આજી ડેમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આજી ડેમ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલા રાજકોટ શહેરમાં આવેલ છે. રાજકોટ શહેરની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે આ ડેમ આજી નદી ઉપર ઈ.સ. ૧૯૫૨ માં બનાવ્યો હતો. આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ આજી ડેમ રાખવામાં આવ્યું

પાર્શ્વ ભૂમિ[ફેરફાર કરો]

વિશ્વનું કોઈપણ મોટુ શહેર કોઈને કોઈ નદીને કિનારે વસેલું જોવા મળે છે. આમ રાજકોટ શહેર પણ આજી નદીનાં કાંઠે વસેલું છે. આ નદી આમ તો રાજકોટ શહેરનાં અગ્નિ ખુણામાંથી આવીને ઉતર દિશામાં વહે છે. આમ રાજકોટ શહેરની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે આ આજી નદી ઉપર ઈ.સ. ૧૯૫૨ માં ડેમ બનાવ્યો હતો. આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ "આજી ડેમ" રાખવામાં આવ્યું. આ ડેમમાં ઉપરવાસનાં ગામો જેવાકે સરધાર, પાડાસણ, રાજ સમઢીયાળા, અણીયારા અને વડાળીનું પાણી આવે છે. જયારે વરસાદ વધારે થયો હોય ત્યારે આ ડેમ ઘણીવાર છલકાયો પણ છે. આ ડેમનાં ઉપરવાસનાં ગામોમાં પાંચ-છ વર્ષ પહેલા રાજય સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરીને જમીન રીચાર્જ થાય અને ભૂગર્ભ જળનું લેવલ ઉંચુ આવે તે હેતુથી ઘણાબધા ચેકડેમો બનાવવામાં આવ્યા છે.

ડેમનો ઉપરવાસ[ફેરફાર કરો]

આમ ડેમની ઉપરવાસમાં ચેકડેમ બનવાથી સમંયાતરે પાણીની આવક ઓછી થઈ ગઈ. જેથી પાણીનો જથ્થો ડેમમાં પુરતા પ્રમાણમાં આવે તે હેતુથી આજી ડેમની દક્ષિણે વહેતી લાપાસરી ગામની ભાખવડી નદી ઉપર રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉનનાં સહયોગથી ડેમ બાંધવામા આવેલ છે. આ ડેમનું નામ "રોટરી મીડટાઉન લાપાસરી ડેમ" આપવામાં આવેલુ છે. આ ડેમમાં સંગ્રહાયેલ પાણીને ભુંગળા નાખીને આજી ડેમમાં વારવામાં આવ્યું છે. જેનાં પરીણામે દરવર્ષે ડેમ છલોછલ ભરાઇ જાય છે અને ક્યારેક છલકાઇ પણ જાય છે. રાજકોટ શહેરને આ ડેમ ઉપરાંત ભાદર ડેમ અને ન્યારી ડેમનું પાણી આપવામાં આવે છે. અત્યારે આ ડેમની જાળવણી તથા પાણીવિતરણની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંભાળે છે. આ ડેમની ભૌગોલીક પરિસ્થિતી જોઈએ તો, આ ડેમની બાજુએ મોટી બે ધાર આવેલી છે. તેને વચ્ચેથી કોતરીને તેમાં આ ડેમનાં બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી આ ડેમની સલામતી ખુબજ ગણી શકાય. તેમજ ડેમ છલકાયા બાદનું વાધારાનુ પાણી આજી નદી વાટે આગળ જતાં રાજકોટની પૂર્વમાંથી પસાર થતી ખોખળદડી નદીની સાથે ભેગી થાય છે, અને પછી બધુ પાણી આજી ડેમ-૨ માં જતું રહે છે.

પર્યટન સ્થળ[ફેરફાર કરો]

આમ રાજકોટ શહેરથી ૮ કિલોમીટર પુર્વમાં આવેલ આજી ડેમ પ્રદુષણ રહીત અને કુદરતી વાતાવરણમાં ખુબજ નયનરમ્ય લાગે છે. આવા સુંદર વાતાવરણમાં શહેરનાં ભાગદોડીયા જીવનનો થાક ઉતારવા લોકોને વધારે સાર્વજનિક બગીચાનો લાભમળે તે હેતુથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી છે અને આ જ્ગ્યાએ મનને શાંતિ પમાડે તેવો અને અલગ અલગ જાતનાં વૃક્ષો, છોડ અને વેલાઓથી સજ્જ બગીચો બનાવ્યો છે. આ ઉપરાંત ડેમનાં બંધની બરોબર ઉતરે આવેલી ધાર ઉપર માછલી ઘર પણ બનાવ્યુ છે જેમાં ઘણી બઘી જાતોની માછલીઓ રાખવામાં આવી છે, જેથી માછલીની જાતો વિશે જાણકારી મળી રહે. આ માછલી ઘરની બરોબર પાછળની બાજુએ નીચે ઉતરતાજ બાળકો ને મજા આપે તેવા હિંચકા, લપસણી અને જુદી જુદી રમતો રમવા માટેનું નીચે ભોગાવો રેતી પાથરેલું સ્ટેન્ડ આવેલું છે. તેમજ અહી અલગ અલગ જાતનાં પક્ષીઓ પણ "પક્ષી ઘર"માં રાખવામાં આવેલ છે તથા મગર પાર્ક પણ છે. તેમજ દરેક ઉંમરની વ્યકિતનાં મનને આનંદ અપાવે તેવું પ્રાણીસંગ્રાહાલય પણ વિકસાવેલ છે. જેમાં વાઘ, ચિતો, સિંહ તેમજ રીંછ જેવા જંગલી પ્રાણીઓ છે. આ સિવાય ઉધાન પણ આવેલ છે. જેમાં હરણ, સાબર, નીલગાય અને અન્ય જુદા-જુદા પ્રાણીઓ પણ છે. તેમજ ફરવા આવેલા લોકોને નાસ્તા માટે લારીવાળાઓ પણ સમય પ્રમાણે આવી જાય છે. આમ આજી ડેમ એ રાજકોટ જેવા ૨૦ લાખની વસ્તી ધરાવતા મહાનગરનાં લોકોને આનંદ પમાડે તેવું સરસ મજાનું સ્થળ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]