ભાણવડ
ભાણવડ | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°56′N 69°47′E / 21.93°N 69.78°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | દેવભૂમિ દ્વારકા | ||
વસ્તી | ૨૨,૧૪૨[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 57 metres (187 ft) | ||
કોડ
|
ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ભાણવડનું નામ ઘુમલીના પતન પછી ઈ.સ. ૧૩૧૩માં ભાણવડના સ્થાપક જેઠવા શાસક રાણા ભાણજી જેઠવા પરથી પડ્યું છે. નવાનગર રજવાડાના જામના આક્રમણ પછી તેના ફરતે કિલ્લેબંધી કરવામાં આવી હતી.[૨] ઘુમલી એક સમયમાં જેઠવા વંશની રાજધાની હતું અને હાલમાં તેનું પુરાતત્વીય સ્થળ ભાણવડથી ૬ કિમી દૂર આવેલું છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ભાણવડ 21°56′N 69°47′E / 21.93°N 69.78°E પર આવેલું છે.[૩] તેની સરેરાશ ઉંચાઇ 57 metres (187 ft) છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાણવડની વસ્તી ૧૯,૭૦૯ હતી.[૪] જે ૨૦૧૧માં વધીને ૨૨,૧૪૨ થઇ હતી.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]બરડા ડુંગરમાં આશાપૂરા માતાજીનું મંદિર, ઘૂમલી નવલખો, સોનકંસારી મંદિર, કિલેશ્વર મહાદેવ, ઈન્દ્રેશ્વર મહાદેવ, દૂધેશ્વર મહાદેવ મંદિર,ત્રિવેણી સંગમ વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે.
ભૂતવડ
[ફેરફાર કરો]ભાણવડની દક્ષિણે વડનું જૂનું વૃક્ષ આવેલું છે, જે ભૂતવડ કહેવાય છે. તે વિશેની દંતકથા આ પ્રમાણે છે: જ્યારે ભાણ જેઠવા ઘુમલીમાં રાજ કરતો હતો ત્યારે હાલની ઘુમલીની જગ્યા પર તેને ફૂલોનો બગીચો હતો જે ભાણવડી કહેવાતો હતો, જે પરથી ભાણવડ નામ થઇ ગયું હતું. આ બગીચો ભાણ જેઠવાના માનીતા કાઠી માંગરાની દેખરેખ નીચે હતો. માંગરાની ધાક એટલી બધી હતી કે કોઇ ડાકુ કે લૂંટારા જેઠવાના રાજમાં આવી શકતા નહી. માંગરો મિયાણીના હરસદ માતાનો ભક્ત હતો. માંગરાની ગેરહાજરીમાં વાળા ઉગા નામના કાઠી બહારવટિયો ઘુમલીના ઢોર-ઢાંખરને લૂંટી ગયો.[૨]
ભાણ જેઠવાએ લૂંટારુઓનો પીછો કર્યો અને ગીરની હીરણ નદીના કાંઠા પર નારેદ આગળ તેમને આંતરીને પડકાર્યા. અહીં લૂંટારાઓએ ઘુમલીની ગાયો રાખેલી. ભાણ જેઠવાએ નજીકમાં પડાવ નાખ્યો અને બે સરદારો વચ્ચે લડાઇ કરવા જણાવ્યું જે પ્રમાણે જો ભાણ જેઠવા હારે તો ગાયો પાછી લઇ જશે અથવા જો હારે તો ગાયોનું ધણ લૂંટારાઓ રાખશે. લૂંટારાઓએ આ શરત માન્ય રાખી. આ જગ્યાની નજીકમાં અલેચ ટેકરીઓની નજીક પાટણ ગામમાં પદમાવતી નામની કન્યા રહેતી હતી. માંગરાની ખ્યાતિ સાંભળીને તે તેને મળ્યા વગર તેના પ્રેમમાં પડી હતી અને તેણે નક્કી કર્યું હતું કે માંગરાને પતિ તરીકે નહી મળે તો ત્યાં સુધી તે દરરોજ શિવ મંદિરમાં પૂજા કરશે.[૨]
જ્યારે માંગરાએ મિયાણીમાં ઘુમલીની ગાયોના હરણની ઘટના સાંભળી ત્યારે તે ૧૨૦ ઘોડેસવારો સાથે ભાણ જેઠવાની પાછળ ગયો. તેઓ પાટણ નજીક થોભ્યા અને માંગરો મંદિરમાં આરામ કરવા માટે ગયો. અહીં પદમાવતી પોતાની દરરોજની પૂજા કરવા આવેલી અને તે માંગરાને મળી. માંગરો તેની સુંદરતા જોઇ મુગ્ધ બન્યો અને પોતાનો પરિચય આપ્યો. બંનેએ એકબીજાનો પ્રેમ સ્વિકાર કર્યો અને માંગરાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. લૂંટારાઓ સાથેના યુદ્ધમાં ભાણ જેઠવા તરફથી માંગરો લડ્યો પણ તેનું હ્રદય તાજાં પ્રેમના કારણે કોમળ બન્યું હોવાથી તે પોતાના પૂરતા શૌર્યથી લડી શક્યો નહી અને દુશ્મનો દ્વારા તેનો વધ થયો.[૨]
માંગરો યુદ્ધમાં મર્યા પછી ભૂત બન્યો અને નારેદ આગળના વડના ઝાડ આગળ જ્યાં તે હણાયો હતો ત્યાં જઇને વસ્યો. જ્યારે પદમાવતીએ માંગરાએ મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેણીએ પોતાના માતા-પિતાને ઉનાના પૈસાપાત્ર વેપારની પુત્ર સાથે પરણવાની સંમતિ આપી. જ્યારે લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગરાના કાકા અરશી આ જાનના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગરાના આંસુ તેમના પર પડ્યા. માંગરાએ પોતાની કથા કહી અને અરશીને પોતાની સાથે જાનમાં લઇ જવા વિનંતી કરી અને જ્યારે અરશી કહે ત્યારે તે પાછો આવી જશે એમ સંમત થયો.[૨]
માંગરો અદ્રશ્ય રીતે જાનમાં જોડાયો અને જાદુ વડે વરને કોઢનો રોગ અને સાથે કુષ્ઠ રોગનો શ્રાપ આપ્યો. જાને આ વિશે અરશીની સલાહ માંગી અને અરશીએ માંગરાની કથા તેમને કહી. જાનના વડીલોએ માંગરા લગ્ન પદમાવતી સાથે કરવાની સંમતિ આપી પણ શરત મૂકી કે તેઓ લગ્ન પતી જતાં તેણીને પાછી લાવી દેશે. માંગરાએ યુવાન પુરુષનો રૂપ લીધો અને જાન આગળ ચાલી. ગામલોકોએ પદમાવતીને તેના પતિના રોગ વિશે જણાવ્યું. તેણી ઝરુખામાં બેઠી જાનને જોતી હતી અને માંગરાને ઓળખ્યો અને કહ્યું:[૨]
જાને આવીયા જવાન, અલબેલા અરાઇ તાણી; એજ ઘોડો એજ એઢાણ, મિલે ભાલ્યો માંગરો.
પદમાવતીએ માંગરાના ભૂત સાથે લગ્ન કર્યું અને તેઓ તેમના ગામ પાછા ફર્યા. નારેદ આગળના વડના ઝાડ આગળ પહોંચ્યા પછી અરશીએ માંગરાને ત્યાં રહેવા જણાવ્યું અને પદમાવતીને તેને યોગ્ય પતિ સાથે પરણાવવા કહ્યું. માંગરાએ એ પ્રમાણે કર્યું અને પોતાનો પાળિયો વડના ઝાડ નીચે બનાવવાનું સૂચન કર્યું અને પોતે તેમને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. જ્યારે ગામમાં લગ્ન થાય છે ત્યારે વર અને કન્યા અહીં આવીને માંગરાને શ્રીફળ ચડાવે છે અને ત્યારબાદ જ તેમની લગ્નવિધિ પૂર્ણ થયેલી ગણાય છે.[૨]
શિક્ષણ
[ફેરફાર કરો]અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઊચ્ચતર માધ્યમિક શાળા તેમજ ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઈ.), સરકારી વિનયન કોલજ આવેલી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Bhanvad Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-03.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨-૩૮૪.
- ↑ "Falling Rain Genomics, Inc - Bhanvad". મૂળ માંથી 2006-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-26.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
આ લેખ પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨-૩૮૪. માંથી લખાણના અંશો ધરાવે છે.