લખાણ પર જાઓ

કૂચિપૂડિ નૃત્ય

વિકિપીડિયામાંથી
ઉમા મુરલીકૃષ્ણા, કૂચિપૂડિ ની એક મુદ્રામાં.

કૂચિપૂડિ (તેલુગુ : కూచిపూడి) એ આંધ્ર પ્રદેશનું એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કૂચિપૂડિ નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આ કળા કૂચિપૂડિ નૃત્ય કહેવાઈ.

આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધીથી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચનામાં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે. આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે, જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે. સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે. નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

યામિની રેડ્ડી સંગીત નાટક અકાદમી દિલ્હીમાં કૂચિપૂડિ નૃત્ય કરતાં.

આ નૃત્યની ચાલ એકદમ ચળકતી, ચપળ, વર્તુળાકારે અને ઝડપી પગલે થતી હોય છે. કર્ણાટક સંગીત સાથે કરાતું આ નૃત્ય ભરતનાટ્યમ સાથે ઘણું સામ્ય ધરાવે છે. એકાકી પ્રદર્શનમાં કૂચિપૂડિમાં 'જાતિસ્વરમ' અને તિલ્લના નો સમાવેશ થાય છે જ્યારે નૃત્યમાં ઘણી રચનાઓ છે જેમાં નર્તક ભગવાનમાં વિલિન થઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, અર્થાત આત્માનું પરમાત્મા સાથે મિલન.[]

ભરતનાટ્યમ અને કૂચિપૂડિ નૃત્યમાં નૃત્ય શૈલીના ફેરફાર ઉપરાંત અમુક પ્રકારના નૃત્યો એવા છે જે માત્ર કૂચિપૂડિમાં જ કરવામાં આવે છે. લ્હાસ કરીને તરંગમ તરીકે ઓળખાતો નૃત્યનો એક પ્રકાર જેમાં નર્તક કાંસાના ત્રાંસની કિનાર પર ઉભો રહી નૃત્ય કરે છે. ઘણી વખત નર્તક માથે કુંડી તરીકે ઓળખાતું પાણી ભરેલું પાત્ર અને હાથમાં દીવા લઈને ત્રાંસ પર નૃત્ય કરે છે. નૃત્યના અંતે નર્તક દીવા બુઝાવી દે છે અને તે પાત્રના પાણી વડે હાથ ધોવે છે.

ભરતનાટ્યમ અને કૂચિપૂડિના વસ્ત્રોમાં પણ ખૂબ ભિન્નતા છે. ભરતનાટ્યમના વસ્ત્રોમાં અલગ અલગ લંબાઈના ત્રણ પાંખ હોય છે, જે સાડીના ફેલાતા પાલવ જેવા લાગે છે. કૂચિપૂડિ નૃત્યના વસ્ત્રોમાં ભરતનાટ્યમના વસ્ત્રોની સૌથી લાંબી પાંખ જેટલો એક જ પાંખ હોય છે.

કૂચિપૂડિ નૃત્યમાં ૨૦મો કરણ નૃત્ય પ્રાય: કરવામાં આવે છે. છ પદભેદ સિવાય કૂચિપૂડિ બર્તક અમુક અડુગુલુ કે અડવુ ની પારંપારિક શૈલી પણ વાપરે છે જેમ કે છૌકમ, કટ્ટેરનટુ, કુપ્પી આદુગુ, ઓન્તાદુવુ, જારાદુવુ, પક્કાનાટુ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Arts Dance - Arts And Culture Of India - Music, Dance, Architecture Etc Of India". મૂળ માંથી 2010-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-10.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |