કૃષ્ણલાલ શ્રીધરાણી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કૃષ્ણલાલ શ્રીધરાણી | |
---|---|
જન્મ | કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી 16 September 1911 ઉમરાળા (હવે ભાવનગર જિલ્લો, ગુજરાતમાં) |
મૃત્યુ | 23 July 1960 દિલ્હી | (ઉંમર 48)
વ્યવસાય | કવિ, નાટ્યલેખક, પત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ. (ન્યુયોર્ક યુનિ.) એમ.એ., પીએચ.ડી. (કોલંબિયા યુનિ.) |
નોંધપાત્ર સર્જનો | વૉર વિધાઉટ વાયોલન્સ (૧૯૩૯) |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૮) |
જીવનસાથી | સુંદરી કે. શ્રીધરાણી (૧૯૧૧ – ૧૯૬૦) |
કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૧ - ૨૩ જુલાઇ ૧૯૬૦) ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ઉમરાળામાં (હવે ભાવનગર જિલ્લામાં) થયો હતો.[૧] તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડી કુચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવિન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી અમૃતબઝાર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેઓ ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો.
૨૩ જુલાઇ ૧૯૬૦ના રોજ હૃદય બંધ પડવાથી દિલ્હીમાં તેમનું અવસાન થયું.[૧]
સર્જન
[ફેરફાર કરો]કોડિયાં (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના પ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ, પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ વિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.
રાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. કોડિયાં (૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ પુનરપિ (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ આઠમું દિલ્હી અત્યંત નોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં તેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત છિન્ન-ભિન્ન છું અને આ કવિનું આઠમું દિલ્હી ગુજરાતી કવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.
એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. વડલો (૧૯૩૧) અને પીળાં પલાશ (૧૯૩૩)માં સંગૃહીત બાળનાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં બાળનાટકોમાં નથી. વડલો નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો વેશ પહેરી ગુજરાત બહાર પણ પ્રસર્યું છે. પિયો ગોરી (બી. આ. ૧૯૪૬)માંનાં નાટકોનો બંધ દ્રશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતો તેમ જ ઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ડૂસકું અને પિયો ગોરીમાં થયેલો નાટ્યતત્વને કાવ્યતત્વનો સુમેળ એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ડુંગળીનો દડો, વીજળી અને વૃષલ રંગભૂમિની જરૂરીયાતોને ઉપેક્ષે છે.
એમણે લખેલા ત્રિઅંકી નાટકો પૈકીનું મોરના ઈંડા (૧૯૩૪) વાસ્તવાલેખન, વસ્તુને મળતો કવચિત્ રહસ્યનો ઓપ, પ્રતીકમયતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતોને લીધે ઈબ્સનશૈલીનો; તો એમાંની ભાવનામયતા, રંગદર્શિતા અને કાવ્યતત્વ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીનો પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી જોવાય છે. બીજું પદ્મિની (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે. પોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના શિયળનું બલિદાન આપતી મોના વાના (મોરિસ મેટરલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું પદ્મિની, એને સમસ્યાનાટક બનાવવાની લેખકની ધૂનને કારણે, ઇતિહાસના વાસ્તવને જોખમાવતું, પાત્રાલેખનમાં વિસંગતિ જન્માવતું અસ્વાભાવિક નાટક બન્યું છે.
દાંડિકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ઇન્સાન મિટા દૂંગા લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગો નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાયો છે. આ ઇન્સાન મિટા દૂંગા (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે.
આ ઉપરાંત આપણી પરદેશ નીતિ (૧૯૪૮) એમના નામે છે. વૉર વિધાઉટ વાયોલન્સ (૧૯૩૯), માય ઇન્ડિયા, માય અમેરિકા (૧૯૪૧), ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા (૧૯૪૧), વોર્નિંગ ટુ ધ વેસ્ટ (૧૯૪૩), ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ (૧૯૪૬), જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા (૧૯૪૯), સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ (૧૯૫૩), ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા (૧૯૫૬), ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી (૧૯૫૬) અને સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે.
કોડિયાં (૧૯૩૪) કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. પતંગિયું ને ચંબેલી જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. સ્વરાજ રક્ષકમાં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. આજ મારો અપરાધ છે, રાજા !માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. આઠમું દિલ્હી, બુદ્ધનું પુનરાગમન આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.
વડલો (૧૯૩૧) કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. વડલોની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ડાકઘરની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે.
મોરના ઈંડાં (૧૯૩૪) કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો ચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી.
પદ્મિની (૧૯૩૪) પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Mohan Lal (1992). Encyclopaedia of Indian Literature: sasay to zorgot. Sahitya Akademi. પૃષ્ઠ 4079. ISBN 978-81-260-1221-3.