લખાણ પર જાઓ

રાજપૂત રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

રાજપૂત રેજિમેન્ટ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં સૈનિકો મુખ્યત્તે રાજપૂત જાતિ ના જ યુવાનો ને ભરતી કરવામાં આવે છે. રાજપૂતો ની બહાદુરી ના લીધે આ રેજિમેન્ટ નું નામ રાજપૂત રેજિમેન્ટ પડ્યુ.[][] દ્વીતીય વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટમાં રાજપૂત ની બહાદુરી પુરી દુનિયામાં ફેલાઈ ગઈIndian Army. "Brief History - The Rajput Regimental Centre Fatehgarh". Indian Army Web Portal. Indian Army Official web site. મેળવેલ 24 June 2015.</ref>

ઇતિહાસ

[ફેરફાર કરો]

રાજપૂતોનું અંગ્રેજો સાથે જોડાણ ૧૭૭૮માં શરૂ થયું, સૌપ્રથમ બંગાલ સ્થાનિક પાયદળમાં ૩જી પલટણ રાજપૂત સમુદાયમાંથી ઉભી કરવામાં આવી. ૧લી અને ૨જી પલટણ ૧૭૯૮માં ઉભી કરવામાં આવી. ૩જી પલટણે હૈદર અલી સામે યુદ્ધમાં ભાગ લીધો અને કુડ્ડાલોર કબ્જે કર્યું. પલટણે દર્શાવેલા શૌર્યના બદલામાં બે કટારને પલટણના ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવી. ત્યારથી લઈ અને આજ સુધી રાજપૂત રેજિમેન્ટ આ જ ચિહ્ન જાળવતી આવી છે. ૧લી પલટણ ૧૮૦૩માં દિલ્હીની લડાઈમાં સામેલ હતી જેના અંતે શાહી દરબારમાં મરાઠા વર્ચસ્વનો અંત આવ્યો. આ જ પલટણ ૧૮૦૫માં ભરતપુરના ઘેરામાં મોખરે હતી અને હુમલો કરનાર ૪૦૦ સૈનિકો આ જ પલટણના હતા. જેમાંના આશરે ૨૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

૧લી અને ૪થી પલટણ ગુરખા સામેની અંગ્રેજ કાર્યવાહીનો ભાગ હતી. અંગ્રેજ-શીખ યુદ્ધમાં તમામ પાંચે પલટણ સામેલ હતી. ૫મી પલટણે ગુજરાતની લડાઇ ખાતે ત્રણ શીખ રાજચિહ્નો કબ્જે કર્યાં હતાં. ૧૮૫૭નો બળવો જે મુખ્યત્વે બંગાલ સ્થાનિક પાયદળ પુરતો સિમીત હતો તેમાં રેજિમેન્ટની ૨જી, ૩જી અને ૪થી પલટણને નિઃશસ્ત્ર કરવામાં આવી હતી. ૧લી પલટણે સૌગોર ખાતે ફરજ બજાવી અને શાહી ખજાનાનું રક્ષણ કર્યું. લખનૌ ખાતેની રેજિમેન્ટ જે બાદમાં રાજપૂતની ૧૬મી અને કાળક્રમે ૧૦મી પલટણ બની તેણે લખનૌ ખાતે અંગ્રેજ કોઠીનું સફળ રક્ષણ કર્યું. તેને બે વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો અને પલટણના તમામ સૈનિકોને એક પદક એનાયત કરાયો.

વિશ્વયુદ્ધો

[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટાભાગની રાજપૂત પલટણોએ લડાઇમાં ભાગ લીધો હતો. ૧લી પલટણ મેસોપોટેમિયામાં દુજૈલા ખાતે લડી અને ત્યાં તૈનાત મોટા ભાગની ઓટોમાન સેનાને ખતમ કરી નાખી. ૩જી પલટણ કુરના અને કુત-અલ-અમારા ખાતે ઓટોમાન સેના સામે લડી. ૩જી પલટણના સિપાહી ઝંડુ સિંઘને મૃત્યુપર્યંત ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરાયો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તમામ પલટણો વચ્ચે ૩૭ યુદ્ધ સન્માનો અને અનેક વીરતા પુરસ્કાર એનાયત કરાયા.[]

૧૯૨૨માં બ્રિટિશ ભારતીય સેનાની તમામ પાયદળ રેજિમેન્ટનું પુનઃગઠન કરાયું અને તેમાં રાજપૂતની ૧૩મી શેખાવતી રાજપૂત સિવાયની તમામ પલટણોને વિલીન કરી અને ૭મી રાજપૂત રેજિમેન્ટ નામ અપાયું જેને આઝાદી સમયે ક્રમાંક હટાવી અને રાજપૂત રેજિમેન્ટ નામ અપાયું.

આ ઉપરાંત, ભરતી કરતા સૈનિકોના નિયમોમાં ફેરફાર કરાયા અને તમામ પલટણોમાં પંજાબી મુસ્લિમો અને હિન્દુસ્તાની મુસ્લિમોની એક એક કંપની ઉમેરવામાં આવી.

૧૯૩૦માં ૩જી પલટણ વિઝિરીસ્તાન ખાતે તૈનાત હતી. તેણે અફઘાનો અને સરહદી વિસ્તારના આદિવાસીઓ સામે લડાઈઓ લડી.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં ૧લી પલટણ બર્માના અભિયાનમાં અને બાદમાં આંદામાન ટાપુઓના રક્ષણમાં જોડાઈ. ૨જી પલટણ પણ આરાકાન વિસ્તારમાં હતી અને તેણે પોઇન્ટ ૫૫૧ કબ્જે કર્યો જે બાદમાં રાજપૂત ટેકરી તરીકે ઓળખાયો. જાપાનના સૈનિકોએ આ ટેકરી કબ્જે કરવાના અન્ય પલટણોના અનેક પ્રયાસો નિષ્ફળ કર્યા હતા. પરંતુ, રાજપૂત પલટણે તે કબ્જે કરી અને તે પ્રયાસમાં એક ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ, પાંચ મિલિટરી ક્રોસ અને બે મિલિટરી પદક મેળવ્યા. ૩જી પલટણે સમુદ્ર માર્ગે ઓગષ્ટ અને સપ્ટેમ્બર ૧૯૪૦માં ઇજિપ્ત ખાતે મોકલવામાં આવી. આ સફર દરમિયાન ઇથોપિયા ખાતે તૈનાત ઈટલીની વાયુસેનાના અનેક હુમલાઓનો સામનો કરવો પડ્યો. આવા એક હુમલા દરમિયાન એવું કહેવાય છે કે પલટણે પોતાની બ્રેન ગન વડે એક વિમાન તોડી પાડવામાં સફળતા મેળવી હતી. શરુઆતમાં ઇજિપ્ત અને સુએઝ નહેરનું રક્ષણ કર્યા બાદ તેને સાયપ્રસના રક્ષણ માટે મોકલાઈ અને ત્યાં તેણે ટૂંકા ગાળા માટે છત્રીદળ વિરોધિ કામગીરી બજાવી. બાદમાં, ઇજિપ્ત ખાતે લડતાં રુવેસાત ટેકરી ખાતે જુલાઈ ૧૯૪૨માં મોટા પ્રમાણમાં જાનહાનિનો સામનો કર્યો અને લડાઈમાં પલટણે તેને કમાંડર ગુમાવ્યા. તેણે અલ-અલામિનની બીજી લડાઈમાં ભાગ લીધો. ૪થી પલટણે સિદી બરાની, અલ-અલામિન અને કોહિમા મોરચે લડાઈમાં ભાગ લીધો. ૫મી પલટણે હોંગકોંગ ખાતે જાપાન સામે લડાઈ લડી અને ટૂંકાગાળામાં મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠી. પલટણના જીવિત સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાયા અને તેમણે મોટાપ્રમાણમાં દમનનો સહ્યાં. આશરે ૧૩૦ સૈનિકો માર મારવાને કારણે, ભૂખમરા અથવા દાક્તરી સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામ્યા. જાપાને યુદ્ધકેદી તરીકે પકડાયેલ કેપ્ટન અંસારીને અંગ્રેજોનો સાથે છોડવા ખૂબ જ રીબાવ્યા. પાંચ મહિનાના અત્યાચાર બાદ તેમને જાપાનીઓએ મારી નાખ્યા. આ વીરતા માટે તેમને જ્યોર્જ ક્રોસ અપાયો.

૧૯૪૭-૪૮ જમ્મુ અને કાશ્મીરનું અભિયાન

[ફેરફાર કરો]

૧૯૪૭માં રેજિમેન્ટના પંજાબી મુસ્લિમોને પાકિસ્તાનના સૈન્ય સાથે જોડવામાં આવ્યા અને આમ રેજિમેન્ટના ૫૦% સૈનિકો ઓછા થયા. ખાલી થયેલી જગ્યાઓ પાકિસ્તાનના ફાળે ગયેલી પંજાબ રેજિમેન્ટની પલટણોમાંથી આવેલા ગુર્જરોએ ભરી.

૧લી, ૨જી, ૩જી અને ૪થી પલટણે જમ્મુ અને કાશ્મીરના અભિયાનમાં ભાગ લીધો. ૩જી રાજપૂતને સૌપ્રથમ તૈનાત કરાઈ અને તેને રામબન અને જમ્મુ કબ્જે કરવાની જવાબદારી સોંપાઈ. પરંતુ તુરંત તેને ઝાંગર અને કોટલી ખાતે ૫૦મી છત્રીદળ બ્રિગેડને મદદ પહોંચાડવાની જવાબદારી સોંપાઈ. પલટણને ઝાંગરથી કોટલી પહોંચવામાં પાંચ દિવસ લાગ્યા કેમકે માર્ગમાં આશરે ૪૭ અવરોધો દૂર કરવા પડ્યા. ત્યારબાદ પલટણને નૌશેરા ખાતે ખસેડવામાં આવી. ૧લી પલટણને પણ નૌશેરા ખાતે તૈનાત કરાઈ. ૧લી અને ૩જી બંને પલટણોએ નૌશેરા-ઝાંગર માર્ગ ખુલ્લો રાખવા માટે અનેક લડાઈઓ લડી. ૪થી પલટણને છામ્બ-અખનૂર વિસ્તારમાં તૈનાત કરવામાં આવી. ૨જી રાજપૂતને જમ્મુ આસપાસ સંચાર વ્યવસ્થાને સુરક્ષિત રાખવા તૈનાત કરવામાં આવી હતી.

૬ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ નૌશેરાની પૂર્વ દિશામાં એક ચોકિયાત ટુકડી મોકલવામાં આવી. તેને આશરે ૧૦૦૦ દુશ્મનોએ ઘેરી લીધી. ભીષણ લડાઈ આશરે સાત કલાક સુધી ચાલી. સુબેદાર ગોપાલ સિંઘની પ્લાટુન પર ભારે ગોળીબાર થયો અને તેઓ પોતે ત્રણ વખત ઘાયલ થવા છતાં નેતૃત્વ કરતા રહ્યા. એક સમયે ગોપાલ સિંઘ પોતાની પ્લાટુનથી વિખુટા પડી ગયા અને તેમની સાથે માત્ર ત્રણ જ સૈનિકો રહ્યા. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની ત્યારે ગોપાલ સિંઘે સંગીન વડે દુશ્મનો પર હુમલો કર્યો જેમાં તેઓ ગંભીર રીતે જખ્મી થયા. આ સમયે તેમની સાથેના સિપાહી સિકદર સિંઘ તેમને ઉઠાવી અને મુખ્ય પ્લાટુનના વિસ્તારમાં પહોંચવામાં સફળ થયા. હવાલદાર મહાદેવ સિંઘ પ્લાટુનના બ્રેન ગનરોને ગોળીઓ પહોંચાડતા રહ્યા અને અનેક વખત તેઓ ભારે ગોળીબાર વચ્ચેથી પસાર થયા. તેમાંના એક પ્રયાસમાં તેઓ ગોળી વાગતાં ઇજા પામ્યા અને પડી ગયા. જ્યારે તેઓ ઉભા થયા ત્યારે તેમને અનેક ગોળીઓ વાગતાં શહીદ થયા. આ કાર્યવાહીમાં ત્રણેને વીર ચક્ર અપાયું.

ઝાંગર બાદ નૌશેરા પર દુશ્મનો હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યા. બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનના નેતૃત્વ હેઠળ ૫૦મી છત્રીદળ બ્રિગેડના ભાગરૂપે 'સી' કંપની, ૧લી રાજપૂત તૈનધાર વિસ્તારના રક્ષણ માટે તૈનાત હતી. બ્રિગેડિયર ઉસ્માને સી કંપનીને વિસ્તારનું કોઈપણ ભોગે રક્ષણ કરવા સૂચના આપી. ૬ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ આશરે ૧૫૦૦ દુશ્મનોની સેનાએ તૈનધાર પર હુમલો કર્યો. જેમાં મુખ્યત્ત્વે પઠાણ હતા અને કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ હતા. આશરે ૨૦૦-૩૦૦ દુશ્મનોએ લહેર સ્વરૂપે છ હુમલા કર્યા. મોટા પ્રમાણમાં હાથોહાથની લડાઈ થઈ. હવાલદાર દયા રામ ૩ ઇંચ મોર્ટાર સંભાળી રહ્યા હતા. એક હુમલા દરમિયાન તેમને અનુભૂતિ થઈ કે દુશ્મનો રક્ષણાત્મક હરોળની અત્યંત નજીક આવી ગયા છે. તેમણે મોર્ટાર ગોળાઓમાંથી દ્વિતિય બારુદ દૂર કરી અને મોર્ટારને તેના મહત્તમ ખૂણા પર ગોઠવી અને ગોળાબારી શરૂ કરી. તે રક્ષણાત્મક હરોળથી આશરે ૮-૧૦ મિટર દૂર પડ્યા અને તેણે દુશ્મનોમાં અંધાધૂંધી સર્જી. કેટલાક દુશ્મનોએ આનાથી બચવા દયા રામના સેક્સન પર હુમલો કર્યો જેમાં બ્રેન ગનર શહીદ થયા અને દયા રામ ઘાયલ થયા પણ રક્ષણાત્મક હરોળ અકબંધ રહી. તેમને સાહસ અને સૂઝબૂઝ માટે મહાવીર ચક્ર એનાયત કરાયું.

કંપનીની ડાબી પાંખ પર હુમલો કરવા ચઢાઈ ઓછી હતી. આ વિસ્તારનું રક્ષણ નાયક જદુનાથસિંહ કરી રહ્યા હતા. મોખરાના હુમલામાં નિષ્ફળ જતાં દુશ્મનોએ આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે બ્રેન ગન, રાઇફલ તેમજ ગ્રેનેડનું અસરકારક ફાયર કરાવ્યું. પરંતુ દુશ્મનો આગળ વધતા રહ્યા. આ તબક્કે તેઓ ચોકીની બહાર આવી ગયા અને હાથગોળા તેમજ રાઇફલ વડે હુમલો કર્યો જેને કારણે દુશ્મનો ચોંકી ઉઠ્યા અને પીછેહઠ કરી ગયા. આ જ રીતે ત્રણ હુમલા થયા જેમાં આખરી હુમલા સુધીમાં કુલ નવમાંથી ચાર સૈનિકો ઘાયલ થયા હતા. આખરી હુમલા સમયે દુશ્મનને આગળ વધતા રોકવા તેઓ ફરી બહાર કૂદી પડ્યા પરંતુ ગોળીઓ વાગવાને કારણે શહીદ થયા. આ દરમિયાન મોટા પ્રમાણમાં જાનહાનિ સહેવાને કારણે દુશ્મનોનું લડવાનું મનોબળ ભાંગી ચૂક્યું હતું. આ લડાઈ માટે તેમને મૃત્યુપર્યંત પરમવીર ચક્ર એનાયત કરાયું.

૧૯૫૦નો દાયકો

[ફેરફાર કરો]

૧૯૫૦માં રેજિમેન્ટની ૧લી પલટણ ગાર્ડઝ રેજિમેન્ટ ખાતે ૪થી પલટણ તરીકે નિયુક્ત કરવામાં આવી. આ જ સમયે બંગાળી અને મુસ્લિમોને પણ રેજિમેન્ટમાં ભરતી કરવાના શરૂ કરાયા. ૧૭ રાજપૂત ૧૯૫૫-૫૬માં નાગાલેંડ ખાતે આતંકવાદ વિરોધિ કાર્યવાહીમાં તૈનાત હતી. તેમાં તેણે સાત કીર્તિ ચક્ર અને બે શૌર્ય ચક્ર મેળવ્યા.

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

[ફેરફાર કરો]

૧૯૬૨માં નેફા ખાતે રાજપૂત રેજિમેન્ટની બે પલટણ તૈનાત હતી. ૨જી પલટણ વાલોંગ ખાતે તૈનાત હતી અને નામકા ચુ નદી ખાતે ખસેડવામાં આવી. અહીં ચીનનો મુખ્ય હુમલો રાજપૂત પલટણના ક્ષેત્રમાં જ આવ્યો. અનેક પ્રકારની કઠણાઈઓ સહેવા છતાં અને રક્ષણાત્મક હરોળ લશ્કરી નહિ પરંતુ રાજકીય વ્યૂહરચના આધારિત હતો. નાયક રોશન સિંઘ એક પુલની રક્ષા કરી રહ્યા હતા અને તેઓ જ્યાં સુધી છેલ્લા સૈનિક સુધી ફરજ પર રહ્યા અને જ્યારે તમામ સૈનિકો શહીદ થયા ત્યારે ચીની સૈનિકો પુલ પર કબ્જો કરવામાં સફળ રહ્યા. સુબેદાર દશરથ સિંઘની પ્લાટુનમાં ફક્ત સાત સૈનિક બચ્યા અને ત્રણ ચીની હુમલાઓ ખાળતાં તમામ ગોળીઓ વપરાઈ ગઈ. જ્યારે ચોથો હુમલો આવ્યો ત્યારે સંગીન વડે તેમણે હુમલો કર્યો જેમાં ચાર સૈનિકો શહીદ થયા અને ત્રણ મરણતોલ જખ્મી હાલતમાં યુદ્ધકેદી તરીકે ઝડપાયા. જમાદાર બોઝની પ્લાટુનમાં ત્રણ હુમલાના અંતે ફક્ત ૧૦ સૈનિકો બચ્યા અને ત્યારબાદ સંગીન અને હાથોહાથની લડાઈ થઈ અને તમામ સૈનિકો મૃત્યુ પામ્યા. મેજર બી. કે. પંતની કંપનીમાં ૧૧૨માંથી ૮૨ સૈનિકો શહીદ થયા. 'બી', 'સી' અને 'ડી' કંપનીમાં એક પણ વીરતા પુરસ્કાર ન અપાયો કારણ કે ભલામણ કરવાનો હક્ક ધરાવતા એક પણ અફસર કે જુનિયર અફસર જીવિત ન હતા. પલટણના કમાંડર સહિત તમામ જીવિત સૈનિકો યુદ્ધકેદી બન્યા હતા. તેઓ યુદ્ધ બાદ છૂટ્યા ત્યારે વીરતા પુરસ્કાર માટે ભલામણ કરાઈ પણ યુદ્ધમાં મોટાપ્રમાણમાં નુક્સાનને કારણે નિરાશ સરકારે તેની અવગણના કરી. પલટણના ૫૧૩ સૈનિકોમાંથી ૨૮૨ શહીદ થયા અને ૯૦ ઘાયલ થયા. પલટણના ૬૦ સભ્યો જેમાં મોટાભાગના વહીવટી શાખાના હતા તેઓ જ ભારતીય કબ્જાવાળા વિસ્તારમાં પાછા પહોંચ્યા. નામકા ચુ ખાતે યુદ્ધ સ્મારક ઉભું કરાયું છે જોકે તેમાં ઘણાં નામો ખૂટે છે.

૪થી રાજપૂત સેલા-બોમદિ લા વિસ્તારમાં લેફ્ટ કર્નલ અવસ્થીના નેતૃત્વ હેઠળ હતી. પલટણની કાર્યવાહી બાબતે બ્રિગેડ કમાંડર અને ડિવિઝન તથા કોર કમાંડર વચ્ચે મતભેદ ઉભો થયો. બ્રિગેડ કમાંડર સેલાનું રક્ષણ કરવા માગતા હતા જ્યારે ડિવિઝન કમાંડર પીછેહઠ કરાવવા માગતા હતા. આ મતભેદને કારણે અંધાધૂંધી ઉભી થઈ. લેફ્ટ કર્નલની આગેવાની હેઠળ ૩૦૦ સૈનિકો પીછેહઠ કરી રહ્યા હતા અને ચીની સૈનિકોએ હુમલો કર્યો જેમાં કમાંડર સહિત તમામ સૈનિકો શહીદ થયા.

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

[ફેરફાર કરો]

૪થી રાજપૂતને પોઇન્ટ ૧૩૬૨૦ અને બ્લેક રોક પોઇન્ટ ૧૫૦૦૦ કબ્જે કરવાની જવાબદારી સોંપાઈ. આ કાર્યવાહી શ્રીનગર-લેહ ધોરીમાર્ગને સુરક્ષિત રાખવા કરવામાં આવી. આ કાર્યવાહી માટે મેજર બલજીત સિંઘ રંધાવાના નેતૃત્વ હેઠળ 'બી' કંપની દુશ્મન ચોકીઓ વાળા વિસ્તારમાં ઘૂસણખોરી કરી. સખત લડાઈના અંતે ચોકીઓ કબ્જે કરવામાં આવી અને મેજર રંધાવાને મૃત્યુપર્યંત મહાવીર ચક્ર અને કેપ્ટન રણબીર સિંઘ, સિપાહી બુધ સિંઘ અને હવાલદાર ગિરધારી લાલને મૃત્યુપર્યંત વીર ચક્ર અપાયું.

ઓગષ્ટમાં ૪થી રાજપૂતને હાજીપીર વિસ્તારમાં ખસેડવામાં આવી. અહીં તેમણે બિસાલી પહાડ કબ્જે કર્યો. આ માટેની લડાઈમાં દુશ્મનોએ મોટાપ્રમાણમાં મોર્ટાર અને ભારે તોપોનો મારો ચલાવ્યો. ઉપરાંત, પાંચ વળતા હુમલા પણ કર્યા. બધી ગોળીઓ વપરાઈ જવાને અને મદદ આવવાની કોઈ શક્યતા ન હોવાને કારણે તેમણે ચોકી પરથી પાછા હટવું પડ્યું.

૬ઠી રાજપૂત શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારમાં હતી અને તેને પાકિસ્તાની ઘૂસણખોરોને ખતમ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ઘૂસણખોરોનો આતંક ખતમ થયો ત્યારે તેને અખનૂર વિસ્તારમાં ખસેડવામાં આવી.

૧૪મી અને ૨૦મી રાજપૂત ફિલોરા-ચાવીંદા ક્ષેત્રોમાં હતી અને ચાર્વા પર કબ્જા બાદ ૨૦મી રાજપૂત મોખરે રહી અને લડી.

૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ

[ફેરફાર કરો]

૨૨મી રાજપૂત અકંદાબારીયા કબ્જે કરવાની કાર્યવાહીમાં સામેલ હતી. તે દર્શાના, ખુશ્તીયા કબ્જે કરવામાં પણ સામેલ હતી. આ લડાઈઓમાં તેમણે ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો.

૧૬મી રાજપૂત હિલ્લીની લડાઈમાં સામેલ હતી. ૨૧મી રાજપૂત સૈદપુર, પાચાગઢ અને ખાનસામા ખાતે લડાઈમાં સામેલ હતી. ૬ઠી રાજપૂત શ્યાલહેત વિસ્તારમાં લડી અને ૨૨મી બલૂચ રેજિમેન્ટ પલટણ સાથે ભીષણ લડાઈ થઈ. પલટણના ૧૦૦ સૈનિકો શહીદ થયા અથવા ઘાયલ થયા તેમ છતાં પાકિસ્તાની પલટણને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી અને સફળતા મેળવી. આ કાર્યવાહી માટે એક મૃત્યુપર્યંત વીર ચક્ર અને બે સેના ચંદ્રક અપાયા.

પશ્ચિમી મોરચે, ૨૦મી રાજપૂત રાજસ્થાનમાં તૈનાત હતી અને તેણે યુદ્ધના પ્રથમ પાંચ જ દિવસમાં પાકિસ્તાનમાં આશરે ૭૦ કિમી પગપેસારો કર્યો અને ચાચરો કબ્જે કર્યું. ૧૫મી રાજપૂત બેરીવાલા પુલ અને ગાઝી ચોકી કબ્જે કરવા ભીષણ લડાઈમાં ઉતરી. આ કાર્યવાહી માટે લાન્સ નાયક દ્રિગપાલ સિંઘને મૃત્યુપર્યંત મહાવીર ચક્ર અપાયું.

૧૯૮૦થી હાલ સુધી

[ફેરફાર કરો]
ગણતંત્ર દિવસ કવાયત દરમિયાન રાજપૂત રેજિમેન્ટ

૧૯૮૦ બાદ અનેક રાજપૂત પલટણો ઉત્તર પૂર્વ, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધિ અભિયાનમાં જોડાઈ છે. ૪થી, ૫મી અને ૨૫મી રાજપૂત શ્રીલંકા ખાતેની શાંતિસેનામાં પણ નિયુક્ત કરાઈ હતી. ૧૯૮૦માં ૧૮મી રાજપૂત પલટણને યાંત્રિક પાયદળ રેજિમેન્ટમાં ૧૩મી પલટણ તરીકે નિયુક્ત કરાઈ. ૧૯૮૮માં ફત્તેહગઢ, ઉત્તર પ્રદેશ ખાતે ૨૭મી રાજપૂત પલટણ ઉભી કરાઈ જે સૌથી યુવા પલટણ છે. તે કારગિલ યુદ્ધમાં સામેલ હતી અને પોઇન્ટ ૫૭૭૦ કબ્જે કર્યો હતો. રેજિમેન્ટની પલટણો સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેનામાં પણ નિયુક્તિ પામી છે.

રાજપૂતનું રેજિમેન્ટ મુખ્યાલય ફત્તેહગઢ ખાતે છે. તે જ સ્થળે એક યુદ્ધ સ્મારક પણ ઉભું કરવામાં આવ્યું છે. ૧૯૩૨માં જ્યારે તે ઉભું કરાયું ત્યારે રેજિમેન્ટમાં ૬ પલટણો હતી અને સ્મારકની છત્રીને છ સ્તંભોનો આધાર અપાયો છે અને તે દરેક સ્તંભ એક પલટણનો સૂચક છે. રેજિમેન્ટનું સૂત્ર "સર્વત્ર વિજય્" એટલે કે દરેક સ્થળે વિજય છે અને યુદ્ધઘોષ "રાજા રામચંદ્રની જય" છે.

વીરતા પુરસ્કાર

[ફેરફાર કરો]

રેજિમેન્ટની પલટણોને મળેલા વીરતા પદક નીચે મુજબ છે:

  • સ્વતંત્રતા પુર્વે: 1 વીસી, 1 જ્યોર્જ ક્રોસ, 10 ઉત્કૃષ્ટ સેવા ચંદ્રક, 33 મિલિટરી ક્રોસ, 10 ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ, 27 મિલિટરી મેડલ અને 46 ભારતીય રક્ષા સેવા પદક.
  • સ્વતંત્રતા બાદ: 1 પરમવીર ચક્ર, 1 અશોક ચક્ર, 7 મહાવીર ચક્ર, 12 કીર્તિ ચક્ર, 58 વીર ચક્ર, 20 શૌર્ય ચક્ર, 67 સેના ચંદ્રક, 4 યુદ્ધ સેના ચંદ્રક.

નાયક જદુનાથ સિંઘ

[ફેરફાર કરો]

નાયક જદુનાથ સિંઘ તૈનધારનું રક્ષણ કરવામાં મોખરે હતા અને આ માટે તેમને મૃત્યુપર્યંત પરમવીર ચક્ર એનાયત કરાયું. આ લડાઈ બાદ માર્ચ ૧૯૪૮માં આ જ માર્ગે આગળ વધી અને ઝાંગર ફરીથી કબ્જે કર્યું હતું. આ લડાઈને કારણે ઝોજી લા અને અંતે દ્રાસ કબ્જે કરી શકાયું હતું.

મેજર પંત

[ફેરફાર કરો]

મેજર પંતની કંપનીએ ૧૯૬૨માં ચીની સેનાના ત્રણ હુમલા સામે ચોકી જાળવી રાખી. પંત પોતે પેટ અને પગના ભાગે ઈજા પામ્યા છતાં તેઓ નેતૃત્વ કરતા રહ્યા અને સૈનિકોનો ઉત્સાહ વધારતા રહ્યા. આ લડાઈના અંતે ચીની સેનાએ રાજપૂત અને ગોરખાની એક-એક પલટણ સંપૂર્ણ ખતમ કરી અને સૈનિકો શહીદી પામ્યા અથવા યુદ્ધકેદી પકડ્યા.

૧૯૯૦માં પાયદળ રેજિમેન્ટ અને નૌસેનાના યુદ્ધજહાજો વચ્ચે જોડાણ સ્થાપવાની પ્રથા શરૂ થઈ. રાજપૂત રેજિમેન્ટને 'આઈએનએસ રાજપૂત' સાથે જોડવામાં આવી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gautam Sharma (1990). Valour and Sacrifice: Famous Regiments of the Indian Army. Allied Publishers. પૃષ્ઠ 137. ISBN 9788170231400.
  2. V. K. Shrivastava (2000). Infantry, a Glint of the Bayonet. Lancer Publishers. પૃષ્ઠ 135. ISBN 9788170622840.
  3. Rawlinson, એચ ગ્રામ, ઇતિહાસ 3 જી બટાલિયન 7 રાજપૂત રેજિમેન્ટના (કનોટ ડ્યૂક પોતાના), ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, લન્ડન, 1941, pp152-173

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]