ધન સિંઘ થાપા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા ભારતીય ભૂમિસેનાની ૮મી ગોરખા રાઈફલ્સની ૧લી બટાલિઅનમાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

ધન સિંઘ થાપાનો જન્મ શિમલા, હિમાચલ પ્રદેશ ખાતે નેપાલ મૂળના માતા પિતાથી થયો હતો. તેમના પિતાનું નામ પી. એસ. થાપા હતું. તેમને ૨૮ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ૮મી ગુરખા રાઈફલ્સમાં નિયુક્તિ અપાઈ હતી.

તેઓ ભારત ચીન યુદ્ધ દરમિયાન લડાખમાં મોટી લડાઈનો ભાગ બન્યા હતા. લડાખમાં પાનગોન્ગ સરોવરની ઉત્તરે આવેલ સિરિજાપની ખીણ ચુસુલ હવાઈમથકના રક્ષણ માટે મહત્ત્વની ગણાતી હતી. ચીની ઘૂસણખોરીને મારી હટાવવા માટે ૧/૮ ગુરખા રાઈફલ્સની ચોકીઓ ત્યાં આવેલી હતી. તેમાંની એક સિરિજાપ-૧ નામની ચોકી 'સી' કંપની જે સિંઘની આગેવાની હેઠળ હતી તેની એક પ્લાટુન સંભાળતી હતી. તેના પર ચીની સૈનિકોએ ૨૦ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ હુમલો કર્યો.

તે દિવસે સવારે ૬ વાગે ચીનીઓએ ભારે તોપખાના અને મોર્ટાર વડે હુમલો કર્યો અને તોપમારો ૮.૩૦ સુધી ચાલુ રહ્યો. સમગ્ર વિસ્તાર હચમચી ગયો. કેટલાક ગોળાઓ મુખ્ય છાવણી પર પડ્યા અને વાયરલેસ સેટને નુક્શાન પહોંચ્યું. તેને કારણે ચોકી સંચાર વિહોણી બની. ત્યારબાદ ચીનીઓએ મોટી સંખ્યામાં હુમલો કર્યો. મેજર થાપા અને તેમના સૈનિકોએ હુમલો નિષ્ફળ બનાવ્યો અને દુશ્મનોને મોટી સંખ્યામાં મારી નાખ્યા. ફરીથી તોપખાના અને મોર્ટાર વડે ગોળીબાર કર્યા બાદ વધુ સંખ્યામાં ચીની સૈનિકોએ હુમલો કર્યો.

ફરીથી મેજર થાપાએ હુમલાખોરોને મારી હટાવ્યા અને ચીનીઓ પર મોટા પ્રમાણમાં નુક્શાન કર્યું. થોડા સમય બાદ ચીની સૈનિકોએ ત્રીજો હુમલો કર્યો જેમાં પાયદળની સાથે રણગાડીઓ પણ હતી. ભારતીયો અગાઉના હુમલામાં થયેલા નુક્શાનને કારણે થોડા નબળા પડ્યા હતા પરંતુ ગોળી હતી ત્યાં સુધી તેઓ લડતા રહ્યા. જ્યારે ચીનીઓ ચોકી સુધી પહોંચી ગયા ત્યારે મેજર થાપા પોતાની ખાઈમાંથી બહાર કૂદી પડ્યા અને હાથોહાથની લડાઈમાં અનેક દુશ્મનોને મારી નાખ્યા. થોડા સમયની લડાઈ બાદ દુશ્મનોએ તેમને પકડી લીધા.

આ બહાદુરીના પ્રદર્શન માટે તેમને ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર વડે તેમને સન્માનિત કરવામાં આવ્યા. તે સમયે એવું મનાયું કે તેઓ લડાઈમાં શહીદ થયા છે અને તેને કારણે તેમને અપાયેલ મૂળ સંદર્ભમાં તે પ્રમાણેનો ઉલ્લેખ હતો.

પરંતુ બાદમાં જાણમાં આવ્યું કે તેમને યુદ્ધકેદી તરીકે પકડવામાં આવ્યા છે. તેમને બાદમાં છોડી દેવાયા અને તેમણે તેમની લશ્કરી કારકિર્દી ચાલુ રાખી અને લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા.

અન્ય સન્માન[ફેરફાર કરો]

ભારતીય શિપિંગ કોર્પોરેશને તેમના એક જહાજને મેજર ધન સિંઘ થાપા, પીવીસી નામ આપી અને તેમને સન્માનિત કર્યા.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]