લખાણ પર જાઓ

અમરીશ પુરી

વિકિપીડિયામાંથી
અમરીશ પુરી
ધ હિરો : લવ સ્ટોરી ઓફ સ્પાયના પ્રિમિયરમાં અમરીશ પુરી
જન્મની વિગત(1932-06-22)22 June 1932
નવાંશહર, પંજાબ, ભારત
મૃત્યુ12 January 2005(2005-01-12) (ઉંમર 72)
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો૧૯૬૭–૨૦૦૫
જીવનસાથી
ઉર્મિલા દીવેકર (લ. 1957–2005)
સંતાનો૨ (પુત્ર: રાજીવ પુરી; પુત્રી: નમ્રતા)
સંબંધીઓમદનપુરી (ભાઈ),
કે. એલ. સહેગલ (પિતરાઈ)

અમરીશ પુરી (આખું નામ: અમરીશ લાલ પુરી) (૨૨ જૂન ૧૯૩૨–૧૨ જાન્યુઆરી ૨૦૦૫[]) એ ભારતીય રંગમંચ અને ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા. તેમણે અનેક હિંદી ચલચિત્રોમાં તેમજ અન્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ખલનાયક તેમજ ચરિત્ર અભિનેતા તરીકે જોરદાર અભિનય કરી પ્રશંસા મેળવી હતી. તેમણે સત્યદેવ દુબે અને ગિરિશ કર્નાડ જેવા ઉલ્લેખનીય નાટ્યકારો સાથે કામ કર્યું છે. ભારતીય દર્શકો તેમને શેખર કપૂરની હિંદી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (૧૯૮૭)માં મોગેમ્બોની ભૂમિકા માટે ખૂબ જ પસંદ કરે છે. પશ્ચિમી દર્શકો તેમને સ્ટીવન સ્પીલ્સબર્ગની હોલિવુડ ફિલ્મ ઈન્ડિયાના જૉન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ (૧૯૮૪)માં તેમણે કરેલા અભિનય માટે યાદ કરે છે. અમરીશ પુરીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે બે ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

એમનો જન્મ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યમાં આવેલા નવાંશહર ખાતે ૨૨ જૂન, ૧૯૩૨ના દિવસે થયો હતો.[] તેમને ચાર ભાઈ-બહેન હતાં. સૌથે મોટા ચમન પુરી અને મદન પુરી, બંને અભિનેતાઓ હતા, આ ઉપરાંત એક મોટી બહેન ચંદ્રકાન્તા અને નાનો ભાઈ હરીશ પુરી હતાં. તેઓ અભિનેતા અને ગાયક એ.કે.સહેગલના પિતરાઈ ભાઈ હતા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

અમરીશ પુરીએ ૧૯૬૭ થી ૨૦૦૫ દરમિયાન ૪૫૦થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને હિંદી ફિલ્મોના સૌથી સફળ ખલનાયકો પૈકીના એક હતા. તેઓ પોતાના ભાઈઓના પગલે ફિલ્મોમાં કારકિર્દી બનાવવાના હેતુથી મુંબઈ આવી ગયા હતા. તેઓ પોતાના પહેલા સ્ક્રીન ટેસ્ટમાં નિષ્ફળ ગયા અને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નોકરીએ જોડાયા. આ જ અરસામાં તેમણે પૃથ્વી થીએટરમાં સત્યદેવ દુબે લિખિત નાટકોમાં અભિનય શરૂ કર્યો. પરિણામે તેઓ રંગમંચના કલાકાર તરીકે જાણીતા બન્યા અને ૧૯૭૯માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર જીત્યો.[] રંગમંચની આ સફળતા તેમણે ટેલિવિઝનની જાહેરખબરો સુધી પહોંચાડવામાં સફળ રહી અને ૪૦ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો.

તેમણે હિંદી ફિલ્મો ઉપરાંત કન્નડા, મરાઠી, હોલીવુડ, પંજાબી, મલયાલમ અને તેલેગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો. જોકે તેઓ ક્ષેત્રીય ફિલ્મોમાં પણ સફળ રહ્યાં હતા પરંતુ મુખ્યત્ત્વે તેઓ હિંદી ફિલ્મોમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે.૧૯૭૦ના દશકના મધ્ય સુધી તેઓ ખલનાયકના સહાયક તરીકેના પાત્રોમાં જોવા મળતા હતા. પરંતુ ૧૯૮૦માં આવેલી સુપર હીટ ફિલ્મ હમ પાંચમાં તેઓએ મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવ્યા બાદ અન્ય ફિલ્મોમાં પણ મુખ્ય ખલનાયકના પાત્રો મળવા લાગ્યા. ૧૯૮૨માં દિગ્દર્શક સુભાષ ઘાઈની સુપર હીટ ફિલ્મ વિધાતામાં તેમણે જગવર ચૌધરીની ભુમિકા ભજવી. આ જ વર્ષે દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ શક્તિ (૧૯૮૨)માં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવી.

૧૯૮૩માં ફરી એક વાર સુભાષ ઘાઈએ તેમની સુપર હીટ ફિલ્મ હિરો (૧૯૮૩)માં મુખ્ય ખલનાયક પાશાની ભૂમિકા ભજવી. ત્યારબાદ પુરી નિયમિત રૂપથી ઘાઈની ફિલ્મોનો હિસ્સો બનતા રહ્યાં. કરડો ચહેરો, તંદુરસ્ત શરીર સૌષ્ઠવ અને બુલંદ અવાજ ધરાવતા અમરીશ પુરીએ ૧૯૮૦ અને ’૯૦ના દશકમાં ખલનાયક તરીકે સર્વોચ્ચ મુકામ પ્રાપ્ત કર્યો. તે સમયની ભાગ્યે જ કોઈ ફિલ્મ હશે જેમાં તેમણે વિલનની ભૂમિકા ન ભજવી હોય.

આંતરરાષ્ટ્રીય દર્શકો પુરીને રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં "ખાન" તરીકે તથા સ્ટીવન્ સ્પીલબર્ગ્સની ફિલ્મ "ઈન્ડિયાના જૉન્સ"માં તેમણે ભજવેલા મુખ્ય વિરોધી પાત્ર મોલા રામ તરીકે ઓળખે છે. એ ભૂમિકા માટે તેમણે માથે મુંડન કરાવ્યું અને ત્યારબાદ હંમેશ માટે એ જ દેખાવ શૈલી અપનાવી લીધી. તેમના મુંડન કરેલા મસ્તકને કારણે તેઓ ખલનાયક તરીકેના પાત્રોમાં વધુ ઉપસી આવ્યા. જાણીતા હોલીવુડ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ્સ અમરીશ પુરી વિશે કહે છે કે, "અમરીશ મારો પસંદીદો ખલનાયક છે , એનાથી ઉત્તમ ખલનાયક ના આ પૃથ્વી પર થયો છે ના થશે."[]

ખલનાયક તરીકેની તેમની વિવિધ ભૂમિકાઓમાં મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં મોગેમ્બો, વિધાતામાં જગાવર, મેરી જંગમાં ઠકરાલ, ત્રિદેવમાં ભુજંગ, દામિનીમાં બેરિસ્ટર ચડ્ડા અને કરન-અર્જુનમાં ઠાકુર દુર્જન સિંહ વગેરે યાદગાર છે.

૧૯૯૦ થી તેમના મૃત્યુ સુધી (૨૦૦૫) તેઓ ઘણી ફિલ્મોમાં સકારાત્મક સહાયક ભૂમિકાઓમાં જોવા મળ્યા. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, વિરાસત, પરદેશ, ઘાતક, ચાઈનાગેટ વગેરે ફિલ્મોમાં તેમણે નોંધપાત્ર સકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. મેરી જંગ અને વિરાસત ફિલ્મમાં ભજવેલી તેમની ભૂમિકાઓ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

અમરીશ પુરી લોહીના કેન્સરથી પીડાતા હતા. તેમના અસ્થિ મજ્જામાં રહેલા લોહીના અપરિપક્વ કણો તંદુરસ્ત રક્તકોષોમાં રૂપાંતરિત થઈ શકતા ન હતા. આથી તેમને ૨૭ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમના મગજની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમના મસ્તિષ્ક ક્ષેત્રમાંથી વધારાના લોહીને સતત ખેંચી કાઢવાની જરૂરિયાત ઉભી થતાં તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા. ૧૨ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ૭:૩૦ વાગ્યે તેમનું અવસાન થયું હતું.[]તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે તેમના નિવાસ પર લાવવામાં આવ્યું હતું. ૧૩ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ શિવાજી પાર્ક સ્મશાનમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]

વિજેતા

[ફેરફાર કરો]
  • ૧૯૬૮: મહારાષ્ટ્ર રાજ્ય નાટક
  • ૧૯૭૯: સંગીત નાટક અકાદમી (રંગમંચ પરના યોગદાન માટે)
  • ૧૯૮૬: શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવોર્ડ – મેરી જંગ
  • ૧૯૯૧: મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કાર – ઘાતક
  • ૧૯૯૭: શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ – ઘાતક
  • ૧૯૯૮: શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવોર્ડ – વિરાસત
  • ૧૯૯૮: શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ – વિરાસત

નામાંકન

[ફેરફાર કરો]
  • ૧૯૯૦: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – ત્રિદેવ
  • ૧૯૯૨: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – સૌદાગર
  • ૧૯૯૩: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – તહલકા
  • ૧૯૯૩: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – મુસ્કુરાહટ
  • ૧૯૯૪: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – દામિની
  • ૧૯૯૪: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – ગર્દિશ
  • ૧૯૯૬: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – કરણ અર્જુન
  • ૧૯૯૬: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
  • ૧૯૯૯: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – કોયલા
  • ૨૦૦૦: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – બાદશાહ
  • ૨૦૦૨: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – ગદર એક પ્રેમકથા
  • ૨૦૦૨: ઝી સિને ઍવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ઇન્ નેગેટિવ રોલ – ગદર એક પ્રેમકથા

અમરીશ પુરી અભિનિત ચલચિત્રો

[ફેરફાર કરો]
  • સોને કે સાથ, પ્રથમ ચલચિત્ર
  • નિશાન્ત
  • કાદુ (કન્નડ ચલચિત્ર)
  • અલીબાબા મરજીના
  • ઈમાન ધરમ
  • દોસ્તાના
  • આક્રોશ
  • હમ પાંચ
  • હીરો
  • મિ. ઈન્ડીયા

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Amrish Puri is Dead". January 12, 2005. મૂળ માંથી 9 July 2013 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  2. "Mogambo Amrish Puri lives on: A tribute". Hindustan Times. 11 January 2010. મેળવેલ 11 May 2016. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. K. L. Saigal: The Definitive Biography. Penguin UK. મેળવેલ 17 October 2016. {{cite book}}: Check date values in: |access-date= (મદદ)
  4. "Amrish Puri- A tribute". www.gatewayforindia.com.
  5. "'Mogambo' Amrish Puri's Birth Anniversary". Yahoo Movies. 22 June 2012. મૂળ માંથી 25 June 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 May 2013. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. "The Tribune, Chandigarh, India - Main News". Tribuneindia.com. મેળવેલ 2019-06-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  7. "Film Villain Amrish Puri Dies". The Washington Post. 13 January 2008. મેળવેલ 14 January 2013. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]