લખાણ પર જાઓ

કમાઉ દીકરો

વિકિપીડિયામાંથી
કમાઉ દીકરો
લેખક ચુનીલાલ મડિયા
દેશભારત
ભાષાગુજરાતી
શૈલીટૂંકી વાર્તા
પ્રકાશિતઘૂઘવતાં પૂર
પ્રકાશન પ્રકારવાર્તાસંગ્રહ
પ્રકાશન તારીખ૧૯૪૫

કમાઉ દીકરોગુજરાતી લેખક ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા છે. ૧૯૪૫માં પ્રકાશિત થયેલ મડિયાના વાર્તાસંગ્રહ ઘૂઘવતાં પૂરમાં આ વાર્તા પ્રગટ થઈ હતી. પાલતુ પાડાની કામવાસના પર જ્યારે તેનો માલિક વધુ નાણાની લાલચે લગામ મૂકે છે ત્યારે કેવું પરિણામ આવે છે તે આ વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે.[૧]

વિષયવસ્તુ

[ફેરફાર કરો]
ચુનીલાલ મડિયા

આ વાર્તામાં મડિયાએ પશુની તીવ્ર કામેચ્છા અને માનવીની તીવ્ર ધનલાલસા - આ બંને બાબતોને સમાંતરે મૂકી છે.[૨]

મૃત પુત્રની જગ્યાએ પોતાનું પિતૃવાત્સલ્ય 'રાણા' નામના પાડા પર ઢોળતો લખુડો અંતે એ જ કમાઉ દીકરા રાણાની ઉત્તેજિત કામવાસના ન સંતોષાતાં એના શીંગડા દ્વારા મોત પામે છે, એ વાતનો ચિત્તાકર્ષક ચિતાર આ વાર્તામાં આપવામાં આવ્યો છે. ભેંસ દવરાવવાના ભાવતાલ સંદર્ભે માર્ક્સ અને અતૃપ્ત કામવાસના સંદર્ભે સિગ્મંડ ફ્રૉઈડની વિચારધારાઓ આ વાર્તામાં તાણાવાણા રૂપે ગૂંથાઈ છે.[૩]

કથાવસ્તુ

[ફેરફાર કરો]

ગલા શેઠ પોતાના પાડા દ્વારા ગામના માણસો અને અન્ય બહારગામનાં માણસોની ભેંસો દવરાવીને (એટલે કે બીજા લોકોની ભેંસોને પોતાના પાડા દ્વારા બચ્ચા જણાવીને) ધન કમાય છે. ગલા શેઠનો નોકર અને પાડાનો રખેવાળ લખુડો પોતાના મૃત પુત્રની જગ્યાએ પોતાનું પિતૃવાત્સલ્ય પાડા ઉપર ઢોળે છે. પાડામાં પોતાના મૃત પુત્રની રેખાઓ જોતો લખુડો પાડાને 'રાણો' નામ આપે છે. સનાખીના ગામપટેલ જ્યારે પોતાની ભેંસ દવરાવવા ગલા શેઠને ત્યાં આવે છે ત્યારે, ભેંસ દવરાવવાનો ભાવ અઢી રૂપિયા હોવા છતા, ગલા શેઠ પૈસાની લાલચના લીધે ભાવ ત્રણ રૂપિયા કરે છે. ભાવ બાબત થોડીક રકજક થયા બાદ ગામપટેલ પોતાની ભેંસને પાછી લઈ જવાનો નિર્ણય કરે છે.

પાડાનો રખેવાળ લખુડો સમજે છે કે પાડાની પાશવી કામવાસનાને રોકવી કે નાથવી અશક્ય છે, અને તે અંગે પોતાના માલિક ગલા શેઠને પણ સમજાવે છે, છતાં ગલા શેઠ વધુ પૈસા મેળવવાની હઠ લઈને પાડાની સાથે ઘરાકની ભેંસ દવરાવવા દેતા નથી. કામવાસનાને વશ થયેલો પાડો ખીલેથી જોર કરીને છૂટે છે અને લખુડાને શિંગડુ મારે છે, અને લખુડો ત્યાં જ મૃત્યું પામે છે. અંતમાં લખુડાના મૃત શરીરના લોહીમાં પાડાએ મૂતર કર્યું - તેમ દર્શાવીને મડિયાએ વહેપારી ગણતરીના વ્યવહારો પર કામવાસનાનો વિજય થતો દર્શાવ્યો છે.

બળવંત જાની નોંધે છે કે, "કમાઉ દીકરો" માત્ર ઘૂઘવતાં પૂર સંગ્રહની જ નહિ પણ ગુજરાતીની પ્રતિનિધિ નવલિકાઓમાં મહત્ત્વ ધરાવે છે.[૧] અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે વાર્તાનો અંત 'સાહજિક તેટલો જ કલાત્મક હોવાનું નોંધ્યું છે, અને ઉમેર્યું છે કે કમાઉ દીકરો જયંત ખત્રીની વાર્તા હીરોની યાદ અપાવે છે. બ્રહ્મભટ્ટે આ વાર્તાની ભાષા બાબતે નોંધ્યું છે કે, મડિયાએ 'કમાઉ દીકરો'માં તળપદી તાકાતવાળી ભાષાના રૂઢિપ્રયોગો (idioms)નો સમર્થ ઉપયોગ કર્યો છે, પણ વચ્ચે વચ્ચે આવતા સંસ્કૃત - તત્સમ શબ્દો એના (વાર્તાના) પોતને ક્યાંક ક્યાંક વણસાડી મૂકે છે.[૪]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જાની, બળવંત (1990). ચુનીલાલ મડિયા. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી. મુંબઈ: એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પૃષ્ઠ ૨૮-૨૯. OCLC 25399994.
  2. ૫ટેલ, વિશ્વનાથ. "'કમાઉ દીકરો' ચુનીલાલ મડિયા ડો. વિશ્વનાથ ૫ટેલ". મેળવેલ 2018-11-26.
  3. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; દવે, રમેશ ર., સંપાદકો (2008). ગુજરાતી ટૂંકી વાર્તાકોશ (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 16. OCLC 24870863.
  4. બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ (1970). "કમાઉ દીકરો - એક નોંધ". માં જોષી, ઉમાશંકર (સંપાદક). મડિયાનું મનોરાજ્ય. અમદાવાદ: મડિયા સ્મારક સમિતિ. પૃષ્ઠ ૧૦૨-૧૦૩. OCLC 24412894.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • George, K. M., સંપાદક (1993). "The Earning Son". Modern Indian Literature: an Anthology: Fiction. Vol. 2. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 294-299. ISBN 81-7201-506-2. |volume= has extra text (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]