૨૦૧૫ અમરેલી જળ હોનારત
૨૦૧૫ અમરેલી જળ હોનારત એ ૨૪ જૂન ૨૦૧૫, (વિક્રમ સંવત ૨૦૭૧ અષાઢ સુદ ૭) બુધવારના દિવસે થઈ હતી.[૧] ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અસર અમરેલી જિલ્લામાં જોવા મળી હતી. ગીર સોમનાથ, ગોંડલ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે તબાહી થઈ હતી. અમરેલી જિલ્લામાં શેત્રુંજી અને સાતલ્લી નદીના પૂરે ભારે વિનાશ વેર્યો હતો. હોનારતથી અમરેલી જિલ્લામાં સરકારી સર્વે મુજબ ૪૭ લોકો, ૬૫૬૪ પશુઓના મોત થયા હતા. ૭ લોકો હજુ ગાયબ છે. ૨૯૦૧ ઘર પડી ગયા હતા. ૧૦૫૨૦ કુટુંબોની ઘરવખરી તણાઇ ગઇ હતી. ૫૬૧૦૨ હેક્ટરમાં ખેતીપાકનું ધોવાણ અને ૪૮૨૩૫ હેક્ટરમાં ખેતીની જમીન ધોવાઇ ગઇ હતી. ૧૦૬૪૨૭ અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ અને ૮૨૩૨૬ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી.
વર્ણન
[ફેરફાર કરો]૨૪ જૂન ૨૦૧૫ના દિવસે અમરેલી જિલ્લામાં વહેલી સવારે ૨ થી ૩ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એ પૂર્વે પણ રાત્રે વાવાઝોડા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. સવારથી બપોર સુધી ચાલુ રહેલા વરસાદમાં અંદાજીત ૬ કલાકમાં ૧૦ ઇંચથી માંડીને ૩૦ ઇંચ પાણી વરસ્યું હતું. સૌથી વધુ બગસરામાં ૩૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ૩૦ ઇંચ પૈકી ૨૨ ઇંચ વરસાદ છ કલાકમાં એક સાથે જ પડ્યો હતો સમગ્ર દિવસમાં કુલ ૩૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ધારી, વડીયા, લીલીયા વગરે વિસ્તારોમાં સૌથી વધુ તબાહી સર્જાઇ હતી.
અતિવૃષ્ટિના કારણે સવારે ૮થી ૯ વાગ્યા સુધીમાં જિલ્લાના મધ્યમ સિંચાઇના તમામ ડેમોના દરવાજાઓ ખોલી નખાયા હતા જેથી નદીઓમાં એકાએક ઘોડાપુર આવતા મુખ્યત્વે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી અને બગસરામાંથી પસાર થતી સાતલ્લી નદીના પાણીએ ભારે વિનાશ લીલા સર્જી હતી. ઠેર-ઠેર અનેક લોકો તણાયા હતા. મકાનો, શાળાઓ, દવાખાનાઓ, પંચાયત ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. લોકોની ઘરવખરી અને માલસામાન પણ તણાઇ ગયો હતો. બપોરે વરસાદ બંધ થતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરાઇ હતી.
સવારથી જ જિલ્લામાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા, વીજળી ગુલ થઈ ગઈ હતી, મોબાઇલના ટાવર પડી જવાના કારણે સંદેશા વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જેથી બચાવ કામગીરી માટે ભારતીય સૈન્યના બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા જેના દ્વારા પાણીમાં ફસાયેલા ૭૦ લોકોને બચાવી લેવાયા હતા.
મુખ્ય ઘટનાઓ
[ફેરફાર કરો]- બગસરાના જૂના વાઘણીયા ગામે બે પરિવારના ૧૩ વ્યક્તિઓના મોત[૨].
- અમરેલીની ભંડારીયા નજીક આવેલી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની પત્ની, પુત્ર અને પુત્રી તણાઇ જતા મોત[૩]. વિદ્યાલયના બે માળ પાણીમાં ડૂબી જતા જીવ બચાવવા છાત્રો છત પર ચડ્યા.
- અમરેલી-ગાવડકા વચ્ચે ગાયકવાડી સમયનો શેત્રુંજી નદી પરનો રેલ્વેનો પુલ તુટી જતા એક વર્ષ સુધી જિલ્લાનો તમામ ટ્રેન વ્યવહાર ઠપ્પ[૪]
- ૧૨ એશિયાટીક સિંહોના મૃતદેહો મળ્યા[૫]
- જિલ્લાના ૫૮૪ ગામોમાં દિવસો સુધી વીજ પુરવઠો ઠપ્પ.
- જિલ્લાના મોટાભાગના માર્ગોનું ધોવાણ, દિવસો સુધી એસ.ટી. સહિતનો વાહન વ્યવહાર ઠપ્પ.
- અમરેલીના લાપાળીયા પાસે હાઇવે પરથી કાર તણાઇ, બેના મોત.
- અમરેલીના સોનારીયા પાસે ૪ લોકો તણાયા.
- બગસરાના પીઠડિયા ના કોઝવે પર થી બગસરા-રાજકોટ રુટની એસ.ટી. બસ તણાઇ જતાં ડ્રાઇવર-કંડક્ટર સહિત પાંચના મોત. આદીવાસી બાળકી અને માતા ને બચાવી લેવામાં આવ્યા. [૬]
- પૂર ઓસરતા ઠેર-ઠેર પશુઓના મૃતદેહો વેરાયેલા જોવા મળ્યાં.
- જિલ્લાના છેવાડાના ૩૫ ગામો દિવસો સુધી સંપર્ક વિહોણા રહ્યાં[૨]
આંકડાકીય
[ફેરફાર કરો]નુકસાન
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં સરકારી સર્વે[note ૧] મુજબ થયેલા સત્તાવાર નુકસાનના આંકડા નીચે મુજબ છે:[૭]
ક્રમ | તાલુકાનું નામ | માનવ મૃત્યુ | પશુ મૃત્યુ | ઘરવખરી | મકાન | પાક નુકસાન (હે.) | જમીન ધોવાણ (હે.)[note ૨] |
---|---|---|---|---|---|---|---|
૧ | અમરેલી | ૧૮ | ૩૫૫૦ | ૪૩૬૧ | ૮૦૧ | ૧૧૯૩૬ | ૪૯૯૩ |
૨ | લાઠી | ૦ | ૧ | ૦ | ૨ | ૨૪૧ | ૧૩૭ |
૩ | બાબરા | ૦ | ૦ | ૦ | ૪ | ૩૦ | ૨ |
૪ | સાવરકુંડલા | ૨ | ૨૭ | ૯૩૮ | ૧૭૪ | ૬૮૨૬ | ૪૨૧૭ |
૫ | બગસરા | ૨૨ | ૨૧૪૬ | ૨૧૧૯ | ૪૮૩ | ૧૨૭૪૦ | ૧૫૬૨૧ |
૬ | વડીયા | ૧ | ૬૭૭ | ૬૩૨ | ૪૮૭ | ૭૮૬૨ | ૧૩૨૪૪ |
૭ | લીલીયા | ૪ | ૧૫ | ૩૮૪ | ૧૭૬ | ૫૫૮૫ | ૨૧૪૭ |
૮ | ધારી | ૦ | ૧૩૬ | ૪૪૨ | ૨૯૧ | ૮૫૬૧ | ૬૦૪૨ |
૯ | ખાંભા | ૦ | ૦ | ૨૨ | ૭૪ | ૬૧૭ | ૪૫૫ |
૧૦ | રાજુલા | ૦ | ૦ | ૦ | ૧૮૯ | ૬૩૦ | ૭૫૧ |
૧૧ | જાફરાબાદ | ૦ | ૧૨ | ૧૬૨૨ | ૨૨૦ | ૩૨૧૨ | ૧૯૬૭ |
કુલ | જિલ્લાનું કુલ | ૪૭ | ૬૫૬૪ | ૧૦૫૨૦ | ૨૯૦૧ | ૫૮૨૪૦ | ૪૯૫૭૬ |
મૃત્યુ અને ગુમ થયેલાઓ
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં કુલ ૪૭ લોકોના મૃતદેહો મળ્યા હતા તેમજ ૭ લોકો હજુ ગુમ છે જેની કોઇ ભાળ મળી નથી.[૭]
ક્રમ | તાલુકો | ગામ | મૃત્યુ | ગુમ |
---|---|---|---|---|
૧ | અમરેલી | ૧૧ | ૧૮ | ૧ |
૨ | સાવરકુંડલા | ૨ | ૨ | ૦ |
૩ | લીલીયા | ૩ | ૪ | ૧ |
૪ | વડીયા | ૧ | ૧ | 0 |
૫ | બગસરા | ૮ | ૨૨ | ૪ |
કુલ | ૨૫ | ૪૭ | ૭ |
અસરગ્રસ્ત ગામો
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં સત્તાવાર રીતે ૧૨૯ ગામો તથા બગસરા અને ચલાલા એ બે શહેરોને પૂરની સૌથી વધુ અસર થઈ હતી.[૭]
ક્રમ | તાલુકો | ગામ |
---|---|---|
૧ | અમરેલી | ૨૧ |
૨ | લીલીયા | ૧૩ |
૩ | બગસરા | ૨૨ |
૪ | વડીયા | ૪૧ |
૫ | સાવરકુંડલા | ૫ |
૬ | જાફરાબાદ | ૧૧ |
૭ | ખાંભા | ૩ |
૮ | ધારી | ૧૩ |
કુલ | ૧૨૯ |
બચાવ
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં પૂરગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર, એનડીઆરેફ ટીમ, રેસ્કયુ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્ર, સ્થાનિક સરપંચ, તલાટી, ગ્રામજનો, તરવૈયાઓ વગેરેની મદદથી કુલ ૪૧૯ લોકોને મરતા બચાવી લેવાયા હતા.[૭] જ્યારે ૪૭ સ્થળોએથી વહીવટી તંત્રને લોકો ફસાયા હોવાથી બચાવવા માટેની ફરિયાદો મળી હતી.
સહાય
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં હોનારતમાં રુ. ૧૯૬૭ કરોડના નુકસાન સામે રુ. ૩૦૦ કરોડનું પેકેજ જાહેર કરાયું હતું, તેમાંથી ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં રુ. ૨૩૦ કરોડની ગ્રાંટ ફાળવાઇ હતી અને રુ. ૨૧૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.[૭]
ક્રમ | તાલુકો | ગ્રાંટ (રુ.) | ખર્ચ (રુ.) |
---|---|---|---|
૧ | અમરેલી | ૫૦૭૯૦૧૦૦૦ | ૫૧૩૫૨૦૦૦૦ |
૨ | બાબરા | ૧૬૧૯૦૦૦ | ૪૧૮૦૦૦ |
૩ | લીલીયા | ૧૧૧૫૦૦૦૦૦ | ૧૦૯૭૭૦૦૦૦ |
૪ | ધારી | ૩૦૫૭૭૦૦૦૦ | ૨૯૪૬૬૮૦૦૦ |
૫ | ખાંભા | ૧૧૫૧૧૦૦૦ | ૧૫૦૬૪૦૦૦ |
૬ | રાજુલા | ૨૧૦૯૯૦૦૦ | ૧૮૯૮૪૦૦૦ |
૭ | જાફરાબાદ | ૧૨૩૫૪૬૦૦૦ | ૧૧૪૫૮૬૦૦૦ |
૮ | લાઠી | ૪૯૦૮૦૦૦ | ૪૫૮૧૦૦૦ |
૯ | કુકાવાવ | ૪૧૦૪૯૭૦૦૦ | ૩૬૦૯૬૮૦૦૦ |
૧૦ | સાવરકુંડલા | ૧૭૧૧૫૯૦૦૦ | ૧૫૪૨૭૩૦૦૦ |
૧૧ | બગસરા | ૬૩૨૯૭૯૦૦૦ | ૫૮૦૨૫૭૦૦૦ |
કુલ | ૨૩૦૬૫૮૯૦૦૦ | ૨૧૬૭૦૮૯૦૦૦ |
સહાય ચૂકવણી
[ફેરફાર કરો]અમરેલી જિલ્લામાં ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં હોનારતનો ભોગ બનેલા લાભાર્થીઓને નીચે મુજબની સહાય ચૂકવવમાં આવી હતી.[૭]
ક્રમ | પ્રકાર | લાભાર્થી | રકમ (રુ.) |
---|---|---|---|
૧ | કેશડોલ્સ | ૧૦૬૪૨૭ | ૬૦૨૫૪૦૦૦ |
૨ | ઘરવખરી સહાય | ૧૦૫૨૦ | ૭૩૪૮૧૦૦૦ |
૩ | મકાન સહાય | ૨૯૦૧ | ૯૮૪૮૬૦૦૦ |
બચાવ અને મદદ
[ફેરફાર કરો]૨૪ જૂન ૨૦૧૫ના અમરેલી જિલ્લામાં પૂરથી ભારે તબાહી થઈ હોવાનું બહાર આવતા બપોરથી જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રારંભે ભારતીય એરફોર્સના બે હેલિકોપ્ટરો યુદ્ધના ધારણે અમરેલી મોકલાયા હતા[૬] જેના દ્વારા જિલ્લાનો હવાઇ સર્વે કરીને અલગ-અલગ સ્થળોએથી પાણીમાં મોતના મુખમાં ફસાયેલા ૭૦ લોકોને બચાવી લેવાયા હતા. આ સાથે અમરેલી જિલ્લાની અનેક સંસ્થાઓએ લાખોની સંખ્યામાં ફૂડ પેકેટો તૈયાર કરી દીધા હતા અને માર્ગો બંધ હોવાથી હેલિકોપ્ટર મારફતે ફૂડ પેકેટોનું વિતરણ કરાયું હતું. બીજા દિવસથી તો ગુજરાત અને ગુજરાત બહારથી પણ ફૂડ પેકેટોનો પ્રવાહ શરુ થયો હતો. પ્રથમ ત્રણ દિવસ સુધી હેલિકોપ્ટર અને એનડીઆએફની ટીમો દ્વારા બચાવ કામગીરી કરાઇ હતી.
હોનારતના દિવસે જ રાજ્ય સરકાર દ્વારા મંત્રી વિજય રુપાણીને અમરેલી મોકલાયા હતા અને સમગ્ર કામગીરીનું મોનિટરીંગ હાથ ધર્યું હતું. બીજા દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમરેલી દોડી ગયા હતા અને અને હવાઇ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો[૧] તેમજ અધિકારીઓ સાથે કોન્ફરન્સ યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી. બચાવ અને રાહત કામગીરી માટે રાજ્ય સરકાર તરફથી સમગ્ર કામગીરીના મોનીટરીંગ માટે મંત્રી વિજય રુપાણી અને સચિવ અંજુ શર્માએ એકાદ મહિના સુધી અમરેલીમાં નિવાસ કર્યો હતો. રાજ્યમાંથી ૧૦ કલેક્ટરો તેમજ રાજ્યની જુદી-જુદી સરચારી કચેરીઓમાંથી સેંકડો કર્મચારીઓને અમરેલી મોકલવામાં આવ્યા હતા. રાજ્યની પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાંથી જેસીબી, ટ્રેકટરો, જેડ પંપ સહિતના સાધનો ફાળવાયા હતા. પ્રારંભે યુદ્ધના ધોરણે મુખ્ય માર્ગોનું રિપેરીંગ કરીને રસ્તાઓ ચાલુ કરાવીને લોકો સુધી ફૂડ પેકેટો પહોચાડવામાં આવ્યા હતા. બાદમાં પૂરથી ઠલવાયેલો લાખો ટન કચરો અને માણસો તથા પશુઓના મૃતદેહોના નિકાલ માટે હજારોની સંખ્યામાં લોકોને કામે લગાડીને સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ગંદકીથી રોગચાળો ફેલાતા ગામે-ગામ ડોક્ટરોની ટીમો ઊતારીને દિવસો સુધી કેમ્પો યોજવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો સર્વે શરુ કરીને કેશડોલ્સની રકમ ચૂકવાઇ હતી અને મકાન, ઘરવખરી, પાક, જમીન ધોવાણ વગરેની નુકસાની માટે પણ સહાયની રકમ જાહેર કરવામાં આવી હતી. જેની ચૂકવણી એક વર્ષે પણ પૂર્ણ થઈ શકી નહોતી અને અનેક ફરિયાદોનો ધોધ વહ્યો હતો.[૮]
ખોટા દસ્તાવેજો રજૂ કરી અનેક લોકો એ સહાય લીધી હતી અને અસંખ્ય સાચા અસરગ્રસ્તોને સહાય નથી મળી અથવા મામુલી રકમ આપવામાં આવી હતી. જેના આધારે પુરાવા સાથે ગુજરાત સરકાર સામે ગુજરાત હાઇકોર્ટમાં કેટલાક સેવાભાવી લોકો દ્વારા જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. ==આક્ષેપો અને બળાપો== અમરેલી જિલ્લમાં જળ હોનારત બાદ લોકોને સહાય આપવાની માગણી સાથે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન શરુ કરાયું હતું. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા દરેક તાલુકા મથકોએ વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ઠેર-ઠેર સહાય્ વિતરણમાં અન્યાય અને લોકો વંચિત રહી ગયા હોવાની ફરીયાદો ઊઠી હતી અને લંબા સમય સુધી અમરેલીની કલેક્ટર કચેરીમાં રેલીઓ અને ઉપવાસ આંદોલનોનો દોર[૯] જોવા મળ્યો હતો. સરકારી સર્વે મુજબ 1967 કરોડ 84 લાખ રુપિયાના[૭] નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રુ.૩૦૦ કરોડનું પેક્જ જાહેર કરાયું હતું.[૧૦]
તસવીરી ઝલક
[ફેરફાર કરો]-
પાણી ફરી વળતા જળબંબાકાર્ની સ્થિતિ જોવા મળી હતી.
-
મકાનો પાણીમાં ડૂબી ગયા હતા.
-
અમરેલીના તરવડામાં નદીનો ધસમસતો પ્રવાહ ગામમાં આ રીતે વહ્યો હતો.
-
માર્ગોનું આ રીતે ધોવાણ થયું હતું.
-
નદીમાં ધસમસતા પૂરનું વિહંગાવલોકન.
-
શેત્રુંજી નદીમાં આવેલું પૂર.
-
અમરેલીના તરવડા ગામે ગામમાં વહેતું નદીનું પૂર.
-
પૂર ઓસર્યા બાદ આ રીતે ઠેર-ઠેર પશુઓના મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા.
-
વૃક્ષની ટોચે કચરો ક્યાં સુધી પાણી ભરાયેલું હશે તેની ગવાહી આપે છે.
-
સાવરકુંડલાની નાવલી નદીમાં પૂરનું એક દ્રષ્ય.
-
પૂરના કારણે ચોમેર પાણી પાણી જ નજરે પડે છે.
-
ગાવડકાના પુલ પર ફસાયેલા લોકોને હેલીકોપ્ટરની મદદથી બચાવાયા હતા.
-
નદીઓનું પાણી પુલ પર થઈને વહ્યું હતું.
-
પૂર ઓસર્યા બાદ પાણીમાંથી મળેલી માનવ લાશો.
નોંધ અને સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઇ નિરીક્ષણ". ગુજરાત સમાચાર. ૨૬ જૂન ૨૦૧૫. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.
- ↑ ૨.૦ ૨.૧ "પાછળ કોઈ બચ્યું જ નહીં તેવા મૃતકોના પરિવારને ૫૨ લાખ સહાય". સંદેશ. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "શિક્ષકનો પરિવાર માત્ર ત્રણ ફૂટનું અંતર કાપી ન શકાયું અને ત્રણ માનવ જીંદગી હોમાઇ ગઇ". દિવ્ય ભાસ્કર. ૨૬ જૂન ૨૦૧૫. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.
- ↑ "અચોક્કસ મુદત સુધી અમરેલીની રેલવે બંધ". સંદેશ. ૧૬ જુલાઇ ૨૦૧૫. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "અમરેલી જળ હોનારતમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ૧૨ સિંહોના મોત". જીએસટીવી ન્યૂઝ. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૬.૦ ૬.૧ "અમરેલીમાં આકાશી સુનામી: લોકોને બહાર કાઢવા બે હેલિકોપ્ટર પહોંચ્યા". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૬.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ ૭.૬ અમરેલીના ધારાસભ્યને ગુજરાત વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં અપાયેલી માહિતી મુજબ, તારીખ: ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૬
- ↑ "અમરેલી જિલ્લામાં ભૂખમરો-બેકારીની દહેશત". ફૂલછાબ. ૧૦ જુલાઇ ૨૦૧૫. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આજે અમરેલી જિલ્લા બંધનું કોંગ્રેસે આપેલું એલાન". સંદેશ. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "300 કરોડની રાહત જાહેર: આંદોલન ગુજરાત વ્યાપી બનશે". ફૂલછાબ. ૧૪ જુલાઇ ૨૦૧૫. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]