લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

ત્રિકમ સાહેબ

વિકિપીડિયામાંથી

ત્રિકમ સાહેબભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમ સાહેબનું બિરૂદ પામ્યા હતાં.

ત્રિકમ સાહેબનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં રામવાવ ગામે થયો હતો. તેમનાં પિતા ગોકળદાસ વ્યવસાયે ખેતી અને વણાટકામ સાથે જોડાયેલા હતાં. તેથી નાનપણથી જ ત્રિકમ સાહેબ ખેતીકામ કરતા હતાં. પોતાના ખેતરમાંથી પક્ષીઓ પાકનાં દાણા ચણી જતા છતા પણ તેઓ તો ભક્તિમાં જ લીન રહેતા હતાં. આમ તેમને નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ જીવન પસંદ કર્યુ હતુ. તેઓનાં ખેતરની પાસે જ આવેલ કાગનોરાની ગુફા આવેલી હતી. ત્યાં રામગુરુ નામનાં એક યોગી મહાત્મા નિવાસ કરતા હતાં. તેથી ત્રિકમ સાહેબ ત્યાં વારંવાર જતા હતાં.

ગુરૂ દિક્ષા

[ફેરફાર કરો]

ભક્તિમય જીવન જીવતા-જીવતા એક દિવસ ત્રિકમ સાહેબે સંત રામગીરીની પાસે દિક્ષા લેવા અરજ કરી. આ સાંભળીને પહેલાથી ત્રિકમ સાહેબનાં આત્માને ઓળખતા યોગી રામગીરી હસતા હસતા કહેવા લાગ્યા કે તુ રાપર ગામે બિરાજતા સંતશ્રી ખીમ સાહેબ પાસે જવા કહ્યુ. જેથી તારૂ કલ્યાણ થશે. આ યોગી મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખીને તેઓ રાપર ગામે ખીમ સાહેબનાં આશ્રમે અવાર નવાર જવા લાગ્યાં અને સેવા પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમજ ત્યાં આશ્રમમાં ઉજવાતા પ્રંસંગોમાં પણ જવા લાગ્યા.

એક દિવસ ખીમ સાહેબ અને તેમના અન્ય સત્સંગીઓ સૌરાષ્ટ્રમાં જતા હતાં. તે જાણીને ત્રિકમ સાહેબ પણ તેમની સાથે દરીયાઈ માર્ગે હોડી મારફત જવા પહોંચી ગયાં. પરંતુ તે સમયનાં ઉંચનીચ અને છુઆછુતનાં રિવાજ મુજબ લોકોએ તેમને હોડીમાં બેસવાની ના પાડી દીધી. પરંતુ ત્રિકમ સાહેબ અંતરથી લાગેલી ભક્તિ અને આસ્થાથી રોકાયા નહી અને પોતાનો અંચળો (શાલ જેવું કાપડ) દરિયામાં નાખતા તે દરિયા પર તરવા લાગ્યું અને તેની પર ઉભા રહી દરિયો પાર કરી. જે જગ્યાએ ખીમ સાહેબ અને સત્સંગીઓ પહોંચવાનાં હતાં તે જગ્યાએ તેમના પહેલા પહોંચી ગયાં અને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. આ પ્રંસંગ ખીમ સાહેબને પ્રભાવિત કરી નાખ્યા.અને તેઓને થયું કે આ યુવાન ખરેખર ભક્તિપ્રવાહને જીવંત રાખે તેમ છે. જેથી ત્રિકમ સાહેબની આસ્થા અને ભકિતની તાલાવેલી જોઈને ખીમ સાહેબે તેમનાં શિષ્ય બનાવી દીધા અને તેમને સાહેબનું બિરુદ આપ્યું. ત્યાર થઈ તેઓ ત્રિકમ સાહેબ કહેવાયા. આમ તેમણે ભાણ સંપ્રદાયમાં આગળ વધીને ગુરૂ આદેશથી રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે આશ્રમ સ્થાપ્યો. જે હાલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા વિકાસ સંસ્થાના નેજા હેઠળ ચાલે છે.

સદાવ્રત

[ફેરફાર કરો]

પોતાનાં ગુરૂ આદેશને શિરોમાન્ય સમજીને તેઓએ ચિત્રોડ ગામે સ્થાપેલા તેમનાં આશ્રમે સદાવ્રત ચાલુ કર્યુ. તે સમયે ઝડપી વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી, તેથી ધાર્મિક દેવસ્થાનોની યાત્રાએ નીકળેલા સાધુ-સંતોને અને અન્ય યાત્રાળુને નાત-જાતનાં ભેદભાવ રાખ્યા વિના જમાડવાની શરુઆત કરી. તે દરમિયાન તેમણે લોકોની ટીકાઓ અને વિરોધનો ઘણોબધો સામનો કર્યો હતો અને છતા પણ અડગ રહીને તેઓ સામાજિક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં આ કાર્યની સાથે તેઓએ ગુજરાતી ભાષામાં મહત્વનુ યોગદાન કહી શકાય તેવા ભજનોની રચનાં કરી. તેમનાં ભજનો આજે પણ વિખ્યાત છે. ભાણ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતાની સાથે તેમણે ઘણા શિષ્યોને કંઠી બાંધી હતી. તેમના સાત શિષ્યો હતા જેમાં મુખ્ય બે શિષ્ય, જેમાં રાધનપુરનાં નથુરામ સાહેબ અને બીજા સૌરાષ્ટ્રનાં આમરણ ગામનાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિનાં ભીમ સાહેબ.[] ભીમ સાહેબનાં પણ એક શિષ્ય થયા તે ઘોઘાવદરનાં દાસી જીવણ. આમ કબીરથી શરૂ થયેલી આ પરંપરામાં ઘણાબધા સિધ્ધ સંતો થયા જેઓએ સદાવ્રતની સાથે સાહિત્યને સમૃધ્ધ રાખવા ભજનોની રચના કરી.

વિક્રમ સંવત ૧૮૯૨ નાં શ્રાવણ વદ ૮ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો. તેમની સમાધિ ગુરૂ શ્રી ખીમ સાહેબની સમાધીની બાજુમાં રાપરનાં આશ્રમે છે.

સંત શ્રી ત્રિકમ સાહેબનાં આદેશ મુજબ તેમનાં શિષ્યો તેમના દેહને સમાધી આપવા રાપર ગામે ગુરૂઆશ્રમે લાવ્યા. રસ્તા માં તરસ લાગતા પાણી વિના તેંઓ ટળવળતા હતા ત્યારે અચાનક એક સાધુ એ આવી તેમને બાજુ માં જ પાણી નું ઝરણું બતાવ્યું જેનું પાણી અમૃત સમાન હતું . કહેવાય છે કે એ સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા.આજે ૫૦૦ વરસ પછી પણ રાપર ની બાજુ માં આવેલ તે જગ્યા પાણી ગમે તેવા દુષ્કાળ માં પણ અવિરત વહેતું રહે છે. તે જગ્યા ને સંત શ્રી ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા ના નામ થી પ્રખ્યાત છે.દર અષાઢી બીજ ના ત્યાં મોટો મેળો લાગે છે. સંત શ્રી ત્રિકમ સાહેબ ના દેહ ને પાલખી માં લઇ ને નીકળેલા તેમના શિષ્યો જયારે રાપર ની બજાર માં પ્રવેશ્યા તે સમયે એવો બનાવ બન્યો કે ત્યાનાં ગામજનો અને આશ્રમનાં અનુયાયીઓએ ત્રિકમ સાહેબ હરિજન પછાત જ્ઞાતિનાં હોવાથી તેમને સમાધી ખીમ સાહેબની સમાધીની બાજુમાં આપવાની ના પાડી. ગામજનો નું કહેવું હતું કે અવસાન પામેલ વ્યક્તિ નો દેહ ગામ માં થઈ બહાર લઇ જવાય કોઈ કાળે બહાર થઈ ગામ માં ના લવાય .તેમાંયે દલિત સમાજ ના સાધુ ની સમાધી લોહાણા સમાજ ના આશ્રમ માં ન આપવાય .જેથી ઘણો વિરોધ વંટોળ થયો. રાપર ના લોકો એ સંત શ્રી ત્રિકમ સાહેબ ની પાલખી પર ધૂળ અને પથ્થર ઉડાડ્યા.ધૂળ નું અબીલ ગુલાલ અને અને પથ્થર નારિયેળ બની ગયા. એક દમ હવાના રુખ બદલાયા ,ઓતરાદા પવન ઠંડો પડ્યો. આકાશ માં થઈ પુષ્પવૃષ્ટિ થઈ અને સંત શ્રી ત્રિકમ સાહેબે પાલખીમાંથી પગ બહાર મુક્યો. અને સંત કબીર કહેતા કે જાત ન પુછો સાધુ કી, પુછ લીજયો જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહને દો મ્યાન. આવી ભક્તિમય સમજાવટથી ત્રિકમ સાહેબને તેમનાં ગુરૂ ખીમ સાહેબની સમાધીની બાજુમાં જ સમાધી આપવામાં આવી. જે હાલ પણ રાપર ગામે આવેલ ખીમ સાહેબની જગ્યામાં છે. રાપરનાં દરિયાસ્થાનમાં આજે પણ તેમની સમાધિ આવેલી છે. જયાં પ્રથમ તેમની પુજા થાય છે.

ત્રિકમ સાહેબે અનેક ભજનવાણીઓ રચી છે. તેમની વાણીઓમાં જ્ઞાન-રહસ્યના કટોરા છલોછલ ભર્યા પડ્યા છે. અને તેમની વાણીમાં અવધૂતી રંગ સોળે કળાએ ખિલી ઊઠે છે. તેમણે ગુજરાતી, હિન્દી અને કચ્છી બોલીમાં અનેક રચનાઓ આપી છે. તેમની વાણીઓનું લિપિકરણ ન થતાં માત્ર કંઠસ્થ પરંપરાથી જ જળવાયેલી હોવાથી તેમની વાણીઓમાંથી ઘણી વાણીઓ અન્ય સંતોના નામે ચડી ગઇ છે. ડૉ.નાથાલાલ ગોહિલ, ડૉ. નિરંજન રાજ્યગુરુજી અને ડૉ. દલપતભાઈ શ્રીમાળી જેવા સંતવાણીના અત્યારના ગણનાપાત્ર વિદ્વાનોએ સંશોધનો કરીને જે તે વાણીને તેના મૂળ સર્જક સંતને નામે ચડાવવાનું બીડું ઝડપ્યું છે. ત્રિકમ સાહેબની અનેક વાણીઓમાંથી અતિપ્રસિદ્ધ એવી કેટલીક રચનાઓ અત્રે આપી છે.

  • અબ તો બુઢાપણ આયો એ સજની મોરી રે
  • અમર જોગી ઉલટ્યા આવે રગોરગ બોલે
  • આવી આવી અલખ જગાયો અમારે મોલે ઉત્તર દિશાથી
  • એ મન તું માની લે, તારો સગો નથી આ સંસાર
  • ઓલ્યા વહાણવટી વહાણ હંકાર મારે બેટ જાવું (આરાધ)
  • કાયા બેડી જાજરી ભરિયા ભાર સંભાર
  • કોણ નર ભરતા દાતાર, કોણ ઉઠાતા હૈ
  • ખેલિયા ખેલિયા ખેલિયા રે મારા સતગુરુ ચોપાટ ખેલિયા
  • ખેલિયા ખેલિયા ખેલિયા રે મારા સતગુરુ (પાઠાંતર)
  • ગુરુજી કાલીંગાને વારો, જગમાં જુલમ કરે
  • જેની સુરતા નામસે લાગી, કોઈ વિરલા સાચા વેરાગી
  • તારો છે આશરો ને તારો આધાર
  • તારો રે ભરોસો મુંને ભારી એવો ગરવો દાતાર ગિરનારી
  • ત્રિકમસાહેબની સાખીઓ
  • ત્રિવેણીના તીરે સંતો મોતીડાંની હાર
  • દાસી જાણીને દર્શન દેજો એવા હે સતગુરુજી
  • દિલદરિયામાં એક દેવ નિરંજન
  • દિલદરિયામાં એક દેવ નિરંજન (પાઠાંતર)
  • દેખો ખાવિંદ કા ખેલ, દરશન મેં તો દેખ્યા
  • ધરતી રચાણી માણસે મેઘ મંડાણા મલાર
  • નિજભક્તિ કોઈ વિરલા જાણે, સબ જગ કરે કમાઈ
  • નિત નિત વરસે નૂરા, શિખર પહોંચે વિરલા પૂરા
  • નેચર પરચો ગુરુ નામ તમારો, અમે વિશ્વાસે વેચાયા
  • પાન પરવાના પ્રેમ કા, મેરે સતગુરુ દિયા શીખાઈ
  • પ્રેમની...વાલે મારી કટારી પ્રેમની (કટારી)
  • પ્રેમે વીંધાણા મારા પ્રાણ સતગુરુએ માર્યા શબ્દુંનાં બાણ
  • મનવો મારો વેરાગી, મારી ભે ભરમણા ભાગી
  • મારા ગુરુજીએ પાયો અગાધ, પ્યાલો દૂજો (પ્યાલો)
  • મારી કાયા બેડી કણકવાને લાગી રે
  • મોતીડાં ચરે રે હંસલો મોતીડાં ચરે
  • લીખ દિયા પરવાના, મેરે સતગુરુએ લીખ
  • સતગુરુ મળિયા મારા સંશય ટળિયા
  • સદાય રેવે ગુલતાની લાગી પ્રીત્યું નહિ રેવે છાની
  • સન્મુખ નેડા રે, સતગુર મેરા રે
  • સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
  • હાથથી હીરો તારો ખોવાઈ જશે

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Introduction of Gujarati Saint Poet | આનંદ આશ્રમ" (અંગ્રેજીમાં). 2010-11-10. મેળવેલ 2022-11-05.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]