મહાર રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

મહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે શરુઆતમાં મહાર સમુદાયના જ સૈનિકોને ભરતી કરવા માટે ઉભી કરાઈ હતી. પરંતુ, કાળક્રમે વિસ્તાર થતાં તેમાં સૈનિકો સમગ્ર ભારતમાંથી લેવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

શિવાજી અને મરાઠા સામ્રાજ્ય હેઠળ[ફેરફાર કરો]

મહાર સૈનિકોને મરાઠી રાજા શિવાજી દ્વારા સ્કાઉટ્ અને દુર્ગપાળ તરીકે ભરતી કરતા હતા. આ જ પરંપરા અનુસરી અને અંગ્રેજોએ પણ તેમને મોટી સંખ્યામાં તેમની સેનામાં લીધા. એક સમયે તેઓ બોમ્બે સેનાના ૧૬% સંખ્યાબળ ધરાવતા હતા. અંગ્રેજો મહાર સૈનિકોને તેમની વીરતા અને વફાદારી માટે ભરતી કરતા હતા અને તેનો મરાઠા સામેના યુદ્ધમાં વિશ્વાસપાત્ર સાબિત થયા હતા. કોરેગાંવની લડાઈમાં સંખ્યાબળની દ્રષ્ટિએ ચડિયાતા પેશ્વા બાજી રાવ બીજાના સૈન્યને મુખ્યત્વે મહાર સૈનિકો ધરાવતી અંગ્રેજ સેનાએ હરાવી દીધા હતા. આ લડાઈના સ્મારક તરીકે કોરેગાંવ સ્તંભ ઉભો કરાયો હતો જે સ્વતંત્રતા સુધી રેજિમેન્ટના ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન બે પલટણોએ બળવો કર્યો હતો.

માર્શલ સમુદાયનો સિદ્ધાંત અને વિસર્જન[ફેરફાર કરો]

બળવા બાદ ભારતીય સેનાના અંગ્રેજ અફસરો અને ખાસ કરીને અફઘાન યુદ્ધમાં ભાગ લઈ ચુકેલા અફસરોએ માર્શલ સમુદાયના સિદ્ધાંતને પ્રચલિત કર્યો. સિદ્ધાંત અનુસાર ભારતીયોમાંના કેટલાક સમુદાય કુદરતી રીતે જ લડાયક વૃત્તિ ધરાવતા હતા અને અન્ય કરતાં તેઓ યુદ્ધ માટે વધુ આદર્શ હતા. આ સિદ્ધાંતને આધારે ભારતીય સેનાનું કાળક્રમે પંજાબીકરણ કરવામાં આવ્યું અને અન્ય સમુદાયોને દૂર કરવામાં આવ્યા. ૧૮૯૨માં ભારતીય સેનાની ગોઠવણી સમુદાયને આધારે કરવામાં આવી અને આમાંથી મહાર સમુદાયને બાકાત રાખવામાં આવ્યો. મહાર સહિત અન્ય કેટલાક સમુદાયમાંથી સૈનિકોની ભરતી બંધ કરવાની જાહેરસૂચના બહાર પાડવામાં આવી. આ સમયે સેનામાં આશરે ૧૦૪ અફસરો અને અનેક સૈનિકો મહાર સમુદાયના હતા તેમને છૂટા કરવામાં આવ્યા. આ ઘટનાને મહાર સમુદાય દ્વારા અંગ્રેજ સરકારનો વિશ્વાસઘાત તરીકે ગણવામાં આવ્યો.

૧૮૯૨-૧૯૪૧[ફેરફાર કરો]

મહાર સૈનિકોના વિસર્જન બાદ સમુદાયના અનેક નેતાઓ દ્વારા સેનામાં ભરતીમાં છૂટ આપવા સરકારને અરજીઓ કરાઈ. જેમાં ૧૮૯૪માં ગોપાલ બાબા વાલાંગકર અને ૧૯૦૪માં શિવરામ જાનબા કામ્બલે નામના ભૂતપૂર્વ સૈનિક હતા. આ અરજીઓને રાજકારણી અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલે એ સૈદ્ધાંતિક ટેકો આપ્યો કારણ કે તેઓ પણ માર્શલ સમુદાય સિદ્ધાંતના વિરોધિ હતા. તે અરજીઓને કોંગ્રેસનો પણ ટેકો મળ્યો કારણ કે તે પણ ભારતીય સૈન્યની ભરતીના નિયમોની વિરુદ્ધ હતી.

સૈન્યની ભરતી નીતિઓ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ૧૯૧૪ સુધી ન બદલાઈ. યુદ્ધના કારણે સરકારને આમાં ફેરફાર કરવા ફરજ પડી અને મહાર સમુદાયને અંતે સેનામાં ભરતી થવા છૂટ મળી. જૂન ૧૯૧૭માં એક પલટણ ઉભી કરવામાં આવી. જોકે યુદ્ધમાં તેને કાર્યવાહીમાં ભાગ લેવાનો અવસર ન મળ્યો. ૧૯૨૦માં તેને પંજાબ રેજિમેન્ટની પલટણમાં વિલિન કરવામાં આવી અને પલટણને વિખેરી નાખવામાં આવી.

યુદ્ધો વચ્ચેના ગાળામાં સરકારને ભરતી માટે મનાવવાના પ્રયત્નો અનેકગણા વધારવામાં આવ્યા અને તેના એક આધાર તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર પણ આગળ આવ્યા. જેમના પિતા સુબેદાર મેજર રામજી માલોજી સકપાલ અંગ્રેજ ભારતીય સેનામાં સૈનિક હતા. જોકે સેનામાં ફેરફાર કરવાનો મૂળ પ્રસ્તાવ ૧૯૩૦નો હતો પરંતુ વૈશ્વિક આર્થિક મંદીને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે સરકારને ફરી એક વખત ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાની ફરજ પડી.

મહાર રેજિમેન્ટ ઉભી કરાઈ[ફેરફાર કરો]

જુલાઈ ૧૯૪૧માં ડૉ. આંબેડકરને રક્ષા સલાહકાર સમિતિમાં નિમવામાં આવ્યા. આ નિયુક્તિનો લાભ લઈ અને તેમણે સૈન્ય ઉપર મહાર રેજિમેન્ટ ઉભી કરવા દબાણ કર્યું. આ દબાણને કારણે ઓક્ટોબર ૧૯૪૧માં બેલગામ ખાતે ૧લી પલટણ ઉભી કરવામાં આવી. જૂન ૧૯૪૨માં કામ્ટી ખાતે ૨જી પલટણ ઉભી કરાઈ. તે જ વર્ષે ૩જી અને ૨૫મી પલટણ પણ ઉભી કરાઈ. યુદ્ધ દરમિયાન ૧લી અને ૩જી પલટણ સરહદી પ્રાંતમાં તૈનાત હતી. તેને આંતરિક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨જી અને ૨૫મી પલટણ પણ આંતરિક સુરક્ષામાં તૈનાત હતી. ૨જી પલટણને બર્મા ખાતે લડવાનો મોકો મળ્યો હતો અને તેણે પાંચ સૈનિકો ગુમાવ્યા અને એક અફસરને સન્માનનીય ઉલ્લેખ અપાયો હતો. યુદ્ધ બાદ તેણે ઈરાક ખાતે પણ ફરજ બજાવી હતી. ૧૯૪૬માં ૨૫મી પલટણનું વિસર્જન કરાયું અને તેના સૈનિકો અને અફસરોને અન્ય ત્રણ પલટણોમાં વિલિન કરી દેવાયા. ઓક્ટોબર ૧૯૪૬માં તેનું રેજિમેન્ટનું મુખ્યાલય કામ્ટી ખાતે સ્થાપવામાં આવ્યું.

બોર્ડર સ્કાઉટ્સ[ફેરફાર કરો]

બોર્ડર સ્કાઉટ્સએ પૂર્વ પંજાબના સરહદી ગામોના લોકોએ ઉભી કરેલા હંગામી સેના દળ હતા. તેમાં હાલના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી લોકો ભરતી કરાયા હતા. તેમાં વિવિધ સમુદાયના લોકોનો સમાગમ હતો અને ભારતીય સેના પ્રમાણેના કોઈ ધારા ધોરણો નહોતાં. ભાગલા દરમિયાન તેમણે સરહદના ગામોને હુમલાઓથી બચાવવા મહત્ત્વપૂર્ણ રક્ષણ આપ્યું હતું. ૧૯૪૮માં તેમને પૂર્વ પંજાબ સરહદી સ્કાઉટ્સ એવા નામ હેઠળ કાયમી કરાયા અને પંજાબ હથિયારી પોલીસ સાથે ફરજ સોંપાઈ. ૧૯૫૧માં તેમને બોર્ડર સ્કાઉટ્સ નામ આપી અને ૧લી, ૨જી અને ૩જી પલટણમાં સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા. તેમાં ઉત્તર ભારતના વિવિધ સમુદાયોમાંથી સૈનિકોની ભરતી કરવામાં આવી. ૧૯૫૬માં આ ત્રણ પલટણો મહાર રેજિમેન્ટ સાથે ૪થી, ૫મી અને ૬ઠી પલટણ તરીકે વિલિન કરવામાં આવી. આ પરથી રેજિમેન્ટને તેનો વિવિધ સમુદાયમાંથી ભરતી કરવાનો વારસો મળ્યો. આજે પણ આ ત્રણ પલટણો પોતાને મહાર રેજિમેન્ટ (બોર્ડર) એવા નામથી ઓળખાવે છે.

ભરતી અને સૈનિકો[ફેરફાર કરો]

રેજિમેન્ટમાં સૈનિકો વિવિધ સમુદાયોમાંથી લેવામાં આવે છે અને કાળક્રમે તેમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ૧લી, ૨જી, ૩જી, ૭મી, ૮મી અને ૧૩મી પલટણો સંપૂર્ણપણે મહાર સમુદાયની છે જ્યારે અન્ય પલટણોમાં વિવિધ સમુદાયના સૈનિકોનું વિલિનિકરણ છે. ૧૧મી અને ૧૨મી પલટણમાં ફક્ત ગુજરાતી, બંગાળી અને ઉડીયા સમુદાયમાંથી જ સૈનિકો લેવામાં આવે છે. આ ત્રણ સમુદાયોને અંગ્રેજોએ માર્શલ સમુદાયમાંથી બાકાત રાખ્યા હતા. આ સમુદાયોનો સમાવેશ રાષ્ટ્રીય એકતામાં વધારો કરનારો છે.[૧]

પલટણો

  • 1 લી બટાલિયન
  • 2 બટાલિયન
  • 3 જી બટાલિયન
  • 4 થી બટાલિયન (સરહદ)
  • 5 બટાલિયન (સરહદ)
  • 6 ઠ્ઠી બટાલિયન (સરહદ)
  • 7 બટાલિયન
  • 8 બટાલિયન
  • 9 બટાલિયન
  • 10 બટાલિયન
  • 11 બટાલિયન
  • 12 બટાલિયન
  • 13 બટાલિયન
  • 14 બટાલિયન (અગાઉ 31 મહાર)
  • 15મી બટાલિયન (અગાઉ 32 મહાર)
  • 17 બટાલિયન
  • 18 બટાલિયન
  • 19 બટાલિયન
  • 20 બટાલિયન
  • 21 બટાલિયન [૨]

ભૂતપૂર્વ બટાલિયનો[ફેરફાર કરો]

  • 25 બટાલિયન (1946માં વિસર્જન).
  • 16 બટાલિયન (અગાઉ 8 પેરાશૂટ રેજિમેન્ટ) (રૂપાંતરિત 12 યાંત્રિક પાયદળ 1981)

સંલગ્ન એકમો[ફેરફાર કરો]

  • 108th પાયદળ બટાલિયન પ્રાદેશિક સેના (દહેરાદૂન ખાતે)
  • 115th પાયદળ બટાલિયન પ્રાદેશિક સેના (બેલગામ ખાતે)
  • 1 લી બટાલિયન રાષ્ટ્રિય રાઇફલ્સ
  • 30 બટાલિયન રાષ્ટ્રિય રાઇફલ્સ
  • 51 બટાલિયન રાષ્ટ્રિય રાઇફલ્સ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Mahar Regiment
  2. "Bharat Rakshak :: Land Forces Site - The Mahar Regiment". મૂળ માંથી 2012-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-20.