જ્યોતિ ભટ્ટ
જ્યોતિ ભટ્ટ | |
---|---|
જન્મની વિગત | જ્યોતિન્દ્ર માનશંકર ભટ્ટ 12 March 1934 |
રાષ્ટ્રીયતા | ભારતીય |
પ્રખ્યાત કાર્ય | ચિત્રકલા, પ્રિન્ટમેકિંગ અને ફોટોગ્રાફી |
ચળવળ | વડોદરા સમૂહ[૧] |
જીવનસાથી | જ્યોત્સના ભટ્ટ |
પુરસ્કારો | પદ્મશ્રી (૨૦૧૯)[૨] લલિત કલા અકાદમીના ફેલો (૨૦૨૨) |
જ્યોતિન્દ્ર માનશંકર ભટ્ટ (જ. ૧૨ માર્ચ ૧૯૩૪) જ્યોતિ ભટ્ટના નામથી વધુ જાણીતા છે, તેઓ એક ભારતીય કલાકાર છે, જેઓ ચિત્રકલા અને પ્રિન્ટમેકિંગમાં તેમના આધુનિકતાવાદી કાર્ય માટે તથા ગ્રામીણ ભારતીય સંસ્કૃતિના ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ માટે જાણીતા છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ.યુ.)ના લલિત કલા સંકાય (ફાઇન આર્ટ્સ ફેકલ્ટી)માં એન. એસ. બેન્દ્રે અને કે. જી. સુબ્રમણ્યમના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેમણે રાજસ્થાનની વનસ્થલી વિદ્યાપીઠમાં ફ્રેસ્કો અને ભીંતચિત્રોનો અભ્યાસ કર્યો અને ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં ઇટાલીના નેપલ્સમાં આવેલી એકેડેમિયા ડી બેલે આર્ટ તેમજ ન્યૂયોર્કની પ્રેટ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો.[૩] તેમને ૨૦૧૯[૨] માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને ૨૦૨૨માં લલિત કલા અકાદમીના ફેલો તરીકે ચૂંટાયા હતા.[૪]
જીવન પરિચય
[ફેરફાર કરો]ભટ્ટ તેમના પ્રારંભિક કાર્યમાં ક્યુબિસ્ટ પ્રભાવથી રંગીન પોપ આર્ટ તરફ વળ્યા જેમાં ઘણીવાર તેમની છબીઓ પરંપરાગત ભારતીય લોક ભાતથી પ્રભાવિત હતી. જો કે ભટ્ટે વિવિધ માધ્યમોમાં કામ કર્યું હતું, જેમાં પાણીના રંગો અને તૈલ રંગોનો સમાવેશ થાય છે, પરંતુ તેમની પ્રિન્ટમેકિંગ કામગીરીએ તેમનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૬૬માં ભટ્ટ ન્યૂયોર્કના બ્રુકલિન ખાતેની પ્રેટ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે મેળવેલી ઇન્ટાગ્લિયો પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી સાથે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા ખાતે પાછા ફર્યા. અંશતઃ ભટ્ટનો ઇન્ટાગ્લિયો માટેનો ઉત્સાહ જ હતો જેના કારણે જેરામ પટેલ, ભૂપેન ખખ્ખર અને ગુલામમોહમ્મદ શેખ જેવા અન્ય કલાકારોએ પણ આ જ પ્રક્રિયા હાથ ધરી હતી. ભટ્ટ, અને વડોદરા લલિત કલા સંકાયના તેમના સાથીદારો, ટૂંક સમયમાં જ ભારતીય કલાની "ધ બરોડા સ્કૂલ" તરીકે ઓળખાવા લાગ્યા.[૫]
૧૯૬૦ના દાયકાના અંતમાં ભટ્ટને ગુજરાતી લોકકલાના ફોટોગ્રાફ્સ લેવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં, આ કામ એક સેમિનાર માટે કરવામાં આવ્યું હતું, પરંતુ તે ટૂંક સમયમાં પરંપરાગત ભારતીય હસ્તકલા અને ડિઝાઇન કાર્યના દસ્તાવેજીકરણ માટે કલાકારના જુસ્સામાંનું એક બની ગયું. ગ્રામીણ ગુજરાતની લુપ્ત થતી કળાઓ એક કેન્દ્રબિંદુ બની ગઈ. જો કે ભટ્ટની ગામ અને આદિજાતિની ડિઝાઇનની તપાસે તેમના પ્રિન્ટમેકિંગમાં ઉપયોગમાં લેવાયેલી ભાતોને ચોક્કસપણે પ્રભાવિત કરી હતી, પરંતુ ભટ્ટ તેમના દસ્તાવેજી ફોટોગ્રાફ્સને એક કલા સ્વરૂપ જ માને છે. તેમના સીધા અને સરળ રીતે રચિત ફોટોગ્રાફ્સ તેમની પોતાની યોગ્યતાના આધારે મૂલ્યવાન બન્યા છે.[૬]
ભટ્ટની એમ.એસ. યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગમાં શિક્ષક તરીકેની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે યુનિવર્સિટીની ઉત્ક્રાંતિ, તેની ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની કલાત્મક પ્રવૃત્તિઓ અને બરોડાની સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર ઇમારતોની તસવીરો લીધી છે. કાર્યનું આ વિશાળ જૂથ કદાચ ભારતીય કલાની "ધ બરોડા સ્કૂલ" સાથે સંબંધિત શ્રેષ્ઠ ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ છે.[૭]
જો કે જ્યોતિ ભટ્ટની પ્રિન્ટ જ તેમનું સૌથી વધુ કલાત્મક યોગદાન છે. તેમની કોતરણીઓ, ઇન્ટાગ્લિયોસ અને સ્ક્રીન પ્રિન્ટ્સે ભારતીય સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલા પ્રતીકોની વ્યક્તિગત ભાષાની શોધ કરી છે અને તેને પુનર્વ્યાખ્યાયિત કરી છે: મોર, પોપટ, કમળ, શૈલીબધ્ધ ભારતીય દેવી-દેવતાઓ, અને આદિવાસી અને ગ્રામ્યભાતોમાં અનંત ભિન્નતા જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે ડિજિટલ પ્રિન્ટિંગ અને હોલોગ્રાફીની અન્વેષણા કરી છે.
તેમનું કાર્ય અસંખ્ય આંતરરાષ્ટ્રીય સંગ્રહોમાં છે, જેમાં મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ, ન્યૂ યોર્ક, ધ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન, વોશિંગ્ટન ડી.સી., ધ બ્રિટિશ મ્યુઝિયમ, લંડન[૮] અને મ્યુઝિયમ ઓફ આર્ટ એન્ડ ફોટોગ્રાફી, બેંગ્લોરનો સમાવેશ થાય છે.
અંગત જીવન
[ફેરફાર કરો]જ્યોતિ ભટ્ટની મુલાકાત જ્યોત્સના ભટ્ટ નામના એક માટીકામ કલાકાર સાથે કોલેજના વર્ષો દરમિયાન થઈ હતી અને તેમણે પાછળથી લગ્ન કર્યા હતા. તેઓ વડોદરામાં રહેતા હતા.[૯] તેમને એક પુત્રી જૈઇ હતી.[૨]જ્યોત્સના ભટ્ટ માટીકામ કલાકાર અને ચિનાઈ માટી (સિરામિક્સ) વિષયના પ્રોફેસર હતા અને ૨૦૨૦માં તેમનું વડોદરા ખાતે અવસાન થયું હતું.[૧૦]
પુરસ્કાર
[ફેરફાર કરો]- જર્મનીના ફોટોકીના ખાતે ટોચનું ઇનામ, વર્લ્ડ ફોટો કોન્ટેસ્ટ. (૧૯૭૮)
- ગ્રાન્ડ પ્રિક્સ, એશિયા અને પેસિફિક માટે ૧૩મી વાર્ષિક ફોટો સ્પર્ધા, યુનેસ્કો, જાપાન. (૧૯૮૯)
- રાષ્ટ્રપતિની ગોલ્ડ પ્લેક અને નેશનલ એવોર્ડ, ૧૯૫૬.
- ભારતની આઝાદીની ૨૫મી વર્ષગાંઠ માટે પોસ્ટલ સ્ટેમ્પ ડિઝાઇનનું પ્રથમ ઇનામ.
- બ્રોન્ઝ મેડલ, નિકોન વર્લ્ડ ફોટો કોન્ટેસ્ટ. જાપાન.
- પદ્મશ્રી (૨૦૧૯)[૨]
- ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર (૨૦૨૦)[૧૧]
- ફેલોશિપ ઓફ લલિત કલા અકાદમી (૨૦૨૨)[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "His name is listed as Baroda Group of Artists' fifth annual exhibition of paintings by". Asia Art Archive.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Padma Awards 2019 announced". pib.nic.in. મેળવેલ 2019-01-27.
- ↑ Amrita Gupta Singh, Jyoti Bhatt: Parallels that Meet, Delhi Art Gallery, 2007 ISBN 978-81-904957-0-7
- ↑ ૪.૦ ૪.૧ "Vice President confers Sangeet Natak Akademi Fellowship, Awards and National Awards of Lalit Kala Akademi to eminent artists". NewsOnAIR - (અંગ્રેજીમાં). 2022-04-09. મેળવેલ 2022-05-08.
- ↑ Nilima Sheikh, Contemporary Art In Baroda, Tulika Publishers, 1997, ISBN 81-85229-04-X
- ↑ Amrita Jhaveri, A Guide to 101 Modern and Contemporary Indian Artists, India Book House, 2005 ISBN 81-7508-423-5
- ↑ Contemporary Art In Baroda, Tulika Publishers, 1997, ISBN 81-85229-04-X
- ↑ Jyoti Bhatt: Parallels that Meet, Delhi Art Gallery, 2007 ISBN 978-81-904957-0-7
- ↑ "Jyotsnaaa Bhaatt | Gallery Ark" (અંગ્રેજીમાં). 2019-12-23. મૂળ માંથી 2020-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-12.
- ↑ "Renowned ceramic artist Jyotsna Bhatt passes away". The Indian Express (અંગ્રેજીમાં). 2020-07-11. મેળવેલ 2020-07-12.
- ↑ "પદ્મભૂષણ ડો. ધીરૂભાઇ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ - 2020". GujaratAffairs. 17 June 2010. મૂળ માંથી 16 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2010. Check date values in:
|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જ્યોતિ ભટ્ટ: ગ્રામીણ ભારતીય જીવનને સાચવનાર ફોટોગ્રાફર બીબીસી દ્વારા
- જ્યોતિ ભટ્ટના ફોટોગ્રાફ્સ
- સેફ્રોન આર્ટ કલાકાર રૂપરેખા
- દિલ્હી કલાવિથિકા, કલાકાર રૂપરેખા
- ઈન્ડીયા આર્ટ [૧] સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
- જ્યોતિ ભટ્ટ આર્કાઇવ