ફેરો

વિકિપીડિયામાંથી

ફેરોગુજરાતી લેખક રાધેશ્યામ શર્મા દ્વારા લખાયેલ નવલકથા છે, જે ૧૯૬૮માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથાનું કથાવસ્તુ સ્થૂળ છે: અમદાવાદની પોળમાં રહેતો કથા-નાયક પોતાનો મૂંગો પુત્ર બોલતો થાય એ માટે પત્નીને લઈ સૂર્યમંદિરે બાધા કરવા માટે ટ્રેનની મુસાફરી કરે છે; નિર્ધારિત સ્ટેશને પહોંચતા પહેલા જ તેમનો નાનકડો પુત્ર ગૂમ થઈ જાય છે.[૧]

કથાવસ્તુ[ફેરફાર કરો]

'ધક્કો આવ્યો. ગાડી ઊપડી' — આ વાક્યથી નવલકથાનો પ્રારંભ થાય છે.[૨][૧] નવલકથામાં પ્રથમપુરુષ કથનપદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.[૩]

અમદાવાદની પોળમાં રહેતાં પતિ-પત્નીનો પુત્ર ભૈ જન્મથી મૂંગો છે. એ બોલતો થાય એ માટે તેઓ એ મૂંગા દીકરાને ટ્રેનમાં સાથે લઈ સૂર્યમંદિરે બાધા કરવા લઈ જાય છે. ગાડીની મુસાફરીની સાથે સાથે પતિ (નાયક)ના ચિત્તનો પ્રવાસ સમાંતરે દર્શાવવામાં આવ્યો છે. નાયક પોતે લેખક છે એટલે સતત ચિંતન કર્યા કરે છે.[૨]

દંપતિને શ્રદ્ધા છે કે સૂર્યદેવની કૃપાથી જન્મેલો પણ અ-બોધ પુત્ર સૂર્યદેવના દર્શન, બાધા અને કૃપાથી બોલતો થઈ જશે. ત્રણ જણા ટ્રેનમાં પ્રવાસ કરે છે ને તેમનો ચેતનાપ્રવાહ પણ ચાલે છે. ટ્રેન સૂર્યદેવના સ્થાનકના સ્ટેશને પહોંચે એ પહેલાં જ આગલા સ્ટેશને પુત્ર ભૈ ખોવાઈ જાય છે. નાયક સંડાસમાં ગયો હોય છે. તે બારણું હચમચાવતાં બહાર નીકળે છે, અને ભૈ વિશે કૈં ખબર ન મળતા અકળાઈને પત્નીને એક તમાચો મારી દે છે. એવામાં ગાડી ઊપડે છે. નાયક સાંકળ ખેંચવા હાથ ઊંચો કરે છે. પણ એટલામાં જ એક ભારે પ્રકાશવાળું એન્જિન પસાર થાય છે. નાયકની આંખ પત તેનો પ્રકાશ પડે છે ને ધૂમાડાથી એની આંખ અને ડબો ભરાઈ જાય છે. નાયક કહે છે: 'સાંકળ તરફ ઊંચો કરેલો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો'. આ સાથે નવલકથા પૂર્ણ થાય છે.[૪]

આવકાર[ફેરફાર કરો]

ઉમાશંકર જોશી એ આ નવલકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે: "અર્થગર્ભ પ્રતિકોથી [આ] કૃતિ એક સમૃદ્ધ સ્વરકંપોવાળી રાગિણી જેવી બની છે".[૫]

સુમન શાહ દ્વારા લખાયેલ પુસ્તકના શિર્ષક "ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો"માં આ નવલકથાનો સંદર્ભ છે.[૬]

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ મેકવાન ૨૦૦૨, p. 106.
  2. ૨.૦ ૨.૧ પટેલ ૨૦૧૮, p. ૩૪૨.
  3. પટેલ ૨૦૧૮, p. ૩૪૫.
  4. પટેલ ૨૦૧૮, p. ૩૪૨–૩૪૩.
  5. મેકવાન ૨૦૦૨, p. 1૧૩.
  6. ટોપીવાળા 1990, p. 113.

સંદર્ભ સ્ત્રોતો[ફેરફાર કરો]

  • ટોપીવાળા, ચન્દ્રકાન્ત, સંપાદક (૧૯૯૦). "ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો (૧૯૭૩)". ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૧૩. OCLC 26636333.
  • પટેલ, બહેચરભાઈ (૨૦૧૮). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૪૨–૩૪૫. ISBN 978-81-7468-210-9.
  • મેકવાન, મેબલ વિલિયમ (૨૦૦૨). "પ્રકરણ ૫: રાધેશ્યામ શર્માની નવલકથા: પ્રયોગશીલ અને નૂતન પ્રવાહની નવલકથા" (PDF). સર્જક રાધેશ્યામ શર્મા (Ph.D.). અમદાવાદ: ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ. પૃષ્ઠ ૧૦૬–૧૩૦. hdl:10603/192469.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • ફેરો એકત્ર ફાઉન્ડેશન પર