મનોજ ખંડેરિયા

વિકિપીડિયામાંથી
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા જૂનાગઢ ખાતે, ૧૯૯૬
મનોજ ખંડેરિયા જૂનાગઢ ખાતે, ૧૯૯૬
જન્મનું નામ
મનોજ વ્રજલાલ ખંડેરિયા
જન્મમનોજ વ્રજલાલ ખંડેરિયા
(1943-07-06)6 July 1943
જૂનાગઢ, ગુજરાત
મૃત્યુ27 October 2003(2003-10-27) (ઉંમર 60)
વ્યવસાયકવિ, વકીલ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
 • બી.એસસી.,
 • એલ.એલ.બી.
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોગઝલ, ગીત, મુક્ત પદ્ય
નોંધપાત્ર સર્જનો
 • અચાનક (૧૯૭૦)
 • અટકળ (૧૯૭૯)
 • હસ્તપ્રત (૧૯૯૧)
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૬૦ - ૨૦૦૩
જીવનસાથીપૂર્ણિમા
સંતાનોવાણી, રુચા (પુત્રીઓ)
અભિજીત (પુત્ર)
વેબસાઇટ
www.manojkhanderia.com

મનોજ વ્રજલાલ ખંડેરિયા (જુલાઇ ૬, ૧૯૪૩ - ઓક્ટોબર ૨૭, ૨૦૦૩) ગુજરાતી સાહિત્યના જાણીતાં ગઝલકાર અને કવિ હતા. તેઓ ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક હતા. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામાં સક્રિય થયેલા ને પછીથી પોતાની આગવી કવિવ્યક્તિતા સ્થિર અને સિદ્ધ કરી ચૂકેલા મનોજ ખંડેરિયાનું કાવ્યસાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન છે. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે.

જીવન[ફેરફાર કરો]

મનોજ ખંડેરિયા ખલીલ ધનતેજવી સાથે

એમનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતાજી મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. પરિણામે એમને ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ, જામનગર જેવા અનેક શહેરોમાં સ્થળાન્તર કરવાનું બનતું રહ્યું. આ વિવિધ સ્થળોએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈને તેઓ ૧૯૬૫માં બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૭મા એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો. સાથોસાથ કેટલોક સમય વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપનકાર્ય પણ એમણે કર્યું. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે પણ સંકળાયા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી બજાવેલી.[૧][૨][૩]

સર્જન[ફેરફાર કરો]

મનોજ ખંડેરિયાએ કાવ્યસર્જનનની શરૂઆત ૧૯૫૬-૧૯૬૦થી કરી હતી, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની – ગુરુજીની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સુરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, ૧૯૬૫ માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દિવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ ના ‘કુમાર’ માં પ્રકાશન પામી. ચારેક દાયકાના સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના સુફળરુપે મનોજભાઈ પાસેથી ‘અચાનક’ (૧૯૭૦) અને ‘અટકળ’ (૧૯૭૯) કાવ્યસંગ્રહો; અંજની કાવ્યોનો સંગ્રહ ‘અંજની’ (૧૯૯૧) તેમજ કેવળ ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત (૧૯૯૧) સાંપડે છે. ‘કોઈ કહેતું નથી’ (૧૯૯૪) નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે, કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ (૨૦૦૪) શીર્ષકથી સંપાદિત થયા છે. ‘ક્યાંય પણ ગયો નથી’ કવિનો છેલ્લો ગઝલસંગ્રહ છે.[૨][૪][૫][૬]

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

 • અચાનક (૧૯૭૦)
 • અટકળ (૧૯૭૯)
 • અંજની (૧૯૯૧)

ગઝલસંગ્રહો[ફેરફાર કરો]

 • હસ્તપ્રત (૧૯૯૧)
 • કોઇ કહેતું નથી (૧૯૯૪)

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે; તો ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદ બંનેના પારિતોષિકો મળ્યા છે. ૧૯૯૯માં આઈ.એન.ટી. (મુંબઈ) દ્વારા કલાપી એવૉર્ડ અર્પણ કરીને, કવિની સર્જકપ્રતિભાનું યથોચિત અભિવાદન થયેલું. એવૉર્ડની પૂરેપૂરી રકમ એમણે આઈ.એન.ટી.ને પરત કરી અને એમાંથી વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યુ. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ખંડેરિયા, મનોજ (October 2007). વર્ષોના વર્ષ લાગે (મનોજ ખંડેરિયાનું સંપૂર્ણ સર્જન). અમદાવાદ: નવભારત સાહિત્ય મંદિર. પૃષ્ઠ ૪. ISBN 978-81-8440-081-6.
 2. ૨.૦ ૨.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૧૦૫–૧૦૮. ISBN 978-93-5108-247-7.
 3. "મનોજ ખંડેરિયા". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૬.
 4. ટોપીવાલા, ચંદ્રકાંત (૧૯૯૦). "ખંડેરિયા મનોજ વ્રજલાલ". માં ટોપીવાલા, ચંદ્રકાંત (સંપાદક). Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati literature). . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૮૭.
 5. Amaresh Datta (૧૯૮૮). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૯૦. ISBN 978-81-260-1194-0.
 6. Saccidānandan (૨૦૦૧). Indian Poetry: Modernism and After : a Seminar. Sahitya Akademi. પૃષ્ઠ ૯૪. ISBN 978-81-260-1092-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]