શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી

વિકિપીડિયામાંથી

શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે, જે અગાઉ મઝહબી અને રામદાસીઆ શીખ રેજિમેન્ટ નામે ઓળખાતી હતી. ૧૯૪૪માં તેને હાલનું નામ આપવામાં આવ્યું.[૧] અગાઉ તે ૨૩મી, ૩૨મી અને ૩૪મી શીખ પાયૉનિયર તરીકે વર્ગીકૃત હતી. શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી તેના હુલામણા નામ શીખ લાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૪૧માં જ્યારે મઝહબી અને રામદાસીઆ કંપનીઓને વિલિન કરવામાં આવી ત્યારે મઝહબી શીખ પલટણના રંગ, પરંપરાઓ અને યુદ્ધ સન્માનો તેને મળ્યાં.[૨]

શીખ લાઇ મઝહબી શીખ સૈનિકોને ભરતી કરવા માટે પ્રખ્યાત છે અને તે સૈનિકો યુદ્ધ મેદાનમાં અપ્રતિમ સાહસ અને મક્કમતા માટે પ્રખ્યાત છે. બ્રિટિશ કાળમાં લગભગ સો વર્ષ સુધી રેજિમેન્ટ સેવામાં રહી છે અને ભારત તેમજ વિદેશમાં નિયુક્તિ પામી અને તત્કાલીન સત્તાધીશોની નમકહલાલી સાબિત કરી છે. હાલમાં, રેજિમેન્ટના પ્રાથમિક કાર્યક્ષેત્ર પાયદળ ઉપરાંત ખાસ કાર્યો પણ સોંપાયા છે. રેજિમેન્ટની ૯મી પલટણ સમુદ્ર પરથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે અને ૧૧મી પલટણને લોખંડી પંજાનું બિરુદ મળ્યું છે. રેજિમેન્ટ પરંપરાગત લડાઈથી લઈ અને સિઆચીન હિમનદી સુધીના કાર્યક્ષેત્રમાં કામ કરી ચુકી છે. રેજિમેન્ટનું સૂત્ર 'દેગ તેઘ ફત્તેહ' શીખ સંપ્રદાયના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંઘ સાથે સંકળાયેલું છે અને મઝહબી શીખો ગુરુ ગોવિંદ સિંઘ સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. રેજિમેન્ટનું ચિહ્ન ચક્રમ અને તેના ઉપર કિરપાણ છે. ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિક્રમ સિંઘ, શીખ લાઇ રેજિમેન્ટમાં અફસર હતા.

ઈતિહાસ[ફેરફાર કરો]

રેજિમેન્ટ ભારતીય સૈન્યની સૌથી જૂની રેજિમેન્ટમાંની એક છે. તેનો ઉદ્ભવ ૧૯મી સદીના મધ્યમાં છે જ્યારે સૌપ્રથમ મઝહબી શીખ સૈનિકો બ્રિટિશ ભારતીય સૈન્યમાં ભરતી થયા.[૩] ૧૮૫૦માં સૌપ્રથમ મઝહબી શીખોની સેના નામે સૈનિક ટુકડી રચવામાં આવી. અંગ્રેજ-શીખ યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ શીખોની લડવાની ક્ષમતા આંકી લીધી હતી.[૪][૫] અડગ અને સાતત્ય ભરેલો પ્રતિકાર અને એકદમ સાદગી જાળવવાની તેમની ક્ષમતાથી અંગ્રેજો પ્રભાવિત થયા. મહારાજા રણજિત સિંઘ પણ આ જ બાબતોથી પ્રેરિત હતા અને માટે જ તેમણે ખાલસા સૈન્યમાં મઝહબી શીખોને મોટા પ્રમાણમાં ભરતી કર્યા હતા. જોકે તેઓ મઝહબી શીખોનું અલગ સૈન્ય રચવાથી ડરતા હતા અને માટે જ તેમણે મઝહબી કંપનીઓને વિવિધ પલટણો સાથે જોડી દીધા હતા.[૬]

૧૮૫૭ના વિપ્લવ બાદ અંગ્રેજોએ બંગાલ સેનાની રેજિમેન્ટને સ્થાને પંજાબીઓને ભરતી કર્યા. પરંતુ તેમની વફાદારી પર અંગ્રેજોએ બહુ ચિવટપૂર્વક કામ કરવું પડતું હતું. અંગ્રેજોએ ઘણી ભૂલો કરી અને શરૂઆતમાં શીખો માટે દાઢી અને લાંબા વાળનું મહત્ત્વ સમજવામાં જ નિષ્ફળ રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં સારું પ્રદર્શન કરવા છતાં આર્થિક કારણોને લીધે ૧૯૩૩માં તેમને વિખેરી નાખવામાં આવ્યા. આ સમુદાય માટે ઘણું આઘાતજનક હતું.[૭] જોકે, બીજા વિશ્વયુદ્ધ સમયે તેમને ફરીથી સૈનામાં સામેલ કરવામાં આવ્યા. બર્માનું યુદ્ધ સંપૂર્ણપણે ભારતીય સેનાનું યુદ્ધ હતું. અનુભવ રહિત અને નવી શીખ લાઇ રેજિમેન્ટને અહીં નિયુક્તિ મળી અને તેમણે પ્રથમ યુદ્ધ સન્માન અહી જીત્યું અને યુદ્ધ સ્વાદ પણ અહીં જ મેળવ્યો. ત્યારે મોટાભાગના સૈનિકો મઝહબી અને રામદાસીઆ શીખો જ હતા.

ભારતીય ભૂમિસેનામાં શીખ લાઇ અને શીખ રેજિમેન્ટ એમ બે એક જ પ્રકારની રેજિમેન્ટ જેમાં શીખોને ભરતી કરવામાં આવે છે. બંનેમાં ૧૮ પલટણો છે એમ કુલ ૩૬ પલટણો ભારતીય સેનાની ૩૦૦+ પલટણોના આશરે ૧૦% છે.

ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન શીખ લાઇના સૈનિકો

ઉદ્ભવ[ફેરફાર કરો]

ભારતીય સૈનિક

જૂન ૧૮૫૭માં પંજાબ અને આસપાસના વિસ્તારમાંથી મઝહબી શીખોને શીખ પાયોનિયરમાં ભરતી કરવામાં આવ્યા. સપ્ટેમ્બર ૧૫, ૧૮૫૭ના રોજ લાહોર ખાતે ૧૫મી પલટણ ઉભી કરવામાં આવી. અનેક ફેરફારો બાદ ૧૯૦૮માં આ રેજિમેન્ટ ૨૩મી શીખ પાયોનિયર તરીકે ઓળખાઈ. આનાથી પ્રભાવિત થઈ અને ૩૨મી તેમજ ૩૪મી શીખ પાયોનિયર ઉભી કરવામાં આવી.[૮]

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણે રેજિમેન્ટ જે માત્ર એક જ પલટણ ધરાવતી હતી તેનું કદ વધારી અને દરેકમાં ત્રણ પલટણ કરવામાં આવી. તે ઇજિપ્ત, યુરોપ, પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયા ખાતે નિયુક્ત કરવામાં આવી. ૧૯૧૯માં યુદ્ધવિરામ સમયે કુલ ૧૦ પલટણ હતી જેમાં એક તાલીમી પલટણ પણ સામેલ હતી.

વિસર્જન[ફેરફાર કરો]

૭૫ વર્ષની ઉત્કૃષ્ટ સેવા બાદ ફેબ્રુઆરી ૧૦, ૧૯૩૩ના રોજ ત્રણે રેજિમેન્ટનું વિસર્જન કરી નાખવામાં આવ્યું. ડિસેમ્બર ૮, ૧૯૩૨ના રોજ વિદાય પરેડનું આયોજન સિયાલકોટ ખાતે રાખવામાં આવ્યું. આ એક આર્થિક નિર્ણય હતો.

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

આઠ વર્ષ બાદ રેજિમેન્ટને ફરી ઉભી કરવામાં આવી. ઓક્ટોબર ૧, ૧૯૪૧ના રોજ જલંધર ખાતે પ્રથમ અને બાદમાં ૧૯૪૨માં બીજી અને ત્રીજી પલટણ અનુક્રમે પેશાવર અને સિયાલકોટ ખાતે ઉભી કરવામાં આવી.

તેને નામ મઝહબી અને રામદાસીઆ શીખ એવું નામ આપવામાં આવ્યું. જોકે જનરલ ક્લાઉડ ઔકિનલેકને આ નામ ઉત્સાહપ્રેરક ન લાગતાં તેમણે બદલવા માટે આદેશ કર્યો. જૂન ૨૩, ૧૯૪૪ના રોજ શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી નામ આપવામાં આવ્યું.[૯]

નવી ઉભી કરાયેલી પલટણ તુરંત જ બર્માના મોરચે યુદ્ધમાં જોડાઈ. આઠ મહિનાની લડાઈ અને અનેક યુદ્ધ સન્માનો બાદ યુદ્ધવિરામ ઘોષિત થયો.[૧૦]

યુદ્ધ બાદ[ફેરફાર કરો]

હાલમાં રેજિમેન્ટ ૧૮ પલટણ ધરાવે છે અને તે ત્વરિત નિયુક્તિ અને હુમલા માટે સક્ષમ છે. આઝાદી પછી વધુ ૧૬ પલટણો ઉભી કરવામાં આવી. શરૂઆતમાં જાટ રેજિમેન્ટ મુખ્યાલય ખાતે જ તાલીમ કેન્દ્ર સ્થપાયું હતું જે બાદમાં સ્વતંત્ર કરાયું અને લાહોર ખાતે ખસેડાયું. કાળક્રમે તે ફિરોઝપુર અને બાદમાં સપ્ટેમ્બર ૧૯૫૧માં મેરઠ ખાતે પંજાબ રેજિમેન્ટ સાથે જોડવામાં આવ્યું. ૧૧ વર્ષ બાદ તેને અલગ કરાયું અને ૧૯૭૬માં ફતેહગઢ, ઉત્તર પ્રદેશ સ્થાપવામાં આવ્યું.

૧૯૬૧ના ગોઆના અભિયાન દરમિયાન રેજિમેન્ટની ૨જી પલટણે ૫૦મી પેરા બ્રિગેડને આધાર આપ્યો. પશ્ચિમી હુમલાનો મુખ્ય ભાગ પલટણે ભજવ્યો હતો. તે સુરંગક્ષેત્ર, રસ્તાના અવરોધો અને ચાર નદીઓને ઝપાટાભેર ઓળંગી અને પણજી પહોંચવામાં પ્રથમ હતી.[૧૧]

આઝાદી બાદની કાર્યવાહી[ફેરફાર કરો]

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અને તેની બાદની કાર્યવાહી[ફેરફાર કરો]

સપ્ટેમ્બર ૫/૬ ૧૯૬૫ની રાતમાં જમ્મુ-સિયાલકોટ ધુરીના કુન્દનપુર પર ૧લી શીખ લાઇ ડિવિઝન સ્તરના હુમલાનું સુકાન સંભાળી રહી હતી. આ હુમલાએ દુશ્મનને આશ્ચર્યમાં મૂકી દીધા અને પલટણે પ્રભાત સમયે કુન્દનપુર પર હુમલો કરી અને તેના પર કબ્જો મેળવી લીધો. પલટણે તેના યુવા કંપની કમાંડરોના માર્ગદર્શન હેઠળ કબ્જો મેળવી લીધો અને અનેક જીપ પર ગોઠવેલ રિકોઇલ વિનાની ગન તેમજ મધ્યમ મશીનગન કબ્જે કરી. કેપ્ટન વીપી સિંઘને વીર ચક્ર એનાયત કરાયું. આ ઉપરાંત ત્રણ સેના મેડલ અને સાત સન્માનીય ઉલ્લેખ મળ્યા.

સપ્ટેમ્બર ૨૮, ૧૯૬૫ના રોજ ૬ઠી શીખ લાઇને જમ્મુ અને કાશ્મીરના કાલીધાર ખાતે બે મહત્ત્વપૂર્ણ પહાડ પર કબ્જો કરવાનું કાર્ય સોંપાયું જેના પર પાકિસ્તાની સેનાનો કબ્જો હતો. ભારે તોપમારા અને ત્રણ વખત વળતા હુમલા વચ્ચે પલટણે બન્ને પહાડોને કબ્જે કર્યા. મોટા પ્રમાણમાં ખુવારી થવાને કારણે પલટણે એક પહાડ પરથી હટવું પડ્યું પરંતુ આ દરમિયાન પલટણે દુશ્મનને આગળ વધતા રોકી દીધા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

૧૯૬૫માં પાંચમી શીખ લાઇ જમ્મુ અને કાશ્મીરમાં એક ચોકી સંભાળી રહી હતી. પાકિસ્તાની સેનાએ મેંઢર વિસ્તારમાં "ઓપી હિલ" નામની ટેકરીઓની શૃંખલા પર કબ્જો કરી લીધો હતો. તેનાથી મેંઢર બાલનોઇ માર્ગ પર નિશાન સાધી શકાતું હતું અને તેને કારણે તે ક્ષેત્રમાં બાલનોઇ ખાતે રહેલ પલટણનું મુખ્યાલય અને પલટણ બંને વિખુટા પડી ગયા હતા. દુશ્મનને હટાવવાના પ્રાથમિક પ્રયાસો નિષ્ફળ ગયા બાદ પાંચમી શીખ લાઈને આ હુમલા માટે પસંદ કરવામાં આવી અને મેંઢર ક્ષેત્ર ખાતે ખસેડવામાં આવી. પલટણ નવી હતી અને તેના કંપની કમાન્ડર પણ યુવાન હતા, માત્ર એક જ કંપની કમાન્ડરે ત્રણ વર્ષથી વધુ સેવા આપી હતી. પલટણના કમાન્ડરે પોતે હુમલાનું નેતૃત્વ સંભાળ્યું. ૨ નવેમ્બર ૧૯૬૫ના રોજ હુમલો કરવામાં આવ્યો અને પલટણે વિસ્તારમાં કબ્જો કરી લીધો. દુશ્મનને આશ્ચર્યમાં પડેલો જોઈ અને પલટણના કમાન્ડરે આગળ વધવા આદેશ આપ્યો અને મોકાનો પૂરો ફાયદો ઉઠાવવા જણાવ્યું. આખી રાતમાં ચાર હુમલા કરવામાં આવ્યા અને વિસ્તારનું સૌથી ઉચું શિખર પણ કબ્જે કરાયું. આ સમગ્ર કાર્યવાહી માટે લેફ્ટ કર્નલ સંત સિંઘને મહાવીર ચક્ર એનાયત કરાયું. આ ઉપરાંત નાયક દર્શન સિંઘને મરણોપરાંત મહાવીર ચક્ર અપાયું. એક મરણોપરાંત વીર ચક્ર, ચાર સેના મેડલ જેમાં બે મરણોપરાંત અને પાંચ પ્રશસ્તિ પત્ર અપાયા.

છઠ્ઠી શીખ લાઇ છામ્બ વિસ્તારમાં તૈનાત હતી. પલટણે દુશ્મનના ઘૂસણખોરીના તમામ પ્રયાશો નિષ્ફળ બનાવ્યા. ૧૫ ઓગષ્ટ ૧૯૬૫ના દિવસે પલટણે મોટા પ્રમાણમાં ખુવારી, સંદેશા વ્યવહાર વિના અને ભારે તોપમારા વચ્ચે પણ ફરજ બજાવી. આ કાર્યવાહીને કારણે ૧૯૧મા બ્રિગેડને હુમલાની તૈયારી કરવા સમય આપ્યો અને તેણે ૧૫-૧૭ ઓગષ્ટ વચ્ચે હુમલા કરી અને અગાઉ ખાલી છોડાયેલી ચોકીઓ કબ્જે કરી. ૬ઠી શીખ (વધારામાં ૩જી મહાર રેજિમેન્ટની એક કંપની અને ૨૦ લાન્સરની 'સી' સ્ક્વોડ્રન પણ હતી) લાઇને માઇરા અને નાથાન ચોકી કબ્જે કરવા આદેશ મળ્યો અને ૧૭ ઓગષ્ટના રોજ બંને ચોકી કબ્જે કરાઈ. સપ્ટેમ્બર ૦૧, ૧૯૬૫ની મધ્યરાત્રિ સુધી ભીષણ તોપમારા અને પાકિસ્તાની વાયુસેનાના હુમલા સામે અડગ રહી અને ચોકીઓ કબ્જામાં રાખી. પરંતુ ત્યાર સુધી મદદ પહોંચાડવા અસમર્થ રહેવાને કારણે અને ૧૯૧મી પાયદળ બ્રિગેડના આદેશથી બંને ચોકીઓ પરથી પીછેહઠ કરવામાં આવી. પલટણ સમગ્ર પીછેહઠ દરમિયાન દુશ્મનો સાથે લડતી લડતી આવી અને તેમણે ફરજ પોતાના સામર્થ્ય કરતાં આગળ જઈને બજાવી.

૩ ઓક્ટોબરના રોજ પલટણને ફરીથી તે જ લક્ષ્યાંક અપાયું અને સાથે ૩ મહાર પલટણ પણ મોકલાઈ. ૪ ઓક્ટોબરના રોજ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યું. તે જ દિવસના અંત સુધીમાં ભારે જાનહાનિ અને ગોળીબાર વચ્ચે પલટણે ત્રણ વધુ લક્ષ્યાંક કબ્જે કર્યાં. દુશ્મનોએ ત્રણ પ્રતિકાર હુમલા પણ કર્યા પરંતુ પલટણે તે નિષ્ફળ બનાવ્યા.

કાળીધાર ટ્રિગ પોઇન્ટ ૩૭૭૬ પર આખરી હુમલા અને સમગ્ર વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરાઈ જે ઓક્ટોબર ૫ ના રોજ મધ્યાહ્ન સમયે સંપન્ન થઈ. સમગ્ર કાર્યવાહી માટે એક મહાવીર ચક્ર, બે વીર ચક્ર અને ચાર સેના મેડલ અપાયા.

૧૯૭૧નું ભારત પાકિસ્તાન યુદ્ધ[ફેરફાર કરો]

૧૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ આઠમી શીખ લાઇએ પાકિસ્તાનની ફતેહપુર ચોકી પર હુમલો કર્યો. તે ત્રણ તરફથી દિવાલ વડે રક્ષિત હતી અને તેમાં અનેક રણગાડી વિરોધિ અને સ્વયંચલિત હથિયારો હતા. રાત્રિ સમય દરમિયાન પલટણ દ્વારા કરાયેલ હુમલો સફળ રહ્યો અને ચોકી કબ્જે કરવામાં આવી. જોકે, પાકિસ્તાની સેના ચોકી પર સતત તોપમારો કરતા રહ્યા અને બે વખત પ્રતિકાર હુમલા પણ કર્યા જે નિષ્ફળ રહ્યા. સમગ્ર કાર્યવાહીમાં ત્રણ અફસર, એક જુનિયર અફસર અને ૩૨ સૈનિકો શહીદ થયા અને કુલ ૧૦૦ ઘાયલ થયા. કાર્યવાહી માટે એક મહાવીર ચક્ર, પાંચ વીર ચક્ર, ચાર સેના મેડલ એનાયત કરાયા.

આઈપીકેએફ અને શ્રીલંકા[ફેરફાર કરો]

૧૩મી શીખ લાઇને જાફના વિશ્વવિદ્યાલય ખાતે સ્થિત તમિળ ઉગ્રવાદીઓનું મુખ્યાલય કબ્જે કરવા આદેશ અપાયો. સાથે ૧૦મી પેરાશુટ રેજિમેન્ટ ની ડેલ્ટા કંપનીને પણ જોડવામાં આવી. હેલિકોપ્ટર વડે કાર્યવાહી સ્થળ પર સૌપ્રથમ પેરા કંપની પહોંચડવામાં આવી જેમને મશીનગન ફાયરનો સામનો કરવો પડ્યો. આ સમગ્ર કાર્યવાહી શરૂ થયા પહેલાં જ તમિળ ઉગ્રવાદીઓએ વાયરલેસ પર માહિતી જાણી લીધી હતી અને તે પ્રમાણે તૈયારી કરી હતી. પાંચ માંથી ત્રણ હેલિકોપ્ટર નુક્શાનગ્રસ્ત થવાથી વધુ હેલિકોપ્ટરના ઉડવા પર પ્રતિબંધ મૂકાયો. પલટણના બાકી રહેલા સૈનિકોને વાહનો દ્વારા વિશ્વવિદ્યાલય સુધી પહોંચવા આદેશ અપાયો જ્યાં હેલિકોપ્ટર દ્વારા ઉતારેલા સૈનિકો લડી રહ્યા હતા. તમામ સંદેશ વ્યવહાર કપાયા પહેલાં મેજર બિરેન્દ્ર સિંઘનો આખરી સંદેશ હતો કે "ચિંતા ન કરો, અમે અડગ રહીશું..." ૬ પેરાકમાન્ડો સહિત તમામ ૨૯ શીખ લાઇના સૈનિકો શહીદ થયા.

રેજિમેન્ટની પલટણો[ફેરફાર કરો]

૯મી શીખ લાઇના સૈનિકો, મલાબાર અભ્યાસ ૨૦૦૬ દરમિયાન યુએસએસ બોક્સર જહાજ પર. આ અભ્યાસ ભારત, અમેરિકા અને કેનેડાનો સંયુક્ત અભ્યાસ હતો
 • 1 લી બટાલિયન
 • 2 બટાલિયન
 • 3 જી બટાલિયન
 • 4 થી બટાલિયન
 • 5 બટાલિયન
 • 6 ઠ્ઠી બટાલિયન
 • 7 બટાલિયન
 • 8 બટાલિયન
 • 9 બટાલિયન (દરિયાઈ)
 • 10 બટાલિયન
 • 11 બટાલિયન[૧]
 • 12 બટાલિયન
 • 13 બટાલિયન
 • 14 બટાલિયન
 • 15મી બટાલિયન
 • 16 બટાલિયન
 • 17 બટાલિયન
 • 18 બટાલિયન
 • 103rd બટાલિયન (પ્રાદેશિક પાયદળ)
 • 158th બટાલિયન (પ્રાદેશિક પાયદળ)
 • 163rd બટાલિયન (પ્રાદેશિક પાયદળ)

રેજિમેન્ટની સંસ્કૃતિ અને પાકૃતિક લક્ષણ[ફેરફાર કરો]

અકાલીઓ. અકાલી નિહાંગ યોદ્ધાઓ માટે ચક્રમ અને કિરપાણ પારંપરિક હથિયાર છે.૧૮મી અને ૧૯મી સદીમાં મઝહબી શીખો તેમાં મોટાભાગે હતા.

સૈનિકોની સંસ્કૃતિના આધારે ભરતી કરવાને કારણે, રેજિમેન્ટ માત્ર શીખ સંસ્કૃતિ જ નહિ પરંતુ પંજાબી સંસ્કૃતિ પર પણ ભાર મૂકે છે. રેજિમેન્ટની કાર્યવાહીઓમાં અને દિનચર્યામાં શીખ ધર્મ ખૂબ મોટો ભાગ ભજવે છે. સૈનિકોને રોજ પૂજા કરવા માટે રેજિમેન્ટ પોતાની ગુરુદ્વારા ધરાવે છે. મઝહબી શીખો લાંબા સમયથી સૈનિક તરીકે રહ્યા છે જેની શરૂઆત દસમા શીખ ગુરુ ગોવિંદ સિંઘ અને મહારાજા રણજિત સિંઘની ખાલસા સેનાથી ગણી શકાય.

રંગરૂટ[ફેરફાર કરો]

રેજિમેન્ટમાં રંગરૂટ મઝહબી શીખ અથવા રામદાસીઆ શીખ હોવા જરૂરી છે.[૧૨] પસંદગી માટે મઝહબી શીખોએ પ્રમાણપત્ર આપવું જરૂરી છે.

અફસરની પસંદગીમાં ધર્મ કે પ્રજાતિનો કોઈ અવરોધ નથી. તે કોઈપણ પ્રદેશ કે પ્રજાતિમાંથી આવી શકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Anniversary Celebrations of Sikh LI
 2. Full text of "The Sikhs of the Punjab"
 3. https://web.archive.org/20090415043655/http://sikhli.info:80/index.php/history. મૂળ માંથી ૧૫ એપ્રિલ ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. Missing or empty |title= (મદદ)
 4. "Untitled Document". મૂળ માંથી 2010-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-02.
 5. Glossary of the tribes and castes of the Punjab and NWFP, H A Rose
 6. Glossary of the tribes and castes of the Punjab and NWFP, H A Rose
 7. Sikh Light Infantry
 8. History of the sikh pioneers - Lt-Gen Sir George Mac Munn
 9. [૧] Archived જૂન ૧૯, ૨૦૦૯ વૅબેક મશીન પર.
 10. [૨] સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન Archived માર્ચ ૧૦, ૨૦૦૯ વૅબેક મશીન પર.
 11. "BHARAT RAKSHAK MONITOR: Volume 4(3)". મૂળ માંથી 2013-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-02.
 12. India (૧૪ માર્ચ ૨૦૧૫). "Standing at Ease". The Indian Express. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]