અશ્વમેધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અશ્વમેધ કે અશ્વમેધ યજ્ઞ વૈદિક અને પૌરાણિક કાળમાં થતાં એક પ્રકારના યજ્ઞો હતા, આ યજ્ઞમાં અશ્ચની બલિ ચડાવવામાં આવતી હતી. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. વૈદિક વખતમાં આ યજ્ઞ પ્રજા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવતો, પણ પાછળથી તે માત્ર ચક્રવર્તી રાજાઓ જ કરતા. તેમાં ઘોડાના હોમની સાથે બીજાં પણ ઘણાં પશુનો વધ કરવામાં આવતો. પહેલાં તો અમુક ક્રિયા વખતે ઘોડા અને બીજાં પ્રાણીઓને ફક્ત બાંધવામાં આવતાં. ખરેખરી રીતે હોમવાની વિધિ પાછળથી દાખલ થયાંનું જણાય છે[૧].

ઈતિહાસ[ફેરફાર કરો]

યુધિષ્ઠિરે કરેલા અશ્વમેધ યજ્ઞનું મુઘલ કાળના ચિત્રકારે દોરેલું ચિત્ર

હિંદુ ધર્મના ચાર વેદો પૈકીના સૌથી જૂના એવા ઋગ્વેદમાં અશ્ચમેધનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. કોઈ વિસ્તારનો રાજા જ્યારે પોતાને અન્ય રાજાઓથી સર્વોપરી માનવા લાગે કે ત્યારે અશ્ચમેધ યજ્ઞના આયોજનના ભાગરૂપે પોતાના અશ્ચને નિરંકુશ છુટ્ટો મુકી દેતો અને તે અશ્ચ પોતાની ઈચ્છા મુજબ ગમે તે રાજાની ભૂમી પર છૂટથી ફરતો હોય. તેની પાછળ પાછળ રાજા અથવા રાજકુમાર અથવા તો રાજા દ્વારા નિમવામાં આવેલ યોગ્ય પ્રતિનિધિ અને રાજ સૈનિકો ફરતા હોય. ઉપરોક્ત અશ્ચ અન્ય કોઈ રાજાની હદમાં પ્રવેશ કરે ત્યારે તે સ્થાનિક રાજા કાં તો યજ્ઞ કરનારા રાજાનું આધિપત્ય સ્વીકારી લેતો અથવા તો યુધ્ધ કરતો હતો[૨].

યજ્ઞવિધિ[ફેરફાર કરો]

ધોળું શરીર, કાળા કાન અને ચંદ્રના જેવા તેજસ્વી મોંવાળા ઘોડાને લીલા જવનો ચારો કરાવવો અને ગંગાજળ પાવું. સ્વચ્છ ઘર બાંધી તેમાં ઘોડાને રાખવો અને દરરોજ એની તહેનાતમાં ચાર નોકરો બારણે ઊભા જ રાખવા. જ્યાં એ લાદ મૂત્ર કરે ત્યાં હમેશાં હોમ કરી છ હજાર ગાયનું દાન કરવું. ચૈત્ર સુદ પૂનમને દિવસે તે ઘોડાને શણગારી એના કપાળ ઉપર સોનાનું પતરૂં બાંધી છૂટો મૂકવો. પતરામાં લખવું કે અમુક ચક્રવર્તી રાજા યજ્ઞ કરે છે માટે જે કોઈ આ ઘોડાને બાંધે તેણે યુદ્ધ આપવું અથવા નમી જવું, અને નમે તેણે યજ્ઞમાં પધારવું. ઘોડાના બચાવ માટે એક મહારથીને મોટા લશ્કર સહિત સાથે રાખવો. ઘોડો પોતાની ઇચ્છા મુજબ જ્યાંજ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ લશ્કરે જવું. રસ્તામાં એ જ્યાં જ્યાં ખરી ઠોકે ત્યાંત્યાં કૂવા, અને આળોટે ત્યાંત્યાં વાવ બંધાવતા જવું. આ પ્રમાણે ફરતાં પૃથ્વીના બધા રાજા જિતાય તો જ આ યજ્ઞ કરાય. અશ્વમેધ માટે કોઈ મોટા ક્ષેત્રમાંથી માટી મંગાવી. તેની ઈંટ કરીને તેનો દક્ષિણ દિશાએ કુંડ બનાવવો. તેની આજુબાજુ ચોરી બાંધવી. તેમાં ખાખરા, ખેર અને શમડીનાં લાકડાના એકેક દંડ એવા ત્રણ ત્રણ દંડવાળા ચાર થાંભલા કરવા. પછી ચોસઠ વરવહૂની છેડાછેડી બાંધી, તેમની પાસે ગંગાજળ મંગાવી તે પાણીથી ઘોડાને મંત્ર સાથે નવરાવવો. એનો ડાબો કાન દબાવવાથી દૂધની ધાર નીકળે તો જાણવું કે એ શુદ્ધ થયો. પછી એને કુંડ સામે લઈ જઈ એનું માથું તલવારથી કાપી વેદવિધિએ એનાં અંગોની આહુતિ આપવી. આ યજ્ઞ એક વરસ સુધી ચાલે છે. તે કરનારે અસિધારા નામનું વ્રત કરવું જોઈએ, જેમાં આઠ જાતના ભોગ તજવા પડે છે. રાત્રે પતિપત્ની સંયમ પાળવા દર્ભની પથારી ઉપર વચ્ચે ઉઘાડી તરવાર મૂકીને સૂવે. આ પ્રમાણે એક વર્ષ અગાઉથી કર્યા બાદ યજ્ઞની શરૂઆત થાય છે. યજ્ઞમાં વીસ હજાર બ્રાહ્મણોની વરુણી એટલે તેમની નિયમ પ્રમાણે પૂજા કરી તેમને ખાનપાન પૂરાં પાડવાં. દક્ષિણામાં અક્કેક બ્રાહ્મણને એક હજાર ગાય, શણગારેલ એક હાથી અને એક ઘોડો, સવા મણ સોનું અને એક પાયલી રત્ન આપવાં. યજમાને યજ્ઞ કરતી વખત મૃગચર્મ પહેરવું જોઈએ. સો અશ્વમેધ કરનારને ઇંદ્રાસન મળે છે, અને કોઈ પણ રાજા સોમો યજ્ઞ પૂરો ન કરી શકે માટે ઇંદ્ર તેમાં ઘણી અડચણ ઊભી કરે છે એવી માન્યતા છે[૧].

જો કે ત્યાર પછીના સમયના સાહિત્યમાંથી મળતી વિગતો મુજબ તથાગત બુદ્ધે આવી પ્રથાઓની નિંદા કરી હતી એટલે કંઈક અંશે આવા યજ્ઞો બંધ થયા હતા[૨].

ઐતિહાસિક યજ્ઞો[ફેરફાર કરો]

ઇતિહાસમાં સૌથી વધુ પ્રસિદ્ધ અને સૌને જાણ એવો અશ્વમેધ યજ્ઞ મહાભારતનો યુધિષ્ઠિરે કરેલો યજ્ઞ છે જેનું વર્ણન મહાભારતના અશ્વમેધિકા પર્વમાં કરવામાં આવ્યું છે. એ પહેલા રાજા ભરતે સેંકડો અશ્વમેધ યજ્ઞો કર્યાનો ઉલ્લેખ પણ મહાભારતમાં મળે છે. આ ઉપરાંત લંકાનાં યુધ્ધ પછી રામે ઘણા અશ્ચમેધ યજ્ઞ કર્યા હતા તેમ રામાયણમાં જણાવેલું છે.

રાજા ધનદેવનો શિલાલેખ, અયોધ્યા

અયોધ્યામાંથી મળી આવેલા રાજ ધનદેવના શિલાલેખ પરથી જાણવા મળે છે રાજા પુષ્યમિત્ર શુંગે આશરે ઈ.પૂ. ૧૮૫-૧૫૦ના અરસામાં જ્યારે યવનોના આક્રમણ પર વિજય મેળવ્યો હતો ત્યારે અશ્ચમેધ યજ્ઞ કર્યો હતો[૩]. ૪થી શતાબ્દીમાં થયેલા રાજા સમુદ્રગુપ્ત બીજાએ પણ પોતાની જીત પર ઉપરોક્ત યજ્ઞ કર્યો હતો. તેજ રીતે પાંચમી શતાબ્દીમાં થયેલા રાજા મહેન્દ્ર વર્માએ, ૭મી શતાબ્દીમાં થયેલા ગુપ્ત રાજા આદિત્ય સેને તેમજ તે પછીના સમયમાં દક્ષિણ ભારતીય ઘણા બધા રાજાઓએ સમય-સમયે પોતાની જીત પર આવા યજ્ઞ કર્યાની કથાઓ મળે છે[૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ સર ભગવત સિંહજી. "અશ્વમેધ". ભગવદ્ગોમંડલ. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ સચ્ચિદાનંદ ભટ્ટાચાર્ય. ભારતીય ઇતિહાસ કોશ (હિન્દી માં).
  3. કુણાલ, કિશોર (૨૦૧૬). અયોધ્યા રિવિઝિટેડ (અંગ્રેજી માં). નવી દિલ્હી: ઓશન બુક્સ પ્રા. લિ. p. ૨૪. ISBN 978-81-8430-357-5. Check date values in: |year= (મદદ)