પત્રકારત્વ

વિકિપીડિયામાંથી

પત્રકારત્વ (અંગ્રેજી: Journalism) એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય છે. જેમાં સમાચારોનું એકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર)તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં રોમથી થઇ હોવાનું માનવામાં આવે છે. ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” [૧] (દિવસની ઘટનાઓ) હતું.[૨] ખરેખર તો એ એક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં આવતાં હતાં. આ પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં આવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં આવતી હતી.

ઇ.સ.ની ૧૫મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ.[૩][૪] તેનાથી પુસ્તકો અને વર્તમાનપત્રોનું પણ પ્રકાશન કરવું શક્ય બન્યું . યુરોપનાં સ્ત્રાસબુર્ગ શહેરમાં કારોલૂસ નામનો ધનવાન વ્યક્તિ હાથથી લખેલા સૂચનાપત્રો પ્રકાશિત કરતો હતો. ઇ.સ. ૧૬૦૫માં તેણે છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ મુદ્રીત સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ રિલેશન હતું.[૫]

ભારતમાં[૬] પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. પાછળથી ભીંતપત્રો શરું થયા. સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું.[૭] પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું[૮] જેણે આઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી આઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે.[૯] ૧૯૭૦ પછી કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની આલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા. સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં સંવાદ કૌમુદી પ્રસિદ્ધ થયું.[૧૦] ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર મુંબઇ સમાચાર ઇ.સ. ૧૮૨૨માં પ્રકાશિત થયું. તે આજે પણ વિદ્યમાન છે.[૧૧]

મુદ્રણ માધ્યમ[ફેરફાર કરો]

મુદ્રણ કરીને પ્રકાશિત કરવામાં આવતાં હોય તેવા તમામ પ્રકારના પત્રો/પત્રિકાઓનો આ માધ્યમ હેઠળ સમાવેશ થાય છે.[૧૨][૧૩] વર્તમાનપત્રો અને સામયિકો સામાન્ય રીતે દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક, છ માસિક અને વાર્ષિક સમયસારણીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય વર્તમાનપત્રો ઉપરાંત સ્થાનિક કક્ષાએથી પ્રસિદ્ધ થતાં પત્રો લોકો માટે જીવનક્રમનો એક ભાગ બની ગયાં છે. પ્રાચીન સમયમાં બીબા ઢાળવા અને અને અક્ષરોને ગોઠવવાનું કામ ઘણું અટપટું હતું. મુદ્રણ ક્ષેત્રે થયેલી આધુનિક શોધો[૧૪]ના કારણે હવે ઝડપી, રંગારંગી, સુઘડ છાપકામ શક્ય બન્યું છે.

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ[ફેરફાર કરો]

દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે જોઇ શકાય તથા સાંભળી શકાય તેવા માધ્યમો. જેમકે રેડીયો તથા એમપી3 જેવા ઑડીયોને શ્રાવ્ય માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. જયારે દ્ગશ્ય માધ્યમોમાં જોઇ શકાય તેવા ચલચિત્રોનો સમાવેશ થાય છે. આજે આપણે ટેલિવિઝન પર ચલચિત્ર સાથે જે અવાજ સાંભળીએ છીએ તે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટ પર મળતા વિડીયો ફૂટેજ, સિનેમા તથા મોબાઇલમાં જોવાતા યુ ટ્યુબ જેવા માધ્યમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે.

દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ટેલિવિઝન પર વિવિધ સમાચાર ચેનલો દ્વારા દેશ-વિદેશની ઘટનાઓ, સ્થાનિક ગતિવિધિઓના સમાચારો આપવામાં આવે છે. ગુજરાતી તેમજ અન્ય ભાષામાં સમાચારો પ્રદર્શિત કરતી ઘણી ચેનલો છે.[૧૫]લોકો સુધી ઝડપી સમાચારો પહોંચાડવા માટે આ માધ્યમ ઘણું જ ઉપયોગી છે. ઘટના કે કાર્યક્રમનું સીધું જીવંત પ્રસારણ કરવું પણ શક્ય બન્યું છે.

સૉશ્યલ મીડિયા[ફેરફાર કરો]

સૉશ્યલ મીડીયાનો ગુજરાતી અર્થ સામાજિક માધ્યમો એવો થાય છે. સૉશ્યલ મીડિયા એટલે એવા માધ્યમો જે સમાજનાં લોકોને એકબીજા સાથે જોડે છે. વર્તમાન સમયમાં જોઇએ તો કૉમ્પ્યુટર તથા મોબાઇલ પર ઉપયોગમાં લેવાતાં ફેસબુક, વૉટ્સએપ, ટેલિગ્રામ, હાઇક સહિતનાં સૉશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે ઇન્ટરનેટ (અંગ્રેજી: Internet)ને આભારી છે. જેમાં લોકો એકબીજાને અક્ષરોથી લખેલા સંદેશા તથા તસવીરો મોકલી શકે છે. જેમાં વ્યકિતગત તથા જૂથ બનાવીને એકથી વધુ લોકો સુધી સંદેશો, તસવીર, દ્રશ્ય, શ્રાવ્ય મોકલી શકાય છે. પત્રકારત્વ જગતમાં પણ આજે સૉશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે.[૧૬] [૧૭][૧૮] પહેલાનાં સમયમાં પત્રકાર તસવીરકાર સાથે ઘટના સ્થળ પર પહોંચીને માહિતી મેળવી તસવીર મેળવતો હતો; જયારે આજે સૉશ્યલ મીડિયાનાં માધ્યમથી સમાચાર, પ્રૅસનોટ તથા તસવીરો મે‌ળવી શકાય છે. તેથી સમાચારપત્રો માટે સૉશ્યલ મીડિયા પૂરક સાબિત થયું છે. આ માધ્યમથી લોકો પણ ઘટનાઓ કે ખબરોને ત્વરિત રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.

જાણીતા પત્રકારો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. http://www.historyofinformation.com/expanded.php?id=1636
 2. પુસ્તક પત્રકારિતા કા ઇતિહાસ અૌર પ્રશ્ન, લે. કૃષ્ણબિહારી મિશ્ર https://books.google.co.in/books?id=4fNa62qAGJIC&printsec=frontcover&hl=en#v=onepage&q&f=false
 3. http://www.prepressure.com/printing/history/1500-1599
 4. http://historyworld.net/wrldhis/PlainTextHistoriesResponsive.asp?ParagraphID=kck
 5. http://www.historyofinformation.com/expanded.php?id=45
 6. http://www.indianmirror.com/indian-industries/printing.html
 7. http://www.indiastudychannel.com/experts/19743-What-Was-The-Name-Of-India-s-First-Newspaper.aspx
 8. http://www.mkgandhi.org/journalist_g.htm
 9. http://articles.economictimes.indiatimes.com/2013-08-31/news/41642182_1_president-pranab-mukherjee-freedom-struggle-quit-india-movement
 10. http://www.scribd.com/mobile/doc/102617808
 11. www.bombaysamachar.com
 12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-14.
 13. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-14.
 14. મુદ્રણ ક્ષેત્રે અાધુનિક શોધો અંગે pdf
 15. "સમાચાર ચેનલોની યાદી". મૂળ માંથી 2015-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-14.
 16. http://www.cjr.org/united_states_project/social_media_geotagging_local_journalists.php
 17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-14.
 18. http://www.adweek.com/socialtimes/news-social-media-study/612903