૮ ગુરખા રાઇફલ્સ

વિકિપીડિયામાંથી

૮ ગુરખા રાઇફલ્સભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તેને ઈસ ૧૮૨૪માં ઉભી કરવામાં આવી હતી. તે ઇસ્ટ ઇન્ડિયા કંપની બાદમાં અંગ્રેજ ભારતીય સેના અને સ્વતંત્રતા સમયે ભારતીય સેના હેઠળ આવી હતી. રેજિમેન્ટ ભારતના બે ફિલ્ડ માર્શલ પૈકી એક એવા ફિલ્ડ માર્શલ સામ માણેકશા દેશને આપવાનું બહુમાન ધરાવે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ગઠન અને શરૂઆતનાં અભિયાન[ફેરફાર કરો]

રેજિમેન્ટ ભારતીય સેનાની ગુરખા રેજિમેન્ટોમાં શાઈની એઇટ એવા હુલામણા નામે ઓળખવામાં આવે છે. તેને ૧૮૨૪માં ૧૬મી સ્યાલહેત સ્થાનિય પલટણ તરીકે ઉભી કરવામાં આવી હતી. તેને અંતે ૧૯૦૭માં ૮ ગુરખા રાઇફલ્સનું નામ આપવામાં આવ્યું હતું.

રેજિમેન્ટ ઉભી કરાતાં જ ૧૮૨૪-૨૫માં તેણે પ્રથમ આંગ્લ-બર્મીસ યુદ્ધમાં ભાગ લીધો. તેણે ૧૮૬૪ના આંગ્લ-ભૂતાન યુદ્ધમાં પણ ભાગ લીધો. તેણે ભુતાન ખાતે વિદ્રોહને દબાવવામાં મુખ્ય જવાબદારી નિભાવી હતી. રેજિમેન્ટને ૧૮૭૯માં નાગાલેંડના વિદ્રોહીઓને દબાવવાની કાર્યવાહીમાં પ્રથમ વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો. નાગા ટેકરીઓમાં સૈન્ય મોકલવાનો આ પ્રથમ પ્રસંગ હતો.

નેફા ખાતે જ ૧૮૯૧માં મણિપુર ખાતેના અભિયાન દરમિયાન રેજિમેન્ટને દ્વિતીય વિક્ટોરીયા ચંદ્રક એનાયત થયો.[૧] આ અભિયાનમાં ચાર્લ્સ ગ્રાન્ટની આગેવાની હેઠળ ૮૦ ગુરખા સૈનિકોએ ૮૦૦ મણિપુરી સૈનિકોને હરાવી અને થોબલ કબ્જે કર્યું અને તેને આગામી દસ દિવસ સુધી કબ્જામાં રાખ્યું. અંતે દારુગોળો અને ખોરાક ખૂટી જતાં તેઓએ પાછા હઠવું પડ્યું. લડાઈ બાદ નોંધમાં લેફ્ટ ગ્રાંન્ટે સૂચન કર્યું કે તમામ ૮૦ ગુરખા સૈનિકોને સર્વોચ્ચ ભારતીય વીરતા પુરસ્કાર આપવો. તે પ્રસ્તાવ સ્વિકારાયો અને પુરસ્કાર સાથે છ મહિનાનો પગાર અને ભથ્થાં પણ આપવામાં આવ્યા.[૨]

૧૯૦૪માં તિબેટ ખાતેના અભિયાનમાં ગ્યાત્સે ખાતે ૧૮૦૦૦ ફીટ પર આવેલ કિલ્લા પર કબ્જો કરવાની કાર્યવાહી માટે રેજિમેન્ટને ત્રીજો વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો.[૩]

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

રેજિમેન્ટ વિશ્વયુદ્ધ દરમિયાન ઈટલી, ફ્રાન્સ, મેસોપોટેમિયા અને ઇજિપ્ત ખાતે કાર્યવાહીનો ભાગ બની. ૨/૮ પલટણ સપ્ટેમ્બર ૧૯૧૫ દરમિયાન લુસની લડાઈમાં છેલ્લા સૈનિક સુધી લડી. ૨૫ સપ્ટેમ્બરના દિવસે સવારમાં આ પલટણના આઠસો સૈનિકોએ જર્મનીની રક્ષણાત્મક હરોળ પર હુમલો કર્યો અને દિવસ પૂરો થતાં ફક્ત એક અફસર અને ૪૯ સૈનિકો જીવિત બચ્યા હતા.[૪]

રેજિમેન્ટે આ દરમિયાન ૧૪ યુદ્ધ સન્માનો મેળવ્યાં હતાં:

 • લા બસ્સે, ફેસ્ટ્યુબર્ટ, ગિવેન્ચિ, નુવે શાપેલ, ઔબર્સ, ફ્રાન્સ અને ફ્લાન્ડર્સ, ઈજિપ્ત, મેગિડ્ડો, શેરોન, પેલેસ્ટાઈન, ટાઈગ્રિસ, કુત-અલ-અમારા, બગદાદ, મેસોપોટેમિયા[૫]

વિશ્વયુદ્ધ બાદ રેજિમેન્ટ ત્રીજા અફઘાન યુદ્ધનો પણ ભાગ બની હતી.[૬]

યુદ્ધ વચ્ચેનો સમયગાળો[ફેરફાર કરો]

૧૯૩૫માં સરહદી પ્રાંતમાં શક્તિશાળી ધરતીકંપના આંચકા આવ્યા જેમાં હજારો લોકોના મોત થયાં. ૨/૮ પલટણના સૈનિકોએ લોકો માટે રાહત કાર્ય અથાક પ્રયત્નો કરી અને હાથ ધર્યું. આ કાર્યવાહી દરમિયાન પાછળના આંચકાઓ અને તેને કારણે ક્ષતિગ્રસ્ત ઈમારતો ધરાસાયી થવાના ખતરા વચ્ચે નાગરિકોને બચાવવા નંદલાલ થાપા અસંખ્ય વખત જીવને જોખમમાં મૂકી અને ઈમારતોમાં દાખલ થયા. આ બહાદુરી માટે તેમને સામ્રાજ્ય વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર શાંતિકાળનો સર્વોચ્ચ પુરસ્કાર હતો. પાછળથી તેમને જ્યોર્જ ક્રોસ પણ એનાયત કરાયો હતો.[૭]

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

રેજિમેન્ટની પલટણોએ ઈરાક, ઈજિપ્ત, તોબ્રુક, અલ અલામિન અને બર્મા ખાતે લડાઈઓમાં ભાગ લીધો. આ સમગ્ર યુદ્ધ દરમિયાન રેજિમેન્ટને ચાર વિક્ટોરીયા ક્રોસ, ૨૨ યુદ્ધ સન્માન એનાયત કરાયાં. લચ્છિમાન ગુરુંગને બર્માના અભિયાન દરમિયાન વિક્ટોરીયા ક્રોસ અપાયો. ૨જી પલટણને યાંત્રિક વાહનો સાથે જોડાણમાં રાખવામાં આવી હતી, તેણે આ ફરજ દરમિયાન બર્મા અને ઈટાલિ ખાતે નિયુક્તિ મેળવી હતી.[૮]

દ્વિતીય વિશ્વયુદ્ધના યુદ્ધ સન્માન:

 • ઈરાક, ઉત્તર આફ્રિકા, ગોથિક લાઈન, કોરિઆનો, સેન્ટ એઞલો, ગાઇઆન ક્રોસિંગ, પોઈન્ટ ૫૫૧, ઈટાલિ, તામુ રોડ, બિશનપુર, કાંગ્લાટો નગ્બી, મેન્ડેલે, મ્યામુ બ્રિજહેડ, સિંઘુ, શાન, સિટ્ટાંગ, ઈમ્ફાલ, બર્મા

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

સ્વતંત્રતા બાદ રેજિમેન્ટ ભારતના હિસ્સામાં આવી. રેજિમેન્ટનું નામ ગોરખાથી બદલી અને ગુરખા કરવામાં આવ્યું.[૯]

કાશ્મીરમાં કાર્યવાહી[ફેરફાર કરો]

૧૯૪૮માં ૨/૮ પલટણને લેહ ખાતે કાર્યવાહીમાં ભાગ લેવાનો મોકો મળ્યો. પલટણે સખત પગપાળા યાત્રા કરી અને લેહ પહોંચી અને મેજર હરિ ચંદના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની સેના પર છાપેમાર હુમલા કર્યા. જેમાં બાસગો ગામ ખાતે પાકિસ્તાની તોપખાનાંનો નાશ નોંધપાત્ર હુમલો હતો. આ કાર્યવાહી માટે પલટણને એક મહાવીર ચક્ર અને ચાર વીર ચક્ર એનાયત કરાયાં.[૧૦]

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ[ફેરફાર કરો]

૧/૮ પલટણના મેજર ધન સિંઘ થાપાને પરમવીર ચક્ર એનાયત કરાયું. આજ દિન સુધી રેજિમેન્ટને આ એક જ પરમવીર ચક્ર મળ્યું છે.

આગામી ગાળો[ફેરફાર કરો]

રેજિમેન્ટ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં પણ સામેલ થઈ હતી. આ બંને યુદ્ધમાં મળી અને ચાર મહાવીર ચક્ર એનાયત કરાયાં હતાં. રેજિમેન્ટની પલટણો શ્રીલંકા ખાતે શાંતિસેનામાં પણ સામેલ હતી અને એક મહાવીર ચક્ર અને ચાર વીર ચક્ર મેળવ્યાં હતાં.[૧૧]

૧૯૭૯માં ૧/૮ પલટણ યાંત્રિક પાયદળમાં પરિવર્તિત કરવામાં આવી. તેના સ્થાને ૭/૮ પલટણને ઉભી કરવામાં આવી.[૧૨]

પલટણો[ફેરફાર કરો]

 • ૧/૮ ગુરખા રાઇફલ (૩ યાંત્રિક પાયદળ બટાલિયન)
 • ૨/૮ ગુરખા રાઇફલ
 • ૩/૮ ગુરખા રાઇફલ
 • ૪/૮ ગુરખા રાઇફલ
 • ૫/૮ ગુરખા રાઇફલ
 • ૬/૮ ગુરખા રાઇફલ
 • ૭/૮ ગુરખા રાઇફલ[૧૩]

નોંધપાત્ર અફસરો[ફેરફાર કરો]

ફિલ્ડ માર્શલ સામ માણેકશા રેજિમેન્ટના સૌથી નોંધપાત્ર અફસર છે. તેમનું ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સૈન્ય વડા તરીકેનું યોગદાન દંતકથા સમાન છે.

નોંધ[ફેરફાર કરો]

 1. Parker 2005, p. 392.
 2. Parker 2005, pp. 91–92.
 3. Parker 2005, pp. 92–93.
 4. Parker 2005, p. 98.
 5. Parker 2005, p. 388.
 6. [૧]
 7. Parker 2005, p. 152.
 8. "rothwell". મૂળ માંથી 2008-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-04.
 9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-04.
 10. "Siachen Glacier: Battle of Roses", Kapadia, Harish, Chapter 7
 11. [૨]
 12. [૩]
 13. "8 GORKHA RIFLES". Indian Veterans Website. મૂળ માંથી 29 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2012.

સંદર્ભો[ફેરફાર કરો]

 • Parker, John. (2005). The Gurkhas: The Inside Story of the World's Most Feared Soldiers. Headline Book Publishing.ISBN 978-0-7553-1415-7

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]