લખાણ પર જાઓ

રતુભાઇ અદાણી

વિકિપીડિયામાંથી
રતુભાઈ અદાણી
જન્મની વિગત(1914-04-13)April 13, 1914
મૃત્યુSeptember 5, 1997(1997-09-05) (ઉંમર 83)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.કોમ, એલ.એલ.બી.
પ્રખ્યાત કાર્યભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, આરઝી હકૂમતના કાર્યકર
જીવનસાથીકુસુમબેન અદાણી

રતુભાઈ મૂળશંકર અદાણી ‍(૧૩ એપ્રિલ ૧૯૧૪ - ૫ સપ્ટેમ્બર ૧૯૯૭) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા અને આરઝી હકૂમત ચળવળના કાર્યકર અને રાજકારણી હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૧૪ના રોજ અમરેલી જિલ્લાના લીલીયા ગામે થયો હતો.[૧]

સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈને તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી અમરેલી જિલ્લાના તરવડા ગામે રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. ૧૯૩૬માં કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહીમાં પણ તેમણે ભાગ લીધો હતો. ૧૯૪૨ની ભારત છોડો આંદોલન ચળવળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા અને પોતાના વિસ્તારમાં લડતનું સંચાલન કરતા રહ્યા. જૂનાગઢને મુક્તિ અપાવવા નવું આંદોલન શરૂ થયું હતું, જે આરઝી હકૂમત ચળવળ તરીકે જાણીતું છે. તેમાં રતુભાઈએ લોકસેનાના સરસેનાપતિ તરીકે કામગીરી બજાવી હતી. પોતાના જીવના જોખમે તેમણે નવાબી થાણાં કબજે કર્યા હતા.

જૂનાગઢ જિલ્લાના શાહપુરમાં ૧૯૪૮માં તેમણે સર્વોદય આશ્રમની સ્થાપના કરી ગાંધીજીની પ્રવૃત્તિઓને આગળ ધપાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો. એ વખતે નિમ્ન કોટીનું ગણાતું ચર્મકામ તેમણે શરૂ કરાવ્યું હતું. મરેલાં ઢોરનાં ચામડાં ઉતારીને તેમાંથી સુંદર ચંપલ બનાવવા સુધીના ચર્મ ઉદ્યોગના અન્ય ક્ષેત્રોમાં તેમણે ગરીબ-પછાત લોકોને જોડી સ્વરોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

ધોલેરા છાવણી પર કૂચ લઈ જતા તેમની ધરપકડ થઈ હતી, જેલમાં જ રવિશંકર મહારાજના સહવાસથી ગીતા શીખ્યા. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સર્વોદય મંદિર સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યુ. આરઝી હકૂમતની લોકસેનાના સરસેનાપતિ તરીકે રતુભાઈએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી હતી. ગૃહખાતા તરફથી રતુભાઈની માનદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી.

ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.[૧] ગુજરાત રાજ્યની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું.

૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયું હતું.[૧]

રૂપાયતન ટ્રસ્ટે રતુભાઈ અદાણીની યાદ માં જૂનાગઢ રેલ્વેસ્ટેશને રતુભાઈ અદાણી સર્કલ બનાવડાવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "સ્વાતંત્ર સેનાની | 1930માં ગાંધીજીની પ્રેરણાથી ઘર-કુટુંબ, અભ્યાસ છોડી સત્યાગ્રહનાં સંગ્રામમાં જોડાઇ ગયા 'તા, જૂનાગઢને આઝાદી અપાવી". divyabhaskar. 2017-11-10. મેળવેલ 2020-07-05.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]