષ્ઠ 251. ISBN 9780262611497.
  4. ૪.૦ ૪.૧ Shiva, Vandana. "THE EVOLUTION, STRUCTURE, AND IMPACT OF THE CHIPKO MOVEMENT" (PDF). Ecospirit. II (4). મેળવેલ 29 May 2013.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "SARALA BEHN". મૂળ માંથી 29 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2013. Check date values in: |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "Sushri Sarala Devi" (PDF). Jamnalal Bajaj Foundation. મેળવેલ 7 June 2013.
  7. Behn means sister in Hindi. It is usual to call women that way in India.
  8. ૮.૦ ૮.૧ Dash, Siddhartha (August 2010). "Role of Women in India's Struggle For Freedom" (PDF). Orissa Review: 76. મેળવેલ 29 May 2013.
  9. Ganesh, Kamala (2005). Culture and the Making of Identity in Contemporary India. New Delhi: Sage Publications. પૃષ્ઠ 149. ISBN 9780761933076.
  10. "A WOMAN OF COURAGE (ENGLISH VIII - STANDARD)". Government of Tamil Nadu. મેળવેલ 29 May 2013.
  11. Shiva, Vandana (1989). Staying Alive: Women, Ecology and Development. New Delhi: Kali for Women. પૃષ્ઠ 71. ISBN 0862328233.
  12. Haberman, David (2006). River of love in an age of pollution: the Yamuna River of northern India. University of California Press. પૃષ્ઠ 69. ISBN 0520247892.
  13. Bahuguna, Sunderlal (જાન્યુઆરી–ફેબ્રુઆરી 1988). "CHIPKO: THE PEOPLE'S MOVEMENT WITH A HOPE FOR THE SURVIVAL OF HUMANKIND" (PDF). IFDA Dossier (63): 6. મૂળ (PDF) માંથી 2 જુલાઇ 2009 પર સંગ્રહિત. મેળવેલ 29 મે 2013.
  14. "4 The chipko movement". United Nations University. મેળવેલ 29 May 2013.
  15. Shukla, Surinder K. "FORESTS FOR THE PEOPLE: HEGEMONY OF GOVERNANCE". FAO. મેળવેલ 29 May 2013.
  16. "A Life in Two Worlds: Autobiography of Mahatma Gandhi's English Disciple [paperback]". મેળવેલ 29 May 2013.
  17. "NEWS FROM LAKSHMI ASHRAM" (PDF). Samachar (113): 7–12. November 2011. મેળવેલ 29 May 2013.
  18. "1979 : Outstanding Contribution in Constructive Work". Jamnalal Bajaj Foundation. મેળવેલ 7 June 2013.
  19. Shukla, A K (2007). Women Chief Ministers in Contemporary India. New Delhi: A P H Publishers. પૃષ્ઠ 17. ISBN 8131301516.