બાના સિંઘ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બાના સિંઘ

સુબેદાર મેજર અને માનદ કેપ્ટન બાના સિંઘ નિવૃત્ત ભારતીય સૈનિક છે. તેઓ ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રના વિજેતા છે. તેઓ જ્યારે નાયબ સુબેદારના પદ પર હતા ત્યારે તેમની આગેવાની હેઠળ ઑપરેશન રાજીવ દરમિયાન સિઆચીન વિસ્તારના સર્વોચ્ચ શિખરને કબ્જે કરવામાં આવ્યું હતું. તે શિખરને તેમના માનમાં બાના ટોપ નામ આપવામાં આવ્યું છે.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

બાના સિંઘનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ જમ્મુ અને કાશ્મીરના કાદયાલ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડુત હતા અને તેમના કાકાઓ ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા.[૧]

તેઓ ૬ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ ભારતીય ભૂમિસેનામાં ભરતી થયા અને જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયનમાં નિયુક્તિ પામ્યા.[૨] તેમની તાલીમ ગુલમર્ગ ખાતેની ઉંચાઈ પર લડવાની તાલીમ આપતી ખાસ શાળામાં થઈ અને વધુ તાલીમ સોનમર્ગ ખાતે પણ થઈ.

ઑપરેશન રાજીવ[ફેરફાર કરો]

૧૯૮૭માં વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો એવો સિઆચીન વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી. તેમણે એક મહત્વની જગ્યા પર કબ્જો કર્યો અને તેને કૈદ પોસ્ટ (મહમદ અલી ઝીણા ના માનદ નામ કૈદ-એ-આઝમ પરથી) નામ આપ્યું. તે જગ્યાની ઉંચાઈ ૬૫૦૦ મીટર હતી અને તે સિઆચીન વિસ્તારનું સૌથી ઉત્તુંગ શિખર હતું. આ જગ્યા પરથી પાકિસ્તાનીઓ ભારતીય ચોકીઓ પર આસાનીથી નિશાન સાધી શકે તેમ હતા કારણ કે ઉંચાઈને કારણે આ સ્થળથી સંપૂર્ણ સાલ્ટોરો રેજ તેમજ સિઆચીન હિમનદીનો વિસ્તાર દેખાતો હતો. દુશ્મન ચોકી બંને તરફ બરફની ૪૫૭ મિટર ઊંચી દીવાલને લીધે અભેદ્ય કિલ્લા જેવી બની હતી.[૩]

૧૮ એપ્રિલ ૧૯૮૭ના રોજ પાકિસ્તાનીઓએ કૈદ ચોકી પરથી સોનમ પોઈન્ટ (૬૪૦૦ મિટર) નામની ભારતીય ચોકી પર ગોળીબાર કરી અને બે સૈનિકોને મારી નાખ્યા. ભારતીય સેનાએ ત્યારબાદ પાકિસ્તાનીઓને ત્યાંથી ખદેડવાનું નક્કી કર્યું. નાયબ સુબેદાર બાના સિંઘ ૨૦ એપ્રિલ ૧૯૮૭ના રોજ સિઆચીન ખાતે નિયુક્ત કરાયા હતા અને તેમની બટાલિઅનને કૈદ ચોકી કબ્જે કરવાની જવાબદારી સોંપાઈ હતી. ૨૯ મે ના રોજ તેમની જ બટાલિઅનના સેકન્ડ લેફ્ટનન્ટ રાજીવ પાંડેના નેતૃત્વ હેઠળ ચોકી કબ્જે કરવાની નિષ્ફળ કોશિષ કરાઈ જેમાં ૧૦ ભારતીય સૈનિકો શહીદ થયા. વધુ એક મહિનાની તૈયારી પછી ઑપરેશન રાજીવ નામક (રાજીવ પાંડેના માનમાં) કાર્યવાહીની શરૂઆત કરાઈ જેનું નેતૃત્વ મેજર વરિન્દર સિંઘને સોંપાયું હતું.[૪][૫]

૨૩ જુન ૧૯૮૭થી શરુઆત કરી અને વરિન્દર સિંઘની ટુકડીઓએ ચોકી કબ્જે કરવા અનેક હુમલાઓ કર્યા. પ્રારંભિક નિષ્ફળતાઓ બાદ ૨૬ જુનના રોજ બાના સિંઘના નેતૃત્વ હેઠળની ૫ સભ્યો ધરાવતી ટુકડીએ કૈદ ચોકીને સફળતાપૂર્વક કબ્જે કરી. બાના સિંઘ અને તેમના સાથી સૈનિકોએ ૪૫૭ મિટર ઉંચી બરફની દિવાલ પર ચઢી ગયા જેમાં ચુની લાલનો પણ સમાવેશ થતો હતો. તેમની ટુકડી કૈદ ચોકી પર અણધારી દિશા પરથી પહોંચી કારણ કે તેમની ટુકડીએ અન્ય ટુકડીઓ કરતાં લાંબો અને કઠણ માર્ગ લીધો હતો. તે સમયે બરફનું તોફાન પણ હતું જેને કારણે દૃષ્ટિમર્યાદા બહુ ઓછી હતી અને તેને કારણે ભારતીય સૈનિકોને છુપાવા માટે જગ્યા મળી. શિખર પર પહોંચ્યા બાદ બાના સિંઘે જોયું કે ત્યાં માત્ર એક જ પાકિસ્તાની બંકર હતું જેમાં તેમણે હાથગોળો ફેંકી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. જેથી અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા. બંને પક્ષે ત્યારબાદ હાથોહાથની લડાઈ શરૂ થઈ જેમાં ભારતીય સૈનિકોએ કેટલાક દુશ્મન સૈનિકોને બંકરની બહાર સંગીન વડે મારી નાખ્યા. કેટલાક પાકિસ્તાનીઓએ શિખર પરથી છલાંગ પણ લગાવી. અંતે ભારતીયોએ છ પાકિસ્તાની સૈનિકોના મૃત શરીર કબ્જે કર્યા.[૬]

૨૬ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ બાના સિંઘને ઑપરેશન રાજીવ દરમિયાન બહાદુરી બતાવવા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું.[૭] તેમના માનમાં કબ્જે કરાયેલ શિખરને બાના ટોપ નામ અપાયું. કારગિલ યુદ્ધ સમયે તેઓ એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા હતા જેઓ હજુ પણ સેનામાં કાર્યરત હતા.

નિવૃત્તિ બાદ[ફેરફાર કરો]

બાના સિંઘ ૩૧ ઓક્ટોબર ૨૦૦૦ ના રોજ નિવૃત્ત થયા. જમ્મુ અને કાશ્મીર સરકારે તેમને રૂ. ૧૬૬નું નિવૃત્તિ વેતન આપ્યું. બાના સિંઘે આટલી ઓછી રકમ સામે વિરોધ નોંધાવ્યો અને સરકારનું ધ્યાન દોર્યું કે પડોશી રાજ્યો પંજાબ અને હિમાચલ પ્રદેશ પરમવીર ચક્ર વિજેતાને રૂ. ૧૦,૦૦૦ કરતાં વધુનું માસિક નિવૃત્તિ વેતન આપે છે. ઓક્ટોબર ૨૦૦૬માં કેપ્ટન અમરિન્દર સિંઘની પંજાબ સરકારે બાના સિંઘને રૂ. ૧૦,૦૦,૦૦૦નું ઈનામ જાહેર કર્યું અને આ ઈનામ તેમને અમરિન્દરના અનુગામી મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલના હસ્તે અર્પણ કરાયું.[૮] તેમને જો પંજાબમાં વસવાટ કરે તો ૨૫,૦૦,૦૦૦ રૂપિયા, ૧૫૦૦૦ નિવૃત્તિ વેતન અને ૨૫ એકર જમીન પણ આપવા જાહેરાત કરી. જે તેમણે વિનમ્રતાથી નકારી અને જણાવ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરના નિવાસી છે.[૯] જમ્મુ અને કાશ્મીર સરકારે આરએસ પુરામાં એક સ્ટેડિયમને તેમનું નામ આપ્યું અને તેના વિકાસ માટે ૨૦૧૦માં રૂ. ૫૦,૦૦,૦૦૦ મંજૂર કર્યા. જોકે ૨૦૧૩માં ધ ટ્રિબ્યુન અખબારે છાપ્યું કે પૈસા અપાયા નથી અને બાના સિંઘ મેમોરિયલ સ્ટેડિયમની સ્થિતિ ખરાબ છે.[૧૦]

બાના સિંઘના પુત્ર રાજિન્દર સિંઘ ૨૦૦૮માં ૧૮ વર્ષની આયુએ ભારતીય ભૂમિસેનામાં ભરતી થયા.[૧૧]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Claude Arpi. "Interview with Captain Bana Singh" (PDF). Retrieved ૨૭ જૂન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
 2. "Leadership convention at IIT-K". The Times of India. ૧૧ જાન્યુઆરી ૨૦૧૪. Check date values in: |date= (મદદ)
 3. "Naib Subedar Bana Singh". Bharat Rakshak. Retrieved ૨૭ જૂન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
 4. Kunal Verma (૧૫ ડિસેમ્બર ૨૦૧૨). "XIV Op Rajiv". The Long Road to Siachen. Rupa Publications. pp. 415–425. ISBN 978-81-291-2704-4. Check date values in: |date= (મદદ)
 5. L.N. Subramanian. "Confrontation at Siachen, 26 June 1987". Bharat Rakshak. Retrieved ૨૭ જૂન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
 6. Col J Francis (૩૦ ઓગસ્ટ ૨૦૧૩). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. pp. 100–102. ISBN 978-93-82652-17-5. Check date values in: |date= (મદદ)
 7. Josy Joseph (૨૫ જાન્યુઆરી ૨૦૦૧). "Project Hope". rediff.com. Check date values in: |date= (મદદ)
 8. Vimal Sumbly (૨ ડિસેમ્બર ૨૦૦૭). "Bana has reason to be angry". The Tribune. Check date values in: |date= (મદદ)
 9. "From Quaid to Bana". The Sunday Indian. 30 November 2012. Check date values in: |date= (મદદ)
 10. Vikas Sharma (૨૦ જાન્યુઆરી ૨૦૧૩). "Bana Singh Stadium in a shambles". The Tribune. Check date values in: |date= (મદદ)
 11. Mufti Islah (૧૬ માર્ચ ૨૦૦૮). "Param Vir Chakra winner's son joins army". IBNLive. Check date values in: |date= (મદદ)