કવિજીવન

વિકિપીડિયામાંથી

કવિજીવનનર્મદ ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને લેખક નર્મદાશંકર દવે વિશે ૧૮૮૭માં પ્રકાશિત જીવનચરિત્રાત્મક કૃતિ છે. તે નર્મદના સાથી ગુજરાતી લેખક અને વિવેચક નવલરામ પંડ્યા દ્વારા લખવામાં આવ્યું હતું. કવિજીવન એ મોટે ભાગે ૧૯૩૩માં મરણોપરાંત પ્રકાશિત નર્મદના પોતાના અંગત આત્મકથનાત્મક મારી હકીકત પર આધારિત છે. ગુજરાતી સાહિત્યમાં નર્મદનું આ પ્રથમ જીવનચરિત્ર હતું. તે નર્મદની સામાજિક અને સાહિત્યિક કારકિર્દીને આવરી લે છે અને તેના જાહેર જીવન વિશે વિગતો પ્રદાન કરે છે પરંતુ તેમના ખાનગી જીવનની ચર્ચા ટાળે છે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

નવલરામે કવિજીવન લખ્યું તે પહેલાં તેમણે બે જીવનચરિત્રો કરસનદાસ મૂળજી ચરિત્ર (૧૮૭૮) અને મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર (૧૮૭૯)ની સમીક્ષા કરી હતી. આ બંને ચરિત્રો મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા લખવામાં આવ્યા હતા. તેમણે મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો લખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જીવનચરિત્ર માટેની પ્રમાણભૂત પદ્ધતિઓ વિશે ચર્ચા કરી હતી. તેઓ માનતા હતા કે મહાન લોકોના જીવનચરિત્રો સામાન્ય માણસને ઉચ્ચ આદર્શો અને ઉમદા કૃત્યોની ઇચ્છા રાખવા માટે પ્રેરિત કરે છે, તેમ છતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જીવનચરિત્ર તેના વિષયને વ્યાખ્યાયિત ન કરતાં તેને ફક્ત 'મનુષ્ય' તરીકે રજૂ કરવો જોઈએ. જીવનચરિત્રકાર કુદરતી અને વાસ્તવિક હોવો જોઈએ. અલૌકિક તરીકે વર્ણવવામાં આવેલી મહાન વ્યક્તિઓ સામાન્ય માણસની કલ્પનાની બહાર છે અને ફક્ત પૂજા કરવામાં આવે છે, અનુસરવામાં આવતી નથી.[૧]

નર્મદની કવિતાઓના સંગ્રહ નર્મકવિતાની ત્રીજી અને વિસ્તૃત આવૃત્તિમાં તેનો સમાવેશ કરવા માટે નર્મદના મૃત્યુ પછી તરત જ આ જીવનચરિત્ર લખવામાં આવ્યું હતું. નવલરામે જીવનચરિત્રને પૂરક બનાવવા માટે નર્મદના પોતાના અંગત આત્મકથનાત્મક મારી હકીકત ઉપરાંત નર્મદની અંગત નોંધોનો પણ ઉપયોગ કર્યો હતો.[૧][૨] આમ, કવિજીવનગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલી નર્મદ વિશેની પ્રથમ જીવનકથા હતી.[૩]

વિષયવસ્તુ[ફેરફાર કરો]

જીવનચરિત્રનો મોટો ભાગ નર્મદના જીવનના ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે: (૧) ૧૮૫૦-૫૫: આંતરિક સંઘર્ષનો સમયગાળો; (૨) ૧૮૫૫-૫૮: અવિરત પ્રવૃત્તિનો સમયગાળો; (૩) ૧૮૫૮-૫૯-૬૫, ૬૬: સંપૂર્ણ ગૌરવનો સમયગાળો.[૧]

પ્રથમ તબક્કામાં લેખક નર્મદની પ્રખ્યાત થવાની મહત્વાકાંક્ષા, સ્ત્રીઓ માટેની તેમની તીવ્ર ઝંખના, તેમનું પ્રથમ નિષ્ફળ લગ્ન, પ્રેમ અને વીરતા પ્રત્યેનો જુસ્સો, સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક ચર્ચા-વિચારણા માટે સંગઠનો સ્થાપવામાં તેમના પરિશ્રમનું વર્ણન કરે છે.[૧]

બીજા તબક્કામાં તે સ્વ-અભ્યાસમાં તેમના પ્રયાસો અને ઉત્કૃષ્ટ ગુણવત્તા દર્શાવવાના પ્રયત્નોની વિગતવાર માહિતી આપે છે.[૧]

છેલ્લા તબક્કામાં તેઓ દલપતરામ સાથે કવિની સાહિત્યિક દુશ્મનાવટ અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરો વર્ણવે છે; તેમની કવિતાઓના અવિરત પ્રકાશનો, સમાજ અને સાહિત્ય પર તેમની કવિતાની અસર; સાહિત્યિક, સામાજિક, ઐતિહાસિક, આર્થિક અને અન્ય વિષયો પરના નિબંધોમાં તેમની વિદ્વતા સ્પષ્ટ થાય છે; તેમણે પોતાની આગવી શૈલીથી આધુનિક ગુજરાતી ગદ્યનો પાયો નાંખ્યો હતો. ડાંડિયોમાં તેમનું સાહસિક પત્રકારત્વ અને તેમના વ્યંગાત્મક અને તીખા લેખો; તેમજ ગુજરાતીમાં પ્રથમ શબ્દકોશ નર્મકોશનું તેમનું એકલા હાથે સંકલન, એ તેમની વ્યક્તિગત તેમજ નવસર્જનના સંદર્ભમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિઓના તથ્યો સમજવા માટે માળખાગત સુવિધાઓ પ્રદાન કરે છે.[૧]

ટીકા[ફેરફાર કરો]

ધીરુભાઈ ઠાકરે લખ્યું છે કે: “નર્મદની સામાજિક અને સાહિત્યિક કારકિર્દીનું મૂલ્યાંકન કરવાનો આ એક પરિપક્વ પ્રયાસ છે. નવલરામની વિવેચનાત્મક વિદ્વતા આ મોનોગ્રાફમાં શ્રેષ્ઠ છે કારણ કે તે કવિના મનનું વિવેકપૂર્ણ વિશ્લેષણ કરે છે અને સામાજિક સુધારા અંગેના તેમના વિચારોની કાયાપલટને યોગ્ય ઠેરવે છે.”[૨] ચંદ્રકાન્ત મહેતા જીવનચરિત્રની સમીક્ષા કરતાં જણાવે છે કે: “જીવનચરિત્રકારે અધિકૃત માહિતી આપી છે અને નર્મદની સર્જનાત્મક ઉત્ક્રાંતિ માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કર્યું છે. લેખકે એક વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો છે અને નર્મદના માનસનું વિશ્લેષણ કરતી વખતે કવિની માનસિકતામાં ઊંડે સુધી ડૂબી ગયા છે.”[૪] રમેશ શુક્લાએ જીવનચરિત્રની ટીકા કરતાં લખ્યું છે કે: “તેમના (નર્મદના) અંગત જીવનની ચર્ચા કરતી વખતે, તેમના લગ્નેત્તર સંબંધો વિશે સારી રીતે જાણતા હોવા છતાં તેઓ (નવલરામ) કવિને ક્લીન ચીટ આપે છે, તેઓ દલીલ કરે છે કે સુરત સ્થાયી થયા બાદ તેમણે ક્યારેય કોઈ સ્ત્રી સામે જોયું નથી. નર્મદે જ્યારે એક વિધવા સાથે બીજા લગ્ન કર્યા ત્યારે પણ નવલરામે તેનો બચાવ કર્યો છે. નવલરામ ગુપ્ત લગ્ન બાહ્ય સંબંધો રાખનારાઓ કરતા તેને વધુ ‘ગૌરવપૂર્ણ’ માનતા હતા. નર્મદની પત્ની ડાહીગૌરીને આ ‘ગૌરવપૂર્ણ’ કૃત્ય માટે સંમતિ આપવાની ફરજ પાડવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. નવલરામ આ પ્રકરણને પણ અવગણે છે. વધુમાં, તેઓ અન્ય એક ઘટના પર પણ મૌન જાળવે છે, જેમાં કવિએ બીજી એક વિધવા સ્ત્રી સવિતાગૌરી સાથે લગ્ન કર્યા વિના તેને આશ્રય આપ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Shukla, Ramesh M. (1988). Navalram. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 28–32. OCLC 246730430.
  2. ૨.૦ ૨.૧ Thakar, Dhirubhai (1999). Glimpses of Gujarati literature. Gandhinagar: Gujarat Sahitya Academy. પૃષ્ઠ 7. ISBN 81-7227-061-5. CS1 maint: discouraged parameter (link)
  3. Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 87. OCLC 462837743. CS1 maint: discouraged parameter (link)
  4. Datta, Amaresh, સંપાદક (1989). Encyclopaedia of Indian Literature: k to navalram. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 2923–2924. ISBN 978-81-260-1804-8.