લખાણ પર જાઓ

મનસા દેવી

વિકિપીડિયામાંથી
મનસા દેવી
નાગ દેવી
મનસાદેવીનું ચિત્ર
જોડાણોદેવી, નાગ
મંત્રओम ह्रिम स्रिम क्लिम एइम मनसादेव्यै स्वाहा ।
વાહનનાગ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીજરત્કારુ
બાળકોઆસ્તિક
માતા-પિતાશિવ અથવા કશ્યપ (પિતા)

મનસા (સંસ્કૃત: मनसा) સર્પોની હિન્દુ દેવી છે.[] તે મુખ્યત્વે બિહાર, બંગાળ, ઝારખંડ, દક્ષિણ આસામ અને ઉત્તર-પૂર્વ ભારતના અન્ય ભાગોમાં અને ઉત્તરાખંડમાં મુખ્યત્વે સર્પદંશના ઉપચાર અને અટકાવ માટે તેમ જ ફળદ્રુપતા અને સમૃદ્ધિ માટે તેમની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં, મનસા એ નાગ (સર્પ)ના રાજા શેષનાગ અને વાસુકીની બહેન છે અને જરત્કારુ ઋષિની પત્ની છે. તે આસ્તિક ઋષિની માતા છે.[] તેણીને વિશાહરી (ઝેરનો નાશ કરનાર), નિત્યા (શાશ્વત) અને પદ્માવતી તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

પ્રાદેશિક પરંપરામાં તેણીની કથાઓ તેના પિતા શિવ અને તેના પતિ જરત્કારુ દ્વારા અસ્વીકૃતિ તથા તેની સાવકી માતા ચંડી (શિવની પત્ની, આ સંદર્ભમાં પાર્વતી સાથે ઓળખાય છે)ના ધિક્કારને કારણે તેના ક્રોધ અને દુઃખ પર ભાર મૂકે છે. મનસાને તેના ભક્તો પ્રત્યે દયાળુ તરીકે દર્શાવવામાં આવી છે, પરંતુ જે લોકો તેની પૂજા કરવાનો ઇનકાર કરે છે તેમના પ્રત્યે કઠોર છે.[] મિશ્ર પિતૃત્વને કારણે સંપૂર્ણ દેવત્વથી વંચિત, મનસાનો ઉદ્દેશ એક દેવી તરીકે પોતાની સત્તાને સંપૂર્ણપણે સ્થાપિત કરવાનો અને દૃઢ માનવ ભક્તોને પ્રાપ્ત કરવાનો હતો.[]

ઉદ્‌ભવ

[ફેરફાર કરો]

ભટ્ટાચાર્ય અને સેન સૂચવે છે કે મનસા દેવીનો ઉદ્‌ભવ દક્ષિણ ભારતમાં બિન-વૈદિક અને બિન-આર્યન દેવી તરીકે થયો હતો અને તે કન્નડ લોકસર્પ-દેવી મંચમ્મા સાથે સંબંધિત છે.[] મનસા મૂળ આદિવાસી દેવી હતા. હિન્દુ પછાત જાતિ જૂથો દ્વારા પૂજાતા પંથોમાં તેણીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બાદમાં, ડિમોક સૂચવે છે કે સાપની પૂજા વેદો (પ્રારંભિક હિન્દુ ધર્મગ્રંથો)માં જોવા મળે છે, તેમ છતાં, મનસા - સાપની માનવ દેવી - પ્રારંભિક હિંદુ ધર્મમાં "બહુ જ ઓછો આધાર" ધરાવે છે.[] ભટ્ટાચાર્ય ઝેરનો ઉપચાર કરતી મહાયાન બૌદ્ધ દેવી જાંગુલી તરીકે મનસા પર અન્ય એક પ્રભાવ સૂચવે છે. જંગુલીનું વાહન હંસ અને તેનું "ઝેર-વિનાશક" વિશેષણ મનસા સાથે સામ્યતા ધરાવે છે. એક સિદ્ધાંત સૂચવે છે કે જંગુલી અથર્વવેદના કિરાત-ગિરી ("તમામ વિષનો વિજેતા") થી પ્રભાવિત હોઇ શકે છે.[] મેકડેનિયલના જણાવ્યા અનુસાર, તેણીનો ઉચ્ચ-જાતિના હિન્દુ પંથોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં હવે તેણીને આદિવાસી દેવીને બદલે હિન્દુ દેવી તરીકે ગણવામાં આવે છે.[]

ટેટેના જણાવ્યા અનુસાર, મહાકાવ્ય મહાભારતમાં મનસાને જરત્કારુ તરીકે કશ્યપ ઋષિ અને તમામ નાગોની માતા કદ્રુની પુત્રી તરીકે માન્યતા આપવામાં આવી હતી.[૧૦][૧૧] ભટ્ટાચાર્યના મતે, મહાભારતની જરાત્કારુ બંગાળમાં લોકપ્રિય મનસા નથી.[૧૨]

૧૪મી સદી સુધીમાં, મનસાને ફળદ્રુપતા અને લગ્ન વિધિની દેવી તરીકે ઓળખવામાં આવી હતી અને તેને શૈવ પંથમાં આત્મસાત કરવામાં આવી હતી, જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. દંતકથાઓએ તેનું વર્ણન કરીને તેનો મહિમા કર્યો કે તેણીએ ઝેર પીધા પછી શિવને બચાવ્યા હતા, અને તેને "ઝેર દૂર કરનાર" તરીકે સન્માનિત કરી હતી. તેની લોકપ્રિયતા વધતી ગઈ અને દક્ષિણ ભારતમાં ફેલાઈ, અને તેના અનુયાયીઓનો સંપ્રદાય સૌથી પ્રાચીન શૈવ ધર્મ (શિવ સંપ્રદાય)ની વિરુદ્ધ થવા લાગ્યો. પરિણામ સ્વરૂપે, મનસાના જન્મનો શ્રેય શિવને આપતી કથાઓ બહાર આવી અને આખરે શૈવ ધર્મે આ આદિ દેવીને મુખ્ય પ્રવાહના હિંદુ ધર્મની બ્રાહ્મણ પરંપરામાં અપનાવી લીધી.[૧૧] વૈકલ્પિક રીતે, વાસુદેવ સૂચવે છે કે મનસાની બંગાળી કથા શૈવ સંપ્રદાય અને દેવી-કેન્દ્રિત શક્તિવાદ વચ્ચેની પ્રતિદ્વંદ્વિતાને પ્રતિબિંબિત કરે છે. [૧૩]

મૂર્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]
નાગ (સર્પો)થી ઘેરાયેલી મનસા તેના પતિ જરત્કારુ અને પુત્ર આસ્તિક સાથે, ૧૧મી સદીના પાલ સમયગાળાની બંગાળની પ્રતિમા

મનસાને સોનેરી રંગ અને હસતા ચહેરા સાથેની એક સુંદર સ્ત્રી (ઉપનામ ગૌરી) તરીકે દર્શાવવામાં આવી છે. તે લાલ વસ્ત્રો અને સોનાના આભૂષણ ધારણ કરે છે. તેના ચાર હાથ છે. તેના ઉપરના જમણા હાથમાં શંખ છે અને ડાબા હાથમાં તેનું પ્રિય ફૂલ કમળ છે. તેના નીચલા ડાબા હાથમાં સાપ છે અને નીચેનો જમણો હાથ વરદામુદ્રા દર્શાવે છે. તે સાપથી વીંટળાયેલા કમળના આસન પર બિરાજમાન છે અથવા સાપ પર ઉભેલી છે. તેણીને સપ્તનાગના છત્ર હેઠળ આશ્રય લેતી દર્શાવવામાં આવી છે. કેટલીકવાર, તેણીને તેના ખોળામાં બાળક સાથે દર્શાવવામાં આવે છે. આ બાળકને તેનો પુત્ર આસ્તિક માનવામાં આવે છે.[][૧૪] બંગાળમાં, તેણી ભાગ્યે જ તેના પતિ, જરાત્કારુ સાથે જોવા મળે છે. તેની કેટલીક મૂર્તિઓમાં તેને બેહુલા અને લક્ષ્મીન્દર સાથે દર્શાવવામાં આવી છે.

દંતકથા

[ફેરફાર કરો]

મહાભારત

[ફેરફાર કરો]

મહાભારતમાં મનસાના લગ્નની કથા છે. ઋષિ જરત્કારુએ સખત તપસ્યા કરી હતી અને લગ્નથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. એકવાર, જરત્કારુએ એક ઝાડ પર ઊંધા લટકતા મનુષ્યોનો એક સમૂહ જોયો. એ બધા તેના પૂર્વજો હતા, જેઓ દુઃખનો ભોગ બન્યા હતા કારણ કે તેમના સંતાનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા ન હતા. તેથી, તેઓએ જરાત્કારુને લગ્ન કરવાની અને એક પુત્ર પેદા કરવાની સલાહ આપી જે અંતિમવિધિ કરીને તેમને તે યાતનામાંથી મુક્ત કરી શકે. વાસુકીએ તેની બહેન મનસાનો હાથ જરત્કારુને આપ્યો. મનસાએ પોતાના પૂર્વજોને મુક્ત કરનાર એક પુત્ર આસ્તિકને જન્મ આપ્યો. જ્યારે રાજા જન્મેજયે સર્પ સત્ર તરીકે ઓળખાતા યજ્ઞમાં તમામ સર્પોનો ભોગ આપીને તેમનો નાશ કરવાનો નિશ્ચય કર્યો ત્યારે આસ્તિકે નાગ વંશને વિનાશથી બચાવવામાં મદદ કરી હતી.[૧૫]

સર્પાસન પર ઉભેલી મનસા દેવી, કાલીઘાટ પેઇન્ટિંગ, ક્લીવલેન્ડ કલા સંગ્રહાલય

પુરાણો મનસાના જન્મ વિશે જણાવનારા પ્રથમ શાસ્ત્રો છે. તેઓ જાહેર કરે છે કે, પછીના મંગલકાવ્યોમાં વર્ણવ્યા મુજબ શિવ નહીં પણ કશ્યપ ઋષિ તેના પિતા છે. એકવાર, જ્યારે સર્પ અને સરિસૃપ જીવોએ પૃથ્વી પર અરાજકતા પેદા કરી હતી, ત્યારે કશ્યપ ઋષિ એ તેમના મનમાંથી મનસા દેવીની રચના કરી હતી. સર્જક દેવતા બ્રહ્માએ તેમને સાપ અને સરિસૃપના અધિષ્ઠાત્રી દેવી બનાવ્યા. મનસાએ મંત્રોચ્ચારની શક્તિથી પૃથ્વી પર નિયંત્રણ મેળવ્યું. ત્યારબાદ તેણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા, જેમણે તેને ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાનું કહ્યું. પ્રસન્ન થયા પછી, કૃષ્ણએ તેને દૈવી સિદ્ધિ શક્તિઓ આપી અને વિધિપૂર્વક તેની પૂજા કરી, જેનાથી તે એક સ્થાપિત દેવી બની ગઈ.[૧૬]

કશ્યપે મનસાના લગ્ન ઋષિ જરત્કારુ સાથે કર્યા, જેણે તેની સાથે લગ્ન કરવાની સંમતિ એ શરતે આપી કે જો તે (મનસા) તેની આજ્ઞાનું પાલન નહીં કરે તો તે (જરત્કારુ) તેને છોડી દેશે. એકવાર, જ્યારે મનસાએ ઋષિ જરત્કારુને ખૂબ મોડા જગાડ્યા ત્યારે તે તેના પર નારાજ થઈ ગયા કારણ કે મોડા જાગવાથી તેમની દૈનિક પૂજામાં વિલંબ થયો હતો, અને તેથી તેમણે તેને અસ્થાયી રૂપે છોડી દીધી.[૧૬]

મંગલકાવ્ય

[ફેરફાર કરો]

મંગલકાવ્ય એ ૧૩મી અને ૧૮મી સદીની વચ્ચે બંગાળમાં રચિત મનસા જેવા સ્થાનિક દેવતાઓ માટે ભક્તિનું પ્રતીક હતા. વિજય ગુપ્તનું મનસા મંગલકાવ્ય અને બિપ્રદાસ પિપિલાઈનું મનસા વિજય (૧૪૯૫) દેવીની ઉત્પત્તિ અને પૌરાણિક કથાઓને દર્શાવે છે. જો કે આ સર્જનાત્મક લખાણો પુરાણના સંદર્ભોથી જુદા પડે છે.

મનસાને સમર્પિત ઓછામાં ઓછા પંદર મંગલકાવ્યો જાણીતા છે. વિદ્વાન ડી. સી. સેને તેની કથાઓના એકાવન સંસ્કરણ શોધી કાઢ્યા હતા.[૧૭]

મનસા વિજય અનુસાર વાસુકીની માતા દ્વારા બનાવવામાં આવેલી એક કન્યાની પ્રતિમાને શિવ બીજના સ્પર્શથી મનસાનો જન્મ થયો હતો. વાસુકીએ મનસાને તેની બહેન તરીકે સ્વીકારી હતી, અને તેને વિષનો પ્રભાર આપ્યો હતો જે રાજા પૃથુ દ્વારા ગાય તરીકે પૃથ્વીને દોહવાથી ઉત્પન્ન થયું હતું. જ્યારે શિવની નજર મનસા પર પડી ત્યારે તે તેની તરફ આકર્ષાયા, પરંતુ તેણીએ તેમને સાબિત કરી દીધું કે તે તેના પિતા છે. શિવ મનસાને પોતાના ઘરે લઈ ગયા, જ્યાં તેમની પત્ની ચંડીને મનસા પર શિવની ઉપ-પત્ની કે સહ-પત્ની હોવાની શંકા ગઈ અને મનસાનું અપમાન કર્યું અને તેની એક આંખ સળગાવી દીધી અને મનસાને અર્ધ-અંધ બનાવી દીધી. બાદમાં જ્યારે શિવ વિષથી મરી રહ્યા હતા ત્યારે મનસાએ તેમનો ઉપચાર કર્યો હતો. એક પ્રસંગે, જ્યારે ચંડીએ તેણીને લાત મારી, ત્યારે મનસાએ તેની ઝેરી આંખની નજરથી તેને બેશુદ્ધ બનાવી દીધી. છેવટે, મનસા અને ચંડી વચ્ચેના ઝઘડાથી કંટાળીને, શિવે એક વૃક્ષ નીચે મનસાને છોડી દીધી, પરંતુ પશ્ચાતાપના આંસુઓથી તેના માટે એક સાથી બનાવ્યો, જેનું નામ નેટો અથવા નેતા હતું.[૧૮]

મનસા મંગલનું એક દ્રશ્ય.

પાછળથી, જરત્કારુ ઋષિએ મનસા સાથે લગ્ન કર્યા, પરંતુ ચંડીએ મનસાની વિવાહ રાત્રિને બરબાદ કરી દીધી હતી. ચંડીએ મનસાને સર્પના આભૂષણ પહેરવાની સલાહ આપી હતી અને ત્યારબાદ દુલ્હન કક્ષમાં એક દેડકાને ફેંકી દીધો હતો જેના કારણે સાપ ઓરડાની આસપાસ દોડવા લાગ્યા હતા. પરિણામે ગભરાયેલા જરત્કારુ ઘરમાંથી ભાગી ગયા હતા. થોડા દિવસ પછી તે પાછા ફર્યા અને તેમના પુત્ર આસ્તિકનો જન્મ થયો.[૧૯]

પોતાના સલાહકાર નેતો સાથે મનસા માનવ ભક્તોના દર્શન કરવા માટે પૃથ્વી પર ઊતરી આવી હતી. શરૂઆતમાં લોકો દ્વારા તેની મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ તે પછી મનસાએ તેની શક્તિઓને નકારનારાઓ પર આપત્તિનો વરસાદ કરીને પોતાની પૂજા કરવાની ફરજ પાડી હતી. તે મુસ્લિમ શાસક હસન સહિત વિવિધ ક્ષેત્રોના લોકોનું ધર્માંતરણ કરાવવામાં સફળ રહી હતી, પરંતુ ચાંદ સોદાગરનું ધર્મપરિવર્તન કરવામાં નિષ્ફળ રહી હતી.[સંદર્ભ આપો] મનસા લક્ષ્મી કે સરસ્વતીની જેમ દેવી બનવા માંગતી હતી. ત્યાં સુધી પહોંચવા માટે, તેણે ચાંદ સોદાગરની ઉપાસના પ્રાપ્ત કરવી જરૂરી હતી, જે ખૂબ જ મક્કમ હતો અને તેમણે મનસાની પૂજા ન કરવાના શપથ લીધા હતા. આમ તેનો ડર અને અસલામતી મેળવવા માટે મનસાએ એક પછી એક તેના છ પુત્રોની હત્યા કરી નાખી. આખરે મનસાએ ઇન્દ્ર દરબારના બે નર્તકો અનિરુદ્ધ અને ઉષા સામે કાવતરું ઘડ્યું, જેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. અનિરુધને ચાંદ અને સનાકાના સાતમા પુત્ર લખિન્દર તરીકે જન્મ લેવો પડ્યો હતો. ઉષાએ બેહુલા તરીકે જન્મ લીધો અને તેની સાથે લગ્ન કર્યા. મનસાએ ચાંદને મરણશરણ પહોંચાડ્યો પરંતુ બેહુલા તેના પતિના મૃત શરીર સાથે નવ મહિના સુધી પાણી પર તરતી રહી હતી અને આખરે સાત પુત્રોના જીવન અને ચાંદની ખોવાયેલી સમૃદ્ધિ પાછી લાવી હતી. છેવટે, તેણે દેવીની સામે જોયા વિના જ તેના ડાબા હાથથી તેને ફૂલ અર્પણ કર્યું. આ ભાવથી મનસા એટલી ખુશ થઈ ગઈ કે તેણે ચાંદના બધા પુત્રોને સજીવન કર્યા અને તેની ખ્યાતિ અને સમૃદ્ધિને પુનર્સ્થાપિત કર્યા. મંગલકાવ્યો અનુસાર ત્યારબાદ, મનસાની ઉપાસના કાયમ માટે લોકપ્રિય થઈ ગઈ.[૨૦]

મનસા મંગલકાવ્યો ભક્તોને આકર્ષિત કરવામાં મનસાની મુશ્કેલીને તેણીએ પાછલા જન્મમાં ચાંદને આપેલા અન્યાયી શ્રાપ માટે આભારી છે. ત્યારબાદ ચાંદે વળતો જવાબ આપ્યો કે જ્યાં સુધી તે તેની પૂજા નહીં કરે ત્યાં સુધી તેની પૂજા પૃથ્વી પર લોકપ્રિય નહી થાય.[૨૧]

આનંદા કે. કુમારાસ્વામી અને સિસ્ટર નિવેદિતા કહે છે, "[ચાંદ સોદાગર અને] માનસ દેવની દંતકથા, [...] જે એશિયાઇ સમાજમાં માયકેનિયન સ્તર જેટલી જ પુરાણી હોવી જોઈએ, તે બંગાળમાં શિવ ધર્મ અને સ્ત્રી સ્થાનિક દેવી-દેવતાઓ વચ્ચેના સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે. ત્યાર બાદ મનસા અથવા પદ્માને શક્તિના સ્વરૂપ તરીકે માન્યતા આપવામાં આવી હતી, [...] અને તેની ઉપાસનાને શૈવ પંથીઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તે માતૃ-દેવત્વનું એક ચરણ છે, જે ઘણા બધા ઉપાસકો માટે દૂરના અને અંગત શિવ કરતાં પણ વધુ નજીક અને પ્રિય છે..."[૨૨]

ઉપાસના

[ફેરફાર કરો]
પશ્ચિમ બંગાળમાં દશેરાના દિવસે મનસા પૂજા.
૨૦૨૧માં બીરભૂમમાં પૂજા દરમિયાન મનસા શાલિગ્રામ સાથે મહિલાઓ

સામાન્ય રીતે મનસાની પૂજા તેની વગર કરવામાં આવે છે. થોરની ડાળી, માટીના વાસણ અથવા માટીના સાપની છબીને દેવી તરીકે પૂજવામાં આવે છે.[] જો કે મનસાની છબીઓની પણ પૂજા કરવામાં આવે છે. શીતળા અને અછબડા જેવા ચેપી રોગોના ઈલાજ અને સાપના કરડવાથી રક્ષણ માટે તેની પૂજા કરવામાં આવે છે.

મનસાનું અનુસરણ દક્ષિણ બંગાળમાં સૌથી વધુ વ્યાપક છે, જ્યાં સ્થાનિક મંદિરો તેમજ ઘરોમાં તેની વિધિવત પૂજા કરવામાં આવે છે. લગભગ દરેક હિન્દુ ઘરમાં ભગવાન વિષ્ણુ (હરિ) સાથે દેવી મનસા માટે એક સમર્પિત મંદિર છે, જે અનુક્રમે થોર વૃક્ષ અને તુલસીના ઝાડની શાખા દ્વારા દર્શાવવામાં આવે છે. વરસાદની ઋતુમાં જ્યારે સાપ સૌથી વધુ સક્રિય હોય છે, ત્યારે દેવીની પૂજા વ્યાપકપણે કરવામાં આવે છે. મનસા સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેવી પણ છે. વિશેષ કરીને નીચલી જાતિના હિન્દુઓમાં લગ્ન દરમિયાન અને નિઃસંતાનપણાના કિસ્સામાં તેના આશીર્વાદ લેવામાં આવે છે. સામાન્ય રીતે બંગાળના વિવિધ ભાગોમાં નેતા, નેત્રિધોપની, નેતાલાસુંદરી તરીકે ઓળખાતા નેટો સાથે તેની પૂજા અને ઉલ્લેખ કરવામાં આવે છે. ઉત્તર બંગાળમાં, રાજવંશીઓમાં, મનસા (જેને બિશોહોરા, બિશોહોરી (વિષ હરનારી) અથવા પદ્માવતી તરીકે ઓળખવામાં આવે છે) એ સૌથી મહત્વપૂર્ણ દેવીઓમાંની એક છે, અને તેનું થાનક (મંદિર) લગભગ દરેક કૃષિપ્રધાન ઘરના આંગણામાં મળી શકે છે. પૂર્વ બંગાળ (હાલનું બાંગ્લાદેશ)ના નીચલા વર્ણના હિંદુઓમાં પણ તેમની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મનસા બંગાળમાં વ્યાપારિક જાતિઓ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ દેવી છે. એનું કારણ એ છે કે મનસામંગલના ચંદોએ સૌથી પહેલાં તેની પૂજાની શરૂઆત કરી હતી અને મનસામંગલની નાયિકા બહૂલા સહા કુળ (એક શક્તિશાળી વેપારી સમુદાય)ની પુત્રી હતી.

મનસા અંગ પ્રદેશની મુખ્ય દેવી છે, ખાસ કરીને અંગની રાજધાની, ચંપા (હવે ભાગલપુર)માં એવું માનવામાં આવે છે કે ચાંદ સોદાગર અને બેહુલાની વાર્તા આ જ સ્થળેથી શરૂ થઈ હતી.[૨૩] શહેરના ચંપાનગરના જૂની વસાહતમાં મનસાનું વિશાળ મંદિર આવેલું છે. આ સ્થળની આસપાસ અને તેની આસપાસ મળી આવેલી અનેક કલાકૃતિઓ અને શિલ્પોએ સ્થાનિક લોકોને વિશ્વાસ અપાવ્યો કે તે જ જગ્યાએ ચાંદ સૌદાગરની રાજવાડી હતી. તાજેતરના એક ખોદકામમાં "લોહા-બશોર ઘોર" અથવા "બશોર ઘોર" પણ મળી આવી છે, જે ખાસ કરીને લાખેન્દર અને બેહુલાની લગ્નની રાત માટે બનાવવામાં આવી છે.[૨૪] અંગિકા લોકગાથા, "બેહુલા બિશારી લોકગાથા" અને પ્રાદેશિક કળા, મંજુષા ચિત્રકથા, મનસાની તવારીખ અને બેહુલાની કઠિનાઈઓ પર આધારિત છે.[૨૫] દર વર્ષે, ૧૬ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન, ભાગલપુર જે સ્થાનિક સંરક્ષક મનસાની પૂજા અને બેહુલાના લગ્નની ઊજવણી માટે એક સુગંધિત ફૂલની જેમ મહેકી ઉઠે છે.[૨૬]

ભાગલપુરના દીપનગર ચોકમાં મનસા પૂજા

આસામ અને ત્રિપુરામાં પણ મનસાની મોટા પ્રમાણમાં પૂજા થાય છે અને એક પ્રકારનું ઓજા-પાલી (સંગીત લોક રંગમંચ) સંપૂર્ણપણે તેની પૌરાણિક કથાને સમર્પિત છે.

હિન્દુ શ્રાવણ માસ (જુલાઈ-ઓગસ્ટ)માં સાપની પૂજાના તહેવાર - નાગપંચમીના દિવસે મનસાની વિધિવત પૂજા કરવામાં આવે છે. બંગાળી મહિલાઓ આ દિવસે વ્રત (ઉપવાસ) કરે છે અને સાપના રાફડા પર દૂધ ચઢાવે છે.[૨૭]

નોંધપાત્ર મંદિરો

[ફેરફાર કરો]
  • શ્રી મનસા દેવી મંદિર (સ્વયંભૂ), કાસિમપેટ (માનસાવરમ), કરીમનગર, તેલંગાણા
  • મા મનસા મંદિર, ફુલીદાંગા, તારાપીઠ - પશ્ચિમ બંગાળ
  • મનસા બિશારી મંદિર, ભાગલપુર, બિહાર
  • મનસા દેવી મંદિર, મુક્કામાલા, પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, નાયડુપેટા, નેલ્લોર, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, તિલારુ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, ડોર્નીપાડુ, કુર્નૂલ, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, કનુમલપલ્લે, કડપ્પા, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, ચિનાદુગમ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, કુર્નૂલ, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, નેલ્લોર, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, થર્પુ રોમ્પોડોલા, નેલ્લોર, આંધ્રપ્રદેશ
  • મનસા દેવી મંદિર, વડલુરુ, પશ્ચિમ ગોદાવરી, આંધ્રપ્રદેશ
  • મા મનશા મંદિર, લેક ટાઉન, કોલકાતા, પશ્ચિમ બંગાળ
  • મા મનસા મંદિર, ગોપીનગર, ખમરચંડી, હરિપાલ, હુગલી, પશ્ચિમ બંગાળ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. www.wisdomlib.org (2012-06-29). "Manasa Devi, Manasā Devī: 1 definition". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 20 November 2022 પર સંગ્રહિત. મેળવેલ 2022-11-20.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Wilkins 2004, p. 395.
  3. Dowson 2003, p. 196.
  4. McDaniel 2004, p. 148.
  5. Radice, William (2001). Myths and Legends of India. Viking Penguin Books Ltd. પૃષ્ઠ 130–8. ISBN 9780670049370.
  6. Dimock 1962, pp. 315-6.
  7. Dimock 1962, pp. 312-3.
  8. Dimock 1962, p. 316-7.
  9. McDaniel p.148
  10. Dimock 1962, pp. 313-4.
  11. ૧૧.૦ ૧૧.૧ Tate, Karen (2005). Sacred Places of Goddess: 108 Destinations. CCC Publishing. પૃષ્ઠ 194. ISBN 1888729112.
  12. Dimock 1962, p. 315.
  13. Dimock 1962, p. 311.
  14. Chaplin, Dorothea (2007). Mythlogical Bonds Between East and West. READ BOOKS. પૃષ્ઠ 28. ISBN 9781406739862.
  15. Wilkins p.396
  16. ૧૬.૦ ૧૬.૧ Sharma, Mahesh (2005). Tales from the Puranas. Diamond Pocket Books (P) Ltd. પૃષ્ઠ 38–40. ISBN 81-288-1040-5.
  17. Dimock 1962, p. 309.
  18. McDaniel (2004) pp. 149-50
  19. McDaniel (2004) pp. 149-50
  20. Coomaraswamy, Ananda K.; Sister Nivedita (2003). Myths of the Hindus and Buddhists. Kessinger Publishing. પૃષ્ઠ 324–30. ISBN 0-7661-4515-8.
  21. McDaniel p.152
  22. Coomaraswamy, Ananda K.; Sister Nivedita (2003). Myths of the Hindus and Buddhists. Kessinger Publishing. પૃષ્ઠ 330. ISBN 0-7661-4515-8.
  23. "Government of Bihar". Lrc.bih.nic.in. મૂળ માંથી 6 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 September 2021.
  24. "मां विषहरी पूजा: बिहुला विषहरी की गाथा का साक्षी है अंग का इतिहास". Livehindustan.com. મૂળ સંગ્રહિત માંથી 6 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 September 2021.
  25. "Archived copy". મૂળ માંથી 6 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2022.CS1 maint: archived copy as title (link)
  26. "Bihula Wishhari worship: अंग प्रदेश के खास लोकपर्व का 16 जुलाई से आगाज, पढ़ें- बिहुला विषहरी की कहानी". Jagran.com. મૂળ સંગ્રહિત માંથી 6 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 September 2021.
  27. McDaniel (2002) p.55-57


ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • McDaniel, June (2004). Offering Flowers, Feeding Skulls: Popular Goddess Worship in West Benegal. Oxford University Press, US. પૃષ્ઠ 368. ISBN 0-19-516790-2.
  • Wilkins, W. J. (2004). Hindu Mythology, Vedic and Puranic (First published: 1882 આવૃત્તિ). Kessinger Publishing. પૃષ્ઠ 428. ISBN 0-7661-8881-7.
  • McDaniel, June (2002). Making Virtuous Daughters and Wives: An Introduction to Women's Brata Rituals in Bengali Folk Religion. SUNY Press. પૃષ્ઠ 144. ISBN 0-7914-5565-3.
  • Dimock, Edward C. (1962). "The Goddess of Snakes in Medieval Bengali Literature". History of Religions. 1 (2): 307–321. doi:10.1086/462451. JSTOR 1062059. S2CID 162313578.
  • Dowson, John (2003). Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History. Kessinger Publishing. ISBN 0-7661-7589-8.