જુગતરામ દવે
જુગતરામ દવે | |
---|---|
જન્મની વિગત | જુગતરામ ચીમનલાલ દવે 1 September 1892 કાઠિયાવાડ (વર્તમાન લખતર, સુરેન્દ્રનગર) |
મૃત્યુ | 14 March 1985 | (ઉંમર 92)
અન્ય નામો | વેડછીનો વડલો |
પુરસ્કારો | જમનાલાલ બજાજ પુરસ્કાર (૧૯૭૮) |
જુગતરામ ચીમનલાલ દવે મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાતી ભાષાના કવિ અને લોકનાટ્યકાર હતા.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧ સપ્ટેમ્બર, ૧૮૯૨ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે થયો હતો. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું હતું. તેઓ મેટ્રિકની પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા.
ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત 'વીસમી સદી'માં તેમણે નોકરી સ્વીકારી હતી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય અર્થે જોડાયા હતા. આ સમયગાળા વચ્ચે એમણે ઇ. સ. ૧૯૧૯ના વર્ષમાં 'નવજીવન' સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી,[૨] જે એમણે ઇ.સ. ૧૯૨૩ના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. ૧૯૨૩થી ૧૯૨૭માં એમણે દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ઇ.સ. ૧૯૨૮ના વર્ષ પછીનું આખું જીવન એમણે દક્ષિણ ગુજરાતના રાનીપરજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યું.[૩] અંગ્રેજ સરકાર સામે બાથ ભીડતાં અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઇ.સ. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી 'વટવૃક્ષ' માસિકનું સંપાદન કર્યું.
વેડછીનો વડલો તરીકે સંબોધવામાં આવેલા જુગતરામ દવેનું અવસાન ૧૪ માર્ચ, ૧૯૮૫ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું.
સર્જન
[ફેરફાર કરો]એમનું કાવ્યસર્જન પ્રાસંગિક તેમ જ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં કાવ્યો તથા લેખો ગુજરાતમાં જાણીતાં છે. એમનાં મૌલિક કે પ્રેરિત તેમ જ અનુવાદ કરેલાં ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય માણવા મળે છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં પણ એમની અધિક રૂચિ રહી છે. એમના સાહિત્યસર્જનમાં ભગવદ્ ગીતાનો પણ ઊંડો પ્રભાવ રહ્યો છે. મારી જીવનકથા તેમની આત્મકથા છે.[૪]
પુરસ્કાર
[ફેરફાર કરો]ઇ.સ. ૧૯૭૮માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત થયો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Das, Sisir Kumar (૧૯૯૧). A History of Indian Literature: 1800–1910, western impact: indian Response, Volume 8. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૬૫૮. ISBN 8172010060.
- ↑ "Shri Jugutram Dave" (PDF). Jamnalal Bajaj Foundation. મેળવેલ ૭ જૂન ૨૦૧૩.
- ↑ Desai, I P. "THE VEDCHHI MOVEMENT (A Sociological Essay)" (PDF). Centre for Regional Development Studies, Surat. મેળવેલ ૭ જૂન ૨૦૧૩.
- ↑ "Most widely held works by Jugatram Chimanlal Dave". મેળવેલ ૭ જૂન ૨૦૧૩.
- ↑ "1978 : Outstanding Contribution in Constructive Work". Jamnalal Bajaj Foundation. મેળવેલ 7 June 2013.