ગજેન્દ્ર સિંઘ
હવાલદાર ગજેન્દ્ર સિંઘ બિશ્ત એસી | |
---|---|
ચિત્ર:Havildar Gajender Singh.jpg | |
જન્મ | દેહરાદૂન, ઉત્તરાખંડ |
મૃત્યુ | ૨૮ નવેમ્બર ૨૦૦૮ મુંબઈ, મહારાષ્ટ્ર |
દેશ/જોડાણ | |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૦-૨૦૦૮ |
હોદ્દો | હવાલદાર |
દળ | ચિત્ર:NSG-India.png ૫૧ એસએજી, રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડસ્ પેરાશુટ રેજિમેન્ટ |
યુદ્ધો | ઓપરેશન બ્લેક ટોર્નાડો |
પુરસ્કારો | અશોક ચક્ર |
ગજેન્દ્ર સિંઘ બિશ્ત એ રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડસ્ માં હવાલદાર તરીકે નિયુક્ત હતા અને તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયા હતા. તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ વીરતા માટે ભારતના શાંતિકાળના સર્વોચ્ચ વીરતા સન્માન અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત નવાજવામાં આવ્યા હતા.
બાળપણ
[ફેરફાર કરો]તેઓનો જન્મ દહેરાદૂનના ગણેશપુર ખાતે ઉત્તરાખંડમાં થયો હતો. તેઓનો શાળાકીય અભ્યાશ નયા ગાંવ ખાતે થયો. તેમના શિક્ષકો અને શાળાના સાથીઓ બિશ્તને એક શિસ્તબદ્ધ વિદ્યાર્થી તરીકે યાદ કરે છે, જે શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા. તેમને મુક્કાબાજી/બોક્સિંગમાં ખાસ રસ હતો.
ઑપરેશન બ્લેક ટોર્નાડો
[ફેરફાર કરો]ગજેન્દ્ર સિંઘ રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડસ્ ના ૫૧ ખાસ કાર્યવાહી જૂથના સભ્ય હતા. તેઓને મુંબઈ હુમલા દરમિયાન નરીમાન હાઉસની છત ઉપર હેલિકોપ્ટર મારફતે ઉતારવામાં આવ્યા અને તેમને આતંકવાદીઓને ઠાર મારી અને અંદર રહેલ છ બંધકોને સલામત બહાર ખસેડવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું.
બિશ્તની આગેવાની હેઠળ ટુકડીના સભ્યો મકાનમાં દાખલ થયા. તે જ સમયે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો જેનો ટુકડીના સભ્યોએ વળતો જવાબ આપ્યો. આતંકવાદીઓએ ટુકડી પર હાથગોળા પણ ફેંક્યા. તે ક્ષણે બિશ્ત પોતાની ટુકડીને પાછળ હટવા આદેશ આપી શકે તેમ હતા. પરંતુ, તેમણે હાથમાં આવેલ મોકાનો ફાયદો ઉઠાવતાં આગળ વધ્યા અને ટુકડીના અન્ય સભ્યોને આગળ વધવા માર્ગ કરી આપ્યો. તેમ કરતાં તેઓને હાથગોળાને કારણે ઇજા પહોંચી અને ત્રણ ગોળીઓ પણ વાગી. જેના કારણે તેઓ શહીદ થયા. બિશ્તની કાર્યવાહીના પરિણામે ટુકડી નરીમાન હાઉસને કબ્જે કરવામાં સફળ થઈ.
મૃત્યુ
[ફેરફાર કરો]કેટલાક સૈન્ય અધિકારીઓના વિશ્લેષણ અનુસાર આ કાર્યવાહીને સમાચાર માધ્યમો જીવંત ટીવી પર દર્શાવી રહ્યા હતા. જેના કારણે આતંકવાદીઓ સચેત થઈ ગયા અને સૈન્ય ટુકડીના આગમન પર તેમના પર ગોળીબાર કરવા લાગ્યા. આમ, બિશ્તનું મૃત્યુ સમાચાર માધ્યમોને કારણે થયું.
અશોક ચક્ર પ્રશસ્તિપત્ર
[ફેરફાર કરો]અશોક ચક્રનું સત્તાવાર પ્રશસ્તિપત્ર આ પ્રમાણે છે:
૪૦૭૩૬૧૧ હવાલદાર ગજેન્દ્ર સિંઘ પેરાશુટ રેજિમેન્ટ/૫૧ ખાસ કાર્યવાહી જૂથ (મૃત્યુપર્યંત)
૨૭ નવેમ્બર ૨૦૦૮ની રાત્રિએ નરીમાન હાઉસ ખાતેથી બંધકોને બચાવવાની કાર્યવાહીમાં હવાલદાર ગજેન્દ્ર સિંઘ એક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા.
ટોચના માળને ખાલી કરાવી નાખ્યા બાદ તેઓ આતંકવાદીઓ જે સ્થળે છુપાયેલ હતા તે સ્થળ પર પહોંચ્યા. તેઓ પાસે આવ્યા તે જ સમયે આતંકવાદીઓ હાથગોળા ફેંક્યા જેમાં તેઓ ઘાયલ થયા. આમ છતાં બિશ્ત ગોળીબાર કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા. તેઓએ એક આતંકવાદીને ઘાયલ કર્યો અને અન્યોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. તેમણે અંતિમ શ્વાસ સુધી મુઠભેડ ચાલુ રાખી અને ઇજાઓને કારણે તેઓ શહીદ થયા.
હવાલદાર ગજેન્દ્ર સિંઘે આતંકવાદીઓ સામે લડતાં મુશ્કેલ પરિસ્થિતિમાં અપ્રતિમ સાહસનું પ્રદર્શન કરતાં રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ashoka Chakra awardees and their saga of gallantry". Press Information Bureau, Government of India. ૨૫ જાન્યુઆરી ૨૦૦૯. મેળવેલ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪.