લખાણ પર જાઓ

પીરૂ સિંઘ

વિકિપીડિયામાંથી
પીરૂ સિંઘ શેખાવત
PVC
પીરૂ સિંહનું પૂતળું, પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, દિલ્હી ખાતે.
જન્મ(1918-05-20)20 May 1918
બેરી, રાજસ્થાન
મૃત્યુ18 July 1948(1948-07-18) (ઉંમર 30)
તિથવાલ, કાશ્મીર
દેશ/જોડાણબ્રિટિશ ભારત
ભારત
સેવા/શાખાબ્રિટિશ ભારતીય સેના
ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૩૬–૧૯૪૮
હોદ્દોકંપની હવાલદાર મેજર
સેવા ક્રમાંક2831592
દળરાજપૂતાનારાઇફલ્સ
યુદ્ધોભારત-પાકિસ્તાન યુદ્ધ, ૧૯૪૮
પુરસ્કારોપરમવીર ચક્ર

કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ શેખાવત ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા. તેઓ ૧૯૪૭ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા. તેમને દુશ્મન સામે બહાદુરીનું પ્રદર્શન કરવા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.[]

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૦ મે ૧૯૧૮ના રોજ રાજસ્થાનના સિકર ખાતે એક રાજપુતાના રાયફલ્સમાં સેવા આપવાની મહાન લશ્કરી પરંપરા ધરાવતા રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ ૪થી રાજપુતાના રાયફલ્સના સુબેદાર ભાનુ સિંઘ શેખાવતના સૌથી નાના પુત્ર હતા. તેમના પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં લડ્યા હતા અને ૧૨૫મી નેપિયર્સ રાયફલ્સમાં ૧૮૭૩-૧૯૦૨ સુધી સેવા આપનાર નાયબ સુબેદાર છેલુસિંઘ શેખાવતના પૌત્ર હતા. તેમના પરદાદા હવાલદાર મેજર પ્રતાપ સિંઘ શેખાવત તે જ રેજિમેન્ટમાં ૧૮૪૭-૧૮૭૫ સુધી સક્રિય હતા. પીરૂ સિંઘનો પુત્ર ૧૯૬૧માં ભારતીય ભૂમિસેનામાં અફસર તરીકે જોડાયા અને ડોગરા રેજિમેન્ટમાં નિયુક્તિ પામ્યા અને તેઓ ૧૯૯૬માં મેજર જનરલ તરીકે નિવૃત્ત થયા. પીરૂ સિંઘ ૨૦ મે ૧૯૩૬ના રોજ ૬ રાજપુતાના રાયફલ્સમાં જોડાયા. ૧૯૪૮ના ઉનાળામાં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરો સામે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે તેમણે મોટા પ્રમાણમાં વળતો હુમલો કર્યો. હુમલાને કારણે કિશનગંગા નદીના સામાકાંઠે રહેલ ભારતીય ચોકીઓ ખાલી કરવી પડી. તેના બાદ ભારતીય સૈનિકોએ તીથવાલની પહાડીઓ પર હરોળ ગોઠવી. આ સમયે ૬ રાજપુતાના રાયફલ્સને ઉરી થી તીથવાલ ખાતે રહેલી ૧૬૩મી બ્રિગેડને મજબૂત કરવા ખસેડવામાં આવી. ૧૧ જુલાઈ ૧૯૪૮ના રોજ ભારતીય હુમલાની શરૂઆત થઈ. ૧૫ જુલાઈ સુધી કાર્યવાહી બરાબર ચાલી. આગળના વિસ્તારના જાસૂસી સર્વેક્ષણમાં ખબર મળ્યા કે દુશ્મને એક ઉંચાઈ વાળા સ્થળે રક્ષણાત્મક હરોળ બાંધી છે અને આગળ વધવા માટે તે સ્થળને કબ્જે કરવું જરૂરી છે. તેનાથી પણ આગળ આ જ પ્રકારની બીજી હરોળ પણ મોજૂદ છે.

આ બંને હરોળને કબ્જે કરવાની જવાબદારી ૬ રાજપુતાના રાયફલ્સને સોંપાઈ. 'ડી' કંપની પ્રથમ હરોળ કબ્જે કરશે અને તે થઈ ગયા બાદ 'સી' કંપની બીજી હરોળ કબ્જે કરશે તેવું નક્કી થયું. 'ડી' કંપનીએ તેના લક્ષ્યાંક પર ૧૮ જુલાઈએ રાત્રે ૧૨૩૦એ હુમલો કર્યો. લક્ષ્યાંક સુધીનો રસ્તો લગભગ એક મિટર પહોળો હતો અને તેની બંને બાજુએ ઉંડી ખાઈઓ હતી. તે માર્ગની ઉપર નજર રાખી શકાય તે રીતે દુશ્મન બંકરો હતા. કંપની પર મોટા પ્રમાણમાં ગોળીબાર થયો અને અડધા જ કલાકમાં તેના ૫૧ સૈનિકો શહીદ અથવા ઘાયલ થયા. આ લડાઈ દરમિયાન પીરૂ સિંઘ કંપનીના સૌથી આગળની ટુકડી સાથે હતા જેના અડધોઅડધ સૈનિકો ભીષણ ગોળીબારમાં શહીદ થયા. તેઓ દુશ્મનની મશીનગન ચોકી તરફ આગળ વધ્યા જે બહુ મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડી રહી હતી. દુશ્મનના હાથગોળાની કરચોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના શરીર પર અનેક જગ્યાઓએ જખમ કર્યા. પરંતુ તેના કારણે તેઓ ડગ્યા નહી. તેઓ રાજપુતાના રાયફલ્સનો યુદ્ધઘોષ "રાજા રામચંદ્રકી જય" જગાવતા આગળ વધતા રહ્યા. તેમણે આગળ ધસી જઈ અને પોતાની સંગીન વડે દુશ્મન મશીનગન પરના સૈનિકોને મારી નાખ્યા અને પોતાની સ્ટેન ગન વડે આખા બંકર પર કબ્જો મેળવી લીધો. આ સમય દરમિયાન તેમના તમામ સાથીઓ પાછળ કાં તો મૃત અથવા ઘાયલ થઈ પડ્યા હતા.

દુશ્મનોને ટેકરી પરથી હટાવવાનું કામ તેમના એકલા પર આવી પડ્યું. મોટાપ્રમાણમાં રક્ત ગુમાવવા છતાં તેઓ બીજી મશીનગન બંકર તરફ આગળ વધ્યા. આ સમયે એક હાથગોળાએ તેમના ચહેરા પર ઈજા પહોંચાડી. તેમના ચહેરા પરથી વહેતા રુધિરે તેમને લગભગ દૃષ્ટિહીન જ કરી મૂક્યા. ત્યાર સુધીમાં તેમની પાસે રહેલી સ્ટેન ગનની તમામ ગોળીઓ ખતમ થઈ ગઈ હતી. તેઓ કબ્જે કરેલ દુશ્મન બંકરમાંથી ઘસડાઈ અને બહાર નીકળ્યા અને બહાદુરીપૂર્વક બીજા બંકર પર હાથગોળા ફેંકવા લાગ્યા. બાદમાં તેઓ બીજી ખાઈમાં કૂદી પડ્યા અને બે દુશ્મન સૈનિકોને સંગીન વડે મારી નાખ્યા. ત્યારબાદ તેઓ ત્રીજા બંકર તરફ પણ જવા લાગ્યા તે સમયે જ તેમને માથામાં ગોળી વાગી અને તેઓ દુશ્મનની ખાઈ પાસે પડતા દેખાયા. બરાબર આ જ સમયે ખાઈમાં સિંઘે ફેંકેલા હાથગોળાને કારણે એક ધમાકો થયો. અત્યાર સુધીમાં સિંઘને થયેલા જખ્મો જીવલેણ સાબિત થયા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમના ૭૫ વર્ષીય માતા તારાવતીને પત્ર લખ્યો જેમાં જણાવ્યું કે "તેમણે પોતાની એકહથ્થુ બહાદુરી ભરેલા કારનામા માટે જાન ખોયો પરંતુ તેઓ પાછળ તેમના સાથીઓ માટે એકહથ્થુ બહાદુરી અને અડગ વીરતાનું અનોખું ઉદાહરણ છોડતા ગયા. રાષ્ટ્ર તેમનું આભારી છે. માતૃભૂમિ માટે કરેલા બલિદાન માટે અમારી આ પ્રાર્થના છે કે તેમને આમાં કેટલીક શાંતિ અને સંતોષ મળશે." કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘને યુદ્ધકાળનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Param Vir Chakra winners since 1950". The Times of India. મેળવેલ ૨૬ ઓક્ટોબર ૨૦૧૬.