લખાણ પર જાઓ

ભરત દવે

વિકિપીડિયામાંથી
ભરત દવે
જન્મભરત બાલકૃષ્ણ દવે
૧૬ ઑગસ્ટ ૧૯૪૮
અમદાવાદ, મુંબઈ રાજ્ય.
મૃત્યુ૧૫ મે ૨૦૨૧
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક

ભરત બાલકૃષ્ણ દવે (૧૬ ઑગસ્ટ ૧૯૪૮ - ૧૫ મે ૨૦૨૧) એ એક નાટ્ય દિગ્દર્શક, નાટ્ય લેખક અને ટીવી નિર્માતા હતા.[૧]તેમને કુમાર સુવર્ણ ચંદ્રક ગૌરવ પુરસ્કાર અને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૬ ઑગસ્ટ ૧૯૪૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી ૧૯૭૧માં એમ.એ. તથા ૧૯૭૨માં એલ.એલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. નાટક તરફની રૂચિને કારણે તેમણે ૧૯૭૩માં મુંબઈના નાટ્યસંઘમાં એક વર્ષનો ડિપ્લોમા અને ત્યાર બાદ ૧૯૭૬માં દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અલકાઝીસાહેબ[૨][૩] પાસે દિગ્દર્શનનો ત્રણ વર્ષાનો ડિપ્લોમા પૂરો કર્યો હતો. તેઓ સિતાર શીખ્યા હતા અને ચિત્રકામ પણ કરતા હતા.[૪] ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા અને મૃણાલિની સારાભાઈની દર્પણ એકૅડેમીમાં જોડાયા હતા.[૨] ૧૯૭૭માં તેઓ અમદાવાદના ‘ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) કાર્યાલયમાં ટીવી કાર્યક્રમ નિર્માતા બન્યા હતા. તેમણે ન્યૂયોર્કની સાઇરક્યૂઝ યુનિવર્સિટીમાં ‘કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી ઇન ટીવી પ્રૉડક્શન’માટેની છ મહિનાની તાલીમ પણ મેળવી હતી, આ માટે તેમને ફુલબ્રાઇટ સ્કૉલરશિપ મળી હતી.[૧]

૧૫ મે ૨૦૨૧ના દિવસે કોરોના સંક્રમણને કારણે તેમનું અવસાન થયું હતું.[૨][૩]

કારકિર્દી[ફેરફાર કરો]

ટીવી નિર્માતા તરીકે તેમણે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા હતા, જેમાં તેમણે મહિલાઓ, બાળકો તથા શાળા અને કૉલેજના અભ્યાસ વિષયક કાર્યક્રમો બનાવ્યા હતા. તેમણે ‘ભલાભૂસાના ભેદભરમ’ ધારાવાહિક શ્રેણીનું નિર્માણ કર્યું હતું. આ શ્રેણી દૂરદર્શનના પીજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ હતી. તેમણે ગ્રામીણ સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય નેતાઓ તથા અનેક વિકાસલક્ષી કાર્યક્રમો વિષે ઘણી ડોક્યુમેન્ટરી ફિલ્મો (દસ્તાવેજી ચિત્રો)નું નિર્માણ કર્યું હતું. [૧]

તેમણે ઘણાં નાટકો અને નૃત્યનાટિકાઓ પણ તૈયાર કરી હતી. તેમણે ૧૯૭૮માં પોતાનું નાટક મંડળ તૈયાર કર્યું હતું, તેનું નામ સપ્તસિંધુ રાખવામાં આવ્યું હતું. તે હેઠળ તેમણે વિદેશી તથા ગુજરાતી લેખકોની ૨૦ જેટલી કૃતિઓનું નાટ્યનિર્માણ તથા દિગ્દર્શન કર્યું હતું. ૧૯૮૦માં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના રસિકલાલ પરીખ લિખિત મેના ગુર્જરી નામના નાટકનું દિગદર્શન તેમણે સંભાળ્યું હતું. આ નાટક સમગ્ર દેશમાં ભજવવામાં આવ્યું હતું. ૧૯૮૫માં તેમનું નાટક મુક્તધારા સંગીત નાટક અકાદમીના દિલ્હીમાં યોજાયેલા નાટ્ય મહોત્સવમાં રજૂ થયું હતું. તેમનું નાટક માનવીની ભવાઈ ૧૯૭૮ના જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન સમારંભમાં રજૂ કરવામાં આવ્યું હતું.[૧]

તેમણે ઘણાં નાટકોનાં ભાષાંતર-રૂપાંતર કર્યા છે. તેઓ ૧૯૮૩થી સંવાદ નામના એક નાટ્ય અભ્યાસ-વર્તુળનું સંચાલન કરતા હતા. આ સાથે ૧૯૮૨માં તેમણે અભિવ્યક્તિ નામના એક થિયેટર બુલેટિનનું પ્રકાશન પણ શરૂ કર્યું હતું. તેઓ દૈનિકો – સામયિકોમાં રંગભૂમિ વિષયક લેખો પણ લખતા હતા. તેમના લેખો આપણી રંગભૂમિ નામના પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યા છે. તેમની નાટ્યપ્રવૃત્તિનાં સ્મરણો રંગયાત્રા નામના પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યા છે.[૧]

તેઓ તેમના નાટકો તેના પ્રકાર અને શૈલીને અનુરૂપ વિવિધ સ્થળોએ ભજવવાના નવતર પ્રયોગ કરતા. તેમના કેટલાક નાટકો બંધ નાટ્યગૃહોમાં ભજવાતા, કેટલાક જયશંકર સુંદરી હોલના બેઝમેન્ટના મિની થિયેટરમાં ભજવાતા, વળી કેટલાક મકાનોની અગાશીમાં, કેટલાક શોપિંગ સેન્ટરના ભોંયતળિયે, કેટલાક નાટકો હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની આર્ટ ગેલરીમાં તો કેટલાક સાહિત્ય પરિષદના પાર્કિગ પ્લોટમાં અથવા પ્રાંગણમાં આવેલા ઘેઘૂર વૃક્ષ નીચે પણ ભજવવામાં આવતા.[૩]

તેમણે ૧૯૭૬થી ૧૯૯૮ સુધી ૨૬ નાટકોનું સર્જન કર્યું હતું.[૪]

સન્માન[ફેરફાર કરો]

ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર સ્વીકારી રહેલા ભરત દવે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, જુલાઈ ૨૦૧૮

ઈસરો તરફથી પાણી બચાવો નામની એકવીસ સેકંડની વીડિયો સ્પોટ તેમણે બનાવી હતી એ માટે તેમને કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી ફિલ્મ ફેસ્ટિવલમાં દ્વિતીય પારિતોષિક મળ્યું હતું.[૫] કુમાર સામાયિકમાં છપાતી લેખમાળા ચળવળ પર નાટક નિર્માણ કરવા બદ્દલ તેમને ૨૦૧૬નો કુમાર સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદે નાટ્યકલા પરના તેમના બે પુસ્તકોને પારિતોષિકો આપ્યા હતા.[૩] તેમને ૧૯૮૯-૧૯૯૧નો ક્રિટિક્સ સંધાન ઍવૉર્ડ મળ્યો હતો. તેમને ૧૯૯૧માં ગુજરાત રાજ્યનો ‘ગૌરવ પુરસ્કાર’ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં તેમની કૃતિ વાસ્તવવાદી નાટક માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "દવે, ભરત બાલકૃષ્ણ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-07.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "કર્મઠ રંગકર્મી ભરત દવે". opinionmagazine.co.uk. મેળવેલ 2021-10-07.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "મોટી ખોટ/ ગુજરાતના જાણીતા નાટ્યકાર અને લેખક ભરત દવેનું નિધન, કલાસંસ્કૃતિ ક્ષેત્રે આપેલું યોગદાન અતિમૂલ્યવાન - GSTV" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-07.
  4. ૪.૦ ૪.૧ "રંગકર્મી ભરત દવેની વિદાય, રંગયાત્રીની રંગયાત્રા પર પડદો પડ્યો". ETV Bharat News. મેળવેલ 2021-10-07.
  5. "મોટી ખોટ/ ગુજરાતના જાણીતા નાટ્યકાર અને લેખક ભરત દવેનું નિધન, કલાસંસ્કૃતિ ક્ષેત્રે આપેલું યોગદાન અતિમૂલ્યવાન - GSTV" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-07.

બાહ્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં ભરત દવે.