રણછોડરાય
રણછોડરાય અથવા રણછોડજી તે ભગવાન શ્રીકૃષ્ણનું જ એક સ્વરુપ છે. ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. રણછોડની સંધિ છુટી પાડીએ તો રણ + છોડ એમ થાય, જેનો અર્થ છે કે રણ (યુદ્ધ મેદાન) છોડીને ભાગી જનાર. ભગવાન કૃષ્ણને આ અનોખુ પણ ભક્તોનું ખુબ લાડીલું નામ મળ્યું કારણકે તેમના કાલયવન રાક્ષસ સાથેનાં યુદ્ધમાં, ભગવાન યુદ્ધ ત્યજીને મથુરા વાસીઓને લઈ દ્વારકા ભણી આવ્યાં, અને ગુજરાતમાં આવી વસ્યા. કદાચ આ જ કારણે ગુજરાતીઓને કૃષ્ણનાં અન્ય રૂપો કરતા રણછોડજીનું રૂપ વધુ પ્રિય છે, કેમકે કૃષ્ણએ ગુજરાતને અને ગુજરાતીઓને પોતાના કર્યા.
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો સખો વિજયાનંદ હતો. હોળીના તહેવાર નિમિત્તે જ્યારે આખું ગામ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રંગે રમી રહ્યું હતુ ત્યારે વિજયાનંદ કોઇક કારણસર રિસાઇને હોળી રમવા આવ્યો નહી. તેથી ભગવાન જાતે તેની સાથે હોળી રમવા તેના ઘરે ગયા અને વિજયાનંદને રંગ લગાવ્યો. આથી હજુ ગુસ્સો શાંત નહી પડેલા, અકળાયેલ વિજયાનંદે પાણીમાં ડુબકી લગાવી. ભગવાને પણ તેની પાછળ પાણીમાં ડુબકી લગાવી અને વિજયાનંદને પોતાના સાચા સ્વરુપનાં દર્શન કરાવ્યાં. વિજયાનંદે તુરંત જ ભગવાનની માફી માંગી અને તેમની ભક્તિ માગી. ભગવાને પ્રસન્ન થઇ આશિર્વાદ આપ્યા કે કળિયુગમાં વિજયાનંદ અને તેની પત્ની ભગવાનના અનન્ય ભક્ત થશે અને મોક્ષ પામશે.
કથા
[ફેરફાર કરો]ડાકોરનો બોડાણો
[ફેરફાર કરો]ભગવાને આપેલ આશિર્વાદ મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર મા બોડાણાનાં નામે ક્ષત્રિય કુળમાં થયો. મોટો થતાં બોડાણો દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા પગે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનનાં દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણાએ ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ જાળવી રાખ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરનાં કારણે તેમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ ભગવાનથી જોઈ ના ગઈ. તેમણે બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું ફરી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનનાં કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી.
બોડાણો ખૂબ ગરિબ હતો, તેની પાસે પુરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે, તેણે જેમ-તેમ કરીને ખુબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલાં ગાડાની વ્યવસ્થા કરી, અને તે લઇને તે દ્વારકા પહોંચ્યો.
બોડાણો દ્વારકામાં
[ફેરફાર કરો]તેને ગાડા સાથે જોઈને પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે, ગુગળીઓ (દ્વારકાનાં પૂજારીઓ)એ રાત્રે મંદિરને તાળા મારી દીધાં. પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાતમા ભગવાન રાજા રણછોડ, મરવાનાં વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા. ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઇ જોઈનાં જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઉભું રાખ્યું. બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ. હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યુ.ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયાકે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે. તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.
ભગવાન ડાકોરમાં
[ફેરફાર કરો]ડાકોર આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતીમાં પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામા આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મૃત્યુ થયુ અને ગોમતીમાં જ્યાં મુર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું. દ્વારકાનાં પુજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતાં, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી શરત મુકી કે, જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે.
બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી. ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાનાં એક પલ્લામાં મુકી તેની સામેનાં પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિનાં વજન કરતાં પણ વધારે થયું. આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગળીઓને આપી તેમને વિદાય કર્યાં અને પોતે ડાકોરમં સ્થાયી થયાં. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
ડાકોરનું હાલનું ઠાકોરજી મંદિર
[ફેરફાર કરો]ડાકોરમાંથી ગુગળીઓની વિદાય બાદ વર્ષો સુધી ઠાકોરજીની મુર્તિ બોડાણાના ઘરે રહી. ત્યારબાદ ઘણા સમય સુધી ડાકોરના કાપડબજાર સ્થિત લક્ષ્મીજી મંદિરમાં તેની પુજનવિધિ થતી હતી. હાલનાં ઠાકોરજી મંદિરનું શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને ફાળે જાય છે, કે જેઓ તત્કાલીન વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શ્રોફ હતા. તેઓ જ્યારે સંઘ લઇ પુણેથી દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં દર્શનાર્થે જતાં હતાં ત્યારે એક રાત્રે સ્વપ્નમાં ભગવાનનાં દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતરની વિગત જણાવી. આથી દ્વારકાની યાત્રા પડતી રાખી તેઓ ડાકોર આવ્યા, જ્યાં ભગવાન શ્રી ઠાકોરજીનાં દર્શન કર્યાં અને હાલના મંદિર માટે જમીન ખરીદી બાંધકામ શરુ કરાવ્યું. ૧૭૭૨ની સાલમાં ઠાકોરજી મંદિરનું લોકાર્પણ થયું જે તે સમયે રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર થયું હતું.
ઠાકોરજી મંદિર ચાંદીના ચાર મોટા દરવાજા કે જેના પર ભગવાન સુર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે તેની મઘ્યમાં આવેલ છે. મુખ્ય દ્વારની ઉપર નગારાખાનું છે, જ્યાથી પહેલા આરતી ટાણે ઘંટ અને નગારાનો નાદ કરવામાં આવતો. હજુપણ આ સ્થળેથી વીજ સંચાલિત મોટરથી વિવિધ વાધ્ય વગાડવામાં આવે છે. મુખ્ય દ્વારથી પ્રવેશતા દ્વારની બન્ને તરફ બે દિવાદાંડી આવેલ છે જેમાં ખાસ કરીને દિવાળી સમયે સેંકડો દિવડા પ્રગટાવવામાં આવે છે.
મંદિરને આઠ શિખર છે, જેમાં મુખ્ય શિખર ૯૦ ફુટની ઉંચાઇ ધરાવે છે, જે તેને ખેડા જિલ્લાનું ઉંચામાં ઉંચું મંદિર બનાવે છે. મંદિરના પગથિયા ચઢતા ગર્ભગૃહ સમક્ષના દર્શનમંડપમાં પહોચાય છે, જેનો ગુંબજ તેમજ દિવાલ પૌરાણિક બુંદી ચિત્રશૈલીનો ઉપયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોને ઉજાગર કરે છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી ઠાકોરજી આરસપહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે.
હાલમાં ઠાકોરજી મંદિરમાં સાત અલગ અલગ ભોગ(દર્શન)નો લાભ મળે છે જે આ મુજબ છે.
- મંગળા (વહેલી સવારે ભગવાનનાં પ્રથમ દર્શન)
- બાલભોગ (જેમાં ભગવાનને એક બાળકની જેમ શણગાર ધરવામાં આવે છે)
- શૃંગારભોગ (જેમાં ભગવાનને ભરપુર પુષ્પ અને અલંકાર અર્પણ કરવામાં આવે છે)
- ગોવાળભોગ (જેમાં ભગવાન એક ગોવાળ બની ગાય ચરાવવા જાય છે)
- રાજભોગ (બપોરનું જમણ આ ભોગમાં પીરસાય છે, અને આખા દિવસનો સૌથી વધુ ઝાઝરમાન ભોગ આ છે. ત્યારબાદ ભગવાન આરામ કરે છે)
- ઉત્થાપન (આરામબાદ સાંજના પ્રથમ દર્શન)
- શયન/સખડી ભોગ (સાંજનું જમણ અને ત્યારબાદ ભગવાન સુઇ જાય છે)
મંદિર વિવિધ તહેવારો પણ ઉજવે છે જેવા કે ગોવર્ધન પુજા, તુલસી વિવાહ, હોળી, હિંડોળા, જન્માષ્ટમી, રથયાત્રા વિગેરે વિગેરે.
અન્ય ભક્તો
[ફેરફાર કરો]બોડાણાની જેમ જ અન્ય ભક્તોમાં સંત પુનિતને ગણાવી શકાય, જેમણે રણછોડજીની ભક્તિ કરી અને તેમની ભક્તિમાં અનેક પદો અને ભજનો રચ્યાં. પુનિત મહારાજનાં રચેલા ભજનો પૈકિ પંદર તીથીઓ અને સાત વાર, તથા રણછોડજીની આરતિ, વિગેરે આજે પણ ગુજરાતનાં ઘર-ઘરમાં ગવાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- 'રામ ભક્ત' રચિત પદ્ય પદ 'રણછોડ બાવની'
- ડાકોર મંદિરની ઑન-લાઇન વેબ સાઇટ[હંમેશ માટે મૃત કડી]