જ્યોતિષ જાનિ

વિકિપીડિયામાંથી
જ્યોતિષ જાનિ વડોદરા ખાતે, ૧૯૯૯

જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ - ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ખેડા જિલ્લાના પીજ ગામમાં ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે સુરતમાં અભ્યાસ કર્યો અને ૧૯૪૫ માં મેટ્રીક અને ૧૯૫૧ માં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો. મુંબઈની એકાઉન્ટ જનરલની નોકરી છોડીને તેઓ ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી સંદેશના ઉપતંત્રી રહ્યા હતા. ૧૯૬૬-૬૭ માં તેઓ જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર રહ્યા હતા. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર રહ્યા. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ગુજરાત સમાચારના ઉપતંત્રી અને પછીથી તેઓ લોકસત્તા ના ઉપતંત્રી રહ્યા હતા. તેઓ સાહિત્યિક ત્રૈમાસિક સંજ્ઞા ના તંત્રી અને ઓક્ટોબર ૧૯૮૬ થી ફેબ્રુઆરી ૧૯૯૦ દરમિયાન શબ્દસૃષ્ટિ ના માનાર્હ સંપાદક પણ રહ્યા હતા.[૧][૨]

૨૦૦૫માં તેમનુ અવસાન થયુ.[૩]

સર્જન[ફેરફાર કરો]

ચાર દીવાલો એક હેંગર (૧૯૬૭) અને અભિનિવેશ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. નાક, મોરલી વાગી, સૂટકેઈસ તેમની જાણીતી વાર્તાઓ છે. પંદર આધુનિક વાર્તાઓ (૧૯૭૭) તેમનો અન્ય વાર્તા સંગ્રહ છે. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૬૯) તેમની પ્રથમ નવલકથા છે. અચલા (૧૯૮૦) તેમની અન્ય નવલકથા છે.[૧][૨]

શબ્દના લેન્ડસ્કેપ (૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. ફીણની દીવાલો (૧૯૬૬) તેમનો કાવ્યસંગ્રહ છે. હેન્રિ ઈબ્સન (૧૯૭૧) એમનું અભયાસ-પુસ્તક છે. સંવાદવિવાદ (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે, જે સુરેશ જોષી સાથેની પ્રશ્નોત્તરી ધરાવે છે. આ ઉપરાંત ઉર્દૂ વાર્તાઓ (૧૯૭૨) અને મુક્તમાનવ (૧૯૭૮) એમનાં અનુવાદ-પુસ્તકો છે.[૧][૨]

જ્યોતિષ જાનિની વાર્તાસૃષ્ટિ (૨૦૧૩) મોહન પરમાર દ્વારા સંપાદિત પસંદગીની વાર્તાઓનો સંગ્રહ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૧૯૩–૧૯૬. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ટોપીવાળા, ચન્દ્રકાન્ત. "જ્યોતિષ જાનિ". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)
  3. પારેખ, મધુસૂદન (એપ્રિલ ૨૦૦૫). "જ્યોતિષ જાની". બુદ્ધિપ્રકાશ. અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. પૃષ્ઠ ૩. ISSN 2347-2448.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]