નીલકંઠ (પક્ષી)
નીલકંઠ | |
---|---|
C. b. indicus from Mangaon, Maharashtra, India | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Unrecognized taxon (fix): | Coraciidae |
Genus: | Coracias |
Species: | ''C. benghalensis'' |
દ્વિનામી નામ | |
Coracias benghalensis | |
distribution | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Corvus benghalensis Linnaeus, 1758 |
નીલકંઠ કોરેસિડી કુળનું એક પક્ષી છે. તે વ્યાપક પ્રમાણમાં પશ્ચિમ એશિયા અને ભારત ઉપખંડમાં જોવા મળે છે. આઇયુસીએન લિસ્ટમાં ઓછામાં ઓછી ચિંતાજનક જાતિ તરીકે સૂચિબદ્ધ છે.
લીલા અને ભૂરા રંગનું આ પક્ષી દેખાવે સુંદર હોય છે. નીલકંઠ પક્ષીનો ભલે રોલર પ્રજાતિ સાથે સબંધ હોય પણ તેનો રંગ તેનાથી તદ્દન અલગ હોય છે. તે ભારત ઉપરાંત દક્ષિણ એશિયા, ઇન્ડોનેશિયા અને ઈરાક જેવા દેશોમાં પણ જોવા મળે છે. તે પ્રવાસી પક્ષી તો નથી પણ ઋતુ પ્રમાણે તે પોતાની જગ્યા બદલતા રહેતા હોય છે. તે હંમેશાં રસ્તાના ઝાડ અને વાયરની આસપાસ જોવા મળે છે અને સામાન્ય રીતે ખુલ્લા ઘાસનાં મેદાનો અને ઝાડી વન વસાહતોમાં જોવા મળે છે. સૌથી વધુ વસ્તી ભારતમાં જોવા મળે છે અને ભારતના કેટલાંક રાજ્યોએ તેને તેમના રાજ્ય પક્ષી તરીકે પસંદ કર્યા છે.
વર્ણન
[ફેરફાર કરો]નીલકંઠ પક્ષીના માથા અને પાંખોનો રંગ લીલો હોય છે. તેમજ તેના ગળાનો રંગ હલકો ભૂરો હોય છે. તેની ચાંચ કાળા રંગની હોય છે. તેનો અવાજ કાગડા જેવો તીક્ષ્ણ અને કર્કશ હોય છે. નીલકંઠ નામનું આ પક્ષી લગભગ ૨૭ સેન્ટીમીટર જેટલું લાંબું હોય છે. તે દેખાવે મેના જેવું લાગ છે. તેનું વજન ફક્ત ૮૦થી ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. નર અને માદા નીલકંઠ દેખાવમાં લગભગ એક જેવા જ હોય છે. નીલકંઠની ખાસીયત એ છે કે તે હવામાં ઊડતાં જાતજાતના કરતબ કરતું હોય છે. તે હવામાં ઊડતાંઊડતાં એરોબિક્સ મૂવ્સ કરે છે તેમજ ૩૬૦ અંશે ગોળ પણ ફરી શકે છે. નીલકંઠનો પ્રજનનકાળ ભારતમાં મેથી જૂન મહિના સુધીનો હોય છે. એટલે કે ગરમીની ઋતુમાં તે ઈંડાં મૂકે છે. નીલકંઠ પક્ષી જંગલો ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં પણ વસવાટ કરે છે. આ ઉપરાંત તે જંગલ નજીક ઘાસના મેદાનોમાં પણ જોવા મળે છે. કેટલીક વખત તે રસ્તાઓ પરના થાંભલાના તાર પર પણ બેઠેલા જોવા મળે છે. નીલકંઠ પક્ષીનો મુખ્ય ખોરાક બીજ, નાની ઈયળો, જીવજંતુ, નાના સરિસૃપ પ્રાણીઓ, નાના વીંછી અને મકોડા છે.
વિતરણ અને નિવાસસ્થાન
[ફેરફાર કરો]આ નીલકંઠ પક્ષીને ખેડુતપ્રેમી પક્ષી પણ કહેવાય છે. તે ખેતરમાં જોવા મળતા કીટકોને ખાઈને પાકને બગડવાથી બચાવે છે. નર નીલકંઠ માદાને આકર્ષિત કરવા હવામાં ગુલાટીઓ મારે છે. આ સમયે તેની પાંખોનો લીલો રંગ ખૂબ જ સુંદર લાગતો હોય છે. સામાન્ય રીતે તેઓ પોતાનો માળો ઝાડ પર તેમજ ઝાડની બખોલમાં બનાવે છે. માદા નીલકંઠના ઈંડા સફેદ રંગનાં હોય છે. તે એક વખતમાં ત્રણથી ચાર ઈંડા મૂકે છે. નર અને માદા નીલકંઠ બંન્ને ભેગા મળીને ઈંડાને સેવે છે. વીસ દિવસ બાદ ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે. બે મહિના સુધી નર અને માદા નીલકંઠ બચ્ચાંનો ઉછેર કરે છે અને ત્યારબાદ બચ્ચાં માળો છોડીને ઉડી જાય છે.
નિવસન અને વર્તન
[ફેરફાર કરો]નીલકંઠ મોટે ભાગે ઉઘાડા ઝાડ અથવા વાયર પર બેઠેલું જોવા મળે છે. તેઓ તેમના શિકારને પકડવા માટે જમીન પર ઉતરતા હોય છે જેમાં જંતુઓ, કરોળિયા, વીંછી, નાના સાપ અને ઉભયજીવીઓ શામેલ હોઈ શકે છે. દક્ષિણ ભારતમાં કૃષિ નિવાસોમાં આશરે ૫૦ પક્ષીઓ પ્રતિ કિ.મી.ની ઘનતા જોવા મળે છે.
રસ્તાની બાજુ બેસી ખાવાની તેની આદત ક્યારેક વાહન સાથે અથડામણમાં પરિણમે છે. હાલના સમયમાં નીલકંઠ પક્ષીની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે.
પક્ષી ખુલ્લા પાણીમાં ડૂબકી મારી સ્નાન કરે છે, જે વર્તનને ઘણીવાર ભૂલમાં માછલી પકડવાની ક્રિયા સમજી લેવામાં આવે છે, પરંતુ તે ક્યારેક પાણીમાંથી માછીમારી કરવાનો પ્રયાસ કરી શકે છે.
-
eating a grasshopper
-
in flight
સંસ્કૃતિમાં
[ફેરફાર કરો]કેટલાક લોકો નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું સ્વરૂપ માને છે. માટે જ તેને નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. દશેરા અને દુર્ગા પૂજામાં આ પક્ષી દેખાઈ જાય તો શુભ માનવામાં આવે છે. નીલકંઠ પક્ષી કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓરિસા જેવાં રાજ્યોનું રાજકીય પંખી જાહેર કરવામાં આવ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2016). "Coracias benghalensis". The IUCN Red List of Threatened Species. 2016: e.T22725914A94905872. મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૯.