પ્રેમચંદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રેમચંદ (૩૧ જુલાઇ ૧૮૮ – ૮ ઓક્ટોબર 1936), જન્મે ધનપત રાય શ્રીવાસ્તવ, હિન્દી અને ઉર્દુ સાહિત્યના લેખક, વાર્તાકાર અને સમાજસેવક હતા.[૧] તેઓ નવાબરાય અને મુન્શી નામથી પણ ઓળખાય છે. નવલકથામાં તેમના યોગદાનને જોઈ બંગાળના નવલકથાકાર શરતચંદ્ર ચાટ્ટોપાધ્યાયે તેમને નવલકથા સમ્રાટ નામથી સંબોધ્યા હતા. પ્રેમચંદ હિન્દી વાર્તા અને નવલકથામાં એક નવી પરંપરાનો વિકાસ કર્યો જેણે આખી સદીના સાહિત્યને માર્ગદર્શન પૂરું પડ્યું.[૨]

જીવન[ફેરફાર કરો]

પ્રેમચંદનો જન્મ ૩૧ જુલાઇ ૧૮૮૦ના રોજ કાશી પાસે લમહી ગામમાં થયો હતો. તેમનું મૂળનામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમની માતાનું નામ આનંદદેવી તથા પિતાનું નામ મુંશી અજાયબરાય હતું જેઓ લમહીમાં ટપાલી હતા. તેમના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસીથી થયો. [૨] ૧૩ વર્ષની ઉંમરે તેમણે તિલિસ્મે-એ-હોશરૂબાનો અભ્યાસ કરી લીધો અને ઉર્દુના પ્રખ્યાત રચનાકાર રાતનનાથ સરશાર , મિર્ઝા રુસવા અને મૌલાના શરરની નવલકથાઓનો પણ અભ્યાસ કર્યો. સાત વર્ષની ઉંમરે તેમની માતા અને ૧૪ વર્ષની ઉંમરે પિતાના અવસાનના કારણે તેમનું જીવન સંઘર્ષમાંથી પસાર થયું. તેમના લગ્ન ૧૫ વર્ષની ઉંમરે થઈ ગયા જે નિષ્ફળ નીવડ્યા. તેઓ આર્યસમાજથી પ્રભાવિત થયા. ઇ.સ ૧૯૦૫માં તેમણે બીજા લગ્ન બાળ વિધવા શિવરાણી દેવીથી કર્યા. તેમના ત્રણ સંતાન થયા: શ્રીપતરાય , અમૃતરાય અને કમલાદેવી શ્રીવાસ્તવ. ઇ.સ ૧૯૧૦માં તેમની રચના સાજે-વતન (રાષ્ટ્રનો વિલાપ) માટે તેમના પર લોકોને ભડકવવાનો આરોપ લાગ્યો અને જેલ થઈ.[૨]

ઇ.સ. ૧૮૯૮માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. ઇ.સ.૧૯૧૦માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. ૪૦ વર્ષની ઉંમરમાં ૧૯૧૯માં બી.એ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઈન્સ્પેકટર પદ પર નિયુક્ત થયા. પરંતુ પાછળથી ગાંધીજીના કહેવાથી તેમણે નોકરી છોડી દીધી.[૧]

કાર્યક્ષેત્ર[ફેરફાર કરો]

પ્રેમચંદ આધુનિક હિન્દી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ તરીકે ઓળખાય છે. તેમના સાહિત્યિક જીવનનો પ્રારંભ ઇ.સ. ૧૯૦૧માં થયો. તેમણે રફતાર-ઇ-જમાના ઉર્દુ સામયિકમાં માસિક કોલમ લખીને પણ યોગદાન આપ્યું હતું.[૧]

પ્રેમચંદે હિન્દી સાહિત્યમાં યથાર્થવાદની શરૂઆત કરી. ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય અને નારી સાહિત્યના મૂળ પ્રેમચંદના સાહિત્યમાં જોવા મળે છે.[૨]

સાહિત્યિક કૃતિઓ[ફેરફાર કરો]

પ્રેમચંદની રચનાઓ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. પ્રેમચંદે નવલકથા, વાર્તા, નાટક, સમીક્ષા, લેખ, સંસ્મરણ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં લેખનકાર્ય કર્યું. તેમણે કુલ ૧૫ નવલકથા, ૩૦૦0થી વધારે વાર્તાઓ, ૩ નાટક , ૧૦ અનુવાદ , ૭ બાળ પુસ્તકો તથા હજારો પૃષ્ઠના ભાષણ અને પત્ર વગેરે લખ્યું.[૨]

નવલકથા[ફેરફાર કરો]

તેમણે વિવિધ નવલકથાઓ લખી જેમાં ‘રૂઠી રાની’ એક લોકપ્રિય નવલકથા હતી. ત્યારબાદ ‘કૃષ્ણ’ , ‘વરદાન’ , ‘ પ્રતિજ્ઞા’ પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ ‘સેવાસદન’(૧૯૧૬), પ્રેમાશ્રમ( ૧૯૧૮થી ૧૯૨૨માં), નિર્મલા તથા ગોદાન(૧૯૨૭માં) પ્રકાશિત થઈ હતી. તેમની અધૂરી નવલકથા’ મંગલસૂત્ર’ છે.[૨]

અન્ય[ફેરફાર કરો]

તેમણે હિન્દી સાહિત્યમાં કેટલાક વાર્તાસંગ્રહ આપ્યા. તેમની બધી વાર્તાઓ ‘માનસરોવર ભાગ ૧ થી ૮’ સ્વરૂપે પ્રગટ થયો. તેમની વાર્તાઓમાં નગર જીવન અને સામાન્ય લોકોના પ્રસંગનું આલેખન જોવા મળે છે. નવલકથા અને વાર્તાઓ ઉપરાંત તેમણે નાટકોમાં પણ યોગદાન આપ્યું. ‘સંગ્રામ’(૧૯૨૩), ‘કાબિલ' (૧૯૨૪) અને ‘પ્રેમ કી વેરી’ તેમના નાટક છે. [૨]

અવસાન[ફેરફાર કરો]

પ્રેમચંદ ૮ ઓક્ટોબર 1936ના રોજ અવસાન પામ્યા હતા. અવસાનના ૬ મહિના પહેલા તેઓ લખનૌમાં યોજાયેલ વાર્ષિક અધિવેશન 'ઇંડિયન પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિયેશન' (ભારતીય પ્રગતીશીલ લેખક મંડળ)ના અધ્યક્ષ પણ બન્યા હતા.[૨]  

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mohan lal, સંપા. (2007). Encyclopaedia of Indian Literature. 4. New Delhi: Sahitya Akademi. ISBN 81-260-1003-1. Check date values in: |year= (મદદ)CS1 maint: Ignored ISBN errors (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ જોશી, રજનીકાંત પ્ર. (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. ૧૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૨૩૯-૨૪૦. Check date values in: |year= (મદદ)