અસાયેની લડાઈ

વિકિપીડિયામાંથી

Coordinates: 20°14′10″N 75°53′13″E / 20.236°N 75.887°E / 20.236; 75.887

અસાયેની લડાઈ
બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ નો ભાગ
તિથિ ૨૩ સપ્ટેમ્બર ૧૮૦૩
સ્થાન અસાયે, ભારત
પરિણામ અંગ્રેજોનો વિજય
યોદ્ધા
અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની મરાઠા સામ્રાજ્ય
સેનાનાયક
આર્થર વેલેસ્લી એંન્થોની પોહ્લમાન
શક્તિ/ક્ષમતા
૯,૫૦૦ (જેમાં બે અંગ્રેજ પાયદળ રેજિમેન્ટ અને એક અશ્વદળ રેજિમેન્ટનો સમાવેશ થાય છે)
૧૭ તોપ
૧૦,૮૦૦ યુરોપી તાલીમ મેળવેલ ભારતીય પાયદળ
૧૦,૦૦૦-૨૦,૦૦૦ સ્થાનિય તાલીમ વિનાનું પાયદળ
૩૦,૦૦૦-૪૦,૦૦૦ સ્થાનિય તાલીમ વિનાનું અશ્વદળ
૧૦૦ કરતાં વધુ તોપ
મૃત્યુ અને હાની
કુલ ૧,૬૦૨
૪૨૮ મૃત્યુ[૧]
૧,૧૫૬ ઘાયલ[૧]
૧૮ ગુમ[૧]
૬,૦૦૦ મૃત્યુ અથવા ઘાયલ.
૯૮ તોપોનો નાશ

અસાયેની લડાઈબીજું આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ મોટી લડાઈ હતી.[૨] તે ૨૩ સપ્ટેમ્બર ૧૮૦૩ ના રોજ પશ્ચિમ ભારતના અસાયે ગામ નજીક લડવામાં આવી હતી જેમાં આર્થર વેલેસ્લીના (જે પાછળથી ડ્યુક ઑફ વેલિંગ્ટન બન્યા) નેતૃત્વ હેઠળ સંખ્યાબળની દૃષ્ટિએ નબળા ભારતીયો અને અંગ્રેજો વડે બનેલા સૈન્યએ દૌલત સિંધિયા અને બેરારના રાજાના નેતૃત્વ હેઠળના સંયુક્ત મરાઠા સૈન્યને હાર આપી હતી. આ લડાઈ ડ્યુક ઑફ વેલિંગ્ટનનો પ્રથમ મોટો વિજય હતો જેને તેમણે પાછળથી યુદ્ધમેદાન પરની તેમની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ ગણાવી.

ઓગષ્ટ ૧૮૦૩થી જ વેલેસ્લીનું સૈન્ય અને કર્નલ જેમ્સ સ્ટિવનસનનું અન્ય સૈન્ય અશ્વદળ ધરાવતા મરાઠા સૈન્યનો પીછો કરી રહ્યા હતા જે દક્ષિણમાં હૈદરાબાદ તરફ હુમલો કરવા નેમ ધરાવતું હતું. કેટલાક અઠવાડિયાંના પીછા બાદ અંગ્રેજો પાસે આવતાં સિંધિયાએ આ સૈન્યને પોતાના આધુનિક યુરોપી તાલીમ ધરાવતા પાયદળ અને તોપખાના વડે સુદૃઢ બનાવ્યું.

૨૧ સપ્ટેમ્બરના રોજ વેલેસ્લીને મરાઠા સૈન્યની છાવણીના સ્થળ વિશે ગુપ્ત સૂચના મળતાં તેણે છાવણીના સ્થળ પર બે અંગ્રેજ સૈન્યો ત્રણ દિવસ બાદ ભેગાં થાય એવી યોજના બનાવી. પરંતુ જર્મન મૂળના ભૂતપૂર્વ અંગ્રેજ અધિકારી કર્નલ એન્થોની પોહ્લમાનના નેતૃત્વ હેઠળનું મરાઠા સૈન્ય વેલેસ્લીની ધારણ કરતાં આશરે ૧૦ કિમી વધુ દક્ષિણે સામનો કરતું મળ્યું. વેલેસ્લીએ અંદાજ બાંધ્યો કે મરાઠા સૈન્ય તુરંત તે સ્થળથી કૂચ કરશે અને તે માટે તુરંત હુમલો કરવા નિર્ધાર કર્યો. ત્યારબાદ લડાઈમાં બંન્ને પક્ષે મોટા પ્રમાણમાં ખુવારી થઈ; મરાઠી તોપખાનાંએ અંગ્રેજ સૈન્યમાં મોટાપાયે જાનહાનિ સર્જિ પરંતુ મરાઠી અશ્વદળ અસરકારક પુરવાર ન થયું. સંગીન અને અશ્વદળ વડે કરાયેલ વારંવારના હુમલાઓને કારણે મરાઠા સૈન્યએ મોટી સંખ્યામાં તોપો ગુમાવી અને તેને પીછેહઠ કરવા ફરજ પડી. પરંતુ, વેલેસ્લીનું સૈન્ય મોટી ખુવારી વેઠી અને ભારે થાકના કારણે પીછો ન કરી શક્યું.

અસાયે ખાતે વેલેસ્લીના વિજય પહેલાં અંગ્રેજોએ અહમદનગર કબ્જે કર્યું અને ત્યારબાદ અડગાંવ અને ગવળીઘુર ખાતે લડાઈઓમાં વિજય મેળવ્યો જેમાં સિંધિયા અને બેરારનાં સૈન્યોને શિકસ્ત મળી. વેલેસ્લીના ડેક્કનમાં વિજયોને સમતોલ પ્રદર્શન ઉત્તર ભારતમાં લેફ્ટનન્ટ જનરલ લેકના સૈન્યએ કર્યું અને તેને કારણે ભારતમાં અંગ્રેજો પ્રમુખ સત્તાકેન્દ્ર બન્યા.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

૧૭૯૮-૧૮૦૫ દરમિયાન ભારતના ગવર્નર જનરલ લોર્ડ મોર્નિંગટન

૧૯મી સદીની શરુઆતે મરાઠા સામ્રાજ્યના બે પ્રમુખ સત્તાકેન્દ્રો યશવંતરાવ હોલકર અને દૌલત રાવ સિંધિયા વચ્ચેનો ઝઘડો ગૃહયુદ્ધમાં પરિણમ્યો.[૩] આ યુદ્ધ ઓક્ટોબર ૧૮૦૨માં પુનાની લડાઈમાં પરિણમ્યું જેમાં હોલકરે સિંધિયા અને પેશવા બાજી રાવ બીજાના સંયુક્ત સૈન્યને હાર આપી. સિંધિયા ઉત્તરમાં તેમના વર્ચસ્વ ધરાવતા પ્રદેશમાં પીછેહઠ કરવામાં સફળ રહ્યા પરંતુ પેશવા બાજી રાવને તેમના વિસ્તારમાંથી હાંકી કઢાયા અને તેમણે વસઈ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે આશ્રય લીધો. તેમણે કંપની પાસે સહાય માંગી અને જો તેઓ પુના ખાતે સત્તા પરત મેળવવામાં સફળ થાય તો કંપનીનું આધિપત્ય સ્વીકારવા સહમતી આપી.[૪] અંગ્રેજ ભારતના તત્કાલીન મહાત્વાકાંક્ષી ગવર્નર જનરલ લોર્ડ મોર્નિંગટને આ તકનો લાભ તેમના મતે ભારતમાં અંગ્રેજ સત્તા માટે આખરી પડકાર એવા મરાઠા સામ્રાજ્યમાં કંપનીનો પ્રભાવ પ્રસારવા માટે લીધો.[૫] ડિસેમ્બર ૧૮૦૨માં કંપનીએ બાજી રાવ સાથે વસઈની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને પુના ખાતે કંપનીના ૬,૦૦૦ સૈનિકોની કાયમી છાવણી અને તેની વિદેશનીતિ પર સંપૂર્ણ નિયંત્રણના બદલામાં બાજી રાવને પુના ખાતે સત્તારુઢ કરવા સહમતી આપી.[૬] સત્તા પરના આ પુનઃસ્થાપનની જવાબદારી લોર્ડ મોર્નિંગટનના નાના ભાઈ મેજર જનરલ આર્થર વેલેસ્લીને અપાઈ અને તેમણે મૈસૂર ખાતેથી કંપનીના ૧૫,૦૦૦ સૈનિકો અને હૈદરાબાદના મિત્ર રાજ્યના ૯,૦૦૦ સૈનિકો સાથે પુના તરફ કુચ કરી. ૨૦ એપ્રિલના રોજ વેલેસ્લી પુનામાં વિના વિરોધે પ્રવેશ્યા અને બાજી રાવને ૧૩ મેના રોજ સત્તા પર પુનઃસ્થાપિત કર્યા.[૭][૮]

આ સંધિ અન્ય મરાઠા સરદારોને અપમાનજનક લાગી અને તેમના મતે અંગ્રેજ આધિપત્ય સામ્રાજ્યના મામલાઓમાં બિનજરુરી હસ્તક્ષેપ હતો અને તે મરાઠા રાજ્યોની સ્વતંત્રતા માટે ઘાતક હતી. મરાઠા સરદારો પેશ્વાના આધિપત્યને સ્વીકારવા મના કરી અને હોલકરે હૈદરાબાદના નિઝામ ઉધાર ન ચૂકવતા હોવાનો આરોપ લગાવી તેના વિસ્તારમાં હુમલો કર્યો તેને કારણે તણાવમાં વધારો થયો.[૯] મોર્નિંગટને ત્યારબાદ તમામ મરાઠા સરદારો સાથે વાટાઘાટની શરુઆત કરી. લેફ્ટનન્ટ કર્નલ જ્હોન કોલીન્સને સિંધિયા પાસે તેમના વિરોધો વિશે ચર્ચા કરવા અને રક્ષણાત્મક જોડાણ કરવા મોકલવામાં આવ્યા.[૧૦] પરંતુ, સિંધિયાએ બેરારના રાજા સાથે અંગ્રેજો વિરુદ્ધ સૈન્ય જોડાણ કરી અને તમામ મરાઠા સરદારોને તેમાં જોડવા મનસૂબો બનાવ્યો અને નિઝામની સરહદો પર સૈન્ય એકઠું કરવા લાગ્યા.[૧૧] વેલેસ્લી જેમને જૂનમાં મધ્ય ભારતમાં કંપનીના સૈન્ય અને રાજકીય હિતો પરનું નિયંત્રણ સોંપાયું હતું; તેમણે સિંધિયાને પોતાનો મનસૂબો જાહેર કરવા અને સૈન્ય પાછું ખેંચવા અથવા યુદ્ધની શક્યતાનો સામનો કરવા માંગણી કરી.[૧૨] લાંબા વાટાઘાટના અંતે કોલીન્સે વેલેસ્લીને અહેવાલ સોંપ્યો કે સિંધિયા જવાબ આપવા અથવા સૈન્ય પાછું ખેંચવા તૈયાર નહોતા.[૧૩] વેલેસ્લીએ આના ઉત્તરમાં "અંગ્રેજ સરકાર અને તેના મિત્ર રાષ્ટ્રોના હિતોના સંરક્ષણ માટે" સિંધિયા અને બેરારની વિરુદ્ધમાં યુદ્ધની ઘોષણા કરી.[૧૪]

પ્રારંભ[ફેરફાર કરો]

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સિંધિયા અને બેરારના રાજાના બે પ્રમુખ મરાઠા સૈન્યો પર ઉત્તર અને દક્ષિણમાંથી હુમલા કર્યા. અન્ય મરાઠા સરદારોમાં, હોલકર તેમના વિરોધિ સિંધિયા સાથે મળી અને યુદ્ધમાં ઉતરવા અસમંજસમાં હતા અને તે લડાઈથી દૂર રહ્યા, બરોડાના ગાયકવાડ રાજવંશ એ અંગ્રેજોનું રક્ષણ માગ્યું. ઉત્તરમાં કાર્યવાહી લેફ્ટનન્ટ જનરલ જેરાર્ડ લેકના નેતૃત્વ હેઠળ હતી અને ફ્રેન્ચ ભાડુતી સૈનિક પિઅરે પેરોંના નેતૃત્વ હેઠળના સિંધિયાના સૈન્યનો સામનો કરવા તેઓ મરાઠા વિસ્તારમાં કાનપુર ખાતેથી પ્રવેશ્યા. મેજર જનરલ વેલેસ્લીના નેતૃત્વમાં બીજું અંગ્રેજ સૈન્ય સિંધિયા અને બેરારના સંયુક્ત સૈન્ય સામે ડેક્કનમાં ઉતર્યું. વેલેસ્લીએ પોતાનો હાથ ઉપર કરવા આક્રમક નીતિ અપનાવી હતી અને તેમના તાબાના અધિકારી કર્નલ જેમ્સ સ્ટિવનસનને કહ્યું હતું કે "લાંબું રક્ષણાત્મક યુદ્ધ આપણને બરાબાદ કરી દેશે અને તેનો કોઈ હેતુ નહિ સરે".[૧૫]

ડેક્કનમાંનું મરાઠા સૈન્ય મોટા ભાગે પુરવઠા વિના સક્રિય રહી શકતું ત્વરિત અશ્વદળનું બનેલું હતું. તેના પરિણામે વેલેસ્લીએ પોતાના ધીમા સૈન્યથી કર્નલ સ્ટિવનસનના સૈન્યને અલગ રાખી અને તેની સાથે તાલમેલ ગોઠવી એવી વ્યૂહરચના રચી કે જેથી મરાઠા સૈન્યને આમને સામનેની લડાઈ અંગ્રેજોને લાભ આપતી સ્થિતિમાં લડવા ફરજ પડે.[૧૬] સ્ટિવનસનને ૧૦,૦૦૦ સૈનિકો સાથે હૈદરાબાદથી જાફરાબાદ તરફ સિંધિયા અને બેરારને પૂર્વમાં નિઝામના વિસ્તારમાં હુમલો કરતા રોકવા રવાના કરવામાં આવ્યા. તે જ સમયે, ૮ ઓગષ્ટના રોજ વેલેસ્લી ૧૩,૫૦૦ સૈનિકો સાથે ગોદાવરી નદી પાસેના તેમના મથકથી સિંધિયાના સૌથી પાસેના ગઢ અહમદનગરના કિલ્લા તરફ આગળ વધ્યા. તેમના સૈન્યમાં મોટા ભાગે કંપનીના મૈસુર સ્થિત સૈનિકો હતા જેમાં મદ્રાસ સ્થાનિક પાયદળની પાંચ પાયદળ પલટણો અને મદ્રાસ સ્થાનિક અશ્વદળની ત્રણ રેજિમેન્ટ હતી. અંગ્રેજ સૈન્યના મુખ્ય સૈનિકો ૧૯મા હળવા ડ્રગુન અને સ્કોટિશ પાયદળની ૭૪મી અને ૭૮મી રેજિમેન્ટના હતા. કંપનીના મરાઠા અને મૈસુરના મિત્ર રાજ્યો દ્વારા હળવાં અશ્વદળો વડે સહાય કરી.[૧૭]

વેલેસ્લી ૧૧ કિમીની કૂચ બાદ તે જ દિવસે અહમદનગર પહોંચી ગયા અને લાંબો સમય ચાલનાર ઘેરાબંધી દ્વારા કરાતા હુમલાના સ્થાને તુરંત કિલ્લાની દિવાલો પર નિસરણીઓ મૂકી તેના દ્વારા હુમલો કરવા આદેશ આપ્યો. કિલ્લામાં ૧,૦૦૦ આરબ સૈનિકો, ૬૦ તોપો અને ફ્રેન્ચ અધિકારીઓના નેતૃત્વ હેઠળ એક પાયદળ રેજિમેન્ટ તૈનાત હતી. તેમ છતાં આ કિલ્લા પર ટૂંકી લડાઈ બાદ ખૂબ જ ઓછું નુક્શાન વેઠી અને કબ્જો કરવામાં આવ્યો.[૧૮] પાસેના કિલ્લાના સૈનિકો અંગ્રેજોએ તોપમારો કરી અને દિવાલ તોડી પાડતાં ચાર દિવસ બાદ શરણાગતિએ આવ્યા.[૧૯] કિલ્લામાં પરિવહન કેન્દ્રની સ્થાપના કરી અને ભવિષ્યમાં મરાઠા વિસ્તારમાં વધુ કાર્યવાહીઓ કરવાની નેમ સાથે કિલ્લામાં પોતાની છાવણી સ્થાપી અને વેલેસ્લી ઉત્તરમાં નિઝામના શહેર ઔરંગાબાદ તરફ આગળ વધ્યા. માર્ગમાં તેમણે ગોદાવરીની દક્ષિણે સિંધિયા હસ્તકના અન્ય સ્થળો કબ્જે કર્યાં અને સંચાર અને પુરવઠા હરોળની રક્ષા માટે નદી પર સંખ્યાબંધ સ્થળે ચોકી હેઠળ પુલો અને નૌકાસેવાઓની સ્થાપના કરી.[૨૦]

અસાયે અભિયાનનો નક્શો

મરાઠા સ્ટિવનસન પાસેથી છટકી અને હૈદરાબાદ તરફ આગળ વધ્યા. ૩૦ ઓગષ્ટના રોજ તેમની હિલચાલની સૂચના મળતાં તેમને રોકવા વેલેસ્લી પૂર્વમાં ગોદાવરીના કિનારે નીચેવાસ તરફ આગળ વધ્યા.[૨૧] તે દરમિયાન, સ્ટિવનસન પશ્ચિમમાં મરાઠા શહેર જાલના તરફ આગળ વધ્યા અને તેને કબ્જે કર્યું.[૨૨] સિંધિયાને વેલેસ્લીના મનસૂબાની જાણ થતાં તેઓ પરત જાલનાની ઉત્તરે આવી ગયા. પીછો કરી રહેલ અંગ્રેજ સૈન્યથી આગળ વધવામાં નિષ્ફળતા મળતાં તેમણે હૈદરાબાદ પર હુમલો કરવાની યોજના પડતી મૂકી અને તેમના પાયદળ અને તોપખાનાંને એકઠું કરવાનું શરુ કર્યું. સંયુક્ત મરાઠા સૈન્યમાં આશરે ૫૦,૦૦૦ સૈનિકો હતા અને તેમાં મુખ્ય ત્રણ બ્રિગેડમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ સશસ્ત્ર ૧૦,૮૦૦ સૈનિકો હતા. જેમની તાલીમ અને નેતૃત્વ ભાડુતી અને સાહસિક યુરોપી અધિકારીઓના હાથમાં હતું.[૨૩] ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભૂતપુર્વ સાર્જન્ટ અને જર્મન મૂળના કર્નલ એન્થોની પોહ્લમાન આઠ પલટણ ધરાવતી સૌથી મોટી બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા હતા. પાંચ પલટણ ધરાવતી બીજી બ્રિગેડ બેગમ સમરુએ આપી હતી અને તેણીના સ્થાને તેનું નેતૃત્વ ફ્રાન્સના કર્નલ ઝાન સલ્યુર કરી રહ્યા હતા. ત્રીજી બ્રિગેડ ચાર પલટણ ધરાવતી હતી અને તેનું નેતૃત્વ વલંદા મેજર જ્હોન જેમ્સ ડ્યુપોન્ટ કરી રહ્યા હતા. વધુમાં, મરાઠા સૈન્યમાં ૧૦,૦૦૦-૨૦,૦૦૦ બેરારના પાયદળ સૈનિકો, ૩૦,૦૦૦-૪૦,૦૦૦ હળવા અશ્વદળ સૈનિકો અને એકથી ૧૮ પાઉન્ડ માપની ૧૦૦ કરતાં વધુ તોપો હતી.[૨૪][૨૫]

કેટલાંક અઠવાડિયાં સુધી મરાઠા સૈન્યનો પીછો કર્યા બાદ વેલેસ્લી અને સ્ટિવનસન ૨૧ સપ્ટેમ્બરના રોજ બદનાપુર નજીક એકઠા થયા અને તેમને મરાઠા સૈન્ય તેમનાથી ૪૮ કિમી ઉત્તરે ભોરકર્દન ખાતે હોવાની ગુપ્ત સૂચના મળી. બંન્ને માર્ગમાંની પર્વતમાળાને વચ્ચે રાખી વેલેસ્લી પૂર્વ તરફથી અને સ્ટિવનસન પશ્ચિમ તરફથી આગળ વધી અને ભોરકર્દન પાસે ૨૪ સપ્ટેમ્બરના રોજ એકઠા થવાની યોજના પર સહમત થયા. ૨૨ સપ્ટેમ્બરની બપોરે વેલેસ્લીનું સૈન્ય પૌગી ખાતે પહોંચ્યું અને મળસ્કા પહેલાં જ ત્યાંથી રવાના થયું. બપોર સુધીમાં સૈન્યએ ૨૩ કિમી કૂચ કરી અને નૌલનિઆહ ખાતે પહોંચ્યું જે ભોરકર્દનથી ૧૯ કિમી દક્ષિણે હતું. આ સ્થળે તેઓ વિરામ લઈ અને ૨૪મીએ સ્ટિવનસન સાથે મળી મરાઠા સૈન્ય પર હુમલો કરવા યોજના હતી.[૨૬] આ તકે વેલેસ્લીને વધુ ગુપ્ત સૂચના મળી કે મરાઠા સૈન્ય ભોરકર્દનના સ્થાને તેમનાથી માત્ર ૮ કિમી ઉત્તરે જ છાવણીમાં હતું અને અશ્વદળ તે સ્થળેથી રવાના કરી ચૂક્યું હતું અને પાયદળ તેની પાછળ જવાની તૈયારીમાં હતું.[૨૭]

આશરે બપોરે ૧ વાગ્યે અશ્વદળને સાથે રાખી અને વેલેસ્લી મરાઠા છાવણીનું નિરીક્ષણ કરવા આગળ વધ્યા. તેમનું બાકીનું સૈન્ય થોડું જ દૂર રહી અને પીછો કરવા લાગ્યું. તેમણે એક પાયદળ પલટણ સામાનની સુરક્ષા માટે નૌલનિઆહ ખાતે છોડી હતી.[૨૮] બધું મળી અને વેલેસ્લી પાસે ૪,૫૦૦ સૈનિકો હતા અને ૫,૦૦૦ મૈસુર અને મરાઠા અશ્વદળો અને ૧૭ તોપ હતી.[૨૯] અંગ્રેજોની હાજરી વિશે મરાઠા સરદારો જાણકારી ધરાવતા હતા અને તેમણે પૂર્વમાં ભોરકર્દનથી લઈ અને કૈલના નદી અને તેની સહાયક નદી જુઆ વચ્ચે મજબુત રક્ષણાત્મક હરોળ રચી હતી. પરંતુ, વેલેસ્લી પોતાના નાનાં સૈન્ય વડે હુમલો નહિ કરે તેવી પૂર્વધારણા રાખી અને સિંધિયા અને બેરાર સવારમાં તે વિસ્તાર છોડી આગળ વધી ગયા હતા. તેમના સૈન્યનું નેતૃત્વ પોહ્લમાનના હાથમાં હતું જેણે પોતાના પાયદળને મરાઠા છાવણીની પૂર્વએ અને જુઆના દક્ષિણ કાંઠાએ અસાયે ગામ નજીકના મેદાનમાં ગોઠવ્યું હતું.[૩૦]

વેલેસ્લીને સંપૂર્ણ સંયુક્ત સૈન્ય જોઈને અચંબો થયો. પરંતુ, તેમ છતાં તેણે સ્ટિવનસનની રાહ જોયા વિના હુમલો કરવા એમ નિર્ધાર કર્યો કે વિલંબ થતાં મરાઠા સૈન્ય ફરી હાથતાળી આપશે અને પીછો લંબાઈ જશે. વેલેસ્લી પોતાની શાખ બાંધવા પણ ઉત્સુક થયા હતા. તેમના ઉતરતા સંખ્યાબળનો ગેરફાયદો હોવા છતાં પોતાના શિસ્તબદ્ધ સૈનિકો સામે મરાઠા સૈન્યના તાલીમ વિનાના સૈનિકો નિષ્ફળ જશે તેવો વિશ્વાસ હતો. તેમને સિંધિયાના પાયદળ સૈનિકો જ લડશે એવો અંદાજ હતો.

લડાઈ[ફેરફાર કરો]

શરુઆતના દાવપેચ[ફેરફાર કરો]

પોહ્લમાને છાવણી સમેટી અને તેની પાયદળ પલટણોને કૈલના નદીના ઊભા ઢાળવાળા કાંઠા પર દક્ષિણ દિશા તરફ મોઢું રહે તેમ સીધી હરોળમાં તૈનાત કરી અને તેણે તોપખાનાને મોખરે રાખી. મોટી સંખ્યામાં રહેલ મરાઠા અશ્વદળ જમણી પાંખમાં રહ્યું અને બેરારના તાલીમ વિનાના સૈનિકોએ પાછળ રહી અને અસાયે ગામમાં તૈનાતી ગોઠવી. નદી ઓળંગવા માટેનું એકમાત્ર છીછરું સ્થળ મરાઠા સૈન્યના સામેના વિસ્તારમાં દેખાતું હતું. પોહ્લમાનની રણનીતિ અનુસાર તે અંગ્રેજ અને મદ્રાસના સૈન્યને તે છીછરા વિસ્તારમાં લાવી અને પોતાની તોપોના મુખ સામે આવવા ફરજ પાડવાની હતી. તેની પાછળ જ પાયદળ અને અશ્વદળ હુમલો કરે એવી યોજના હતી. વેલેસ્લીના સ્થાનિક ભોમિયાઓએ નજીકમાં અન્ય કોઈ સ્થળ પર નદી છીછીરી ન હોવાની ખાતરી આપી. જોકે આ પહેલાં વેલેસ્લીએ સામેથી હુમલાને આપઘાત ગણાવી નકાર્યો હતો.[૩૧] સર્વેક્ષણ દરમિયાન મરાઠા સૈન્યની ડાબી તરફે કૈલના નદીના બંને કાંઠે તેણે પિપળગાંવ અને વરુર નામના બે રક્ષકો વિનાનાં ગામ જોયાં હતાં. વેલેસ્લીએ તે સ્થળે બે ગામ વચ્ચેથી પસાર થતી નદી છીછરી હોવા અનુમાન બાંધ્યું અને તેણે પોતાના મુખ્ય ઇજનેર કેપ્ટન જ્હોન જ્હોનસનને તે વિસ્તારનું વધુ સર્વેક્ષણ કરવા આદેશ કર્યો. તે અંદાજ સાચો સાબિત થયો અને તેથી વેલેસ્લીએ પોતાના સૈન્યને પૂર્વમાં તે સ્થળ પાસે ખસેડ્યું અને નદી પાર કરી અને પોહ્લમાનની જમણી પાંખ પર હુમલો કરવા પ્રયાસ કર્યો.[૩૨]

બપોરે ત્રણ વાગ્યા આસપાસ અંગ્રેજોએ ઝાઝા વિરોધ વિના નદી પાર કરી અને ઉત્તરના કાંઠે ઉતરાણ કર્યું. આ દરમિયાન મરાઠા સૈન્ય માત્ર તોપો વડે ગોલંદાજી કરી અને અંગ્રેજ સૈન્યને રંજાડી રહ્યા હતા પણ તે અંતરને કારણે અચોક્કસ હતી પણ તેમાં વેલેસ્લીના સહાયકને ઇજાઓ થઈ.[૩૩] નદી પાર કર્યા બાદ વેલેસ્લીએ પાયદળની છ પલટણોને બે હરોળમાં ગોઠવવા આદેશ આપ્યો અને અશ્વદળને અનામત સૈન્ય તરીકે ત્રીજી હરોળમાં ગોઠવ્યું. તેના મરાઠા અને મૈસુરના મિત્ર સૈન્યોના અશ્વદળને નદીના દક્ષિણ કાંઠે રહી અને અંગ્રેજ સૈન્ય પર મરાઠા અશ્વદળના પાછળથી હુમલાને રોકવા જવાબદારી સોંપી. વેલેસ્લીના ઇરાદાને પારખી અને પોહ્લમાને તુરંત પોતાના તોપખાનાં અને પાયદળને કાટખૂણે અંગ્રેજોની દિશામાં ઘુમાવ્યું અને આશરે ૧.૬ કિમી હરોળ રચી જેની જમણી પાંખ કૈતના નદીના કાંઠા પર અને ડાબી અસાયે ગામ પાસે હતી.[૩૪] જોકે નવી સ્થિતિમાં મરાઠા સૈન્યની પાંખો સલામત હતી પણ પોહ્લમાન પોતાના સંખ્યાબળની દૃષ્ટિએ ચડિયાતા સૈન્યને એકસાથે લડાઈમાં ઉતારી શકે તેમ નહોતા.[૩૫]

મરાઠા સૈન્યની ફેરગોઠવણી વેલેસ્લીના ધાર્યા કરતાં વધુ ઝડપી અને સુવ્યવસ્થિત હતી. આથી, તેની પ્રતિક્રિયામાં પોતાના સૈન્યને ઘેરાતું રોકવા માટે તેણે સૈન્યને આગળ વધવા આદેશ આપ્યો.[૩૬] પિકેટની પલટણ અને ૭૪મી હાઇલેન્ડર્સ પલટણના સૈનિકો જે જમણી પાંખની પ્રથમ બે હરોળમાં હતા તેમને ત્રાંસા જમણી તરફ આગળ વધવા આદેશ આપ્યો.[૩૭] ત્યારબાદ ૭૮મી હાઇલેન્ડર પલટણને ડાબી પાંખ મજબૂત રીતે તે જ સ્થિતિમાં જાળવી રાખવા જણાવ્યું અને મદ્રાસ પાયદળ પલટણો (જેમાં ૧/૧૦મી, ૧/૮મી, ૧/૪થી અને ૨/૧૨મીનો સમાવેશ થતો હતો)ને અંગ્રેજ હરોળનું કેન્દ્ર બનાવવા જણાવ્યું. વેલેસ્લીનો મનસૂબો ડાબી તરફથી કાર્યવાહી કરી અને મરાઠા સૈન્યને તેમની તોપો પરથી પાછા ધકેલી જુઆ નદીના કાંઠા પર લાવવાનો હતો અને ત્યારબાદ અશ્વદળ વડે તેમનો વિનાશ કરવાનો હતો. આમ કરતાં મજબૂત સંરક્ષણ ધરાવતા અસાયેને અવગણવાનો હતો.[૩૮]

લડાઈનો નક્શો; મરાઠા સૈન્યની ફેરગોઠવણી અને અંગ્રેજ હુમલો

અંગ્રેજો આ ગોઠવણમાં આવી રહ્યા હતા ત્યારે મરાઠા તોપમારો તીવ્ર બન્યો. તેનો વળતો જવાબ આપવા માટે અંગ્રેજ તોપખાનાને આગળ લાવવામાં આવ્યું પરંતુ તેની ઉપર મરાઠાઓ દ્વારા ભારે તોપમારો થતાં નકામું બન્યું. ત્યારબાદ મરાઠા તોપોએ પાયદળ પર ગોલંદાજી શરુ કરી અને તેને કારણે મોટી સંખ્યામાં અંગ્રેજ સૈન્યએ ખુવારી વેઠી.[૩૯] વેલેસ્લીએ મરાઠા તોપોને નકામી બનાવવા અને પોતાના સૈન્યને વધુ જાનહાનિથી બચાવવા અન્ય કોઈ વિકલ્પ ન જણાતાં મરાઠા તોપો પર સામેથી હુમલો કરવા આદેશ આપ્યો.[૪૦] તેમણે પોતાની તોપોને છોડી અને પાયદળને સંગીન લગાવી અને આગળ વધવા આદેશ આપ્યો.

મરાઠા તોપમારાએ અંગ્રેજ હરોળમાં છીંડા પાડી દીધા, પરંતુ પાયદળે પોતાની કૂચ જાળવી રાખી અને આગળ વધતાં ખાલી પડતી જગ્યાઓ પૂરી દીધી. મરાઠા હરોળ સુધી ૭૮મી હાઇલેન્ડર પલટણ સૌપ્રથમ દક્ષિણ છેડે નદી કાંઠા પાસે પહોંચવામાં સફળ રહી. તેઓ આશરે મરાઠા સૈન્યથી ૫૦ મિટર દૂર થોભી ગયા અને સંગીન વડે હાથોહાથની લડાઈ શરુ કરતાં પહેલાં બંદૂકની ગોળીની બૌછાર કરી.[૪૧] ૭૮મી પલટણની જમણી બાજુએ રહેલી મદ્રાસ પાયદળની ચાર પલટણો અને મદ્રાસ પાયોનિયર્સની પલટણ,[૪૨] ત્યારબાદ ટૂંક સમયમાં જ પોહ્લમાનની હરોળ સુધી પહોંચી ગઈ અને તે જ પદ્ધતિથી લડવા લાગી. તોપચીઓ તોપ પાસે જ અડગ રહ્યા, પરંતુ અંગ્રેજ અને મદ્રાસના સૈનિકોના સંગીન વડેના હુમલા સામે ટકી ન શક્યા.[૪૩] જોકે, અંગ્રેજ સૈન્યના ધસારા સામે લડવાને બદલે મરાઠા સૈન્યની જમણી પાંખ વિખેરાઈ અને જુઆ તરફ ભાગવા લાગી, તેને કારણે દક્ષિણ તરફની બાકીની હરોળ પણ વિખેરાઈ.[૪૪] બીજી તરફ મદ્રાસ પલટણોના અધિકારીઓએ ટૂંક સમય માટે પોતાના સૈનિકોનો કાબુ ગુમાવી દીધો, કેમ કે શરુઆતની સફળતાને કારણે અતિ ઉત્સાહમાં સૈનિકો મરાઠા હરોળની પીછો કરતા વધુ પડતા આગળ નીકળી ગયા. આ સમયે તકનો લાભ લઈ અને મરાઠા અશ્વદળે હુમલાની કોશિષ કરી પણ ૭૮મી પલટણ શિસ્તબદ્ધ રહી અને તેણે હુમલાનો સામનો કર્યો.[૪૪]

યુદ્ધમેદાનના ઉત્તર વિસ્તારમાં વેલેસ્લીની જમણી પાંખ અસ્તવ્યસ્ત બની હતી. પિકેટ પલટણનું નેતૃત્વ કરી રહેલ લેફ્ટનન્ટ કર્નલ વિલિયમ ઓરોકે ગૂંચવણને કારણે આદેશ સમજવામાં ભૂલ કરી હતી અને તેમણે અસાયેની દિશામાં ત્રાંસા આગળ વધવાનું ચાલુ રાખ્યું.[૪૩] ૭૪મી પલટણના મેજર સેમ્યુઅલ સ્વીન્ટનને પિકેટને આધાર આપવાની જવાબદારી સોંપાઈ હતી, તેથી તેઓ પિકેટનો પીછો કરી રહ્યા હતા. આ ક્ષતિને કારણે અંગ્રેજ હરોળના મધ્યમાં મોટો વિસ્તાર ખાલી થઈ ગયો અને તેને કારણે આ બે પલટણો પર અસાયે ગામ અને તેની આસપાસ તૈનાત તોપો અને મરાઠા હરોળની ડાબી પાંખની તોપોનો ભારે તોપમારો થયો.[૪૫] આ બે પલટણો ભારે ખુવારીને કારણે વિખેરાઈ અને પીછેહઠ કરવા લાગી અને તકનો લાભ લઈ પોહ્લમાને પાયદળ અને અશ્વદળને તેમના પર હુમલો કરવા આદેશ આપ્યો. મરાઠાઓએ કોઈ તક ન આપી;[૪૬] પિકેટ પલટણ લગભગ નામશેષ બની પણ ૭૪મી પલટણે ત્વરિત ગતિએ રક્ષણાત્મક ચોરસ હરોળ રચી જેમાં તેમને પિકેટના સૈનિકોના મૃતદેહો પણ કામ આવ્યા.[૪૭] વેલેસ્લીને પોતાની જમણી પાંખ નષ્ટ થયેલી જોતાં પોતાના સૈન્ય પર તે દિશામાંથી હુમલાની ભીતિ લાગતાં તેણે તુરંત જ કર્નલ પેટ્રિક મેક્ષવેલના નેતૃત્વ હેઠળ અંગ્રેજ અશ્વદળના ૧૯મા હળવા ડ્રગુનને તે તરફ રવાના કર્યું અને સાથે ૪થી અને ૫મી મદ્રાસ સ્થાનિક પાયદળની પલટણને રવાના કરી. પાછળના હિસ્સામાં તૈનાત અશ્વદળ ૭૪મી પલટણની રક્ષણાત્મક હરોળ તરફ ધસી ગઈ અને હુમલો કરી રહેલ મરાઠા સૈન્ય સાથે ટકરાઈ અને તેમને મારી હટાવવામાં સફળ રહી. મેક્ષવેલે આ તકનો લાભ લઈ અને હુમલો કરતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું અને મરાઠા સૈન્યની ડાબી પાંખ પર હુમલો કરી અને તેને જુઆ નદી તરફ ધકેલી દીધી.[૪૮][૪૯]

અંત[ફેરફાર કરો]

મરાઠા તોપચીઓ પોતાની તોપ ફરીથી કબ્જે કરતા

જ્યારે અંગ્રેજ હરોળ મરાઠા સૈન્ય સુધી પહોંચી ત્યારે સંખ્યાબંધ મરાઠા તોપચીઓએ મૃત હોવાનો ડોળ કર્યો અને જેવી અંગ્રેજ હરોળ આગળ વધી, તેઓએ તોપોનો કબ્જો સંભાળી અને ૭૪મી અને મદ્રાસ પાયદળ પર પાછળથી ગોલંદાજી શરુ કરી દીધી. વેલેસ્લીએ તેની ચાર પાયદળ પલટણોની ફેરગોઠવણી કરી અને મરાઠા પાયદળ અને અશ્વદળથી ઉભા થનાર ખતરાનો સામનો કરવા આદેશ આપ્યો. તે જ સમયે તેણે ૭૮મી પલટણને મરાઠા તોપો પર ફરીથી કબ્જો કરવા તે તરફ રવાના કરી.[૫૦] વેલેસ્લી પૂર્વમાં અનામત રહેલ ૭મી મદ્રાસ સ્થાનિક અશ્વદળ પાસે પહોંચી ગયા અને બીજી દિશામાંથી તેની સાથે રહી અને હુમલો કર્યો.[૫૧] મરાઠા તોપચીઓએ ફરી પોતાનું સ્થાન જાળવી રાખ્યું પણ ટૂંક સમયમાં તેમને પીછેહઠ કરવી પડી અને આ વખતે જે બચ્યા તે મૃત જ હતા તેની ખાતરી પણ અંગ્રેજ સૈન્યએ કરી.[૫૨]

વેલેસ્લી જ્યારે મરાઠા તોપો પર પુનઃકબ્જો કરવાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, તે દરમિયાન પોહ્લમાને પોતાના પાયદળ અને અશ્વદળને પુનઃગઠિત કરી અને જુઆ નદી તરફ પીઠ રહે તે રીતે અર્ધ વર્તુળમાં ગોઠવી દીધા. તેમની જમણી પાંખ નદીના સામા કાંઠે હતી અને ડાબી અસાયે ગામમાં.[૫૩] પરંતુ, વેલેસ્લીના પાયદળમાં મોટાપાયે જાનહાનિ સર્જનાર મોટાભાગની મરાઠા તોપો અંગ્રેજ કબ્જામાં જતી રહી હતી અથવા યુદ્ધક્ષેત્રમાં ત્યજી દીધેલી હતી. મરાઠા અશ્વદળ યુદ્ધમાં જોડાતાં અચકાયું અને તે પૂર્વમાં જ રહ્યું. તેમાં મોટાભાગના સૈનિકો પિંડારી મૂળના હતા જેઓ હળવા શસ્ત્રો ધરાવતા અને તેમનું પરંપરાગત મુખ્ય કાર્ય ભાગી રહેલા દુશ્મનોને મારી પાડવાનું, પુરવઠા હરોળને રંજાડવાનું અને દુશ્મન વિસ્તારમાં છાપામાર હુમલાઓ કરવાનું હતું. તેઓ તાલીમબદ્ધ સૈન્ય સામે લડવા અને હુમલો કરવા તાલીમ પામ્યા નહોતા અને તેમણે આ સમય બાદ લડાઈમાં કોઈ ભૂમિકા ન ભજવી.[૫૪]

મરાઠા તોપચીઓને વધુ એક વખત શાંત કર્યા બાદ વેલેસ્લીએ પોહ્લમાનના પુનઃગઠિત પાયદળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેક્ષવેલે મોટા પ્રમાણમાં ખુવારી વેઠ્યા હોવા છતાં પોતાના અશ્વદળને પુનઃગઠિત કરી તેઓ યુદ્ધમેદાનમાં આવ્યા. તેમને વેલેસ્લીએ મરાઠા સૈન્યની જમણી પાંખ પર હુમલો કરવા આદેશ આપ્યો અને પાયદળની એક જ હરોળ રચી અને મરાઠા સૈન્યના કેન્દ્ર અને ડાબી પાંખ પર હુમલો કર્યો. અશ્વદળ આગળ વધ્યું પણ તેમના પર ભારે ગોળીબાર થયો અને મેક્ષવેલ માર્યા ગયા. અશ્વદળે પોતાની ગતિ ગુમાવી અને પોતાના લક્ષ્યને હાંસલ કરવાને બદલે મરાઠા હરોળ સુધી પહોંચતા પહેલાં જ તે બાજુમાં તરી ગઈ. અંગ્રેજ અને મરાઠા પાયદળે આગેકૂચ ચાલુ રાખી પણ પોહ્લમાનના સૈનિકોનું મનોબળ નબળું પડતાં તેઓ હુમલા પહેલાં જ પીછેહઠ કરી અને જુઆ નદીને સામા કાંઠે જતા રહ્યા. આ પીછેહઠના વર્ણનો અલગ અલગ મળે છે, મરાઠા સ્રોતો અનુસાર પોહ્લમાનનો હુકમ મળતાં સૈનિકો સુવ્યવસ્થિત રીતે પીછેહઠ કરી ગયા પણ અંગ્રેજ સ્રોતો અનુસાર મરાઠા પાયદળ ગભરાટને કારણે નાશી ગયું.[૫૫] સાંજના આશરે ૬ વાગ્યે અસાયે ગામમાં રહેલ બેરારના તાલીમ વિનાના સૈનિકો નેતૃત્વ વિનાના બનતાં અને તાલીમબદ્ધ પાયદળની પરિસ્થિતિના સાક્ષી બનતાં ઉત્તર દિશામાં પીછેહઠ કરી ગયા અને મરાઠા અશ્વદળ પણ ટૂંક સમયમાં તેમની પાછળ જતું રહ્યું. વેલેસ્લીના સૈનિકો થાકી ગયા હતા અને તેઓ પીછો કરવાની પરિસ્થિતિમાં નહોતા. વધુમાં કૈલના નદીને સામા કાંઠે રહી અને યુદ્ધમાં ભાગ ન લેનાર સ્થાનિક મિત્ર અશ્વદળોએ અંગ્રેજ અને મદ્રાસના અશ્વદળોની સહાય વિના પીછો કરવા ના પાડી.[૫૬][૫૭]

પ્રત્યાઘાત[ફેરફાર કરો]

મૃતદેહો અને ઘાયલોથી આખો પ્રદેશ ઘેરાઈ ગયો હતો જેમાં યુરોપી અને સ્થાનિક તેમજ આપણા અને દુશ્મનો બંને હતા.

અસાયેના પ્રત્યાઘાત સ્વરુપે એક અજ્ઞાત અંગ્રેજ અશ્વદળ અધિકારી.

ઇસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજ સૈન્યમાં લડાઈમાં ભાગ લેનાર કુલ સૈનિકોમાંના ત્રીજા ભાગના સૈનિકો મૃત અથવા ઘાયલ હતા જેમાં ૪૨૮ મૃત, ૧,૧૩૮ ઘાયલ અને ૧૮ ગુમ હતા. ૭૪મી અને પિકેટ પલટણો લગભગ નાશ પામી હતી. કુલ ૫૦૦ સૈનિકો ધરાવતી ૭૪મીમાં ૧૦ અધિકારી મૃત્યુ પામ્યા અને સાત ઘાયલ થયા જ્યારે ૧૨૪ સૈનિકો મૃત્યુ પામ્યા અને ૨૭૦ ઘાયલ થયા.[૫૮] પિકેટ પલટણે તેમનું નેતૃત્વ કરી રહેલ લેફ્ટનન્ટ કર્નલ વિલિયમ ઓરોક સિવાય તમામ અધિકારીઓ ગુમાવ્યા હતા અને માત્ર ૭૫ સૈનિકો જ બચ્યા હતા. વેલેસ્લીના કર્મચારીઓમાં દસ અધિકારી હતા જેમાં આઠ ઘાયલ હતા અથવા તેમના ઘોડા મૃત્યુ પામ્યા હતા.[૫૯] વેલેસ્લીએ પોતે બે ઘોડા ગુમાવ્યા હતા જેમાં પ્રથમ ગોળીબારનો ભોગ બન્યો અને બીજો મરાઠા તોપો પર પુનઃકબ્જાના હુમલા દરમિયાન ભાલાનો શિકાર બન્યો. મરાઠા સૈન્યમાં જાનહાનિના ચોક્કસ આંકડા મેળવવા મુશ્કેલ હતા. અંગ્રેજોના અંદાજ મુજબ આશરે ૧,૨૦૦ મૃત્યુ પામ્યા અને વધુ ઘાયલ થયા, જોકે આધુનિક ઇતિહાસકારો તે મૃત અને ઘાયલનો સંયુક્ત આંકડો ૬,૦૦૦ આસપાસ માને છે. મરાઠા સૈન્યએ મોટા પ્રમાણમાં પુરવઠો ગુમાવ્યો અને ૯૮ તોપો ગુમાવી જે મોટાભાગની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યએ ઉપયોગમાં લીધી. સિંધિયા અને બેરારનું સૈન્ય લડાયક તાકાત તરીકે નાશ નહોતું પામ્યું પરંતુ સિંધિયાએ સંખ્યાબંધ તાલીમ પામેલ પલટણો અને તોપચીઓ ગુમાવ્યા હતા. તેમના નેતૃત્વને પણ નુક્શાન પહોંચ્યું હતું જેમાં ઘણા યુરોપી અધિકારીઓ જેમ કે કર્નલ પોહ્લમાન અને મેજર ડ્યુપોન્ટ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શરણે ગયા હતા. અંગ્રેજોએ મરાઠા સૈન્યના યુરોપી અધિકારીઓએ શરણાગતિ સ્વીકારતાં માફીની ખાતરી આપી હતી. કેટલાક અધિકારીઓ સૈન્ય છોડી અને ભાગ્યા અને અન્ય સ્થાનિક રાજાઓ પાસે નોકરી પર રહ્યા.[૬૦]

અસાયેથી આશરે ૧૬ કિમી દૂર છાવણી સ્થાપીને વિરામ કરી રહેલ સ્ટિવનસને તોપોના અવાજ સાંભળ્યા અને લડાઈમાં જોડાવા તુરંત તેઓ છાવણી સમેટી પશ્ચિમ દિશામાં કૂચ કરવા લાગ્યા. પરંતુ સ્થાનિક ભોમિયાએ તેમને ગેરમાર્ગે દોર્યા અને તેઓ ભોરકર્દન પહોંચી ગયા. લડાઈના સ્થળે તેઓ ૨૪ સપ્ટેમ્બરના રોજ સાંજે પહોંચ્યા. તેમને ભોમિયાએ જાણીજોઈને ગેરમાર્ગે દોર્યા હોવાની શંકા જતાં પાછળથી સ્ટિવનસને તેને ફાંસી પર લટકાવ્યો.[૬૧] તેઓ ઘાયલોની સારવારમાં મદદ માટે વેલેસ્લી સાથે જ રહ્યા. લડાઈના ચાર દિવસ સુધી ઘાયલ સૈનિકોને છાવણીમાં લાવવાનું કાર્ય ચાલ્યું અને તે પૂર્ણ થતાં ૨૬ સપ્ટેમ્બરના રોજ મરાઠા સૈન્યના પીછાની શરુઆત કરવા આદેશ આપવામાં આવ્યો. વેલેસ્લી દક્ષિણમાં જ રહ્યા અને તેમણે અજન્તા ખાતે ઋગ્ણાલયની સ્થાપન કરી અને પૂના ખાતેથી વધુ સૈનિકો આવે તેની રાહ જોઈ. બે મહિના બાદ તેમણે અને સ્ટિવનસને સંયુક્ત સૈન્ય વડે અડગાંવની લડાઈમાં સિંધિયા અને બેરારના નબળા પડી ગયેલ સૈન્યને હરાવ્યું અને ટૂંક સમયમાં જ ગવિલઘુર ખાતે સ્થિત બેરારના કિલ્લા પર હુમલો કરી કબ્જે કર્યો. આ વિજયો અને ઉત્તરમાં જનરલ લેકના સફળ અભિયાનના પગલે બે મરાઠા સરદારોને વિષ્ટિ કરવા ફરજ પડી.[૬૨]

પાછળથી વેલેસ્લીએ સ્ટિવનસનને જણાવ્યું કે "૨૩ સપ્ટેમ્બરના રોજ વેઠેલ નુક્શાન આટલા ફાયદા માટે પણ હું ફરી કોઈ દિવસ જોવા નથી માગતો",[૬૩] અને પાછળથી તેમણે અસાયેને "મેં જોયેલ લડાઈઓમાંની સૌથી લોહિયાળ" તરીકે વર્ણવી. મૈસુર ખાતે કંપનીના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર લેફ્ટનન્ટ કર્નલ થોમસ મુનરોએ મોટા પ્રમાણમાં જાનહાનિ અને સ્ટિવનસનની રાહ ન જોવાના વેલેસ્લીના નિર્ણયની ટીકા કરી. તેમણે વેલેસ્લીને લખ્યું કે "તમે ખ્યાતિને ઓછામાં ઓછા લોકો સાથે વહેંચવા આમ કર્યું એ વિચારવા હું લલચાયો છું".[૬૪] તેના જવાબમાં વેલેસ્લીએ નમ્રતાપૂર્વક મુનરોના આક્ષેપોને રદિયો આપ્યો અને પોતાના નિર્ણયોને વ્યાજબી ઠરાવતાં કારણ આપ્યું કે તેમણે મરાઠાઓના સ્થાન વિશે અચોક્કસ ગુપ્ત સૂચના મળી હતી અને તેમણે તેના પર આધાર રાખી અને કાર્યવાહી કરી હતી. અસાયેમાં મોટા નુક્શાન માટેના દુઃખ હોવા છતાં ૩૪ વર્ષીય વેલેસ્લીની પ્રથમ મોટી સફળતા હતી. આ લડાઈને તેમણે હંમેશા આદરપૂર્વક નિહાળી. સક્રિય સૈન્ય કારકિર્દીમાંથી નિવૃત્ત થયા બાદ ડ્યુક ઑફ વેલિંગ્ટન (જે નામે તેઓ પાછળથી ઓળખાયા) ના મતે તેમના પાછળના સૈન્ય અભિયાનોની સરખામણીએ અસાયેને શ્રેષ્ઠ કાર્યવાહી ગણી.[૬૫]

લોર્ડ મોર્નિંગટન અને તેમની સમિતિએ લડાઈને "સૌથી શ્રેષ્ઠ અને મહત્વના વિજય" તરીકે વખાણી,[૬૬] અને લડાઈમાં ભાગ લેનાર તમામ મદ્રાસની પલટણો અને અંગ્રેજ રેજિમેન્ટોને સન્માનીય ચિહ્નો એનાયત કર્યા. તમામ પલટણોને અસાયે યુદ્ધ સન્માન એનાયત કરાયું અને ચિહ્નોમાં અસાયેના હાથીનો સમાવેશ કરવામાં આવ્યો. આ વિજયના સન્માનમાં કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમમાં સ્મારક ઉભું કરાયું.[૬૭] ૭૪મી રેજિમેન્ટ પાછળથી અસાયે રેજિમેન્ટ તરીકે ઓળખાઈ અને તેમના આધુનિક અવતાર સમા રૉયલ હાઇલેન્ડ ફ્યુસિલર્સ (બીજા સ્કૉટ) લડાઈની વર્ષગાંઠ હજુ પણ ઉજવે છે.[૬૮] સ્થાનિક પાયદળ પલટણોમાં ભારતીય ભૂમિસેનામાં એકમાત્ર મદ્રાસ સેપર્સ જ મૂળ સ્વરુપમાં મોજૂદ છે પણ તેઓ અસાયેની ઉજવણી નથી કરતા કેમ કે ભારત સરકારે અસાયે યુદ્ધ સન્માનને પ્રતિકુળ જાહેર કર્યું છે.[૬૯]

અન્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

 • બર્નાડ ક્રોમવેલનું શાર્પ'સ ટ્રાયમ્ફ: શાર્પ એન્ડ ધ બેટલ ઓફ અસાયે પુસ્તક લડાઈને અંગ્રેજ રેજિમેન્ટોને કેન્દ્રમાં રાખી અને કાલ્પનિક પાત્રો સાથે વર્ણવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Millar p. 82.
 2. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ 69–71. ISBN 9788131300343.
 3. Millar p. 28.
 4. Holmes p. 68.
 5. Millar p. 13.
 6. Holmes p. 69.
 7. Severn p. 171.
 8. Corrigan p. 72.
 9. Holmes p. 70.
 10. Severn p. 170.
 11. Millar p. 34.
 12. Severn p. 176.
 13. Severn p. 177.
 14. Gurwood p. 69.
 15. Holmes p. 73.
 16. Corrigan p. 73.
 17. Millar p. 27.
 18. Millar p. 37.
 19. Cooper p. 92.
 20. Cooper pp. 87–88.
 21. Cooper p. 94.
 22. Millar p. 48.
 23. Holmes p. 71.
 24. Cooper p.102
 25. Millar p. 22.
 26. Corrigan p. 74.
 27. Cooper p. 99.
 28. Cooper p. 100.
 29. Black p. 260.
 30. Cooper p. 101.
 31. Corrigan p. 76.
 32. Sandes Military Engineer in India Vol I, pp. 207–208.
 33. Cooper p. 105.
 34. Millar p. 57.
 35. Roy p. 128.
 36. Cooper p. 108.
 37. The picquets of the day were composed of a half company from each of the Wellesley's seven infantry battalions, and were commanded by the officer of the day (Biddulph p. 138).
 38. Biddulph p. 141.
 39. Millar p. 61.
 40. Cooper p. 110.
 41. Millar p. 62.
 42. Sandes The Indian Sappers and Miners, p. 41.
 43. ૪૩.૦ ૪૩.૧ Cooper p. 111.
 44. ૪૪.૦ ૪૪.૧ Millar p. 65.
 45. Millar p. 69.
 46. Cooper p. 112.
 47. Holmes p. 79.
 48. Thorn p. 276.
 49. Cooper p. 114.
 50. Millar p. 73.
 51. Cooper p. 115.
 52. Cooper p. 117.
 53. Holmes p. 80.
 54. Cooper pp. 114–115.
 55. Millar p. 81.
 56. Corrigan p. 77.
 57. Biddulph p. 144.
 58. Weller p. 190.
 59. Biddulph p. 145.
 60. Corrigan p. 78.
 61. Biddulph p. 146.
 62. Holmes p. 82.
 63. Gurwood p. 170.
 64. Bradshaw pp. 121–132.
 65. Wellesley p. 20.
 66. Gurwood p. 335.
 67. Singh p. 107.
 68. "SCOTS History". Ministry of Defence. 2009. મેળવેલ 2009-01-18.
 69. Singh p. 297.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]