સતાધાર
સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
સ્થળ
[ફેરફાર કરો]આજે તો ગિરનું જંગલ ત્યાંથી કપાતુ દુર નીકળી ગયુ છે. બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરો ને પણ પાણી સમસ્યા નું માનવીય ગ્રહણ લાગ્યું છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી, બગસરા (ભાયાણી)સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર, શીંગવડો ને સરસ્વતીના નિર્મળ નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ અવિરત ચાલુ જ છે.
સંતશ્રી આપા ગીગા
[ફેરફાર કરો]આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ (એક જ્ઞાતિ ) મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.
આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપા વિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો (પવિત્ર હાથ) મુકો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે, કે મને નોખો થવાનું કહો છો. ત્યારે આપા દાને હસતા હસતા કહ્યુ કે 'ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ (જ્ઞાતિ) તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભ્યાગતો (અચાનક આંગણે આવેલા) ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક (સુગંધ) આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.'
આમ આપા ગીગા પોતાના ગુરૂ આપા દાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ? એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર(સત આધાર) ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર-સત્કાર ની પરંપરા એકધારી ચાલી આવે છે.
સંત પરંપરા
[ફેરફાર કરો]સતાધારની જગ્યામાં આપાગીગા પછી તેમના શિષ્ય કરમણભગત સતાધારની ગાદીએ આવ્યાં. તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષમણબાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષમણબાપુપણ એક પ્રતાપી સંત થયા જે ૩૨ વર્ષ ગાદીએ રહ્યા. ત્યાર બાદ તેમના શિષ્ય એવા મહાન સંતશ્રી શામજીબાપુ ગાદીએ આવ્યા તે સતાધારની ગાદીએ ૩૧ વર્ષ સુધી મહંત પદે રહ્યા. સતાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિધ્ધિ શામજીબાપુએ અપાવી હતી. તેઓ પાંચ વર્ષની ઉંમરે સતાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરૂશ્રી લક્ષમણબાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતાં. તે સમયે સતાધારની જગ્યા અને શામજીબાપુ એકબીજાના પર્યાય બની ગયા હતાં. એક સમયે ભારત વર્ષનાં સાધુસંતોએ પ્રયાગરાજ ના કુંભના મેળામાં શામજીબાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યુ હતું. આવુ સન્માન કોઇક સંતને ભાગ્યેજ મળતું હોય છે. આમ તે ઈ.સ.૧૯૮૩ ની સાલમાં ૭૮ વર્ષની ઉંમરે બ્રહમલીન થયા. શામજીબાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજબાપુને તિલક કરી ગાદીએ બેસાડયા હતાં. જે હાલમાં સતાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે.
દેવસ્થાનો અને ધર્મશાળા
[ફેરફાર કરો]સતાધારની જગ્યામાં શ્રી હનુમાનમંદીર, શ્રી શિવમંદીર, શ્રી આપાગીગાનું સમાધીસ્થાન તેમજ તે જગ્યાનાં મહંતોની સમાધીઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર માં શ્રીનાથજી દાદા ગુર્જર રાજપુતનાં ચૌહાણ શાખના (અટક ના) હોવાથી ત્યા તે કુટુંબ દ્વારા જ ધજા ચડે છે તેવીજ રીતે સતાધારમાં પણ આપા ગીગા ગધઈ (જ્ઞાતિ) સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સતાધારનુ વિશાળ રસોડુ અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ ત્રણથી ચાર હજાર માણસો નિરાંતે રાતવાસો રહી શકે તેવા અતિથિગૃહ છે જેનું નામ બ્રહમલીન શ્રી શામજીબાપુ નાં નામ ઉપરથી શ્યામભવન રાખવામાં આવ્યુ છે. જ્યાં ઈ.સ 1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ ઓરડાઓ હતાં. આ સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે. તેના પર શ્રી શામજીબાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવડાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરદ્વાર, પ્રયાગરાજ કે વારાણસીની યાદ આપે છે. શામજીબાપુએ પોતાના ગુરૂના નામથી તેનુ નામ લક્ષમણઘાટ રાખેલ છે. કમળ તેમજ તેનાં સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે જે આંખોને ખરેખર શીતળતા આપે છે.
ઉત્સવો
[ફેરફાર કરો]આ જગ્યામાં આમ તો કાયમી જુનાગઢનાં ગિરનારની પરકમ્મા તથા યાત્રાએ આવતા યાત્રાળુઓમાંથી મોટાભાગના સતાધારની જગ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અહીં થી સાસણગીર તેમજ સોમનાથ જતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. તેમજ આ જગ્યામાં અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પુર્ણીમા, દિવાળીનો પડવો અને શ્રાવણ માસ આખો અહીં ઉજવાતા મહત્વનાં તહેવારો છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર અને મનને શાંતિ આપનારુ પાવનકારી છે.
નહીં જેના દરબારમાં, ભૂપત ભીખારીના ભેદ; વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.
આંબાઝરનો ઝીલણો, નાવા સરખા નીર, ધજા ફરુકે ધર્મની, પરગટ ગીગો પીર,
સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.