ચંદ્રકાન્ત મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’ (૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક.

‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭), ‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.

‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.[૧]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • લહેરી, પી. કે; ચૌધરી, રઘુવીર; દેસાઈ, કુમારપાળ, eds. (એપ્રિલ ૨૦૧૧). ડૉ. ચંદ્રકાન્ત મહેતા: એક પ્રગટ સારસ્વત (અભિનંદન-ગ્રંથ). અમદાવાદ: ડૉ. ચંદ્રકાન્ત મહેતા સન્માન સમિતિ. OCLC 780289172.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ગાડીત, જયંત. "સવિશેષ પરિચય: ચંદ્રકાન્ત મહેતા". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૮ જૂન ૨૦૧૮. Check date values in: |access-date= (help)