નાગા રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

નાગા રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે સેનાની સૌથી યુવા રેજિમેન્ટમાંની એક છે. તેની ૧લી પલટણ ૧૯૭૦માં રાણીખેત ખાતે ઉભી કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્ત્વે નાગા સમુદાયના સૈનિકો ભરતી કરવામાં આવે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

શરૂઆત[ફેરફાર કરો]

૧૯૬૦માં નાગા લોકોના પ્રતિનિધિમંડળે દેશના રક્ષણમાં વધુ ભાગ ભજવવા માટે અલગ રેજિમેન્ટ ઉભી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સ્વતંત્રતા બાદ ઉભી કરાયેલી તે પ્રથમ રેજિમેન્ટ હતી. ૧૯૫૭માં નાગાલેંડમાં જ્યારે આતંકવાદનું વર્ચસ્વ હતું. ત્યારે નાગા લોકોનું સંમેલન થયું તેમાં વિવિધ માંગણીઓ સરકાર સામે મુકવામાં આવી જેમાં નાગાલેન્ડ અલગ રાજ્ય, નાગા સમુદાયની સૈન્યમાં અલગ ઓળખ માંગવામાં આવી. ૧૯૬૩માં અલગ રાજ્યની માંગ પૂરી કરાઈ અને સાત વર્ષ બાદ રેજિમેન્ટ ઉભી કરાઈ. આ રેજિમેન્ટની ખાસિયત એ હતી કે તે સમયે અનેક શરણાગતિ સ્વીકારેલ આતંકવાદીઓને દેશભક્તી સાબિત કરવા અને સૈન્યમાં જોડાવા તક અપાઈ. તે સમયે કેટલાકને સીધા જ જુનિયર અફસરની પદવી આપવામાં આવી.[૧] જોકે તેમની તાલીમ પૂરી શકાઈ તે પહેલાં જ પૂર્વોત્તરમાં અનેક સ્થળોએ આતંકવાદ શરૂ થઈ ગયો. તાલીમ આપવાનું પડતું મૂકી અને પલટણોને સીધી જ કાર્યવાહીમાં ઉતારવામાં આવી.

૧લી પલટણને રાણીખતે ખાતે કુમાઉં રેજિમેન્ટના મુખ્યાલય ખાતે ઉભી કરવામાં આવી. તે એકમાત્ર પલટણને જ નાગા રેજિમેન્ટ નામ આપવામાં આવ્યું. આ માટે કુમાઉં રેજિમેન્ટ, ગઢવાલ રાઇફલ્સ અને ૩જી ગુરખા રાઇફલ્સએ માનવ સંશાધન મદદ આપી. ૬૯ નાગા આતંકવાદીઓને સીધા જ ભરતી કરવામાં આવ્યા. રેજિમેન્ટમાં ૫૦% નાગા અને ૫૦% કુમાઉં, ગઢવાલી અને ગુરખા સૈનિકો હતા. રેજિમેન્ટ ઉભી કરાયા પહેલાં જ કુમાઉં રેજિમેન્ટ નાગાલેન્ડ સાથે જોડાયેલી હતી માટે રેજિમેન્ટને લગતી બાબતો માટે નવી રેજિમેન્ટને તેમની સાથે જોડાણમાં જ રાખવામાં આવી. ૨જી પલટણ ફેબ્રુઆરી ૧૧, ૧૯૮૫ ના રોજ હલ્દવાની ખાતે ઉભી કરવામાં આવી.

રેજિમેન્ટના ચિહ્નમાં નાગા લોકોના પારંપરિક હથિયાર દાવ, ભાલો અને મિથુનને સમાવવામાં આવ્યા છે. રેજિમેન્ટના રંગો સોનેરી, લીલા અને લાલ છે. જેમાં સોનેરી ઉગતા સૂર્યનો, લાલ રંગ નાગા લોકોનો અને લીલો રંગ પાયદળનો સૂચક છે.[૨]

ઓપરેશન રોમિયો[ફેરફાર કરો]

૨જી નાગા પલટણ કુપવાડા, જમ્મુ અને કાશ્મીરના કેરન વિસ્તારમાં યુદ્ધવિરામ રેખા પર તૈનાત હતી. તેને ૨૪ કિમી જેટલા વિસ્તાર પર નજર રાખવાની હતી. આ કાર્યવાહી તેમણે નિપુણતા અને કોઈપણ જાનહાનિ વેઠ્યા વગર પાર પાડી.

૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ[ફેરફાર કરો]

૧લી પલટણે બાંગ્લાદેશને આઝાદ કરાવવાની કાર્યવાહીમાં ભાગ લીધો અને નામના મેળવી. સમગ્ર યુદ્ધ દરમિયાન તેમને એક વીર ચક્ર અને ત્રણ સેના ચંદ્રક એનાયત કરાયા.

કારગિલ યુદ્ધ[ફેરફાર કરો]

મે ૧૧, ૧૯૯૯ના રોજ તેને ઓપરેશન વિજયના ભાગ રૂપે દ્રાસ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી. પલટણે બ્લેક રોક, થમ્સ અપ, પિરામિડ (પોઇન્ટ ૫૧૪૦ના ભાગ), પિમ્પલ હિલ (પાછળથી નાગા હિલ નામ અપાયું) અને પોઇન્ટ ૫૦૬૦ કબ્જે કર્યાં. ટાઇગર હિલ ખાતે લડતાં નોર્થ બમ્પ ખાતે તેણે એક અફસર સહિત ૧૫ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા અને ૧૧ સૈનિકો ગુમાવ્યા જેમાં કેપ્ટન પ્રેમ રાજ સામેલ હતા. પલટણને બે વીર ચક્ર અને બે સેના ચંદ્રક એનાયત કરાયા. ૨જી નાગાએ મુશ્કોહ ખીણ ખાતે કરેલી કાર્યવાહી માટે હેડ હન્ટર્સનું હુલામણું નામ મળ્યું. પલટણે પોઇન્ટ ૪૮૭૫ના ભાગ રૂપ ટ્વિન બમ્પ કબ્જે કર્યા. તેમણે દુશ્મનની મોર્ટાર પોઝિસન પર હુમલો કર્યો અને મોટા પ્રમાણમાં દુશ્મનોની જાનહાની કરી. મોટા પ્રમાણમાં શસ્ત્રો, ગોળાઓ, સાધન સરંજામ અને દસ્તાવેજો કબ્જે કર્યા. આ માટે પલટણને સૈન્ય વડા તરફથી પ્રશસ્તિપત્ર અપાયો. આ અગાઉ ઓપરેશન રોમિયો માટે પણ આ બહુમાન મળી ચુક્યું હતું. આ પલટણને યુદ્ધ સન્માન એનાયત કરવામાં આવ્યું. તેણે એક મહાવીર ચક્ર, બે વીર ચક્ર, એક યુદ્ધ સેવા મેડલ, એક વિશિષ્ટ સેવા મેડલ અને નવ સેના મેડલ મેળવ્યા.

સંયુક્ત રાષ્ટ્રસંઘ[ફેરફાર કરો]

૨જી પલટણને સુદાન ખાતે શાંતિસેનામાં તૈનાત કરવામાં આવી હતી. તેને સુદાન ખાતે સેનાનું નેતૃત્વ કરી રહેલા અફસર તરફથી પ્રશસ્તિ પત્ર અપાયું હતું.[૩]

મુદ્દાઓ[ફેરફાર કરો]

નાગા રેજિમેન્ટની બે પલટણો ઉભી કરવા છતાં તેવી લાગણી ઉઠાવાઇ છે કે નાગા યુવાઓને સેનામાં પૂરતી જગ્યા નથી અપાઈ. ઉપરાંત રેજિમેન્ટનું મુખ્યાલય રાણીખેત ખાતે છે.

કારગિલ યુદ્ધના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતાં સેનાએ ૩૨૫ નાગા યુવાનોને ભરતી કરવા માટે ખાસ પ્રક્રિયા આયોજીત કરી હતી. ૨૦૧૪માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ૩૦૦૦ નાગા યુવાનોને સેના, આસામ રાઇફલ્સ અને આરક્ષિત પલટણોમાં ભરતી કરવામાં આવશે.[૪]

પલટણ[ફેરફાર કરો]

હાલમાં, નાગા રેજિમેન્ટ ત્રણ પલટણો ધરાવે છે, આ ઉપરાંત એક સ્થાનિય પલટણ પણ ધરાવે છે:

  • 1 લી બટાલિયન
  • 2 બટાલિયન
  • 3 જી બટાલિયન
  • 164 પાયદળ બટાલિયન (ટીએ)

પુરસ્કાર[ફેરફાર કરો]

  • 1 મહા વીર ચક્ર
  • 8 વીર ચક્રો
  • 6 શૌર્ય ચક્ર
  • 1 યુદ્ધ સેવા મેડલ
  • 1 વિશિષ્ટ સેવા મેડલ
  • 48 સેના મેડલ[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. John Pike. "Naga Regiment". મેળવેલ 26 November 2014.
  2. Webmaster I. "Bharat Rakshak :: Land Forces Site - The Naga Regiment". મૂળ માંથી 17 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 November 2014.
  3. John Pike. "Naga Regiment". મેળવેલ 26 November 2014.
  4. John Pike. "Naga Regiment". મેળવેલ 26 November 2014.
  5. Webmaster I. "Bharat Rakshak :: Land Forces Site - The Naga Regiment". મૂળ માંથી 17 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 November 2014.